થોડા સમય પહેલાં આપણે ‘સાયબરસફર’માં વાત કરી હતી કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)માં હવે ‘યુપીઆઇ લાઇટ’ નામે એક નવું ફીચર શરૂ થયું છે. આ ફીચરની મદદથી આપણે પોતાની યુપીઆઇ એપને જ એક પ્રકારના મોબાઇલ વોલેટમાં ફેરવી શકીએ છીએ.

આ ફીચર એક્ટિવેટ કર્યા પછી આપણે યુપીઆઇની મદદથી, રોજના રૂ. ૨૦૦ સુધીનું પેમેન્ટ વધુ ઝડપથી કરી શકીએ છીએ. આ ફીચરમાં બધું જ સામાન્ય પ્રકારના યુપીઆઇની જેમ જ કામ ચાલે છે. ફેર માત્ર એટલો છે કે જો રૂ.૨૦૦ સુધીની રકમનું પેમેન્ટ કરવાનું હોય તો એ માટે આપણે યુપીઆઇ પિન આપવાની જરૂર રહેતી નથી.
આ ફીચર ભીમ એપ તથા પેટીએમ એપમાં લાઇવ થઈ ગયું હતું અને હવે ગયા મહિનાથી તે ફોનપે એપમાં પણ એક્ટિવ થઈ ગયું છે.

આપણે યુપીઆઇ લાઇટ વિશે થોડી વધુ માહિતી મેળવી લઈએ.
- સામાન્ય યુપીઆઇ અને યુપીઆઇ લાઇટમાં બીજો કોઈ જ ફેરફાર નથી, માત્ર રકમની મર્યાદા તથા પિનમાંથી મુક્તિનો તફાવત છે.
- હાલમાં ભીમ એપ, પેટીએમ તથા ફોનપે એપમાં યુપીઆઇ લાઇટ એક્ટિવેટ કરી શકાય છે.
- આ ત્રણેય એપમાં યુપીઆઇ લાઇટ ફીચરના પેજ પર પહોંચ્યા પછી એ એપમાં યુપીઆઇ સાથે કનેક્ટેડ આપણા બેંક એકાઉન્ટમાંથી રૂ.૨૦૦૦ સુધીની રકમ જમા કરી શકાય છે.
- આપણે કોઈ પણ સમયે યુપીઆઇ લાઇટમાં કુલ રૂ.૨૦૦૦ સુધીનું બેલેન્સ રાખી શકીએ છીએ.
- આપણે ઇચ્છીએ ત્યારે પોતાની એપમાં યુપીઆઇ લાઇટનું બેલેન્સ જોઈ શકીએ છીએ.
- આ ત્રણેય એપમાં સંખ્યાબંધ બેંક હવે યુપીઆઇ લાઇટને સપોર્ટ કરે છે અને તેનો ઉપયોગ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી.
- આપણે જ્યારે કોઈ પણ જગ્યાએ રૂ.૨૦૦ સુધીનું પેમેન્ટ કરવાનું હોય ત્યારે ક્યૂઆર કોડ સ્કેન કરી રકમ લખીને એક ક્લિકમાં પેમેન્ટ કરી શકીએ છીએ.
- આ સમયે આપણે અગાઉની જેમ યુપીઆઇ પિન આપવાનો રહેતો નથી.
- જો યુપીઆઇ લાઇટથી થતા ટ્રાન્ઝેકશન સમયે બેંકનું સર્વર ડાઉન હોય તો પણ ટ્રાન્ઝેકશન સફળ થાય છે કેમ કે તેમાં રકમ આપણા યુપીઆઇ લાઇટ એકાઉન્ટમાં જમા રકમમાંથી ટ્રાન્સફર થાય છે.
- આપણે એપમાં યુપીઆઇ લાઇટ એક્ટિવેટ કરીએ એ પછી રૂ.૨૦૦ સુધીના તમામ પેમેન્ટ યુપીઆઇ લાઇટથી પ્રોસેસ કરી શકાય છે.
- જ્યારે આપણું યુપીઆઇ લાઇટનું બેલેન્સ ઘટી જાય ત્યારે એપ તરફથી તેમાં રકમ ઉમેરવા માટેનું રિમાઇન્ડર મળે છે.
- આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે યુપીઆઇ લાઇટ ફીચર ડીએક્ટિવેટ કરી શકીએ છીએ. એ સમયે યુપીઆઇ લાઇટમાંની જમા રકમ આપણા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે.
યુપીઆઇ લાઇટના ફાયદા
એક, તેમાં નાની રકમ માટે પેમેન્ટ કરતી વખતે યુપીઆઇ પિન આપવાની ઝંઝટ રહેતી નથી.
બીજું, જો તમે તમારા બેંક એકાઉન્ટમાં થતી દરેક લેવડદેવડની નિયમિત નોંધ રાખતા હો તો બેંક ખાતામાંથી યુપીઆઇ લાઇટમાં રકમ ટ્રાન્સફર કરો ત્યારે ફક્ત એ એક એન્ટ્રી બેંક ખાતામાં થાય છે. ત્યાર પછી જે કોઈ નાની નાની ચૂકવણી થાય તેની બેંક ખાતામાં એન્ટ્રી થતી નથી. આથી બેંક ખાતાની સંખ્યાબંધ એન્ટ્રી તથા રીકન્સિલિએશનની ઝંઝટ પણ ઘટી જાય છે!

