આગળ શું વાંચશો?
- સેલ્ફીથી ઓનલાઇન પેમેન્ટ!
- નેટ ન્યુટ્રલિટીમાં પછી શું થયું?
- મુંબઈમાં સાયબર ક્રાઇમમાં ધરખમ વધારો
- ડિજિટાઈઝીંગ ઇન્ડિયા : દરેક મહિલાને મળશે ‘ઈન્ટરનેટ સાથી’
સેલ્ફીથી ઓનલાઇન પેમેન્ટ!
જો તમારી પાસે માસ્ટરકાર્ડ હોય તો નજીકના ભવિષ્યમાં, ઓનલાઇન પેમેન્ટની ખરાઈ માટે તમારે પાસવર્ડ ટાઇપ કરવાની જરૂર ન રહે એવું બની શકે છે. માસ્ટરકાર્ડ એક એવી સ્માર્ટફોનએપ વિક્સાવે છે, જેનાથી આપણે શોપિંગ કે બીજા કોઈ હેતુ માટે ઓનલાઇન પેમેન્ટ કરવાનું થાય ત્યારે ચેકઆઉટ દરમિયાન પાસવર્ડ આપવાને બદલે, ફક્ત આપણા ચહેરા સામે ફોન ધરવાનો થશે, આ એપ આપણો ચહેરો સ્કેન કરશે અને ખાતરી લેશે કે બીજી કોઈ વ્યક્તિ આપણા માસ્ટરકાર્ડની વિગતો ચોરીને પેમેન્ટ નથી કરતી!
નેટ ન્યુટ્રલિટીમાં પછી શું થયું?
ભારતમાં નેટ ન્યુટ્રલિટીનો મુદ્દો એકદમ ચર્ચાપદ બન્યા પછી, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ રચેલી એક પેનલે હમણાં પોતાનો અહેવાલ ટ્રાઇને સુપરત કર્યો અને ટ્રાઇએ તે જાહેર કર્યો. આ પેનલે સ્કાઇપ, વોટ્સએપ અને વાઇબર જેવી વેબસર્વિસની મદદથી થઈ શકતા મફત વોઇસકોલ પર નિયંત્રણ મૂકવાની અને તેમના માટે ટેલિકોમ ઓપરેટર દ્વારા અત્યારે લેવાતા કોલિંગ ચાર્જ જેટલો જ ચાર્જ લેવાની ભલામણ કરી છે.
આ રિપોર્ટના સંદર્ભે, ભારત સરકારના ટેલિકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં લેખિતમાં કહ્યું છે કે ‘સરકાર નેટ ન્યુટ્રલિટીના પાયાના સિદ્ધાંતોની તરફેણમાં છે અને દેશના લોકોને કોઈ ભેદભાવ વિના ઇન્ટરનેટનો લાભ મળે એવા પ્રયાસો કરે છે. આ નિવેદનની સાથોસાથ તેમણે કહ્યું છે કે ટ્રાઇની પેનલે આપેલો રિપોર્ટ સરકારનો રિપોર્ટ નથી અને સરકારે આ મુદ્દે હજી કોઈ નિર્ણય લીધો નથી! મતલબ કે ભારતમાં નેટન્યુટ્રલિટીનો મુદ્દો હજી પણ અધ્ધરતાલ જ છે.
મુંબઈમાં સાયબર ક્રાઇમમાં ધરખમ વધારો
એક અખબારી અહેવાલ પ્રમાણે ફક્ત મુંબઈ શહેરમાં, વર્ષ ૨૦૧૫ના પહેલા પાંચ મહિનામાં બેન્ક કાર્ડ સંબંધિત ફ્રોડમાં ગયા વર્ષ કરતાં અઢી ગણો વધારો થઈ ગયો છે. છેલ્લાં ૧૫ વર્ષમાં કાર્ડ સંબંધિત ફ્રોડમાં લગભગ કોઈ ગુનેગારને સજા થઈ નથી. કાર્ડના ફ્રોડ ઉપરાંત, અશ્ર્લીલ ઇમેઇલ, એસએમએસ અને એમએમએસ મોકલવાને લગતા કેસમાં પણ વધારો થયો છે.
