બધી ટેકનોલોજીનો ઉદ્દેશ આપણા સૌનું જીવન થોડું વધુ સહેલું બનાવવાનો હોય છે – શરત એટલી કે એ ખરેખર, કોઈ ભેદભાવ વિના સૌને ઉપયોગી થવી જોઈએ. ઘણી વાર એવું બને કે સ્માર્ટફોન, કમ્પ્યૂટર અથવા ઇન્ટરનેટનો ઉપયોગ મોટા ભાગના લોકો માટે સહેલો હોય પરંતુ અમુક લોકો માટે મુશ્કેલ હોય.

ટેક્નોલોજીના ઉપયોગમાં રહી જતો આ તફાવત દૂર કરવા માટે, વિવિધ ટેકનોલોજી ટૂલ્સ કે ડિવાઇસમાં ‘એક્સેસિબિલિટી’ ફીચર્સ ઉમેરીને એટલે કે વિવિધ બાબતોની પહોંચ સુગમ બનાવીને લગભગ તમામ લોકો માટે ટેકનોલોજીનો ઉપયોગ સરળ બનાવવાનો પ્રયાસ થાય છે. જેમ કે કોઈ વ્યક્તિને આંખે ઓછું દેખાતું હોય, મર્યાદિત દૃષ્ટિની તકલીફ હોય તો વિવિધ ડિવાઇસ કે વેબસાઇટ પર ટેકસ્ટ-ટુ-સ્પીચ ફીચરથી સ્ક્રીન પરની ટેકસ્ટને મોટેથી વાંચી સંભળાવવામાં આવે. હવે ઘણી બધી ન્યૂઝ સાઇટમાં લેખોને આ રીતે સાંભળવાની પણ સગવડ હોય છે.
કોઈ વ્યક્તિને મર્યાદિત મોબિલિટીની તકલીફ હોય, હાથ ધ્રૂજતા હોય કે આંગળીઓ ધાર્યું કામ ન કરતી હોય ત્યારે ‘સ્પીચ રેકગ્નિશન’ ફીચર તેમની મદદે આવે. આવા લોકો આ ફીચરની મદદથી સ્માર્ટફોન કે કમ્પ્યૂટર પાસેથી ફક્ત અવાજથી ધાર્યું કામ લઈ શકે!

એક્સેસિબિલિટી ફીચરનું સૌથી સાદું ઉદાહરણ સ્માર્ટફોન, કમ્પ્યૂટર કે વેબસાઇટ પર બધી બાબતોના ફોન્ટ મોટા કરવાની સગવડ છે. ઉંમર વધતાં ઝીણા ફોન્ટ વાંચવામાં મુશ્કેલી અનુભવતા લોકોને આ ફીચર ઉપયોગી થઈ શકે. તેનો લાભ લેવા માટે તમારા ફોનનાં સેટિંગ્સમાં Font size સર્ચ કરી જુઓ, આ સાથેના સ્ક્રીનશોટ જેવાં સેટિંગ્સનું પેજ ઓપન થશે.
એક્સેસિબિલિટી ફીચર્સની રેન્જ ઘણી મોટી છે. તેનો ઉપયોગ સ્માર્ટફોન, કમ્પ્યૂટર, વેબસાઇટ વગેરે બધામાં વિસ્તરેલો છે. સામાન્ય રીતે કોઈ પણ ડિવાઇસમાં આપણે સેટિંગ્સમાં ‘એક્સેસિબિલિટી’ સર્ચ કરીએ તો તેનાં વિવિધ ફીચર્સ મળી આવે.
એક્સેસિબિલિટી ફીચરની મજા એ છે કે તે માત્ર અમુક લોકોને ઉપયોગી થાય તેવું નથી. અમુક ફીચર તમામ પ્રકારના લોકોની લાઇફ ઇઝી બનાવી શકે છે – ‘રીડિંગ મોડ’ એવું જ એક ઉદાહરણ. અચ્છા, બાજુના સ્ક્રીનશોટમાં, છેક નીચે જમણે ખૂણે માણસ જેવા આઇકન પર ધ્યાન ગયું? ગયા વર્ષે લોન્ચ થયેલી ગૂગલની રીડિંગ મોડ એપ (Reading mode,Google LLC) ઇન્સ્ટોલ કરતાં આ સુવિધા મળે છે. આ એપ ફક્ત બ્રાઉઝરમાં નહીં સ્માર્ટફોનમાં બધી જ જગ્યાએ ‘રીડિંગ મોડ’ ઇનેબલ કરવાની સુવિધા આપે છે! તેનો લાભ લેવાની વિિધ થોડી અટપટી છે, પણ ટ્રાય કરી જુઓ.
