એવું ચોક્કસ બની શકે કે એન્ડ્રોઇડના શેર મેનુનો તમે રોજેરોજ ઉપયોગ કરતા હો, છતાં તેના તરફ ખાસ આપ્યું ન હોય! આગળ વધતાં પહેલાં, જેમના માટે આ ‘એન્ડ્રોઇડનું શેર મેનુ’ પ્રમાણમાં અજાણ્યો મુદ્દો છે એમના માટે પહેલાં કેટલીક સ્પષ્ટતા…
એન્ડ્રોઇડમાં તમે તમારા મોબાઇલમાં વોટ્સએપમાં મેસેજિસ વાંચી રહ્યા હો, યુટ્યૂબમાં વીડિયો જોઈ રહ્યા હો કે ઇન્ટરનેટના બ્રાઉઝરમાં જુદી જુદી સાઇટ્સ જોઈ રહ્યા હો ત્યારે આ દરેક એપમાં એવું ઘણું મળી આવે, જે તમને મિત્રો સાથે શેર કરવાનું મન થાય.
હવે લગભગ દરેક એપ અને વેબસાઇટ્સ પોતાનું કન્ટેન્ટ, જુદી જુદી સર્વિસ કે એપ પર શેર કરવાનાં બટન આપે છે, એ બધા ઉપરાંત એન્ડ્રોઇડનું પોતાનું શેર બટન પણ આપણને ઉપયોગી થાય છે.
વોટ્સએપની વાત કરીએ તો, વોટ્સએપમાં કોઈ મેસેજમાં માત્ર ટેક્સ્ટ હોય તો તેને સિલેક્ટ કરીને માત્ર વોટ્સએપમાં અન્ય મિત્રો સાથે શેર કરી શકાય. પરંતુ કોઈ ઇમેજ, વીડિયો (કે ‘સાયબરસફર’ની મિનિગાઇડની પીડીએફ!) આવી હોય તો તેને સિલેક્ટ કરીને, વોટ્સએપમાં જ બીજા મિત્રોને શેર કરી શકાય, અથવા વોટ્સએપમાં આપેલ શેર બટન પર ક્લિક કરતાં, આપણા સ્માર્ટફોનમાં એવી જે કોઈ સર્વિસ હોય, જેના પર એ ઇમેજ, વીડિયો, ડોક્યુમેન્ટ વગેરે શેર થઈ શકે તેમ હોય તે સર્વિસના આઇકન દર્શાવતું એક મેનુ ખૂલે – આ છે એન્ડ્રોઇડનું શેેર મેનુ, જેમાં સામાન્ય રીતે ઉપરના ભાગે ‘શેર વાયા’ લખેલું જોવા મળે છે.
આ શેર મેનુ બે ભાગમાં હોય છે, જેનો ઉપલો ભાગ આપણે જે એપમાંથી તેને ઓપન કર્યું હોય તે એપ મુજબ બદલાય છે (આ ઉપરનો ભાગ ‘ડાયરેક્ટ શેર’ તરીકે ઓળખાય છે). જેમ કે, વોટ્સએપમાંથી એન્ડ્રોઇડનું શેર મેનુ ઓપન કર્યું હોય, તો ઉપરના ભાગમાં વોટ્સએપના અન્ય કોન્ટેક્ટ્સ દેખાય છે, જેમાંથી કોઈ પણ કોન્ટેક્ટ પર ક્લિક કરતાં, એ કન્ટેન્ટ સીધું જ તેમને શેર થાય છે.
મેનુના નીચેના ભાગમાં, ફોનમાંની અન્ય એપ્સ દેખાય છે, જેમાં આપણે સિલેક્ટ કરેલું કન્ટેન્ટ શેર કરી શકાય તેમ હોય.
જો તમે ગૂગલ ન્યૂઝ એપ ઓપન કરીને તેમાં કોઈ સમાચાર વાંચી રહ્યા હો, તો ઉપરના ડાયરેક્ટ શેર ભાગમાં, તમારા ગૂગલ કોન્ટેક્ટ્સ દેખાય જેમને સિંગલ ક્લિકમાં એ સમાચારના પેજની લિંક કરી શકાય. બાકીના ભાગમાં, વોટ્સએપ, ફેસબુક વગેરે એપના શોર્ટકટ દેખાય. તેને ક્લિક કરતાં, એ એપ ખૂલે અને પછી તેમાં આપણે શેર કરી શકીએ, આમ એક સ્ટેપ વધે.
એન્ડ્રોઇડના ડિફોલ્ટ શેર મેનુની મુશ્કેલી એ છે કે તેને આપણે સહેલાઈથી કસ્ટમાઇઝ કરી શકતા નથી. એક તો, ફોનમાં જેટલી એપમાં કે એપથી શેરિંગ શક્ય હોય તે બધીના શોર્ટકટ ઉમેરાઈ જાય છે, પછી ભલે તેમાંની કેટલીકનો તમે ક્યારેય ઉપયોગ કરતા ન હો.