વિશ્વની એક અગ્રણી પ્રોપર્ટી કન્સલ્ટન્સી કંપનીએ કરેલા સર્વેક્ષણમાં વિશ્વના ટોપ ૨૦ ટેકનોલોજી સમૃદ્ધ શહેરોમાં બેંગાલૂરુને ૧૨મો ક્રમ મળ્યો છે. આ યાદીમાં લંડન, સેન જોઝ અને બીજિંગ ટોચનાં ત્રણ શહેર છે.
ડિજિટાઈઝીંગ ઇન્ડિયા : દરેક મહિલાને મળશે ‘ઈન્ટરનેટ સાથી’
એ તરફ દેશમાં શહેરની મહિલાઓ ઇન્ટરનેટને અપનાવવામાં ઝડપથી વિકાસ સાધી રહી છે ત્યારે બીજી તરફ હકીકત એ છે કે ગ્રામીણ મહિલાઓ આ મામલે ઘણી પાછળ છે. એક અહેવાલ અનુસાર ગ્રામીણ ભારતમાં માત્ર ૧૨ ટકા ગ્રામીણ મહિલાઓ જ ઇન્ટરનેટનો વપરાશ કરે છે.
ગ્રામ્ય ભારતમાં મહિલાઓને સશક્ત કરવા માટે આ પડકારનો સામનો દ્રઢતાથી કરવાની આવશ્યક્તા છે. જેથી તેમના જીવનધોરણમાં સુધારો આવી શકશે. આ માટે જરૂર છે યોગ્ય તાલીમ અને કાર્યક્રમોની.
આ દિશામાં, ટાટા ટ્રસ્ટ અને ઈન્ટેલ કંપનીએ સાથે મળીને કેટલાક પ્રયાસ શરૂ કર્યા છે અને ખાસ ગ્રામીણ ભારતમાં મહિલાઓ માટે ઇન્ટરનેટ સાક્ષરતા અંગેનું અભિયાન શરૂ કરવાનું આયોજન હાથ ધર્યું છે. આ અભિયાનમાં ગૂગલનો પણ સાથ મળી રહ્યો છે.
આ અભિયાન અંતર્ગત મહિલાઓને ઇન્ટરનેટ અંગે તાલીમ આપવા માટે એક ખાસ ઇન્ટરનેટ સાઇકલ કાર્ટ તૈયાર કરવામાં આવી છે. જે ગામે ગામ ફરશે અને મહિલાઓને ઇન્ટરનેટની સુવિધા આપશે! જેમ જૂના સમયમાં ખેપિયો-ટપાલી સાઇકલ પર ગામેગામ ફરતો, તેમ હવે ઇન્ટરનેટ સાથી ગામે ગામ જશે અને મહિલાઓને ઇન્ટરનેટનો કેમ લાભ લેવો તેની તાલીમ આપશે.
શરૂઆતમાં ૧૦૦૦ જેટલી આવી કાર્ટ, ગુજરાત, રાજસ્થાન અને ઝારખંડમાં ફરશે અને પછી દેશભરમાં ફરશે. જેમાં ૪૫૦૦થી વધુ ગામોની પાંચ લાખ જેટલી ગ્રામીણ મહિલાઓને આવરી લેવામાં આવશે.
અગાઉ જ્યારે ઇન્ટરનેટનો લાભ લેવા માટે ફક્ત પર્સનલ કમ્પ્યુટરનો આધાર હતો એ દિવસો હવે રહ્યા નથી, હવે ભારતમાં પણ લોકો પીસી કરતાં મોબાઇલ પર વધુ પ્રમાણમાં ઇન્ટરનેટ એક્સેસ કરી રહ્યા છે, એ જોતાં આ અભિયાનથી ઇન્ટરનેટ સંબંધી વધુ જાગૃતિ આવી શકશે એવી શક્યતા નકારી શકાય નહીં. અલબત્ત, એ માટે ગ્રામીણ ભારતની મહિલાઓ સમજી શકે એવું, એમની ભાષાનું અને એમને રસ પડે તેવું કન્ટેન્ટ પણ ઇન્ટરનેટ પર વિપુલ પ્રમાણમાં હોવું જરૂરી છે.

