(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુટ્યૂબમાં ઉમેરાયાં છે સંખ્યાબંધ નવાં ફીચર્સ

યુટ્યૂબમાં વીડિયો તો તમે રોજ જોતા હશો, પાછલા થોડા સમયથી તેમાં કંઈક ફેરફાર ધ્યાનમાં આવ્યા?

તમારા સ્માર્ટફોનમાં તમારો સૌથી વધુ સમય કઈ બાબત પાછળ ખર્ચાય છે? જવાબ હશે વીડિયો. વીડિયો પાછા કેટલીય એપમાં જોઈ શકાય છે, પણ એમાં મોખરે છે યુટ્યૂબ. આમ છતાં, એવી પૂરેપૂરી શક્યતા છે કે તમે યુટ્યૂબનાં કેટલાંય મજાનાં પાસાં, ઉપયોગી સગવડોથી અજાણ હશો. 

આવી અજાણી બાબતોમાં હજી વધારો થઈ રહ્યો છે.

વીડિયો એપ્સની બાબતે ઓલરેડી યુટ્યૂબ વર્ષોથી ટોપ પર છે – તેણે યૂઝર્સ અને વીડિયો ક્રિએટર્સનું સરસ બેલેન્સ જાળવ્યું છે. યુટ્યૂબમાં પહેલેથી પાર વગરની અવનવી સગવડો હતી જ, હવે તેમાં એક સાથે સંખ્યાબંધ ફીચર્સનો ઉમેરો થયો છે. તમે મોજ માટે વીડિયો જોતા હો કે વિવિધ ટોપિક્સ સારી રીતે સમજવા માટે – આ ફીચર્સ તમને ઉપયોગી થશે.

યુટ્યૂબમાં પાછલા થોડા સમયમાં એક સાથે ઢગલાબંધ, ત્રણેક ડઝન જેટલાં નાનાં-મોટાં ફીચર્સ ઉમેરાયાં છે. બધાં આપણે કામનાં નથી, અમુક માત્ર યુટ્યૂબ ક્રિએટર્સ કે યુટ્યૂબ પર પ્રમોશન કરતી કંપનીઓ માટે છે, પણ આપણે એટલે કે સરેરાશ યૂઝર્સ માટે પણ ઘણી નવી સગવડો ઉમેરાઈ છે.

આમાંની ઘણી સગવડો યુટ્યૂબનો ‘ટીચર’ તરીકે ઉપયોગ કરતા સ્ટુડન્ટ્સને ખાસ કામ લાગે તેવી છે.

યુટ્યૂબ પર જુદા જુદા અનેક વિષયોના લાંબા લાંબા ટ્યુટોરિયલ વીડિયોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ રીતે, સ્માર્ટબોર્ડની મદદથી ઓનલાઇન ભણાવનારા ટીચર્સ વધુ ને વધુ પોપ્યુલર પણ થઈ રહ્યા છે.

ખાસ કરીને બારમા ધોરણ પછી જેઇઇ, નીટ કે નાટા વગેરે કોમ્પિટિટીવ એક્ઝામ્સની તૈયારીમાં, વિદ્યાર્થીઓને યુટ્યૂબ બહુ સારી મદદ કરી શકે છે. અહીં દરેક વિષય અને દરેક કન્સેપ્ટ સમજાવવતા સરસ વીડિયો મળી શકે છે. પરિણામે, સ્કૂલ અને મોંઘા કોચિંગ ક્લાસમાં એડમિશન લીધા પછી પણ જે બાબતો ન સમજાય એ બાબતો માટે વિદ્યાર્થી યુટ્યૂબની મદદ લઈ શકે છે (આવી બાબતોમાં પેરેન્ટ્સ બિચારાં કોઈ રીતે મદદરૂપ થઈ શકતાં નથી).

તકલીફ માત્ર એ વાતની હોય છે વિદ્યાર્થીએ સમજવાની જેવી ઘણી બાબતો હોય છે અને એ દરેકના વીડિયો મોટા ભાગે લાંબા હોય છે! વિદ્યાર્થીનું ભણવા માટેનું ટાઇમ-ટેબલ આમ પણ એકદમ ટાઇટ હોય, તેમાં એ એક-એક કન્સેપ્ટ સમજાવતા વીડિયો માટે દોઢ-બે કલાક ફાળવી શકે નહીં. આવી સ્થિતિમાં, યુટ્યૂબમાં ઉમેરાયેલાં નવાં ફીચર્સ તેને બહુ ઉપયોગી થાય તેમ છે.

