આપણા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલી કોઈ એપ વારંવાર ક્રેશ થતી હોય તો આપણે તેના વિશે ખાસ કંઈ કરી શકતા નથી. જોકે હવે ગૂગલે એક નવું ફીચર લોન્ચ કર્યું છે જે કદાચ આપણને ઉપયોગી થઈ શકે છે.

આ ફીચર મુજબ આપણે જેને ઓપન કરવાનો પ્રયાસ કરતા હોઇએ એવી કોઈ એપ વારંવાર ક્રેશ થતી હોય અને પ્લેસ્ટોરમાં એ એપનો કોઈ અપડેટ પણ ઉપલબ્ધ હોય તો આપણને એન્ડ્રોઇડની સિસ્ટમ એક પ્રોમ્પ્ટ એટલે કે સૂચના બતાવે છે, જે કહે છે કે આ એપ વારંવાર ક્રેશ થઈ રહી છે પરંતુ પ્લેસ્ટોરમાં તેનો અપડેટ ઉપલબ્ધ છે. એપ અપડેટ કરી જુઓ.
સામાન્ય રીતે એપમાં કોઈ બગ (એટલે કે કોઈ ખામી) હોય તો તે વારંવાર ક્રેશ થાય તેવું બનતું હોય છે.
મોટા ભાગે આવી સ્થિતિમાં એપના ડેવલપર એ ખામી સુધારી લઈને એપનું અપડેટેડ વર્ઝન પ્લે સ્ટોરમાં મુકતા હોય છે.
પરંતુ થાય એવું કે આપણને આવું કોઈ અપડેટ આવ્યું હોવાની જાણ ન હોય તેમ જ એપ ડેવલપમેન્ટની પ્રોસેસની આંટીઘૂંટીઓની આપણને જાણ ન હોય, તો આપણને કદાચ એવો વિચાર પણ ન આવે કે એપને અપડેટ કરી જોઇએ.
એ દૃષ્ટિએ એન્ડ્રોઇડની સિસ્ટમ તરફથી સ્ક્રીન પર બતાવવામાં આવતું એપ અપડેટ કરવાનું સૂચન મહત્ત્વપૂર્ણ બની શકે છે. એવું પણ બને કે આવી સૂચના તમે પોતાના સ્માર્ટફોનમાં જોઈ પણ હશે પરંતુ તેના તરફ પૂરતું ધ્યાન આપ્યું નહીં હોય. હવે એ સૂચનાનો અર્થ તમે બરાબર સમજી શકશો!

