
જે રીતે આપણે પોતાના સ્માર્ટફોનમાં વિવિધ પ્રકારની એપ્સ ઉમેરીને તેને વધુ સ્માર્ટ બનાવી શકીએ છીએ, એ જ રીતે પીસી, લેપટોપમાંના તમારા બ્રાઉઝરમાં એક્સ્ટેન્શન તરીકે ઓળખાતા ટચૂકડા પ્રોગ્રામ્સ ઉમેરીને બ્રાઉઝરને વધુ સ્માર્ટ બનાવી શકો છો.
એક્સ્ટેશનનો કન્સેપ્ટ બહુ સાદો છે – વિવિધ સાઇટ પર જઈને આપણે જે કામ કરી શકીએ, તે બધાં કામ એ જ સાઇટનું એક્સ્ટેન્શન બ્રાઉઝરમાં ઉમેરી લેવાથી, ગમે તે વેબપેજ પરથી કરી શકાય, એ માટે મૂળ સાઇટ પર જવાની જરૂર નહીં. જેમ કે તમે ગમતા આર્ટિકલ્સ ફુરસદે વાંચવા માટે ‘પોકેટ’ નામની મજાની સર્વિસનો ઉપયોગ કરતા હો તો તેનું એક્સેન્શન બ્રાઉઝરમાં ઉમેરી લેવાથી, ગમે તે વેબસાઇટનો આર્ટિકલ ગમે તો તેને પોકેટના આઇકન પર ક્લિક કરી, તેમાં ઉમેરી શકાય (‘પોકેટ’ વિશે માહિતી જાન્યુઆરી ૨૦૧૪ના અંકમાં).
એક્સ્ટેન્શન આપણા બ્રાઉઝરને વધુ સ્માર્ટ બનાવી શકે છે, પરંતુ તેની વધુ સંખ્યાથી બ્રાઉઝર ધીમું થઈ શકે છે.
એપ્સની જેમ, બ્રાઉઝરમાં ઉમેરી શકાતાં એક્સ્ટેન્શન્સની સંખ્યા પણ અપાર છે. આગળ તેમાંથી આચમની જેવાં થોડાં સૂચન આપ્યાં છે. તમને એક અંદાજ મળશે કે એક્સ્ટેન્શન શું છે અને તેની મદદથી કેવાં કામ લઈ શકાય.
અહીં ફક્ત ક્રોમ બ્રાઉઝરની વાત કરી છે. તેમાં ઉમેરી શકાય તેવાં એક્સ્ટેન્શન શોધવા માટે https://chrome.google.com/ પર જાઓ. અહીં તમારા ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થઈ એક્સ્ટેન્શન બ્રાઉઝરમાં ઉમેરી શકાશે. આ એક્સ્ટેન્શન પણ કેટલીક પરમિશન્સ માગશે, તેના પર ધ્યાન આપશો. ક્રોમ સિવાય ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ એજ વગેરેમાં પણ એક્સ્ટેન્શન સ્ટોર હોય છે, ક્યારેક ફુરસદે તેને તપાસશો તો તમારું બ્રાઉઝિંગ વધુ ઝડપી અને સ્માર્ટ બની શકશે.

એક સમયે વેબસાઇટ્સના સંચાલકો એવું માનતા હતા કે ડિજિટલ પબ્લિશિંગ બિલકુલ ખર્ચાળ નથી, પરંતુ પછી સમજાયું કે ખર્ચાળ તો છે અને તેમાંથી આવક ઊભી કરવી સહેલી નથી!
પરિણામે, ખાસ કરીને ન્યૂઝ સાઇટ્સનાં વેબપેજ પર એટલી બધી રીતે જાહેરાતોનો મારો થાય કે મૂળ, આપણને જોઈતું કન્ટેન્ટ વાંચવું મુશ્કેલ બને. એડ બ્લોકર એક્સ્ટેન્શન તેનો સહેલો ઉપાય આપે છે. તેને ઇન્સ્ટોલ કરી, એક્ટિવેટ કરતાં વેબસાઇટ્સ પર એકદમ ક્લીન લૂક મેળવી શકાય છે.
તમે ઇચ્છો તો ફક્ત યુટ્યૂબની સાઇટ પરથી એડ્સ દૂર કરે એવું એડબ્લોક એક્સ્ટેન્શન પણ ઇન્સ્ટોલ કરી શકો છો.

જો તમે પોતાના દૈનિક કામકાજને સિરિયસલી લેતા હો અને તેમને ધાર્યા સમયમાં, આયોજન મુજબ અને ગુણવત્તા સાથે પૂરાં કરવા માગતા હો તો કોઈ પણ સારી ટુ-ડુ લિસ્ટ સર્વિસ કે ટાસ્ક મેનેજમેન્ટ સર્વિસની મદદ અચૂકપણે લેવી જોઈએ.
ક્લિકઅપ.કોમ એવી જ એક સર્વિસ છે, જે ટાસ્ક કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સંબંધિત સંખ્યાબંધ ફીચર્સ ધરાવે છે. આ એક્સેટેન્શન, ધાર્યા મુજબ મૂળ સર્વિસના એક્સ્ટેન્શન સમાન છે. મૂળ સર્વિસમાં ફ્રી એકાઉન્ટ ખોલાવી, તેમાં કરવાનાં થતાં ઘણાં બધાં કામ તમે તમારા બ્રાઉઝિંગની સાથોસાથ, મૂળ સર્વિસમાં ગયા વિના તેના એક્સ્ટેન્શનની મદદથી પૂરાં કરી શકશો.

