વોટ્સએપમાં હજી હમણાં સુધી કોઈ લોક નહોતું. ફોનમાંની અન્ય ઘણી એપની જેમ જો આપણો ફોન અનલોક્ડ સ્થિતિમાં બીજી કોઈ પણ વ્યક્તિને હાથમાં આવે તો તે વોટ્સએપ ઓપન કરી શકે અને તેમાં આપણું અન્ય લોકો કે ગ્રૂપ્સ સાથેનું તમામ ચેટિંગ જોઈ શકે.
એ બીજી વ્યક્તિ આપણે નામે વોટ્સએપમાં કોઈ પણ બીજી વ્યક્તિને કે ગ્રૂપને કંઈ પણ મેસેજ પણ મોકલી શકે. એટલું જ નહીં, જો આપણે વોટ્સએપમાં યુપીઆઇ પેમેન્ટ સિસ્ટમ એક્ટિવેટ કરી હોય તો એ બીજી વ્યક્તિ આપણા એકાઉન્ટમાંથી રૂપિયાની આપ-લે પણ કરી શકે! આવી સ્થિતિમાં બેંંક પણ હાથ ઊંચા કરી દે કેમ કે આપણા ફોનમાં આપણા જ વોટ્સએપ એકાઉન્ટથી લેવડદેવડ થઈ હોય!
આ જોખમી સ્થિતિ બદલાઈ છે. હવે આપણે પોતાના વોટ્સએપ એકાઉન્ટને બે રીતે સલામત રાખી શકીએ છીએ.
- તેમાં ફિંગરપ્રિન્ટ લોક ઉમેરીને,
- તેમાં ટુ-સ્ટેપ-વેરિફિકેશન ઇનેબલ કરીને.
આ બંને બાબત આખરે વોટ્સએપ એકાઉન્ટની સલામતીને જ લગતી હોવા છતાં બંને અલગ અલગ છે અને બંને સમજવી જરૂરી છે.
પહેલાં ફિંગરપ્રિન્ટ લોકની વાત કરીએ
એટલું યાદ રાખશો કે જેમ આપણો ફોન લોક્ડ હોય તો પણ તેના પર અન્ય વ્યક્તિના કોલ રીસિવ કરવામાં કોઈ અડચણ ઊભી થતી નથી, તેમ વોટ્સએપને ફિંગરપ્રિન્ટથી લોક કરવાથી તેના પર આવતા કોલના જવાબ આપવામાં કોઈ અડચણ આવશે નહીં. ઉપરાંત તમે ઇચ્છો તો, ફોનમાં જીવનસાથીની ફિંગરપ્રિન્ટ ઉમેરી, તેને પણ તમારા વોટ્સએપ એકાઉન્ટની એક્સેસ આપી શકો છો.

વોટ્સએપમાં ફિંગરપ્રિન્ટ લોક ઓન કરવા માટે નીચેનાં પગલાં લઈ શકાયઃ
- વોટ્સએપ ઓપન કરી તેના સેટિંગ્સમાં જાઓ.
- તેમાં એકાઉન્ટમાં, પ્રાઇવસીમાં જાઓ.
- તેમાં છેક નીચે ફિંગરપ્રિન્ટનો ઓપ્શન મળશે, તેને ક્લિક કરો.
- અહીંથી ફિંગરપ્રિન્ટ લોક ઓન કરી શકાશે.
- વોટ્સએપ બંધ કર્યા પછી તેનું લોક તરત જ ઓન થાય, એક મિનિટ પછી ઓન થાય અથવા ૩૦ મિનિટ પછી ઓન થાય તેવું સેટિંગ કરી શકાય છે.
એ ઉપરાંત આપણા પર આવેલા નવા મેસેજના પ્રીવ્યૂ નોટિફિકેશનમાં જોવા મળે કે નહીં તે અહીંથી નક્કી કરી શકાય છે.
હવે વાત કરીએ ટુ-સ્ટેપ-વેરિફિકેશનની
સામાન્ય રીતે જીમેઇલ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં ટુ-સ્ટેપ-વેરિફિકેશન ઓન કર્યા પછી આપણે જ્યારે પણ એ સર્વિસમાં લોગઇન થઇએ ત્યારે પાસવર્ડ ઉપરાંત મોબાઇલમાં આવતા ઓટીપી જેવી, ઓથેન્ટિકેશનની બીજી ચાવી આપવાની રહે છે.
