
આ મહિને, કમ સે કમ ઉત્તરાયણ સુધી આપણી નજર આકાશમાં જ રહેવાની છે ત્યારે – જસ્ટ ફોર એ ચેન્જ – થોડી વાર માટે મહાસાગરોના તળિયા તરફ જઈએ! આપણા સવારમાં ઉઠતાંવેંત વોટ્સએપ પર ફેમિલી ગ્રૂપમાં ગુડ મોર્નિંગની કોઈ ઇમેજ મૂકીએ અને એના જવાબમાં, અમેરિકામાં રહેતા કોઈ સ્વજન વળતો કોઈ મેસેજ મોકલે ત્યારે આપણા મનમાં એ વિચાર ઝબકતો નથી કે આ આપલે માટે ડેટાએ વારાફરતી બે વાર, ખરેખર સાત સમંદર પારની હડિયાપટ્ટી ખેડી લીધી છે – ગણતરીની સેકંડમાં!
ઇન્ટરનેટ માટે ‘ક્લાઉડ’ શબ્દ વપરાય છે, પણ ડેટા પોતે મોટા ભાગે વાદળાંના બીજા છેડે, મહાસાગરોના તળિયે રહેલા કેબલ્સમાં હેરફેર કરે છે. આજના સમયમાં, વિવિધ દેશોની જીવાદોરી સમાન આવા કેબલ્સ અવારનવાર જુદાં જુદાં કારણોસર કપાય પણ છે. બેવર્ષ પહેલાં એવું જ બન્યું હતું, એ બેકગ્રાઉન્ડ સાથે, થોડું નવું જાણીએ.
બે વર્ષ પહેલાં…
બે વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તરફ આવેલા ટોંગા નામના એક ટાપુ પર અણધારી આફત આવી પડી. જાન્યુઆરી ૧૫, ૨૦૨૨ના દિવસે ટોંગાની રાજધાનીથી લગભગ ૬૫ કિલોમીટર દૂર દરિયામાં જ્વાળામુખી ફાટ્યો. આ દુર્ઘટના સાગરના પેટાળમાં બની, પણ ટાપુ સુધી ત્સુનામી જેવી અસર પહોંચી.
સદભાગ્યે, ખાસ નુકસાન ન થયું, પણ બન્યું એવું કે ટોંગા સુધી ઇન્ટરનેટ ડેટા લાવતો અન્ડરસી કેબલ રફેદફે થઈ ગયો! ટોંગા ટાપુ તેનાથી ૮૨૭ કિલોમીટર દૂર આવેલા ફિજી સાથે વર્ષ ૨૦૧૩માં ‘ઇન્ટરનેશનલ ટોંગા કેબલ’થી કનેક્ટ થયો હતો. તે કેબલને અને ટોંગાના જુદા જુદા ટાપુઓ વચ્ચેની કનેક્ટિવિટી માટેના ડોમેસ્કિટક કેબલને પણ ભારે નુક્સાન પહોંચ્યું.
દરિયાના તળિયે કેબલ્સનું જાળું
આખી દુનિયાના મહાસાગરોના તળિયે ૫૫૦ જેટલા એક્ટિવ કેબલ પથરાયેલા છે, જેનાથી વિવિધ દેશો ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ રહે છે, આ સંખ્યા સતત બદલાતી રહે છે.
આવા કેબલની જાડાઈ બગીચાના હોઝપાઇપ જેટલી હોય છે. ભારત સહિત મોટા ભાગના દેશો આવા ઓછામાં ઓછા બે કેબલથી વિશ્વભરના ઇન્ટરનેટ નેટવર્ક સાથે કનેક્ટેડ રહે છે. પરંતુ ટોંગા જેવા સંખ્યાબંધ ટાપુ એવા છે જે માત્ર એક અન્ડરસી કેબલથી ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે! માનવું મુશ્કેલ છે પરંતુ માનવ વસતીવાળા ઘણા ટાપુ એવા પણ છે જ્યાં કોઈ કેબલ પહોંચતા નથી અને પરિણામે ત્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ નથી!

