આગળ શું વાંચશો?
- નવી દુનિયા માટે નવું વર્ક પ્લેટફોર્મ
- હવે અમેરિકામાં પણ ટિકટોક પર પ્રતિબંધની શક્યતા
- લિંક્ડઇન પણ વીડિયો પ્લેટફોર્મ બને તેવી શક્યતા
- વોટ્સએપમાં પાસકીનો લાભ
- ગૂગલ આવે છે વોલેટ ભારતમાં
કોરોના સમયથી ઝૂમ વીડિયો મીટિંગ એપ સૌથી વધુ પોપ્યુલર બની હતી. એ સમયે આપણે સૌએ વર્ક-ફ્રોમ-હોમ શરૂ કરતાં વીડિયો કોન્ફરન્સિંગ એપ્સનો જુવાળ શરૂ થયો. વીડિયો કોન્ફરન્સિંગ એ પહેલાં પણ થતું હતું પરંતુ તેની ખરી ઉપયોગિતા આપણને કોરોના સમયે સમજાઈ.

એ કારણે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એપલ જેવી કંપનીનાં વીડિયો મીટિંગ ટૂલ્સ પણ પોપ્યુલર થવા લાગ્યાં છે. એ બધા સામે ઝીંક ઝીલવા માટે ઝૂમમાં સતત નવાં નવાં ફીચર્સ ઉમેરાતાં રહ્યાં છે. નવા સમય મુજબ કંપનીએ વીડિયો મીટિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત ઘણાં ટૂલ્સ પણ ઉમેર્યાં છે. કંપનીનો પ્રયાસ એવો છે કે ઝૂમ એપ પર આપણે વીડિયો મીટિંગ ઉપરાંત બીજું ઘણું બધું કરી શકીએ. કંપની પોતાની એપને ડિજિટલ, ઓનલાઇન વર્કસ્પેસ બનાવવાની મથામણમાં છે.
તમે ઓફિસ ઉપયોગ માટે ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરતા હો તો જાણતા હશો કે તેમાં ઇમેઇલ, કેલેન્ડર, ડ્રાઇવ, નોટ્સ, ચેટિંગ, વીડિયો મીટિંગ વગેરે માટે વિવિધ સર્વિસ હોવા છતાં અને કંપની આ બધાને ઇન્ટિગ્રેટ કરવા માટે સતત પ્રયાસ કરતી હોવા છતાં બધું કામ એક સાથે, એક જગ્યાએથી સહેલાઈથી થઈ શકતું નથી.
ઝૂમ કંપની આ ખામી પૂરવા માગે છે. માર્ચ ૨૦૨૪ના અંતમાં કંપનીએ તેની એપને અલ્ટીમેટ પ્રોડક્ટિવિટી સુપર એપમાં ફેરવી નાખવા માટે ‘ઝૂમ વર્કપ્લેસ’ પ્લેટફોર્મની જાહેરાત કરી છે. કંપનીના કહેવા મુજબ આ એક ‘કોલાબરેટિવ પ્લેટફોર્મ’ રહેશે અને તેમાં એઆઇનો મોટા પાયે ઉપયોગ થશે. આ કારણે વિવિધ ટીમ્સ તેમનું સંબંધિત બધુ કામકાજ એક જ એપમાં, એક જ પ્લેટફોર્મ પર કરી શકશે અને તેમને એઆઇ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની પણ મદદ મળશે. અલબત્ત હાલમાં આ પ્લેટફોર્મ ફક્ત ઝૂમના પેઇડ સબસ્ક્રાઇબર્સના ઉપલબ્ધ થશે.
ભારતમાં લાંબા સમયથી ચાઇનીઝ ટિકટોક એપ પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે. એ પછી લાંબા સમયથી વિવિધ દેશો ભારતનું અનુસરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ મોટા ભાગના દેશો ટિકટોક પર મર્યાદિત અંકુશથી આગળ વધી શક્યા નથી.

