(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એજ્યુકેશન લોન ઇઝી બનાવતું પોર્ટલ

ઉચ્ચ અભ્યાસ માટે લોન મેળવવાની તપાસમાં હો, તો તમારું કામ હવે સહેલું બની શકે છે.

ભારતમાં જુદી જુદી બાબતો માટે આઇટી પ્લેટફોર્મ ડેવલપ કરવાનું પ્રમાણ નોંધપાત્ર ગતિએ વિસ્તરી રહ્યું છે. હાયર એજ્યુકેશન માટે હવે આપણે અલગ અલગ બેન્કની સાઇટ પર કે રૂબરૂ ધક્કા ખાવાની લગભગ જરૂર રહી નથી. એક જ પોર્ટલ પર આપણે જુદી જુદી બેન્કની સંખ્યાબંધ લોન ઓફર સરખાવીને ઓનલાઇન એપ્લાય કરી શકીએ છીએ.

દર વર્ષની જેમ, ફરી ધોરણ ૧૨નાં પરિણામો આવી ગયા પછી વિવિધ કોર્સ અને કોલેજો માટેની એડમિશન પ્રક્રિયા ફરી શરૂ થશે.વિદ્યાર્થીઓ અને માબાપ સારા કોર્સ અને સારી કોલેજમાં એડમિશન મેળવવાની મથામણમાં પડશે કેમ કે આખું વર્ષ એ માટે જ તો મહેનત કરી હોય છે. પરંતુ એ સાથે ઘણાં માબાપ માટે ચિંતાનો એક નવો દોર પણ શરૂ થઈ જતો હોય છે – કોલેજોની તોતિંગ ફી ભરવાની ચિંતા!

આપણા દેશમાં મોંઘવારી સતત વધતી જાય છે અને તેની સાથોસાથ ઉચ્ચ શિક્ષણનો ખર્ચ પણ સતત વધતો જાય છે. આ સ્થિતિમાં આવક-જાવકના છેડા કેવી રીતે જોડવા તેની દરેક મધ્યમવર્ગના પરિવારને ચિંતા રહે છે. બહાર જમવાના કે મૂવી જોવા જવાના ખર્ચમાં કાપ મૂકી શકાય, પરંતુ શિક્ષણખર્ચમાં કેમ કાપ મૂકવો?

સરકારી કોલેજમાં એડમિશન ન મળે અને સારી પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું પડે કે આઇઆઇટી કે એઇમ્સ જેવી સંસ્થાઓમાં એડમિશન મળ્યું હોય તો આ બધાનો ખર્ચ બહુ આકરો પડે તેવો હોય છે.

ઘણી વાર એવું પણ બને કે આપણે પહેલી ટર્મની ફી ભરી દીધી હોય અને પછી આગલી ફીસની ચિંતા હોય. અથવા તમારા સંતાનને વિદેશમાં અભ્યાસ માટે મોકલવા માટે એજ્યુકેશન લોનની તપાસમાં હો…  આ બધા સંજોગમાં આપણું કામ હવે થોડું સહેલું બની રહ્યું છે.

વિદ્યાલક્ષ્મી પોર્ટલ એક ઉપયોગી પહેલ છે, પરંતુ વિવિધ બેન્ક્સ પોતાની રીતે પેપરવર્ક તો કરાવે જ છે – એ સ્થિતિ બદલાશે એવી આશા રાખીએ.

ભારતમાં જુદી જુદી બાબતોમાં બની રહ્યું છે તેમ, એજ્યુકેશન લોન મેળવવાની પ્રક્રિયા પણ હવે ડિજિટલ બની છે. હવે આપણે પોતાની રીતે જુદી જુદી બેન્કની જાતે કે ઓનલાઈન મુલાકાત લઈને તેમની લોન સ્કીમ્સ વિશે માહિતી મેળવવા ફાંફાં મારવાની જરૂર નથી.

