આપણા સૌ પર વોટ્સએપમાં જાતભાતના મેસેજ અને વીડિયો કોલ્સ આવતા હોય છે, જેમાં ઘણી વાર આપણો ઠગ લોકો સાથે પણ ભેટો થઈ જતો હોય છે. હમણાં બેંગલુરુની એક વ્યક્તિને પણ તેમના વોટ્સએપમાં આવા કોઈ ઠગ તરફથી એક ફાઇલ ડાઉનલોડ કરવા માટે મોકલવામાં આવી.
આ ફાઇલ, ફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ કરવા માટેની ‘એપીકે’ પ્રકારની ફાઇલ હતી. ફાઇલના નામમાં ‘સીએસસી ગવર્નમેન્ટ ગ્રૂપ’ જેવું કંઈક લખવામાં આવ્યું હતું.
હવે બન્યું એવું કે પેલા ઠગે જેને ઠગવા માટે આ ફાઇલ મોકલી એ વ્યક્તિ ભારતની જાણીતી પેમેન્ટ કંપની ‘રેઝરપે’ના એક અધિકારી હતા. એમનું નામ અરુણ. એમનો ફોન આઇફોન હતો. ઢગે મોકલેલી એપીકે ફાઇલ એન્ડ્રોઇડમાં ચાલે, આઇફોનમાં નહીં.

એવું પણ બન્યું હતું કે અરુણને એ એક જ દિવસમાં ચાર-પાંચ લોકોએ કોઈ ને કોઈ એપીકે ફાઇલ મોકલી હતી. અરુણ તરત સમજી ગયા કે કોઈ તેમની સાથે ચાલાકી કરવાની કોશિશ કરી રહ્યું છે. શરૂઆતમાં તો એ અકળાયા ને એ બધા નંબર બ્લોક કર્યા. એ પછી, વધુ એક વાર વોટ્સેપમાં એપીકે ફાઇલ આવી એટલે અરુણને મસ્તી સૂઝી. એમણે પેલા ઠગને વળતો મેસેજ મોકલ્યો કે ‘યે ક્યા હૈ ભાઈ?’ પછી બંને વોટ્સએપ પર વાતોએ વળગ્યા!
અરુણે પેલા ઠગ સાથેની બધી વાતચીતના સ્ક્રીનશોટ્સ લીધા અને પછી એ બધા, પોતાની કમેન્ટ્સ સાથે, એક્સ (અગાઉ ટ્વીટર) પ્લેટફોર્મ પર શેર કર્યા. એમની એ થ્રેડ પેટીએમના સ્થાપકની નજરે આવી એટલે તેમણે તેને આગળ શેર કરી. જોતજોતામાં આ વાતચીત વાઇરલ બની ગઈ.
તમને એ આખી થ્રેડ વાંચવામાં રસ હોય તો એક્સ પર Chetty Arun સર્ચ કરી જુઓ. બંનેએ ખાસ્સી હળવાશથી વાત કરી અને પેલા ઠગે એવું પણ કહ્યું કે પેલી એપીકે ફાઇલ કોઈ ડાઉનલોડ કરે તો એ વ્યક્તિ પર આવતા મેસેજ ઠગને મળવા લાગે. વાતચીતનો સાર એ જ હતો કે ઠગ લોકો કઈ રીતે ઓટીપીના મેસેજ મેળવી લે છે. અરુણે ઠગને કહ્યું કે તેમને આ રીતે વારંવાર એપીકે ફાઇલ્સ મેસેજમાં આવતી હોય છે, બચવા માટે શું કરવું? ઠગે કહ્યું કે ‘ઇન્સ્ટોલ કરશો નહીં અને જો કરી લો તો તેનાથી બચવા માટે ફોન ફેક્ટરી રીસેટ કરવો પડશે!’
અરુણને ઠગ સાથેની વાતચીત પરથી એટલું સ્પષ્ટ થયું કે આ રીતે કોઈના મેસેજ મળવા લાગે તો તરત ઠગ લોકો જુદી જુદી શોપિંગ સાઇટ્સ પર ખરીદી કરે છે અને બેન્કની એપ્સ ઇન્સ્ટોલ કરીને રકમ સેરવવાનો કે વોટ્સએપ એકાઉન્ટ પર કબજો મેળવવાનો પ્રયાસ કરે છે. ઠગે અરુણને બધી ટ્રિક્સ નહીં જ કહી હોય, આટલી વાત પણ ચેતવા જેવી ચોક્કસ છે!