બીજી વાત એ કે આ એપ્સના શોર્ટકટ કોઈ પેટર્ન મુજબ ગોઠવાયેલા હોતા નથી. એટલે આપણી ફેવરિટ એપને શોધવા જવું પડે.
આથી એવું બને કે તમે મોટા ભાગે શેરિંગ માટે વોટસએપ કે ફેસબુકનો ઉપયોગ કરતા હો, પણ શેર મેનુમાં એ પાછળના ભાગે હોય એટલે શોર્ટકટ્સને સ્ક્રોલ કરીને તેમાં વોટ્સએપ શોધવા જવું પડે.
આમ તો, એન્ડ્રોઇડ અહીં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને તેણે એકઠા કરેલા આપણા ડેટાનો ભરપૂર ઉપયોગ કરે છે, જેને કારણે, શેર મેનુના ‘ડાયરેક્ટ શેર’વાળા ભાગમાં, આપણે જે મિત્રો સાથે વોટ્સએપ, ટ્વીટર વગેરે પર વધુ સક્રિય હોઈએ એમનાં નામ, સિસ્ટમ સામેથી જ સૂચવે છે! ઉપરાંત, ઘણી એપ પોતે પોતાની રીતે શેર મેનુને કસ્ટમાઇઝ કરે છે.
જેમ કે, ધારો કે તમે ક્રોમ બ્રાઉઝર એપમાં ખોલેલું કોઈ વેબપેજ, એપના સેટિંગની પેનલમાં આપેલ શેર બટનની મદદથી કોઈ મિત્રને વોટ્સએપ પર શેર કરો છો. હવે જ્યારે આ જ રીતે, બીજું કોઈ વેબપેજ શેર કરવા માટે એપનાં સેટિંગ્સની પેનલ ઓપન કરશો, તો તેમાં શેર માટેની લિંકની બાજુમાં વોટ્સએપનો આઇકન જોવા મળશે!
આ આઇકન પર ક્લિક કરશો તો પેલું વેબપેજ સીધું જ વોટ્સએપમાં શેર કરવાની સગવડ મળશે. જો શેરિંગ માટે બીજી કોઈ એપનો ઉપયોગ કરવો હોય તો ‘શેરિંગ’ લિંક ક્લિક કરો, આથી એન્ડ્રોઇડનું શેર મેનુ ખૂલશે અને તમે જોઈતી એપ પસંદ કરી શકશો.
એ સિવાય, એન્ડ્રોઇડના શેર મેનુમાં તમે પોતે શેરિંગ માટે જે એપનો સૌથી વધુ ઉપયોગ કરતા હો તેને મેનુમાં સૌથી આગળ ગોઠવી શકો છો. એ માટે, શેર મેનુ ખૂલ્યા પછી તમારી ફેવરિટ એપના આઇકનને જરા લાંબો સમય પ્રેસ કરો. આથી એ શોર્ટકટને ‘પિન’ કરવાના અને એપની માહિતી જાણવાના બે વિકલ્પ મળશે. ‘પિન’ વિકલ્પ પસંદ કરતાં, એ આઇકન શેર મેનુમાં સૌથી આગળ ગોઠવાઈ જશે. આ રીતે તમે એકથી વધુ એપ્સને મેનુમાં પિન કરીને સૌથી આગળ લાવી શકો છો.
અલબત્ત, વાત એન્ડ્રોઇડની છે એટલે ખાસ્સા ગૂંચવાડા તો રહેવાના! જો તમારા ફોનમાં સ્ટોક એન્ડ્રોઇડ હશે એટલે કે ઓપરેટિંગ સિસ્ટમમાં ફોનની કંપનીએ કોઈ ફેરફાર નહીં કર્યા હોય તો આ સુવિધા તમને મળશે.
એવું પણ બની શકે કે કંપનીએ સિસ્ટમમાં ફેરફાર કર્યા હોય, પણ શેર મેનુની આ સુવિધા જાળવી રાખી હોય, તો એનો લાભ તમને મળશે. બાકી, બની શકે કે તમને એપ પિન કરવાનો વિકલ્પ જ જોવા ન મળે.
શેર મેનુ કસ્ટમાઇઝ કરવા માટે આ એન્ડ્રોઇડની પોતાની સુવિધાની વાત થઈ, તેના સિવાય કેટલીક થર્ડ પાર્ટી એપ્સ ઇન્સ્ટોલ કરીને પણ તમે શેર મેનુ કસ્ટમાઇઝ કરી શકો છો.