ઇન્ટરનેટ પર કંઈ પણ સર્ચ કે સર્ફ કરતી વખતે આપણને એવા ઘણા આર્ટિકલ, વીડિયો, ઇમેજ વગેરે જોવા મળે, જે આપણે પોતાના માટે અથવા ફ્રેન્ડસ સાથે શેર કરવા માટે સાચવી લેવા માગીએ. એ માટે ફેસબુક આપણને પોતાના એકાઉન્ટમાં કલેક્શન્સ ક્રિએટ કરવાની સગવડ આપે છે.
કંપનીનું આ એક્સ્ટેન્શન બ્રાઉઝરમાં ઉમેરી દીધા પછી, આખા ઇન્ટરનેટ પર સર્ફ કરતી વખતે તમને જે કંઈ સેવ કરી લેવા જેવું લાગે એ બધું આ એક્સ્ટેન્શનના આઇકન પર એક ક્લિકથી, તમારા ફેસબુક એકાઉન્ટમાં સેવ કરી શકો છો. ત્યાં જુદાં જુદાં કલેક્શન પણ બનાવી શકાય. આ બધું શેર ન કરીએ ત્યાં સુધી માત્ર આપણે જોઈ શકીએ છીએ.

ડિજિટલ સમયમાં કોઈ પણ બિઝનેસ માટે તેના પ્રોસ્પેક્ટિવ કસ્ટમર સુધી ઓછામાં ઓછા ખર્ચે પહોંચવું સહેલું બન્યું છે, પણ તેમાં એક મોટી ચેલેન્જ છે. એ કસ્ટમરની કોન્ટેક્ટ ડિટેઇલ કેવી રીતે મેળવવી? સોશિયલ મીડિયા પર પોસ્ટિંગ કે પ્રમોશન અંધારમાં તીર મારવા જેવી વાત છે.
પરંતુ એવી પણ સર્વિસ હોય છે જે સોશિયલ સાઇટ પરથી જોઈતી વ્યક્તિનાં ઇમેઇલ એડ્રેસ શોધી આપે! emails.reply.io આવી જ એક સર્વિસ છે. તેનું એક્સ્ટેન્શન ઇન્સ્ટોલ કરી, લિંક્ડઇન જેવી સાઇટ પર જઈને આ એક્સ્ટેન્શન ઓપન કરતાં તે તમારા કોન્ટેક્ટમાંની વ્યક્તિના ઇમેઇલ્સ શોધી આપે છે. ફ્રી એકાઉન્ટમાં મહિને ૨૦૦ લીડ મેળવી શકાય છે.

આજના સમયમાં જેમના ટેબલ પર કમ્પ્યૂટર છે એવા તમામ લોકોનો લગભગ તમામ ઓફિસ સમય કમ્પ્યૂટર સામે જ વીતતો હોય છે. ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે તેમાંથી નિયમિત સમયાંતરે બ્રેક લેવો બહુ જરૂરી છે. આ એક્સ્ટેન્શન એવી જ સગવડ આપે છે. તે તમારા બ્રાઉઝરમાં નવી ટેબના પેજને પર્સનલ ડેશબોર્ડમાં ફેરવી નાખે છે. એ પછી નવી ટેબ ઓપન કરતાં પહેલાં એક રીલેક્સિંગ ઇમેજ જોવા મળે અને તેની સાથે તમે ગોઠવ્યા મુજબનાં ટુ-ડુ લિસ્ટ, વેધર ઇન્ફર્મેશન, ડેઇલી ફોટો, પ્રેરક ક્વોટ્સ વગેરે જોવા મળે. દરેક નવી ટેબ ઓપન થતાં મન શાંત કરે એવી ઇમેજિસ અને શબ્દો – આની જાદુઈ અસર થઈ શકે છે!

સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતી ને આજીવન કંઈક નવું શીખવા ઇચ્છતી દરેક વ્યક્તિના બ્રાઉઝરમાં આ અથવા કોઈ પણ ડિક્શનરીનું એક્સ્ટેન્શન હોવું અનિવાર્ય છે. તમારા બ્રાઉઝરમાં એ ઉમેરી દેશો, પછી કોઈ પણ વેબ આર્ટિકલ વાંચતી વખતે તેમાંના કોઈ પણ શબ્દ પર અટકો ત્યારે માત્ર તેના પર માઉસથી ડબલ ક્લિક કરવાનું, ત્યાં જ એક નાની વિન્ડો ખૂલશે અને તેમાં એ શબ્દનો અર્થ સમજવા મળશે. અહીં શબ્દની માત્ર ટૂંકી સમજ જોવા મળશે, તેનાથી કામ ચાલી જાય તો ભલે, બાકી તેમાં જ ‘મોર’ પર ક્લિક કરી, ગૂગલ.કોમ પર, ઓક્સફર્ડ ડિક્શનરીમાંથી એ શબ્દના વિસ્તૃત અર્થ અને બીજી માહિતી તરફ પહોંચી શકાશે.