વોટ્સએપમાં ટુ-સ્ટેપ-વેરિફિકેશન જરા જુદી રીતે કામ કરે છે.
આ પદ્ધતિમાં, આપણે માત્ર જ્યારે એના એ ફોનમાં વોટ્સએપ રીમૂવ કરી, ફરી ઇન્સ્ટોલ કરીએ કે નવા ફોનમાં વોટ્સએપ એપ ઇન્સ્ટોલ કરી, તેમાં જૂના મોબાઇલ નંબરથી રજિસ્ટ્રેશન કરીએ ત્યારે પહેલેથી નક્કી કરેલો પિન આપવો જરૂરી બને છે.
આપણા મોબાઇલ નંબરથી અન્ય કોઈ વ્યક્તિ પોતાના મોબાઇલમાં વોટ્સએપ એક્ટિવેટ કરી ન લે એ માટે આ તાળું ઉપયોગી છે (ઇન્સ્ટોલેશન સમયે વોટ્સએપ આપણા નંબર પર ઓટીપી મોકલે છે, પણ આ ટુ-સ્ટેપ-વેરિફિકેશન તેમાં વધુ સલામતી ઉમેરે છે).

આમ વોટ્સએપમાં ટુ-સ્ટેપ-વેરિફિકેશનમાં આપણે રોજેરોજ બીજા ફેકટરથી વેરિફિકેશન કરવું જરૂરી નથી. માત્ર વોટ્સએપ એપ ફરી નાખીએ કે ફોન બદલીએ ત્યારે તે જરૂરી બને છે.
તેને ઇનેબલ કરવા માટે વોટ્સએપમાં સેટિંગ્સમાં એકાઉન્ટમાં જાઓ. તેમાં ટુ-સ્ટેપ-વેરિફિકેશનનો વિકલ્પ મળશે. અહીંથી તમે ટુ-સ્ટેપ-વેરિફિકેશન ઇનેબલ કરશો ત્યારે છ અંકનો એક પિન નક્કી કરવાનો થશે. આ પિન ક્યાંક યોગ્ય રીતે સાચવી રાખશો. આમ તો ટુ-સ્ટેપ-વેરિફિકેશન ઇનેબલ કર્યા પછી તે આપણને યાદ રહી તે માટે વોટ્સએપ આપણને વખતોવખત આ પિન પૂછશે (દર વખતે નહીં, ક્યારેક જ) અને આ પિન આપ્યા પછી જ આગળ વધવા દેશે. આમ છતાં કોઈ સંજોગમાં આપણે પિન ભૂલી જઇએ તો તેને રીસેટ કરવા માટે, સિક્યોરિટીના સ્ટેપ તરીકે આપણે પોતાનું ઇમેઇલ એડ્રેસ આપવાનું રહે છે.
નવા ફોનમાં વોટ્સએપ ઇન્સ્ટોલ કરતી વખતે જો આપણે પિન ભૂલી ગયા હોઇએ તો આપણે આપેલા ઇમેઇલ એડ્રેસ પર તેની લિંક મેળવી શકીએ છીએ. કોઈ સંજોગમાં આપણે ઇમેઇલ એડ્રેસ પણ એક્સેસ કરી શકીએ તેમ ન હોય તો વોટ્સએપ સાત દિવસ માટે એકાઉન્ટ લોક કરી દે છે. આપણે સાત દિવસ પછી પિન વિના, પણ પોતાના ફોન નંબર પર આવતો રજિસ્ટ્રેશન કોડ આપ્યા પછી, નવા ફોનમાં વોટ્સએપ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ.
એટલું જ નહીં, નવા ફોનમાં વોટ્સએપ ઇન્સ્ટોલ કરતી વખતે કોઈ તકલીફ થાય તો જૂના ફોનમાં ટુ-સ્ટેપ-વેરિફિકેશનમાં જઈ તેને ડિસેબલ કરી શકીએ છીએ. આ સમયે પિન પૂછવામાં આવતો નથી.