હવે ગયા મહિને અમેરિકાની સેનેટે અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકતો ખરડો પસાર કર્યો અને તેના કલાકો પછી અમેરિકન પ્રેસિડેન્ટે તેના પર સહી કરીને તેને કાયદો બનાવી દીધો. અલબત્ત આ નિર્ણય માત્રથી અમેરિકામાં ટિકટોક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે નહીં. આ કાયદા અનુસાર ટિકટોકની માલિક ચાઇનીઝ કંપની બાયટેન્ડન્ટ્સ પાસે બે વિકલ્પ છે. એક, યુએસમાંની તેની તમામ કામગીરી ચાઇનીઝ ન હોય તેવા માલિકોને વેચી દેવી અથવા યુએસમાં સંપૂર્ણ પ્રતિબંધનો સામનો કરવો.
સમગ્ર વિશ્વમાં ટિકટોક એપ તેજ ગતિએ છવાઈ ગઈ છે. પરંતુ યૂઝર્સનો ડેટા એકઠો કરવા વિશે આ કંપની સતત વિવાદમાં રહી છે.
ખાસ પ્રોફેશનલ્સ માટેના સોશિયલ નેટવર્ક લિંક્ડઇનમાં વીડિયો શેર કરવાનું કામ સહેલું છે પરંતુ હવે માઇક્રોસોફ્ટની માલિકીની આ કંપની લિંક્ડઇનને યુટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ કે ટિકટોક જેવું વીડિયો પ્લેટફોર્મ બનાવવાની કોશિશ કરે તેવી સંભાવના છે.
હાલમાં કોઈ યૂઝર પોતાની લિંક્ડઇન પોસ્ટમાં વીડિયો શેર કરે તેને અન્ય યૂઝર્સ જોઈ શકે છે અને તેના પર પોતાની કમેન્ટ્સ પણ આપી શકે છે. આવા વીડિયો સુધી પહોંચવા માટે આપણે જે તે યૂઝરની પોસ્ટ સુધી પહોંચવું પડે. પરંતુ હવે વિવિધ યૂઝર્સ વધુ સહેલાઈથી, તેમને માટે વધુ રિલેવન્ટ હોય તેવા વીડિયો ટાઇમલી ડિસ્કવર કરી શકે તે માટે કંપની પ્રયાસો કરી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જેમ લિંક્ડઇન પર પણ આપણી હિસ્ટ્રી મુજબ અન્ય યૂઝર્સના વીડિયો તારવીને એક સાથે બતાવવામાં આવે એવી શક્યતા છે. યુટ્યૂબના શોર્ટ્સ કે ઇન્સ્ટાગ્રામના રિલ્સની જેમ લિંક્ડઇનમાં વીડિયોનું એક અલગ બટન ઉમેરાય તથા તેમાં વીડિયોની ફીડ જોઈ શકાય તેવી શક્યતા છે.

લિંક્ડઇન કંપની અન્ય સોશિયલ પ્લેટફોર્મ્સના પોપ્યુલર કન્ટેન્ટ ક્રિએટર્સને લિંક્ડઇન તરફ વાળવાની કોશિશ કરી રહી છે. અલબત્ત લિંક્ડઇનનું અલગ પ્રકારનું ફોક્સ જોતાં આ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ ક્રિએટર્સને યુટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ કે ટિકટોક જેવો બહોળો યૂઝરબેઝ મળવાની શક્યતા ઓછી છે. દરમિયાન સમાચાર છે કે એક્સ પ્લેટફોર્મ પણ હવે વીડિયો પ્લેટફોર્મ બનવાની મથામણમાં છે. લિંક્ડઇનની જેમ અહીં પણ અત્યારે યૂઝર્સ દ્વારા જે વીડિયો પોસ્ટ કરવામાં આવે એ બધા જે તે યૂઝરની ફીડમાં જોઈ શકાય છે. બધા યૂઝર્સના ફક્ત વીડિયો એક સાથે જોવાની સગવડ નથી.
હાલમાં ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ છે તેથી યુટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામને વીડિયો પ્લેટફોર્મ તરીકે મોકળું મેદાન મળ્યું છે.
‘સાયબરસફર’ના વાચક તરીકે હવે તમે પાસવર્ડલેસ લોગઇન માટેની નવી પદ્ધતિ ‘પાસકી’થી પરિચિત હશો જ. ગૂગલ એકાઉન્ટમાં હવે આપણે પાસકીની મદદથી લોગઇન થઈ શકીએ છીએ. આ કારણે જે તે એકાઉન્ટ માટે આપણે પાસવર્ડ યાદ રાખવો પડતો નથી. તેને બદલે જે તે ડિવાઇસમાં અથવા પાસવર્ડ મેનેજર સર્વિસમાં સ્ટોર થતી એક ખાસ પ્રકારની પાસકીની મદદથી લોગઇન થઈ શકાય છે.
હવે વોટ્સએપ એપમાં પણ પાસકી વ્યવસ્થા આવી ગઈ છે. તેની એન્ડ્રોઇડ એપમાં છએક મહિના પહેલાંથી પાસકીનો ઉપયોગ શરૂ થયો હતો (જુઓ સેટિંગ્સ, એકાઉન્ટ, પાસકીસ). હવે આ વ્યવસ્થાનો લાભ આઇફોન માટેના વોટ્સએપના યૂઝર્સને પણ મળવા લાગ્યો છે.
ગૂગલ, એપલ, સેમસંગ જેવી કંપની પોતપોતાની પેમેન્ટ એપમાં બેંક કાર્ડ કનેક્ટ કરીને તેની મદદથી પેમેન્ટ કરવાની સગવડ આપે છે. આ કારણે આપણે ખિસ્સામાં ફિઝિકલ કાર્ડ રાખવાની જરૂર રહેતી નથી. ભારતમાં યુપીઆઈ પેમેન્ટ માટે ગૂગલની જીપે એપ અત્યંત પોપ્યુલર છે તેમ વિદેશમાં બેંક કાર્ડ આધારિત ગૂગલ વોલેટ સર્વિસ પોપ્યુલર છે. એ એપ હવે ભારતમાં પણ તબક્કાવાર લોન્ચ થઈ રહી છે. અમેરિકા જેવા દેશોમાં ગૂગલ વોલેટનો સ્માર્ટફોન તથા સ્માર્ટવોચ બંનેમાં ઉપયોગ કરી શકાય છે.
મતલબ કે થોડા સમયમાં ભારતમાં સ્માર્ટફોન અને સ્માર્ટવોચ બંને માટે ગૂગલ વોલેટ ઓફિશિયલી લોન્ચ થઈ જાય તેવી પૂરી શક્યતા છે.