હવે આખી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન, એક જગ્યાએથી થઈ શકે છે – અલબત્ત, મોટા ભાગની બેન્કમાં પેપરવર્ક હજી પણ છે, પણ સ્થિતિ સુધરવાની આશા ચોક્કસ જાગી છે !

સરકારના આ નવા પોર્ટલ વિશે જાણતાં પહેલાં ભૂતકાળમાં જઇએ.

વર્ષ ૨૦૧૫-૧૬ના બજેટ પ્રવચન દરમિયાન એ સમયના કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે ભારતની વસતીના ૫૪ ટકા લોકોની ઉંમર ૨૫ વર્ષથી ઓછી છે. મતલબ કે ભારત વિશ્વના સૌથી યુવાન દેશોમાંનો એક છે. આટલા મોટા પ્રમાણમાં યુવાનોને સારું ઉચ્ચ શિક્ષણ સુલભ કરાવી શકાય તો જ તેઓ વિકાસમાં યોગદાન આપી શકે.

નાણાપ્રધાેન એ સમયે કહ્યું હતું કે દેશના કુલ વર્ક ફોર્સમાંથી ૮ ટકાથી પણ ઓછા લોકોને આજના સમયમાં ઉપયોગી સ્કિલ્સની ફોર્મલ ટ્રેનિંગ મળે છે.

ઉચ્ચ શિક્ષણનો ખર્ચ પરિવારો માટે થોડો સહ્ય બનાવી શકાય તો વધુ ને વધુ યુવાનોને સારું શિક્ષણ મળી શકે – આ હેતુથી એ સમયે નાણાપ્રધાને ઉચ્ચ શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓને આર્થિક મદદ માટે પૂરેપૂરી રીતે આઇટી આધારિત વ્યવસ્થા ઊભી કરવાનું સૂચન કર્યું.

એ સૂચને આજે ‘વિદ્યા લક્ષ્મી પોર્ટલ’ (https://www.vidyalakshmi.co.in/) તરીકે આકાર લઈ લીધો છે. વિવિધ સરકારી વિભાગોના માર્ગદર્શનથી આ પોર્ટલ તૈયાર થયું છે. હાલમાં તેમાં એજ્યુકેશન લોન આપતી ૪૪ બેન્ક જોડાઈ ગઈ છે. જો તમારા સંતાનને સારી કોલેજમાં એડમિશન મળવાની આશા હોય, પણ ફીની ચિંતા હોય તો આ પોર્ટલની મદદથી તમે વિવિધ બેન્કમાંથી એજ્યુકેશન લોન મેળવવાનો પ્રયાસ શરૂ કરી શકો છો.

આ પોર્ટલ પર સરળ સ્ટેપમાં એજ્યુકેશન લોન મેળવી શકાય છેઃ

  • પોર્ટલ પર જઇને વિદ્યાર્થીની વિગતો આપીને તેના નામે એક એકાઉન્ટ ખોલાવવું.
  • પોર્ટલ પર વિદ્યાર્થીની વિવિધ વિગતો અને દસ્તાવેજો અપલોડ કરીને એક કોમન એપ્લિકેશન ફોર્મ ભરવું.
  • વિવિધ બેન્ક તરફથી મળી શકતી લોનની વિગતો આ જ પોર્ટલ પર સરખાવવી અને તેમાંથી પસંદગીની બેન્કમાં પોર્ટલ દ્વારા લોન એપ્લિકેશન કરવી.

એ પછી આપણી લોન એપ્લિકેશનનું સ્ટેટસ અહીં જ તપાસી શકાય.

પોર્ટલ પર વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કર્યા પછી, એક કોમન એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહે છે. એ પછી ૩ બેન્કમાં લોન માટે ઓનલાઇન પ્રોસેસ શરૂ કરી શકાય છે.