ઇન્ટરનેટ માટે આપણે ભલે બહુ સહેલાઈથી ‘ક્લાઉડ’ શબ્દ વાપરીએ, પણ આખી દુનિયા મહાસાગરોના તળિયે પાથરેલા ફાઇબર ઓપ્ટિક કેબલ્સથી જ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે અને સમગ્ર ઇન્ટરનેટમાં ડેટાની જે કંઈ આપ-લે થાય છે તેમાંથી લગભગ ૯૭ ટકા જેટલી આપલે આવા કેબલથી થાય છે.
મહાસાગરોમાં માછીમારી કરતી સ્ટીમર્સને કારણે કે દરિયાના તળિયા સુધી પહોંચતાં લંગરથી પણ ઇન્ટરનેટ કેબલ્સને અવારનવાર નુકસાન પહોંચતું હોય છે. તેનું રિપેરિંગ ખાસ્સી જહેમત માગી લેતું કામ છે.
આમ તો દુનિયાના ખૂણેખૂણે ખાસ અન્ડરસી કેબલ્સ રિપેરિંગનું જ કામ કરતાં જહાજો તૈનાત હોય છે, પરંતુ કેબલને જ્યાં નુકસાન પહોંચ્યું હોય ત્યાંથી સૌથી નજીકના જહાજને ઘટના સ્થળે પહોંચતાં જ દિવસો લાગી જાય તેવું પણ બને. સૌથી નજીકનું જહાજ બીજા કોઈ કેબલના રિપેરિંગમાં રોકાયેલું હોય તો વિલંબ હજી વધુ લંબાઈ જાય.
ટોંગાના નસીબે…
ટોંગાના કિસ્સામાં એવું બન્યું કે તેનો ફાઇબર ઓપ્ટિક કેબલ રિપેર કરવાનું કામ જેને સોંપાયું તે જહાજ ટોંગાથી ૪૭૦૦ કિલોમીટર દૂર હતું. તેને ઘટના સ્થળે પહોંચતાં ૧૦ દિવસ જેટલો સમય થયો.

જ્વાળામુખીએ ટોંગા સુધી ઇન્ટરનેટ ડેટા પહોંચાડતા કેબલના લાંબા પટ્ટાના ફુરચા ઊડાવી દીધા હતા. જ્વાળામુખી જેવી ઘટનામાં ઘણી વાર એવું પણ બને કે મહાસાગરના પેટાળમાં અફરાતફરીને કારણે કેબલ દરિયાના પેટાળમાં દટાઈ જાય.
આવા કિસ્સામાં મોટે ભાગે હૃદયની બાયપાસ સર્જરીની જેમ કેબલના બે છેડા વચ્ચે નવો સાંધો જોડવાનો થાય.
ટોંગા કેબલનું રિપેરિંગ કરતા જહાજે કેબલની કુલ લંબાઈના લગભગ ૧૦ ટકા જેટલા ભાગના બંને છેડાને એકમેક સાથે ફરી જોડવાના હતા. આ કામ માટે પહેલાં તો કેબલના કપાયેલા બંને છેડાને શોધવાના થાય અને પછી તેમને સાંધવાની કામગીરી કરવામાં આવે.
રિપેરિંગ કરતા જહાજે કેબલના બંને તૂટેલા છેડા સુધી પહોંચવા માટે રિમોટ કંટ્રોલ્ડ વ્હિકલ મહાસાગરના તળિયે પહોંચાડ્યું અને પછી છેડા શોધીને તેમને સાંધવામાં આવ્યા. આખી કામગીરીમાં પાંચ અઠવાડિયા જેટલો સમય વીતી ગયો. જ્વાળામુખીને પગલે કેબલ પહેલી વાર તૂટ્યો અને તેનું રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું તેના પૂરા પાંચ મહિના પછી પણ ટોંગા ટાપુને પૂરેપૂરી કનેક્ટિવિટી મળી શકી નહોતી.
