
અત્યાર સુધી આપણે પોતાના બેન્ક એકાઉન્ટ માટે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સર્વિસ એક્ટિવેટ કરવી હોય તો એ માટે બેન્ક એકાઉન્ટનું ડેબિટ કાર્ડ હોવું જરૂરી હતું. યુપીઆઇનો લાભ આપણે કોઈ પણ યુપીઆઇ એપમાં લઇ શકીએ તે માટે આપણી જ બેન્કની યુપીઆઇ એપ હોવી જરૂરી નહીં. પરંતુ બેન્ક ખાતું આપણું હોવાની ખાતરી કરવા માટે ડેબિટ કાર્ડ હાથવગું હોવું જરૂરી હતું. ડેબિટ કાર્ડના નંબરની વિગતો આપીને આપણે યુપીઆઇ માટે રજિસ્ટ્રેશન કરી શકીએ તથા યુપીઆઇ પીન જનરેટ કરી શકીએ.
અત્યાર સુધી આ પ્રક્રિયા માટે ડેબિટ કાર્ડ હોવું અનિવાર્ય હોવાથી જે વ્યક્તિ પાસે બેન્ક ખાતાનું ડેબિટ કાર્ડ ન હોય તે યુપીઆઇનો ઉપયોગ કરી શકતી નહોતી.
આમ અત્યાર સુધી આ પ્રક્રિયા માટે ડેબિટ કાર્ડ હોવું અનિવાર્ય હોવાથી જે વ્યક્તિ પાસે પોતાના બેન્ક ખાતાનું ડેબિટ કાર્ડ ન હોય તે જે તે બેન્ક ખાતા માટે યુપીઆઇનો ઉપયોગ કરી શકતા નહોતા.

હવે આ સ્થિતિ બદલાઈ જશે. અગ્રગણ્ય યુપીઆઇ એપ ફોનપેમાં આધાર કાર્ડથી યુપીઆઇ એક્ટિવેશન શક્ય બની ગયું છે. ફોનપેના દાવા અનુસાર તે એવી પહેલી યુપીઆઇ એપ છે જેણે આધાર આધારિત યુપીઆઇ એક્ટિવેશન શક્ય બનાવ્યું છે. આ પદ્ધતિમાં આપણે ફોનપે એપ પર પોતાના બેન્ક ખાતાને યુપીઆઇ સાથે કનેક્ટ કરવા માટે આધારકાર્ડના છેલ્લા છ ડિજિટ આપવાના રહેશે. એ પછી આધાર અને બેન્કમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે અને તે આપીને પ્રોસેસ પૂરી કરી શકાશે.
તમે જાણતા જ હશો કે હવે સાદા, ફીચરફોનમાં પણ યુપીઆઇનો લાભ લઈ શકાય છે. આવો ફોન ધરાવતા ઘણા લોકો બેન્કમાં ખાતું ન હોવાથી, ડેબિટ કાર્ડના અભાવે યુપીઆઇમાં જોડાઈ શકતા નહોતા. હવે તેઓ પણ યુપીઆઇનો લાભ લઈ શકશે.
