
બીમા સુગમ! ‘બીમા સરલ’, ‘બીમા આનંદ’ જેવી એલઆઇસીની કોઈ વીમા પોલિસી જેવું આ નામ લાગે છે ને? હકીકતમાં ‘બીમા સુગમ’ એ કોઈ એક પોલિસી નહીં પરંતુ ભારતના આખેઆખા ઇન્સ્યોરન્સ સેકટરમાં ખાસ્સું મોટું પરિવર્તન લાવે એવી વાત છે.
ભારતમાં પાછલાં કેટલાંક વર્ષોથી વિવિધ સેક્ટરમાં ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ તેજ ગતિએ વધી રહ્યો છે. તેનું સૌથી મોટું ઉદાહરણ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) છે. સરકારે રૂપિયાની સહેલી, ઓનલાઇન લેવડદેવડ માટે એક પ્લેટફોર્મ તો વિક્સાવ્યું જ, સાથોસાથ, તેમાં બેન્ક ઉપરાંત, લોકોમાં પહેલેથી લોકપ્રિય એપ્સને પણ સાંકળી લીધી. પરિણામે આખા પ્લેટફોર્મ પરનું ભારણ ઘટ્યું અને યુપીઆઇ વ્યવસ્થા વધુ ઝડપથી લોકપ્રિય બની. ભારતમાં તેનો ઉપયોગ તેજ ગતિએ વધી રહ્યો છે અને હવે વિદેશોમાં પણ તેનો ઉપયોગ વિસ્તરી રહ્યો છે.
ભારતમાં હજી પણ બહુ મોટા પ્રમાણમાં લોકોને વિવિધ પ્રકારના વીમા સુરક્ષા કવચનો પૂરતો લાભ મળતો નથી. બીજી તરફ જુદી જુદી વીમા કંપની એટલા બધા પ્રકારની વીમા પોલિસી ઓફર કરે છે કે તેમાંથી પસંદગી મુશ્કેલ બને છે. હવે સરકાર પોતે શોપિંગ સાઇટ જેવું પ્લેટફોર્મ વિક્સાવે છે, જ્યાં વિવિધ પ્લાનની સરખામણી, ખરીદી ને બીજું ઘણું થશે.
એ જ રીતે ઓનલાઇન શોપિંગના ક્ષેત્રે ‘ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી)ની રચનાને કારણે ઇ-કોમર્સનું સમગ્ર સેક્ટર ધરમૂળથી બદલાઈ રહ્યું છે, અત્યારે આપણને તેની અસર વર્તાતી નથી, પણ યુપીઆઇમાં શરૂઆત વખતે આવી જ સ્થિતિ હતી!
કંઈક એવું જ હવે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં થઈ રહ્યું છે.

ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ્સની જેમ અત્યારે પ્રાઇવેટ કંપનીઓ ઓનલાઇન પ્લેટફોર્મ બનાવીને તેના પર વિવિધ કંપનીની પોલિસી વેચી રહી છે, હવે ટૂંક સમયમાં સરકાર પોતે આવું એક વિશાળ પ્લેટફોર્મ લોન્ચ કરવાની તૈયારીમાં છે. એ પ્લેટફોર્મ માત્ર વીમાની ખરીદી માટે નહીં હોય, વીમા પોલિસીનું મેનેજમેન્ટ પણ તેના પર થશે – શેરબજારના ડીમેટ એકાઉન્ટની જેમ!
વીમો આપણને સૌને સ્પર્શતી બાબત હોવાથી આ ‘બીમા સુગમ’ પ્લેટફોર્મના વિવિધ પાસાં સમજી લઇએ.
ભારતમાં અત્યારે લાઇફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સ એમ મુખ્ય ત્રણ પ્રકારના વીમા ખરીદી શકાય છે. આ બંનેના પાછા બીજા અનેક પેટા પ્રકાર. એટલું ઓછું હોય તેમ આ બધા પ્રકારના વીમા ઓફર કરતી કંપનીઓ પણ અનેક. તમે પોતાને માટે કોઈ પણ પ્રકારનો વીમો ખરીદવાનું વિચારો તો કેટલીય ગૂંચવણનો સામનો કરવાનો થાય.
