ગૂગલ સાઇટ્સ એ ગૂગલની અનેક સર્વિસમાંની એક સર્વિસ છે જેની મદદથી આપણે બિલકુલ મફતમાં પોતાની વેબસાઇટ બનાવી શકીએ છીએ – અલબત્ત કેટલીક મર્યાદાઓ સાથે.

વેબસાઇટ બનાવવાનું કામ કેટલું અઘરું અને સરળ છે તેનો આધાર તમે કેવી વેબસાઇટ બનાવવા માગો છો અને તમે કેટલી ટેકનિકલ જાણકારી ધરાવો છો તેના પર છે.
અત્યારે દુનિયાભરમાં વર્ડપ્રેસ સૌથી વધુ પોપ્યુલર વેબસાઇટ પ્લેટફોર્મ છે. તેના માટે વિવિધ પ્રકારના વેબસાઇટ બિલ્ડર તરીકે ઓળખાતાં ટૂલ પણ ઉપલબ્ધ છે. વર્ડપ્રેસ ઉપરાંત પણ ઘણી બધી એવી સર્વિસ છે જેના પર આપણે આપણે પ્રમાણમાં સહેલાઇથી વેબસાઇટસ બનાવી શકીએ.
‘પ્રમાણમાં સહેલાઈથી’ લખવાનું કારણ એટલું કે આ વિવિધ ટૂલ્સ પણ થોડી ટેકનિકલ જાણકારી માગે છે. જો આવા ટૂલ્સનો ઉપયોગ કરવાની ફાવટ હોય તો કામ સહેલું બને, બાકી નહીં.
આ બધામાં ગૂગલ સાઇટ્સ અલગ તરી આવે છે. એ બિલકુલ ફ્રી સર્વિસ છે અને તેનો ઉપયોગ ઘણો સહેલો પણ છે. દેખીતું છે કે આ કારણે તે વર્ડપ્રેસ કે અન્ય પ્લેટફોર્મની સરખામણીમાં ક્યાંય ટકી શકે તેમ નથી. પણ પોતાની એનજીઓ કે ફેમિલી માટે કે અન્ય કોઈ સાદા ઉપયોગ માટે વેબસાઇટ બનાવવા ઇચ્છતી વ્યક્તિ ગૂગલ સાઇટ્સનો ઉપયોગ કરી શકે છે.

ગૂગલ સાઇટ્સ પર તમારો હાથ અજમાવી જોવા માટે આ એડ્રેસ પર જાઓ. https://sites.google.com/ અહીં તમે તૈયાર ટેમ્પલેટ્સમાંથી કોઈનો ઉપયોગ કરી શકો છો અથવા બિલકુલ કોરી પાટી જેવા કેનવાસનો ઉપયોગ કરીને તેમાં તમારી વેબસાઇટ બનાવી શકો છો.
ગૂગલ સાઇટ્સનો ઉપયોગ કરીને તેના પર તમે બ્લોગ પણ બનાવી શકો છો. અહીં ડ્રેગ એન્ડ ડ્રોપ પદ્ધતિથી વિવિધ પ્રકારનું કન્ટેન્ટ ઉમેરી શકાય છે. ગૂગલ સાઇટમાં આપણે યુટ્યૂબના વીડિયો, કેલેન્ડર, મેપ, ગૂગલ ડ્રાઇવમાંથી ડોક્સ, સ્લાઇડ્સ, શીટ્સ, ચાર્ટ કે ફોર્મ વગેરે ઉમેરી શકીએ છીએ. આ પ્રકારની સાદી વેબસાઇટ તૈયાર કર્યા પછી આપણે તેને પબ્લિશ કરી શકીએ છીએ. તેનું યુઆરએલ આ પ્રકારનું બને છેઃ https://sites.google.com/view/mysite આપણે ઇચ્છીએ તો તેને કસ્ટમ ડોમેઇન સાથે કનેક્ટ કરી શકીએ છીએ.
આગળ કહ્યું તેમ ગૂગલ સાઇટ્સ, વેબસાઇટ તૈયાર કરવા માટેની એક ખાસ્સી બેઝિક સર્વિસ છે, પરંતુ તેનો લાભ લઈને આપણે વેબસાઇટ કેવી રીતે તૈયાર થતી હોય છે તેની સમજ કેળવી શકીએ.