આ ફીચર્સ સમજવાં સહેલાં છે અને આપણો વીડિયો એક્સ્પિરીયન્સ એકદમ બદલી શકે તેવાં છે!

 

યુટ્યૂબ પર વીડિયો જોતી વખતે તમે ઘણી વાર અનુભવ કર્યો હશે કે એક વીડિયો પૂરો થયા પછી આપણે બીજા વીડિયોમાં પહોંચીએ ત્યારે તેમાં ઓડિયો વોલ્યૂમમાં ખાસ્સો એવો વધારો કે ઘટાડો જોવા મળે અને આપણે જાતે વોલ્યૂમને એડજસ્ટ કરવું પડે.

ખાસ કરીને માત્ર ઓડિયો પર ફોક્સ ધરાવતી ઘણી બધી પોપ્યુલર એપ્સ ‘ઓડિયો નોર્મલાઇઝર’ તરીકે ઓળખાતા એક ફીચરથી આ તકલીફનો ઉપાય આપતી હોય છે. જેમ કે સ્પોટીફાય કે એપલ મ્યૂઝિકમાં આપણે ક્યારેય સોંગ બદલાતાં વોલ્યૂમમાં અચાનક વધારો કે ઘટાડો થવાનો અનુભવ કરીએ નહીં. યુટ્યૂબ પર કરોડો કન્ટેન્ટ ક્રિએટર અલગ અલગ ઓડિયો વોલ્યૂમ સાથે વીડિયો અપલોડ કરતા હોય છે. આવા અબજો વીડિયોમાં ઓડિયોનું એક સરખું લેવલ મેઇન્ટેઇન કરવું પડકારભર્યું છે. પરંતુ હવે યુટ્યૂબમાં ‘સ્ટેબલ વોલ્યૂમ’ નામે તેનો ઉપાય આવી ગયો છે.

યુટ્યૂબમાં કોઈ વીડિયો જોતી વખતે ગિયર આઇકન પર ક્લિક કરતાં, વીડિયો ક્વોલિટી અને તેના કેપ્શન્સ વગેરેના કંટ્રોલ જોવા મળે છે. હવે તેમાં ‘એડિશનલ સેટિંગ્સ’માં ‘સ્ટેબલ વોલ્યૂમ’નો ઓપ્શન પણ ઉમેરાઈ ગયો છે. તેને ઓન કરતાં, આ ફીચરથી આખરે યુટ્યૂબમાં પણ જુદા જુદા વીડિયોમાં એકસરખા ઓડિયો વોલ્યૂમની સગવડ મળી છે.

આપણે યુટ્યૂબમાં વીડિયો જોઈ રહ્યા હોઇએ ત્યારે ભૂલથી સ્ક્રીન પર ક્યાંક ટેપ થઈ જાય તો વીડિયોના પ્લેબેકમાં ગરબડ ઊભી થઈ શકે છે અને આપણે વીડિયો પ્લેબેકમાં કોઈ અલગ તબક્કે પહોંચી જઇએ તેવું બને છે. આવું ભૂલથી થતું ટેપિંગ ટાળવા માટે મોબાઇલ અને ટેબલેટમાં ‘લોક સ્ક્રીન’નું ફીચર ઉમેરાઈ છે.

વીડિયો પ્લે થતો હોય ત્યારે આપણે તેના સેટિંગ્સમાં જઇને લોક સ્ક્રીન મોડ ઇનેબલ કે ડિસેબલ કરી શકીશું.

યુટ્યૂબ પર આપણે કોઈ પણ યુટ્યૂબરનો વીડિયો જોતા હોઇએ ત્યારે યુટ્યૂબર પોતાની વીડિયોની શરૂઆતમાં, વચ્ચે કે અંતમાં આપણને તેમની ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે સૂચન કરતા હોય છે. અત્યાર સુધી આ માટે વીડિયોના સ્ક્રીન પર જ, વીડિયોના એક ભાગ સ્વરૂપે કોઈ ખૂણામાં સબસ્ક્રાઇબનું બટન બતાવીને તેના પર ક્લિક કરવાનું એનિમેશન બતાવવામાં આવતું હતું. આવી રીતે સબસ્ક્રાઇબ કરવાનું સૂચન બતાવવાનું કામ યુટ્યૂબર પોતે પોતાના વીડિયો એડિટિંગ વખતે કરતા હોય છે.

હવે યુટ્યૂબે એમનું કામ સહેલું બનાવ્યું છે.

