સામાન્ય સંજોગોમાં સ્માર્ટફોનમાં બધી જ એપનાં નોટિફિકેશન્સ બંધ રાખવાં સારાં. કેમ કે આમ પણ સ્માર્ટફોન આપણો મહત્ત્વનો સમય ચોરી લેતા હોય છે અને જ્યારે આપણે સ્માર્ટફોન બાજુએ મૂકીને કોઈ એકદમ જરૂરી કામ પર ફોકસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોઇએ ત્યારે ફોનના સ્ક્રીન પર ટપકી પડતાં નોટિફિકેશનથી આપણું થોડું ઘણું ફોકસ પણ ખોરવાઈ જતું હોય છે.

પરંતુ ક્યારેક નોટિફિકેશન પર તરત ધ્યાન આપવું જરૂરી પણ હોય. જેમ કે આપણે કોઈ હોસ્પિટલ કે મૂવી થિયેટરમાં કે મીટિંગમાં વ્યસ્ત હોઇએ ત્યારે ફોનને સાયલન્ટ મોડ પર રાખ્યો હોય, પરંતુ એ સમયે કોઈ મહત્ત્વનું નોટિફિકેશન મિસ ન કરી દઇએ એ જોવું પણ જરૂરી હોય.
એવે સમયે તમે ફોનમાં બધી એપનાં નોટિફિકેશન ડિસેબલ્ડ રાખ્યાં હોય તો પણ માત્ર મેઇલ કે મેસેજિંગ એપના નોટિફિકેશન ઓન રાખી શકો. એ સાથે ફોન સાયલન્ટ મોડ પર હોય તો પણ નોટિફિકેશન તરફ આપણું ધ્યાન જાય એ માટે તેમાં ‘એલઇડી ફ્લેશ નોટિફિકેશન’ ઇનેબલ્ડ રાખી શકો છો.

આઇફોનમાં એ માટે સહેલી સગવડ છે. એનો લાભ લેવા સેટિંગ્સમાં જાઓ, તેમાં જનરલ અને તેમાં એક્સેસિબિલિટી સેકશનમાં જાઓ. અહીં ‘એલઇડી ફ્લેશ ફોર એલર્ટ્સ’ ઓન કરી દો.
એન્ડ્રોઇડમાં મૂળ ઓપરેટિંગ સિસ્ટમમાં આવી સુવિધા સામેલ નથી, પરંતુ સેમસંગ અને અન્ય કેટલીક ફોન કંપની તેના ફોનમાં આવી સગવડ આપે છે. તમે સેટિંગ્સમાં એક્સેસિલિબિટીમાં ‘ફ્લેશ નોટિફિકેશન’ શોધી શકો છો. તમારા ફોનમાં આ સગવડ છે કે નહીં તે તપાસવા માટે સેટિંગ્સમાં ‘ફ્લેશ નોટિફિકેશન’ સર્ચ કરશો તો પણ કામ થઈ જશે.
તેને ઓન કર્યા પછી, તમે નક્કી કરેલી એપમાં કોઈ નોટિફિકેશન આવશે તો ફોનની કેમેરા ફ્લેશ ઝબકશે અથવા સ્ક્રીનનો કલર બદલાશે – અન્ય કોઈને ડિસ્ટર્બ કર્યા વિના, તમે તમારા માટે મહત્ત્વની વાત જાણી શકશો!