આ પોર્ટલ પર વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કર્યા પછી હાલમાં ૪૪ બેન્કના ૧૩૮ એજ્યુકેશન લોન પ્રોગ્રામને એકબીજા સાથે સરખાવી શકાય છે. આ પોર્ટલ પર એક કોમન એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી પસંદગીની કુલ ૩ બેન્કમાં લોન માટે અરજી કરી શકાય છે. આ ત્રણેય બેન્ક વિદ્યા લક્ષ્મી પોર્ટલ પરથી વિદ્યાર્થીની લાયકાત સંબંધિત વિવિધ માહિતી મેળવી શકે છે. આપણે અલગ અલગ બેન્કનો સંપર્ક કરવાની જરૂર નથી.

આપણે જે બેન્કમાં એપ્લાય કર્યું હોય તે લોનની પ્રોસેસનું સ્ટેટસ પોર્ટલ પર અપડેટ કરે છે. વિદ્યાર્થી પોર્ટલ પર લોગઇન થઈને પોતાની અરજીનું સ્ટેટસ તપાસી શકે છે.

વિદ્યા લક્ષ્મી પોર્ટલ દ્વારા એજ્યુકેશન લોનની પ્રોસેસ સંપૂર્ણપણે ઓનલાઇન રહે છે. આપણે વિવિધ બેન્કનો ઓનલાઇન સંપર્ક કરીને લોન સંબંધિત પ્રક્રિયા માટે જરૂરી પગલાં લઈ શકીએ છીએ (જોકે બેન્ક તમને હજી પણ વિવિધ કાગળિયાં માટે ધક્કા ખવડાવી શકે છે).

આ પોર્ટલ પરથી લોન માટે એપ્લાય કર્યા પછી નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર એપ્લાય કરીને સરકાર તરફથી મળતી વિવિધ સ્કોલરશિપ મેળવવાની તક પણ રહે છે.

દેખીતું છે કે વિદ્યા લક્ષ્મી પોર્ટલ પર ઉપલબ્ધ સર્વિસ વિવિધ બેન્કની અલગ અલગ પ્રકારની શરતોને આધિન છે તેમ જ તેના ફાયદા પણ જે તે લોન સ્કીમ મુજબ છે. પોર્ટલનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે જુદી જુદી બેન્કના ધક્કા ખાવા પડતા નથી, યોજનાઓની સરખામણી અને અરજી એક જ જગ્યાએથી થઈ શકે છે.

તમે કોઈ બેન્કમાં એજ્યુકેશન લોન માટે સીધો સંપર્ક કરો તો પણ બેન્કના અધિકારીઓ વિદ્યા લક્ષ્મી પોર્ટલ દ્વારા એપ્લાઈ કરવાનું સૂચવી શકે છે. અલબત્ત એ પછી બેન્કમાં પણ લગભગ બધું પેપરવર્ક કરવું પડે છે – જે આ પોર્ટલના મૂળ હેતુને જ મારી નાખે છે.

એજ્યુકેશન લોનનું સારું પાસું એ છે કે વિદ્યાર્થીને નામે લોન મળ્યા પછી અભ્યાસનાં વર્ષ તથા એ પછીના એક વર્ષ સુધી લોનની પુનઃ ચૂકવણી થતી નથી.  વિદ્યાર્થીને સારા કોર્સ અને સારી કોલેજમાં એડમિશન મળ્યું હોય તો આ મુદ્દત પૂરી થયા સુધીમાં તેને સારી નોકરી મળી જવાની પૂરી શક્યતા છે. આથી તે પોતાની આવકમાંથી લોન ભરપાઈ કરવાનું શરૂ કરી શકે છે.

આ દરમિયાન જો માતાપિતા થોડી જોગવાઈ કરી શકે તો તે લોનની રકમનું વ્યાજ લોન શરૂ થાય એ જ વર્ષથી ભરવાનું શરૂ કરી શકે છે. આથી વિદ્યાર્થીના માથે વ્યાજનો મોટો બોજો ન આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!