અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આખી દુનિયાને ધ્રૂજાવી રહી છે, પણ એક સમય એવો પણ હતો જ્યારે એઆઇ આવી રહી હોવાના ફક્ત પડઘમ વાગી રહ્યા હતા અને એટલા માત્રથી ટેકદુનિયાના દિગ્ગજો ધ્રૂજી ગયા હતા. મજા એ હતી કે અત્યારે જે બે કંપની – માઇક્રોસોફ્ટ અને ગૂગલ – વચ્ચે એઆઇ યુદ્ધ ફાટી નીકળ્યું છે, એ બંને કંપનીના મહારથીઓ એકબીજાથી ફફડી ગયા હતા!

માઇક્રોસોફ્ટના ચીફ ટેક્નોલોજી ઓફિસર (સીટીઓ) કેવિન સ્કોટ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇએ) સીઇઓ સત્ય નડેલા અને કો-ફાઉન્ડર બિલ ગેટ્સ વચ્ચે થયેલી ઇમેઇલ્સની આપલેમાં આ બધી વાતો બહાર આવી છે.
આપણે જાણીએ છીએ કે વર્ષ ૨૦૨૨ના અંત ભાગમાં ઓપનએઆઇ નામની, એ સમયે ખાસ જાણીતી નહીં એવી કંપનીએ તેનો ચેટબોટ, ચેટજીપીટી નામે પબ્લિક રિવ્યૂ માટે લોન્ચ કર્યો. એ સાથે આખી દુનિયામાં ભૂકંપ આવ્યો. જોકે ટેકનોલોજીની દુનિયામાં એ પહેલાં જ આંચકા વર્તાવા લાગ્યા હતા.
જૂન ૨૦૧૯માં, માઇક્રોસોફ્ટના સીટીઓ કેવિને ‘થોટ્સ ઓન ઓપનએઆઇ’ ટાઇટલ સાથે કંપનીના સીઇઓને એક ઇન્ટર્નલ ઇમેલ મોકલ્યો. તેમણે લખ્યું હતું કે ‘‘મશીન લર્નિંગના સ્કેલની વાત કરીએ તો આપણે હરીફ (ગૂગલ) કરતાં અનેક વર્ષ પાછળ છીએ!’’ તેમણે લખ્યું કે ગૂગલે ડેવલપ કરેલા લેંગ્લેજ મોડેલની કોપી કરવામાં જ માઇક્રોસોફ્ટના એન્જિનીયર્સને છ મહિના લાગી ગયા હતા..
શરૂઆતમાં કેવિન સ્કોટને ગૂગલ કે ઓપનએઆઇના એઆઇના પ્રયાસોમાં ખાસ દમ લાગ્યો નહોતો. વર્ષ ૨૦૧૬માં ગૂગલની ડીપમાઇન્ડ ટીમે ચેસ કરતાંય જટિલ એવી ‘ગો’ નામની ચાઇનીઝ ગેમના ચેમ્પિયનને હરાવી દેતો પ્રોગ્રામ તૈયાર કર્યો (જુઓ ‘સાયબરસફર’નો એપ્રિલ ૨૦૧૬ અંક) ત્યારે તેમને લાગ્યું હતું કે ગૂગલ પબ્લિસિટી સ્ટંટ કરે છે. પરંતુ ગૂગલ કંપન એઆઇના પાયા જેવી નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ટેક્નોલોજીમાં પણ ઝડપથી આગળ વધવા લાગી એટલે કેવિન સ્કોટ ‘વેરી વેરી વરીડ (અત્યંત ચિંતાજનક)’ સ્થિતિમાં આવી ગયા.
એમણે સત્ય નડેલાને આ વાત કહેતો ઇમેઇલ મોકલ્યો. સત્ય નડેલાએ એ ઇમેઇલ કંપનીના ચીફ ફાઇનાન્સ ઓફિસરને ફોરવર્ડ કર્યો અને કહ્યું કે ‘આટલા માટે જ હું કહું છું કે આપણે આ કરવું જોઈએ.’
છેવટે વાત કંપનીના સહ-સ્થાપક બિલ ગેટ્સ સુધી પહોંચી. એ દરમિયાન બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટના રોજિંદા કામોથી દૂર રહેવા લાગ્યા હતા, પણ નસીબજોગે એ ઓપનએઆઇ કંપનીના સંપર્કમાં હતા. પરિણામ એ આવ્યું કે ગૂગલ એઆઇનો સામનો કરવા માટે નવેસરથી ટેક્નોલોજી ડેવલપ કરવાને બદલે, માઇક્રોસોફ્ટે ઓપનએઆઇમાં જબરું રોકાણ કર્યું.
એ પછી ઓપનએઆઇ કંપની પોતાનો ચેટબોટ લોન્ચ કર્યો. એ સાથે, ગૂગલને લાગ્યું કે તેનો અબજો ડોલરનો સર્ચ એન્જિન બિઝનેસ સાવ ભાંગીતૂટી જશે, હવે ફફડવાનો વારો ગૂગલનો હતો! ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ, ગૂગલના કામકાજમાં માથું ન મારતા સ્થાપકોની મદદ લીધી. બંધબારણે કેટલીય બેઠકો યોજાઈ. છેવટે ગૂગલે સર્ચમાં એઆઇ ઉમેરી અને જેમિની એઆઇ લોન્ચ કરી.
જોકે હવે સ્થિતિ એ છે કે એઆઇ વોરમાં ઓપનએઆઇ અને માઇક્રોસોફ્ટનો હાથ ઉપર છે!