આના ઉપાય તરીકે વર્ષોથી વીમા કંપનીઓ પોતાના એજન્ટની મદદ લેતી આવી છે. એજન્ટ વીમો લેવા ઇચ્છતી વ્યક્તિ અને વીમા કંપની વચ્ચે કડીનું કામ કરે.

મોટા ભાગના એજન્ટ જુદી જુદી ઘણી કંપનીનું કામ કરતા હોય, આથી તે લોકોની જરૂરિયાત સમજીને તેમને (અથવા પોતાને!) સૌથી વધુ ફાયદાકારક થાય તેવી પોલિસી પસંદ કરવામાં મદદ કરી શકે.
આ પદ્ધતિ વર્ષોથી ચાલતી રહી છે. એ પછી પાછલાં થોડાં વર્ષોથી ઇન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યા પછી જુદી જુદી વીમા કંપનીઓએ પોતાની પોલિસી ઓનલાઇન વેચવાની શરૂઆત કરી અને તેમાં એજન્ટ્સને આપવા પડતા કમિશન તથા ખર્ચમાં જે ઘટાડો થયો તેનો ઘણો ખરો લાભ વીમા ગ્રાહકોને આપવાનું શરૂ કર્યું.
ઓનલાઇન વીમો ખરીદી શકતી વ્યક્તિ ભણેલી ગણેલી હોય, સ્માર્ટ હોય અને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખી શકે તેવી હોય એવી ગણતરી પણ મૂકવામાં આવી અને આ બધાને કારણે, ઓનલાઇન વીમો ખરીદવામાં આવે તો તેનું પ્રીમિયમ ઓછું ચૂકવવું પડે.
ભારતમાં અત્યારે સંખ્યાબંધ કંપની, અનેક પ્રકારની વીમા પ્રોડક્ટ્સ ઓફર કરે છે. તેની સરખામણી અને ખરીદી સહેલી બનાવે તેવાં ઓનલાઇન પ્લેટફોર્મ વધી રહ્યાં છે. હવે ભારત સરકાર પોતે આવા સૌથી વિશાળ પ્લેટફોર્મ સાથે તેમાં ઝંપલાવી રહી છે.
જુદી જુદી વીમા કંપનીઓએ પોતેપોતાની પોલિસીઓ ઓનલાઇન વેચવાની શરૂ કરી એ જ રીતે ઇન્સ્યોરન્સ માટેનાં ઓનલાઇન પ્રાઇવેટ પ્લેટફોર્મ્સ પણ વિકસ્યાં.
આવાં પ્લેટફોર્મને રોજબરોજની ચીજવસ્તુઓની ખરીદી માટેની ઓનલાઇન શોપિંગ સાઇટ્સ સાથે સરખાવી શકાય. આ બધાં પ્લેટફોર્મ પર આપણે એજન્ટની મદદ વિના જુદી જુદી કંપનીની જુદા જુદા ઘણા પ્રકારની વીમા પ્રોડક્ટ્સનાં ફીચર સરખાવી શકીએ, તેના પ્રીમિયમની ગણતરી કરી શકીએ અને પછી તેના આધારે કોઈ ચોક્કસ વીમો ખરીદવા તરફ આગળ વધી શકીએ. એ પછીનું આપણું બધું કામકાજ જે કંપનીનો વીમો ખરીદ્યો હોય તેની સાથે કરવાનું થાય.
‘બીમા સુગમ’થી અત્યાર સુધીની આ ઘરેડમાં મોટા ફેરફાર આવી રહ્યા છે.
ભારતમાં ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ) એ ‘બીમા સુગમ’ નામે સરકારનું પોતાનું ઇન્સ્યોરન્સ પ્લેટફોર્મ લોન્ચ કરવાની તૈયારી કરી છે. આ પ્લેટફોર્મ આમ તો ગયા વર્ષે લોન્ચ થઈ જવાનું હતું. પછી તેની ડેડલાઇન વારંવાર ઠેલાતી ગઈ. હવે તે જૂન ૨૦૨૪ સુધીમાં લોન્ચ થાય તેવી શક્યતા છે.