આ સમય દરમિયાન સિંગાપોરની એક કંપનીએ ટોંગાની સરકાર સાથે લાંબા સમયનો વિવાદ ચાલી રહ્યો હોવા છતાં ટોંગાને સેટેલાઇટથી શક્ય એટલું ઇન્ટરનેટ કનેકશન પૂરું પાડ્યું. યુએસની બે કંપનીઓએ પણ સેટેલાઇટથી થોડા પ્રમાણમાં બેકઅપ કનેક્ટિવિટી પૂરી પાડી.
સ્ટારલિંક પ્રોજેક્ટ હેઠળ ઇલોન મસ્કે પણ મદદ કરવાની તૈયારી બતાવી. જોકે મુખ્ય કેબલ રિપેર થયો ત્યાં સુધી સ્ટારલિંકથી ઇન્ટરનેટ કનેકશન એક્ટિવેટ થઈ શક્યું નહીં.
આપણે થોડા કલાક માટે પણ ઇન્ટરનેટ કે મોબાઇલ કનેક્ટિવિટી ગુમાવી દઈએ તો કેવા બેબાકળા થઈ જઈએ છીએ તે વિચારો!
કમ્યુનિકેશન્સ સિગ્નલ્સની આપ-લે માટે મહાસાગરના તળિયે કેબલ પાથરવાની વાત બિલકુલ નવી નથી. તેનાં મૂળ છેક ૧૮૪૦માં પડેલાં છે. એ દિવસોમાં ટેલિગ્રાફના સંદેશાની આપ-લે માટે એટલાન્ટિક મહાસાગરમાં સૌ પ્રથમ વાર કેબલ પાથરવામાં આવ્યા હતા.
ત્યાર પછી ટેલિફોન અને ફેક્સ માટે આવા કેબલ્સનો ઉપયોગ થવા લાગ્યો અને ઇન્ટરનેટના સતત વધતા પ્રસાર સાથે સબમરીન કેબલ્સના પ્રમાણમાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. અત્યારે દુનિયાના મહાસાગરોના તળિયે રહેલા સબમરીન કેબલ્સની કુલ લંબાઈ ૧૪ લાખ કિલોમીટરે પહોંચી છે. ટોંગાને ફિજી સાથે જોડતો એક માત્ર કેબલ ૮૨૭ કિલોમીટર જેટલો લાંબો છે, તો આયર્લેન્ડ અને યુકે વચ્ચેનો કેબલ માત્ર ૧૩૧ કિલોમીટર લાંબો છે. બીજી તરફ એશિયા-અમેરિકાને જોડતો એક કેબલ પૂરા વીસેક હજાર કિલોમીટર લાંબો છે!

ટેલિજિયોગ્રાફી નામની કંપનીએ દુનિયાભરના તમામ સબમરીન કેબલ્સનો એક ઇન્ટરેક્ટિવ મેપ તૈયાર કર્યો છે, આપણે તેના પર જઈને તમામ કેબલ વિશે વધુ માહિતી મેળવી શકીએ (submarinecablemap.com). (વધુ માહિતી માટે જુઓ ‘સાયબરસફર’નો ફેબ્રુઆરી ૨૦૧૫નો અંક).
ઇન્ટરનેટ માટે સેટેલાઇટનો ઉપયોગ કેમ નહીં?
દુનિયાભરના ઇન્ટરનેટ વપરાશના ૯૫થી ૯૭ ટકા વપરાશ માટે આ સબમરીન કેબલ્સનો ઉપયોગ થાય છે. અત્યારે સબમરીન કેબલ્સ તરીકે જે ફાઇબર ઓપ્ટિક્સનો ઉપયોગ થાય છે તે અને કમ્યુનિકેશન સેટેલાઈટ્સ બંને ઘણા સમય પહેલાં વિકસી ગયા હતા. સવાલ એ થાય કે સેટેલાઇટનો ટીવી પ્રસારણ માટે ઉપયોગ થઈ શકે, પણ ઇન્ટરનેટ માટે નહીં, કેમ?
કારણો ઘણાં છે.
એક તો ટીવીમાં તમામ યૂઝર્સ માટે એક સરખો ડેટા, એક જ દિશામાં વહે છે. જ્યારે ઇન્ટરનેટમાં જુદો જુદો ડેટા, બંને દિશામાં વહેતો હોવાથી તેમાં ઘણી વધુ બેન્ડવિથ જોઈએ.