આપણે કોઈ યુટ્યૂબરનો વીડિયો જોતા હોઇએ અને તે વાતવાતમાં ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું સૂચન કરે ત્યારે વીડિયો સ્ક્રીન ઉપરાંતના ભાગમાં, ચેનલના નામ સાથે જોવા મળતું સબસ્ક્રાઇબનું બટન એનિમેશન સાથે હાઇલાઇટ થાય છે અને જો આપણે તેને ક્લિક કરીએ તો તેના પર સ્પાર્કલ્સનું એનિમેશન પણ જોવા મળે છે!

‘સાયબરસફર’માં અગાઉ આપણે ‘શઝામ’ નામની એક મજાની એપ વિશે વાત કરી છે. આ એપ ઓપન કર્યા પછી તેને કોઈ પણ મ્યુઝિક ટ્યૂન સંભળાવીએ એ સાથે તે પોતાના ડેટાબેઝમાંથી એ ટ્યૂન સંબંધિત ઘણી બધી બાબતો શોધીને આપણને બતાવે છે.

આ જ પ્રકારનું ફીચર સ્માર્ટફોનમાં ગૂગલ આસિસ્ટન્ટ એપમાં પણ ઉમેરાઈ ગયું છે અને હવે તે યુટ્યૂબમાં પણ ઉમેરાઈ રહ્યું છે.

એન્ડ્રોઇડમાં યુટ્યૂબ એપ ઓપન કર્યા પછી આપણે કોઈ પણ ગીતની ટ્યૂન માત્ર ગણગણીએ તો પણ યુટ્યૂબ એપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સિસ્ટમ્સ પોતાના ડેટાબેઝમાંથી તેનું ઓરિજિનલ રેકોર્ડિંગ શોધી લાવે છે!

આ ફીચર પણ મોટા ભાગના એન્ડ્રોઇડ યૂઝર્સને ઉપલબ્ધ થઈ ગયું છે.

વીડિયોના પ્લેબેક સંબધિત એક બીજું ફીચર પણ યુટ્યૂબમાં ઉમેરાયું છે. યુ્ટ્યૂબમાં પ્રમાણમાં લાંબા વીડિયો જોતી વખતે ઘણી વાર એવું બને કે આપણે તેમાં કોઈ ચોક્કસ ભાગ શોધવા ઇચ્છીએ કે ફરી જોવા માગીએ. આવું કરવા માટે અત્યાર સુધી આપણે વીડિયો પ્લેબેકનો પ્રોગ્રેસ બતાવતા બાર પરના રેડ ડોટને આગળ કે પાછળ લઈ જતા હતા. એવું કરીએ ત્યારે એક નાની વિન્ડોમાં રેડ ડોટ જ્યાં પહોંચ્યો હોય ત્યાંના વીડિયોની પ્રીવ્યૂ થમ્બનેઇલ જોવા મળે. આ કામ હવે વધુ સહેલું બન્યું છે.

નવા ફેરફારમાં પ્રીવ્યૂ થમ્બનેઇલની વિન્ડો મોટી કરી દેવામાં આવી છે. આથી પ્રોગ્રેસ બારમાંના રેડ ડોટને આંગળી કે માઉસથી આગળ પાછળ લઇ જઇએ ત્યારે જે તે ક્ષણની વીડિયો ફ્રેમ મોટી વિન્ડોમાં જોવા મળશે.

આમાં પણ એક નાની કરામત છે. માની લો કે આપણે વીડિયોમાં અઢી મિનિટે પહોંચ્યા પછી તેનો અન્ય કોઈ ભાગ જોવા માટે રેડ ડોટને બેક લઇ જવાનું શરૂ કર્યું.

પછી આપણું મન બદલાયું અને આપણે ફરી અઢી મિનિટે પહોંચી જવું છે, તો આપણે રેડ ડોટને ફોરવર્ડ એટલે કે આગળની તરફ લઈ જવાનો રહેશે. બરાબર અઢી મિનિટે ડોટ પહોંચશે ત્યારે એક હળવા વાઇબ્રેશનનો અનુભવ થશે. ત્યારે આંગળી રેડ ડોટ પરથી હટાવી લેતાં આપણે જ્યાં હતા ત્યાંથી જ, બરાબર અઢી મિનિટથી વીડિયો પ્લે થવાનું શરૂ થશે!

યુટ્યૂબમાંના ફેરફાર સ્માર્ટ ટીવી સુધી પણ પહોંચી રહ્યા છે. આપણે પોતાના સ્માર્ટ ટીવી પર યુટ્યૂબ પર કોઈ વીડિયો જોઇ રહ્યા હોઇએ ત્યારે તેને સંબંધિત વધુ વિગતો હવે એક નવી વર્ટિકલ પેનલમાં જોઈ શકાય છે.