એ ખાસ નોંધવા જેવું છે કે ભારતમાં જ્યારે પણ બીમા સુગમ પોર્ટલ આકાર લેશે ત્યારે તે સમગ્ર વિશ્વનું આ પ્રકારનું સૌથી વિશાળ પ્લેટફોર્મ બનશે.

આગળ વાત કરી તેમ બીમા સુગમ એ સરકારનું પોતાનું ઇન્સ્યોરન્સ સેકટર માટેનું પ્લેટફોર્મ બનશે. ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ)ને કારણે જુદી જુદી સંખ્યાબંધ બેન્ક એક પ્લેટફોર્મ પર એકમેક સાથે કનેક્ટ થઈ અને આપણે માટે ઓનલાઇન લેવડદેવડ સહેલી બની. એવું જ કંઈક ઓનલાઇન શોપિંગ સાઇટ્સના ફીલ્ડમાં પણ થઈ રહ્યું છે. ભારતમાં અત્યારે આ ક્ષેત્રે ફક્ત બે કંપનીની ડ્યુઓપોલી જેવી સ્થિતિ સર્જાઈ છે ને બંને કંપનીની માલિકી વિદેશી છે. આથી આ ફીલ્ડમાં લોકશાહી સર્જવા માટે સરકારે ‘ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ’ નામે એક નવું પ્લેટફોર્મ ઊભું કર્યું છે. આ પ્લેટફોર્મ ધીમી પણ મક્કમ ગતિએ વિસ્તરી રહ્યું છે. બરાબર એ જ રીતે હવે ઇન્સ્યોરન્સ સેકટરમાં એક કોમન પ્લેટફોર્મ ઊભું કરવાની કવાયત ચાલી રહી છે.
આ પ્લેટફોર્મ ઇન્સ્યોરન્સ સેકટર માટે ગેમ ચેન્જર કે ‘યુપીઆઈ મોમેન્ટ’ સાબિત થઈ શકે છે. બીમા સુગમ પ્લેટફોર્મ પર વિવિધ કંપનીઓની વીમા પ્રોડક્ટ એક સાથે એક સ્થળે જોઈ તપાસી શકાશે. અહીં લાઇફ, હેલ્થ અને જનરલ ઇન્સ્યોરન્સ (મોટર અને ટ્રાવેલ સહિત) સંબંધિત વીમા ખરીદી શકાશે. જુદી જુદી વીમા કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સની વિગતો આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરશે.
ભારતમાં બીમા સુગમ પ્લેટફોર્મ વિના પણ ઓનલાઇન વીમો ખરીદવાનું પ્રમાણ વધી રહ્યું છે. આથી વીમા એજન્ટોએ નવી હરીફાઈનો સામનો કરવાનો થશે.

એક અંદાજ અનુસાર ૨૦૨૪ના અંત સુધીમાં નોન-લાઇફ અને લાઇફ એમ બંને પ્રકારના ઇન્સ્યોરન્સની અડધો અડધ ખરીદી ઓનલાઇન થઈ જાય તેવી શક્યતા છે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટેકનિક પોતાનો ભાગ ભજવશે એ પણ ખરું (અત્યારે જ ટીવી અને ઇન્ટરનેટ પર ઇન્સ્યોરન્સ વેચતા પ્લેટફોર્મની જાહેરાતો કેટલી વધી ગઈ છે એ વિચારો).
જોકે આ રીતે સ્પર્ધા વધે તો પણ વીમા એજન્ટોએ તરત ચિંતામાં ગરકાવ થવા જેવું નથી.
બીમા સુગમ પ્લેટફોર્મ લોન્ચ થયા પછી આપણી બધી વીમા પોલિસી તેના એક એકાઉન્ટમાં જમા થશે. આ પ્લેટફોર્મ શેર માટેના ડીમેટ એકાઉન્ટ કે ડિજિલોકર જેવું કામ આપશે. વીમા સંબંધિત બધી કંપનીની બધી પ્રક્રિયા આ એક પ્લેટફોર્મ પર થશે.