બીજું, અવકાશમાં ઘૂમતા સેટેલાઇટ્સ સુધી ઇન્ટરનેટ ડેટા મોકલવામાં અને પરત મેળવવામાં સમય લાગે છે. સેટેલાઇટ દ્વારા સિગ્નલની હેરફેર માટે સિગ્નલ્સે પૃથ્વીથી સેટેલાઈટ સુધીનું લગભગ ૩૫ હજાર કિલોમીટર જેટલું અંતર બે વાર કાપવું પડે છે.
આમાં લગભગ ૧૦૦૦થી ૧૪૦૦ મિલિકેન્ડ જેટલો સમય લાગે છે. તેની સરખામણીમાં સબમરીન કેબલ્સ આધારિત કમ્યુનિકેશનમાં ૧૫૦-૨૦૦ મિલિસેકન્ડ જેટલો જ સમય લાગે છે. ડેટાની આ આપ-લેમાં જેટલો ઓછો સમય લાગે તેટલો વીડિયો કોન્ફરન્સિંગ, ઇન્ટરનેટ આધારિત વોઇસ કોલિંગ, રિમોટ સર્જરી વગેરેમાં વધુ લાભ થઈ શકે છે.
આમ સેટેલાઈટ દ્વારા મળી શકતી સ્પીડની સરખામણીમાં ફાઇબર ઓપ્ટિક કેબલ અનેકગણી વધુ સ્પીડ આપી શકે છે.
સંશોધકોએ પ્રકાશની ઝડપના ૯૯.૭ ટકા જેટલી ગતિથી માહિતીનું વહન કરી શકે તેવા ફાઇબર ઓપ્ટિક શોધી લીધા છે. અલબત્ત, હવે પૃથ્વીની નજીક હજારો સેટેલાઇટનાં ઝૂમખાં રચી તેનાથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીના પ્રયાસ પણ થઈ રહ્યા છે.
સબમરીન કેબલ અને સાયબરવોર
સમગ્ર વિશ્વના અર્થતંત્ર માટે ઇન્ટરનેટના મહત્ત્વને ધ્યાને લેતાં ત્રાસવાદીઓ ઇન્ટરનેટની ધોરી નસ સમાન સબમરીન કેબલ્સને કાપી નાખે એ એક મોટું જોખમ છે, પરંતુ કોઈ મોટા દેશના નેટવર્કને સંપૂર્ણપણે ખોરવવા સંખ્યાબંધ કેબલ્સ એક સાથે કાપવા પડે.
નવાઈ લાગે, પણ છેક ૧૯૭૧માં અમેરિકા ને રશિયા વચ્ચેના શીતયુદ્ધ દરમિયાન, અમેરિકાની એક સબમરીન ગૂપચૂપ રશિયાની જળસીમામાં ઘૂસી હતી, મિશન હતું રશિયન મિલિટરી માટે અતિ મહત્ત્વની કોમ્યુનિકેશન લાઇન જેવા એક સબમરીન કેબલ પર ‘લંગસિયું’ નાખવાનું!
કેબલમાં કોઈ કાપકૂપ કર્યા વિના તેની સાથે નવું જોડાણ કરીને યુએસ આર્મીએ પૂરા એક દાયકા સુધી એ સબમરીન કેબલમાંથી વહેતા રશિયન સંદેશાઓ મેળવ્યા હતા! એક અમેરિકન અધિકારીએ આ ગુપ્ત માહિતી રશિયન જાસૂસી સંસ્થાને વેચી ત્યારે છેક આ વાત પ્રકાશમાં આવી હતી!
ભારતમાં ટોંગા જેવી સ્થિતિ થવાની ચિંતા નથી, કેમ કે હાલમાં આપણા દેશમાં મુંબઈ, ચેન્નાઇ, કોચીન, તુતીકોરીન અને ત્રિવેન્દ્રમ એમાં પાંચ શહેરોમાં કુલ ૧૪ કેબલ લેન્ડિંગ સ્ટેશન્સ છે, જે ૧૫ ઇન્ટરનેશનલ સબમરીન કેબલ્સ સાથે કનેક્ટેડ છે. ભારતના મૂળ જમીન ભાગને આંદામાન-નિકોબાર, લક્ષદ્વીપ ટાપુઓ સાથે જોડતા ડોમેસ્ટિક કેબલ્સ પણ છે.