વીડિયો પ્લે થતો હોય ત્યારે તેના ટાઇટલ પર ક્લિક કરતાં આ પેનલ ઓપન થાય છે અને તેમાં વીડિયોનું ડીસ્ક્રિપ્શન, કમેન્ટ્સ, સબસ્ક્રાઇબ બટન કે વીડિયોમાં જુદાં જુદાં ચેપ્ટર્સ હોય તો તેની માહિતી જોવા મળે છે.

કંઈક આવો જ ફેરફાર વેબ અને મોબાઇલમાં પણ આવી રહ્યો છે.

યુટ્યૂબ પર તમે વિવિધ વીડિયોને તેની સ્પીડ વધારીને ક્યારેય જોયા છે? કોઈ ટોપિકના બહુ લાંબા ટ્યુટોરિયલ વીડિયો આપણે જોઈ રહ્યા હોઇએ ત્યારે આ ફીચર આપણને ખાસ કામ લાગે.

કોઈ પણ વીડિયોની સ્પીડ સવા ગણીથી લઇને બમણી પણ કરી શકાતી હોય છે. અત્યાર સુધી વીડિયોની પ્લેબેક સ્પીડ વધારવા માટે આપણે વીડિયો પ્લે થતો હોય ત્યારે તેના સેટિંગ્સમાં જઇને પ્લેબેક સ્પીડ શોધીને ત્યાંથી જોઇતી સ્પીડ પસંદ કરવી પડતી હતી. તકલીફ એ હતી કે સ્પીડ વધાર્યા પછી તેને ફરી નોર્મલ કરવી હોય કે સ્પીડમાં વધઘટ કરવી હોય તો આપણે ફરી આ જ કસરત કરવી પડે.

યુટ્યૂબમાં ઉમેરાયેલા એક નવા ફીચરથી આ વાત ઘણી સહેલી બની છે. હવે આપણે કોઈ વીડિયો પ્લે થતો હોય ત્યારે પ્લેયર પર ગમે ત્યાં આંગળી કે માઉસ મૂકીને પ્રેસ કરી રાખીએ એટલે પ્લેબેકની સ્પીડ સીધી બમણી થઈ જાય છે! આંગળી કે માઉસ હટાવી લેતાં સ્પીડ ફરી નોર્મલ થઈ જાય છે. મતલબ કે કોઈ વીડિયો જોતી વખતે તેમાંનો માત્ર કોઈ ભાગ આપણે ઝડપથી આગળ વધારવો હોય ત્યારે આ ફીચર ટેરવાંવગું રહે છે! આ ફીચરનો વેબ, ટેબલેટ અને મોબાઇલ ડિવાઇસમાં લાભ લઈ શકાય છે.

તમે રોજબરોજના ન્યૂઝ ગૂગલની ન્યૂઝ એપમાં વાંચતા હો તો તમે જાણતા હશો કે તેમાં ‘યુ’ નામનું એક ટેબ હોય છે. ન્યૂઝ એપની અન્ય ટેબ્સમાં સૌને એકસરખા ન્યૂઝ જોવા મળે પરંતુ ‘યુ’ સેક્શનમાં આપણી રીડિંગ હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારના ન્યૂઝ બતાવવામાં આવે. યુટ્યૂબમાં પણ આવું જ ‘યુ’ સેક્શન ઉમેરાઈ ગયું છે.

યુટ્યૂબમાં થઈ રહેલા આ ફેરફાર મુજબ યુટ્યૂબમાંની આપણી વિગતો શોધવાનું હવે સહેલું બની રહ્યું છે. એ માટે અગાઉના લાઇબ્રેરી ટેબ અને એકાઉન્ટ પેજને એકમેકમાં ભેળવી દેવામાં આવ્યા છે.  આ નવા સેકશનને ‘યુ’ નામ આપવામાં આવ્યું છે.

આ સેકશનમાં આપણે અગાઉ જોયેલા વીડિયો, ડાઉનલોડ તથા યુટ્યૂબમાંથી ખરીદેલી બાબતો જોઈ શકીએ. એ સાથે આપણા એકાઉન્ટ સંબંધિત સેટિંગ્સ તથા ચેનલની ઇન્ફર્મેશન પણ અહીં જોવા મળે છે. વેબ, મોબાઇલ અને ટેબલેટમાં લાઇબ્રેરીને સ્થાને હવે યુ ટેબ જોવા મળે છે.