ઘણા એજન્ટનો અનુભવ છે કે હજી પણ બહુ મોટા પ્રમાણમાં લોકો પોતાનાં પ્રીમિયમ ઓનલાઈન ભરી શકતા નથી. એ લોકો એજન્ટ રૂબરૂ આવીને પ્રીમિયમનો ચેક લઇ જઇને કંપનીમાં જમા કરાવે એવો આગ્રહ રાખતા હોય છે.
એ જોતાં ભારતમાં બહુ ઝડપથી લોકો વીમાની ઓનલાઇન ખરીદી તરફ વળે તેવી શક્યતા ઓછી છે. હાલ પૂરતું આવા લોકોને વીમા એજન્ટના વ્યક્તિગત માર્ગદર્શનની જરૂર પડશે.
જે લોકોને ઇન્ટરનેટના ઉપયોગમાં ફાવટ છે એ લોકો માટે બીમા સુગમ પ્લેટફોર્મ વરદાનરૂપ સાબિત થશે. આ પ્લેટફોર્મ પર વીમા પ્રોડક્ટ્સની સરખામણી અને ખરીદી બંને સહેલી બનશે. અહીં પેપરવર્ક પણ ઘટવાની પૂરેપૂરી સંભાવના છે. એ જ રીતે વીમાનું પ્રીમિયમ પણ ડાઉન જવાની શક્યતા છે.

આપણે આ પ્લેટફોર્મ પર પોતાનું એક ઇન્સ્યોરન્સ એકાઉન્ટ ખોલી શકીશું અને આપણી બધા જ પ્રકારની ઇન્સ્યોરન્સ પોલિસી આ એકાઉન્ટમાં જમા થશે.
કંઈક અંશે આ શેરબજાર માટેના ડીમેટ એકાઉન્ટ કે ડિજિલોકર જેવી વ્યવસ્થા છે. આપણે ઇન્સ્યોરન્સના ડોક્યુમેન્ટ્સ ફિઝિકલ સ્વરૂપે સાચવવાની ઝંઝટ રહેશે નહીં.
આ જ પ્લેટફોર્મ પરથી આપણે ઓનલાઇન પ્રીમિયમ ભરી શકીશું તેમ જ ક્લેઇમ કરવાની સ્થિતિ ઊભી થાય તો તેની વિધિ પણ આ એક પ્લેટફોર્મ પરથી કરી શકાશે – પછી વીમો ભલે ગમે તે કંપનીનો હોય.
જેમ ભારતમાં હજી હમણાં સુધી અડધોઅડધ વસતી બેન્કમાં એક ખાતું પણ ધરાવતી નહોતી, તેમ હજી પણ બહુ મોટા પ્રમાણમાં લોકો પૂરતું વીમા રક્ષણ ધરાવતા નથી.
ભારતમાં વધુ ને વધુ લોકોને વીમા કવચ હેઠળ આવરી લેવા માટે સરકારે ત્રિપાંખિયો વ્યૂહ અપનાવ્યો છે. એનો પહેલો હિસ્સો ‘બીમા સુગમ’ છે. એ એક એવું પ્લેટફોર્મ બનશે જે કોઈ વ્યક્તિગત મદદ વિના પણ વીમો ખરીદવાનું સરળ બનાવે.

બીજો હિસ્સો છે ‘બીમા વિસ્તાર’. જેમાં વિવિધ પ્રકારના વીમાનાં બંડલ બનાવીને તેમનું વેચાણ વધારવાની કોશિશ કરવામાં આવશે. આ પ્રકારના વીમામાં સર્વેયર દ્વારા ઓડિટ વિના પણ દાવાની ઝડપી પતાવટ પર ફોકસ કરવામાં આવશે.
ત્રીજો મુદ્દો ‘બીમા વાહક’નો છે. વીમા કંપનીઓના એજન્ટની જેમ સરકાર પોતે દેશની લગભગ દરેક ગ્રામ પંચાયતના સ્તર સુધી વીમા વાહકની નિમણૂક કરવા માગે છે, જેઓ લોકોને બીમા સુગમ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં શીખવશે.