પરંતુ ભારતની ચિંતા જુદી છે.
ભારતમાં ઇન્ટરનેટ ડેટાની બેન્ડવિથ વર્ષ ૨૦૨૧થી ૨૦૨૮ દરમિયાન વાર્ષિક ૩૯ ટકાના દરે વધી રહી છે. પરિણામે અત્યારે ભારતમાં ઇન્ટરનેટ ડેટા લાવતા કેબલ્સની કેપેસિટી આ દાયકામાં જ પૂરી થઈ જાય તેમ છે. સારી વાત એ છે કે ૨૦૨૫ સુધીમાં ભારતને કમ સે કમ છ નવા કેબલ્સ મારફત ડેટા મેળવવા લાગશે અને હજી બીજા કેબલ્સ તથા લેન્ડિંગ સ્ટેશન્સ ઉમેરાશે.

સામાન્ય રીતે દૂર દૂરથી આવતા સબમરીન કેબલ્સ મહાસાગરના તળિયે તો લગભગ છૂટા પાથરી દેવાયા હોય છે પરંતુ જમીન નજીક આવતાં, તેને દરિયામાં ઊંડે દાટી દેવામાં આવે છે ને તે ત્યાંથી સીધા લેન્ડિંગ સ્ટેશન્સમાં પહોંચે છે.
આ કેબલ્સમાં વહેતો ડેટા વિવિધ કંપનીના ડેટા સેન્ટર્સમાં પહોંચે છે, ત્યાંથી તે આપણી નજીકના સેલ ટાવરમાંથી અને ત્યાંથી આપણા કમ્પ્યૂટર કે વાયરલેસ સિગ્નલ સ્વરૂપે આપણા મોબાઇલમાં પહોંચે છે.
આપણને અમેરિકામાં રહેતા કોઈ મિત્ર તરફથી વોટ્સએપમાં મેસેજ આવે, ત્યારે તેનો ડેટા આ રીતે આપણા સુધી પહોંચે અને આપણે જવાબ આપીએ તો તે વળતી મુસાફરી કરીને, અંડરસી કેબલ મારફત સડસડાટ અમેરિકા પહોંચે છે!
ટાટા કોમ્યુનિકેશન્સ, ભારતી એરટેલ, રિલાયન્સ જિઓ, બીએસએનએલ, વોડાફોન વગેરે કંપની વિવિધ કેબલ્સ/લેન્ડિંગ સ્ટેશન્સની માલિકી ધરાવે છે.
ભારતની જાણીતી ટેલિકોમ કંપની ટાટા દુનિયાભરની સૌથી મોટી સબમરીન કેબલ પ્રોવાઈડર કંપનીઓમાંની એક છે.
ટાટા કમ્પ્યુનિકેશન્સ કંપની અંદાજે પાંચ લાખ કિલોમીટર લાંબા ફાઈબર ઓપ્ટિક કેબલનું સંચાલન કરે છે અને કંપની વિશ્વના સૌથી મોટા, સંપૂર્ણ માલિકીના સબમરીન ફાઇબર કેબલ નેટવર્કની માલિક અને ઓપરેટર છે. પૃથ્વીની ફરતે રિંગની જેમ ગોઠવાયેલા એક માત્ર સબમરીન કેબલની માલિકી પણ ટાટા જૂથની છે.
બીજી તરફ રિલાયન્સ જિઓ, એરટેલ વગેરે કંપની પણ મેટા જેવી કંપનીઓના સાથમાં દુનિયાના સૌથી લાંબા બને તેવા ૩૭,૦૦૦ કે ૪૪,૦૦૦ કિલોમીટર લાંબા કેબલ્સ નાખવાના કામમાં ઘણી આગળ વધી ગઈ છે.