યુટ્યૂબ પર આપણા ફેવરિટ યુટ્યૂબર અને આપણી વચ્ચે આડખીલી બને છે એડ્સ. યુટ્યૂબનો ફ્રીમાં ઉપયોગ કરવો હોય તો એડ જોયા વિના ચાલે નહીં – એના કેટલાક રસ્તા છે, પણ હવે એ મુશ્કેલ બની રહ્યા છે.

એડ-બ્લોકર્સ સામે લાલ આંખ

આપણે પોતાના સ્માર્ટફોનમાં યુટ્યૂબ એપમાં વીડિયો જોઇ રહ્યા હોઇએ ત્યારે તેની સાથેની જાહેરાતો જોયા વિના છૂટકો હોતો નથી (જોકે નિશ્ચિત સેકન્ડ પછી તેને સ્કિપ કરી શકાય ખરી). પરંતુ લેપટોપ કે ડેસ્કટોપના બ્રાઉઝરમાં આપણે ‘એડ બ્લોકર’ એક્સટેન્શન કે એડ-ઓનનો ઉપયોગ કરીએ તો આવી જાહેરાતોથી પીછો છોડાવી શકાતો હતો. આ લાભ હવે બંધ થાય તેવી શક્યતા છે.

પાછલા થોડા સમયથી યુટ્યૂબમાં જો એડ બ્લોકર એક્સટેન્શનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તો આપણને એક સૂચના મળવા લાગી છે કે ‘એડ બ્લોકર યુટ્યૂબની પોલિસી વિરુદ્ધ છે અને તમે તેને ડિસેબલ કરી દો.’ જાહેરાતો ન જોવી હોય તો આપણને યુટ્યૂબ પ્રીમિયમ ટ્રાય કરવાનું સૂચન કરવામાં આવે છે.

અત્યારે તો આપણે આવી નોટિસના ખૂણા પરની કેન્સલની નિશાની ક્લિક કરીને એ નોટિસ અવગણીને વીડિયો જોવા માટે આગળ વધી શકીએ છીએ. એવો લ્હાવો લાંબો ચાલશે નહીં. આગળ જતાં આ બાબતે કંપની કડક વલણ અપનાવે તેવી શક્યતા છે. આપણે એડબ્લોકર ડિસેબલ કરવાની નોટિસ વારંવાર અવગણીએ તો એ પછી કંપની વીડિયો પ્લે કરવાનું જ બંધ કરી દે તેવું સંભવ છે!

યુટ્યૂબરને ફાયદાકારક નવાં ફીચર

યુટ્યૂબમાં આપણે વીડિયો જોઇ રહ્યા હોઇએ ત્યારે શરૂઆતમાં કે વચ્ચે ધરાર જાહેરાતોનો સામનો કરવો પડે છે. યુ્ટ્યૂબ વીડિયોમાં હવે જરા જુદી રીતે પણ જાહેરાતો ઉમેરશે.

એ મુજબ જ્યારે કોઈ યુટ્યૂબર પોતાનો કોઈ વીડિયો બનાવી રહ્યા હોય ત્યારે તેમાં કોઈ ચોક્કસ પ્રોડક્ટની વાત આવતી હોય ત્યારે તેનો ટાઇમ સ્ટેમ્પ તે ઉમેરી શકશે.

એનો યુટ્યૂબરને શો ફાયદો થશે? ફાયદો એ કે આપણે વીડિયો જોતા હોઇએ અને તેમાં તે પ્રોડક્ટની વાત આવે ત્યારે બરાબર એ જ ક્ષણે તેને ખરીદવા માટેનું શોપિંગ બટન પણ જોવા મળશે! દેખીતું છે કે વીડિયો ક્રિએટર અને તેમના વીડિયોમાં પોતાની પ્રોડક્ટની એડ આપીને વીડિયોને સ્પોન્સર કરી રહેલી કંપની બંને આ ફીચરથી રાજી થશે.

એ સાથે વીડિયો ક્રિએટર પોતાની વીડિયો લાયબ્રેરીમાં એક સાથે ઘણી બધી એફિલિએટ પ્રોડક્ટને ટેગ કરી શકશે.

એ કારણે વીડિયો જૂના હોય પરંતુ તેમને સારો ટ્રાફિક મળી રહ્યો હોય તો યુટ્યૂબર તેમાંથી પણ કમાણી કરી શકશે. ઉપરાંત યુટ્યૂબરને તેમની કઈ એફિલિયેટ પ્રોડક્ટમાંથી સૌથી વધુ કમાણી થઈ રહી છે એ બતાવતું એનાલિટિક્સ પણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!