મોટા ભાગે હોલીવૂડની, કે હવે તો બોલીવૂડની મૂવીઝમાં પણ હેકર્સને એવી રીતે ગ્લોરીફાય કરવામાં આવતા હોય છે કે આપણે અંજાઈ જ જઈએ અને માની બેસીએ કે હેકર જેવું સ્માર્ટ તો કોઈ હોઈ જ ન શકે. એ ઘડીના છઠ્ઠા ભાગમાં ઇન્ટરનેટ પર ધારે ત્યારે, ગમે તેટલા સિક્યોર નેટવર્કમાં ઘૂસી શકે અને કોઈ પણ સાઇટ હેક કરી શકે.

હેકર મોટા ભાગે સ્માર્ટ હોય છે, ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ખરા જાણકાર હોય છે અને સારી એવી સિક્યોરિટી ધરાવતા નેટવર્ક કે સર્વરમાં પણ એ છીંડાં શોધી શકતા હોય છે એ વાત સાચી, પણ આવા સ્માર્ટ મનાતા હેકર પણ ઘણી વાર સાવ ઢ પુરવાર થયા હોય છે!
આવો એક દાખલો, થોડાં વર્ષ પહેલાં બાંગ્લાદેશમાં બન્યો. બન્યું એવું કે બાંગ્લાદેશની એક બેંકની સિસ્ટમમાં કેટલાક હેકર્સે ઘૂસણખોરી કરી. દેખીતું છે કે જ્યારે બેંકની સિસ્ટમ હેક કરવામાં આવે ત્યારે બેંકનો ડેટા નહીં પણ નાણાં ચોરવાનો જ ઇરાદો હોય. બેંકની સાયબર સિક્યોરિટી સિસ્ટમ સારી એવી જડબેસલાક હતી પરંતુ હેકર્સ વધુ સ્માર્ટ પૂરવાર થયા – અલબત્ત શરૂઆતમાં.

હેકર્સે બેંકની સિસ્ટમમાં છીંડું તો શોધી કાઢ્યું હતું પરંતુ તેમાંથી નાણાં ટ્રાન્સફર કરવા જતી વખતે તેમણે એક જબરી થાપ ખાધી. હેકર્સ સાયબર ટેકનોલોજીના જાણકાર હતા પરંતુ નાણાં જગતની આંટીઘૂંટીમાં તેઓ કાચા પૂરવાર થયા.
બાંગ્લાદેશની બેંકમાંથી, ફિલિપાઇન્સની એક બેંકમાં નાણાં ટ્રાન્સફર કરતી વખતે તેઓ કરન્સી બદલવાનું ભૂલી ગયા! પરિણામ એ આવ્યું કે તેમણે બરાબર કરન્સી બદલીને નાણાં ટ્રાન્સફર કર્યા હોત તો તેમના ખાતામાં ૮૧ મિલિયન ડોલર જમા થયા હોત, તેને બદલે પહોંચ્યા માત્ર ૨૫ મિલિયન. આમ નાની એવી ભૂલથી તેમને ૫૬ મિલિયન એટલે કે સાડા પાંચ કરોડ ડોલર (અંદાજે સાડા ચાર અબજ જેટલા રૂપિયા)નું નુકસાન ગયું.
હેકર્સ આખરે પકડાઈ પણ ગયા અને તેમને ૧૨ વર્ષની જેલ થઈ.
