કમ્પ્યૂટર જેવા સાધન સાથે આપણે ‘વાતચીત’ કરવી હોય ત્યારે આપણે કમ્પ્યૂટર સમજી શકે તેવી ભાષામાં તેની સાથે વાત કરવી પડે.
એ માટે મુખ્યત્વે બે પદ્ધતિનો ઉપયોગ થાય છે ઃ એક, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ (સીએલઆઇ) અને બે, ગ્રાફિકલ યૂઝર ઇન્ટરફેસ (જીયુઆઈ)

આપણે સૌ સામાન્ય રીતે કમ્પ્યૂટરનો જે રીતે ઉપયોગ કરીએ છીએ એ પદ્ધતિ બીજા નંબરની એટલે કે ગ્રાફિકલ યૂઝર ઇન્ટરફેસની પદ્ધતિ છે. કમ્પ્યૂટરના ‘જાણકાર’ લોકો પહેલા નંબરની એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. જો તમારે માત્ર કમ્પ્યૂટરનો રોજિંદો ઉપયોગ કરવાનો હોય તો બંને પદ્ધતિ વિશે વધુ ન જાણો તો ચાલે, પણ કમ્પ્યૂટર વિશેના અભ્યાસમાં આગળ વધવાનો ઇરાદો હોય તો આ બંને પદ્ધતિ વિશે જાણવું જરૂરી છે!
કમાન્ડ લાઇન ઇન્ટરફેસ (સીએલઆઇ)
આ એક ટેક્સ્ટ આધારિત યૂઝર ઇન્ટરફેસ છે. તેમાં આપણે કમ્પ્યૂટરને જે કોઈ કમાન્ડ આપવાના હોય તે કમાન્ડ ટાઇપ કરીને આપવાના થાય છે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો મોટા ભાગે ઓપરેટિંગ સિસ્ટમ્સ, પ્રોગ્રામિંગ તથા સ્ક્રિપ્ટિંગ માટેની લેંગ્વેજમાં ઉપયોગ થાય છે.
કમાન્ડ લાઇન ઇન્ટરફેસના પણ બે ભાગ છેઃ કમાન્ડ પ્રોમ્પ્ટ અને કમાન્ડ હિસ્ટ્રી. કમાન્ડ પ્રોમ્પ્ટમાં આપણે પોતાના કમાન્ડ ટાઇપ કરીએ છીએ. જ્યારે કમાન્ડ પ્રોમ્પ્ટ બોક્સમાં આપણે ટાઇપ કરેલા બધા કમાન્ડ સચવાયેલા રહે તેને કમાન્ડ હિસ્ટ્રી કહે છે.
કમ્પ્યૂટર સાથે ઇન્ટરેક્શન માટે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એક પાવરફુલ પદ્ધતિ છે, પણ તેનો ઉપયોગ જાણકારો પૂરતો સીમિત છે.
કમ્પ્યૂટરમાં કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો ઉપયોગ કરવા માટે આપણે, વિન્ડોઝ સર્ચ બારમાં cmd લખીને કમાન્ડ પ્રોમ્પ્ટ બોક્સ ઓપન કરીએ અને એ પછી તેમાં કમાન્ડ ટાઇપ કરી એન્ટર પ્રેસ કરીએ એટલે ઓપરેટિંગ સિસ્ટમ કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ આપણા કમાન્ડને એક્ઝિક્યુટ કરે છે.
કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો જુદા જુદા ઘણા પ્રકારના ટાસ્ક પૂરા કરવા માટે ઉપયોગ કરી શકાય છે જેમ કે…

ફાઇલ મેનેજમેન્ટઃ કમ્પ્યૂટરમાં ફાઇલ્સ ક્રિએટ, ડિલીટ, રીનેમ કે મૂવ કરવા માટે

પ્રોસેસ મેનેજમેન્ટઃ કમ્પ્યૂટરમાં વિવિધ પ્રોસેસ સ્ટાર્ટ કે સ્ટોપ કરવા માટે

નેટવર્ક એડમિનિસ્ટ્રેશનઃ નેટવર્કનાં વિવિધ સેટિંગ્સ કરવા તથા નેટવર્ક સંબંધિત પ્રોબ્લેમ્સ ટ્રબલશૂટ કરવા

પ્રોગ્રામિંગઃ વિવિધ પ્રકારના કમ્પ્યૂટર પ્રોગ્રામ લખવા તથા એક્ઝિક્યુટ કરવા માટે પણ સીએલઆઇ ઉપયોગી છે.
કમ્પ્યૂટર સાથે ઇન્ટરેકશન કરવા માટે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ પદ્ધતિ ઘણી પાવરફુલ પદ્ધતિ છે પરંતુ એ શીખવી થોડી મુશ્કેલ છે.
ખાસ તો, એ માટે આપણે નવા ‘સિન્ટેક્સ (Syntax)’ શીખવા પડે (આપણે ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવીને કોઈ ચોક્કસ અર્થ નીકળે એવું વાક્ય બનાવીએ, એ ગોઠવણીને ‘સિન્ટેક્સ’ કહે છે. એ જ રીતે, કમ્પ્યૂટર લેંગ્વેજમાં પણ વિવિધ સ્ટેટમેન્ટ્સના સ્ટ્રક્ચરને ‘સિન્ટેક્સ’ કહે છે).
આપણે આ બધી બેઝિક બાબતો બરાબર સમજી લઇએ એ પછી કોમ્પ્લેક્સ ટાસ્ક્સ પૂરાં કરવા માટે કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો ઉપયોગ કરી શકાય.
ગ્રાફિકલ યૂઝર ઇન્ટરફેસ એવી રીતે ડિઝાઇન થાય છે કે તેનો ઉપયોગ કરવા આપણે ઝાઝું મગજ દોડાવવું પડતું નથી.
કમ્પ્યૂટરના ખરેખરા જાણકાર લોકો કમ્પ્યૂટર પાસે વિવિધ કામ કરાવવા માટે કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો જ ઉપયોગ કરતા હોય છે કેમ કે આ એક પાવરફુલ અને ફ્લેક્સિબલ પદ્ધતિ છે. તેની મદદથી આપણે એકદમ ઝડપથી અને સહેલાઈથી કમાન્ડ આપી શકીએ છીએ. તેની મદદથી આપણે કેટલાંક ટાસ્ક ઓટોમેટિકલી થાય એવા સેટિંગ પણ કરી શકીએ, જે મેન્યુઅલી કરવામાં વધુ સમય લાગે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસના જાણકાર યૂઝર પોતાની રીતે નવા કમાન્ડ અને સ્ક્રિપ્ટ ક્રિએટ કરી શકે છે. આમ કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં કસ્ટમાઇઝેશન પણ શક્ય છે.
પરંતુ તેના ઉપયોગમાં કેટલીક મુશ્કેલી પણ છે, જેમ કે…
- કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો ઉપયોગ એકડેએકથી શીખવો મુશ્કેલ છે.
- કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં ભૂલો થવાની પણ શક્યતા છે. જો કમાન્ડ ટાઇપ કરવામાં સહેજ પણ ભૂલ થાય તો સિન્ટેક્સ એરર સર્જાય છે અને આપણે ધાર્યું હોય તેના કરતાં કંઈક જુદો જ કમાન્ડ એક્ઝિક્યુટ થાય એવું પણ બની શકે.
- કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ‘યૂઝર ફ્રેન્ડલી’ ગણાતો નથી. તેના વિકલ્પ જેવા ગ્રાફિકલ ઇન્ટરફેસમાં આપણે જે કોઈ કમાન્ડ કમ્પ્યૂટરને આપવા હોય તે બધા વિઝ્યુઅલ સ્વરૂપે જ આપણી નજર સામે રહે
- જેમ કે સિલેક્ટેડ શબ્દ બોલ્ડ કરવો હોય તો તેનો કમાન્ડ બોલ્ડ અક્ષરમાં દેખાતા બી ને ક્લિક કરવાથી આપી શકાય!
- કમ્પ્યૂટરનો લગભગ કોઈ પરિચય ન હોય એવી વ્યક્તિ પણ ગ્રાફિકલ યૂઝર ઇન્ટરફેસની મદદથી ફટાફટ આગળ વધી શકે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં એવું શક્ય નથી.

કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં આવી તકલીફો હોવાથી આઇટી પ્રોફેશનલ, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને ઓપરેશન્સમાં સામેલ લોકો, સાયબર સિક્યોરિટીના પ્રોફેશનલ તેમજ વિવિધ એપ્લિકેશનના ડેવલપમેન્ટમાં સંકળાયેલા લોકો જ સામાન્ય રીતે કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે.
ગ્રાફિકલ યૂઝર ઇન્ટરફેસ (જીયુઆઈ)
આ આપણા જેવા કમ્પ્યૂટરના સરેરાશ યૂઝર્સને સહેલાઈથી સમજાય તેવી પદ્ધતિ છે. આગળ વાત કરી તેમ આ પ્રકારની પદ્ધતિમાં બધા કમાન્ડ ગ્રાફિકલ ઇમેજ સ્વરૂપે આપણી નજર સામે હોય છે.
તેનું સૌથી સાદું ઉદાહરણ વિન્ડોઝના વિવિધ પ્રોગ્રામની રિબન છે. અક્ષરો બોલ્ડ કરવા માટે બોલ્ડ બી, અક્ષરો ઇટાલિક કરવા માટે ત્રાંસો આઈ, બુલેટેડ કે નંબર્ડ તૈયાર કરવા માટે બુલેટ્સ અથવા ૧, ૨, ૩ દર્શાવતું લિસ્ટ!

આ પ્રકારના ઇન્ટરફેસ એવી રીતે ડિઝાઇન થાય છે કે આપણે કમ્પ્યૂટરને કમાન્ડ આપવા માટે ખાસ મગજ દોડાવવાની જરૂર જ નથી!
માઇક્રોસોફ્ટ ઓફિસ, ગૂગલ ડોક્સ, વિવિધ વેબ બ્રાઉઝર્સ, વિન્ડોઝ જેવી ઓપરેટિંગ સિસ્ટમ, એડોબ ફોટોશોપ, કોરલડ્રો જેવા ગ્રાફિક ડિઝાઇનિંગ માટેના સોફ્ટવેર, વીડિયો એડિટિંગ, એકાઉન્ટિંગ માટેના વિવિધ સોફ્ટવેર વગેરે બધા જ ગ્રાફિકલ યૂઝર ઇન્ટરફેસનાં ઉદાહરણ છે.
જો તમારે કમ્પ્યૂટર સાથે સારો એવો પનારો હોય તો તમે પણ ગ્રાફિકલ યૂઝર ઇન્ટરફેસનો રોજેરોજ ઉપયોગ કરતા હશો, એ વિશે અહીં વધુ લખવાની જરૂર નથી.

