(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • યુપીઆઇની લેવડદેવડના પ્રોબ્લેમ હવે રીયલ ટાઇમમાં ઉકેલાશે
  • કારના ડેશબોર્ડનું સ્થાન એપલની સિસ્ટમ લઈ લેશે
  • હવે આવે છે ચિપવાળા પાસપોર્ટ
  • બહુ મોટા પ્રમાણમાં ભારતના કર્મચારીઓ નોકરીથી કંટાળ્યા છે

તમારી પાસે સ્માર્ટફોન હોય તો ઘણું કરીને હવે તમે પણ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ)નો ઉપયોગ શરૂ કરી દીધો હશે. જો એમ હોય તો તમારે માટે એક સારા સમાચાર છે. સામાન્ય રીતે યુપીઆઈ એકદમ સલામત વ્યવસ્થા છે અને આપણે પોતે કોઈ ભૂલ કે ગફલત ન કરીએ તો તેમાં થતું ટ્રાન્ઝેકશન સલામત રહે છે. કોઈ કારણસર આપણે કોઈને યુપીઆઈ દ્વારા મોકલેલી રકમ સામેની વ્યક્તિના ખાતામાં ન પહોંચે તો તે ફરી આપણા ખાતામાં જમા થાય છે, પરંતુ એ માટે આપણે ધીરજ રાખવી પડે છે.

હવે  યુપીઆઈનું સંચાલન કરતા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)ના એમડી અને સીઇઓએ જણાવ્યા અનુસાર આખી વ્યવસ્થા હજી વધુ સલામત બનશે. તેમણે જણાવ્યા અનુસાર એનપીસીઆઈમાં અત્યારે યુપીઆઈ આધારિત પેમેન્ટમાં થતા ડિસ્પ્યુટ વાસ્તવિક સમયમાં જ ઉકેલતી વ્યવસ્થા વિકસાવવા પર કામ ચાલી રહ્યું છે. આ વ્યવસ્થા સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં કાર્યરત થઈ જાય તેવી શક્યતા છે. વિવિધ યુપીઆઈ એપમાં જ આ ફીચર ઉમેરાઈ જશે અને એ પછી યુપીઆઈ એપમાંથી પેમેન્ટ બાબતે કોઈ તકલીફ સર્જાય તો ૮૦ થી ૯૦ ટકા કિસ્સામાં તેનો તરત ને તરત ઉકેલ આવી જશે.

આ વ્યવસ્થા પૂરેપૂરી અમલી થશે એ પછી આપણે યુપીઆઈથી કરેલું પેમેન્ટ નિષ્ફળ જાય અને રકમ આપણા ખાતામાંથી ડેબિટ થઈ જાય તો આપણે બેન્ક કે અન્ય કોઈ જગ્યાએ મદદ માટે સંપર્ક કરવાની જરૂર રહેશે નહીં. એપમાં જ આપણને મદદ કરતું એક ફીચર રહેશે. તેમાં આપણી વિગતો આપતાં પેમેન્ટ સંબંધિત ડિસ્પ્યુટ તરત ને તરત ઉકેલાઈ જશે.

એનપીસીઆઇએ યુપીઆઈની સગવડ આપતી તમામ બેન્ક તથા અન્ય યુપીઆઈ એપ્સને આ નવી ઓનલાઇન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં પોતાની સર્વિસમાં એક્ટિવેટ કરવાની તાકિદ કરી દીધી છે. એમ કરવામાં નિષ્ફળ જનારી કંપની પોતાની યુપીઆઈ વ્યવસ્થામાં નવા કસ્ટમર્સ ઉમેરી શકશે નહીં.

એપલ કંપનીએ તાજેતરમાં તેની ઓપરેટિંગ સિસ્ટમના નવા વર્ઝન આઇઓએસ૧૬નાં ફીચર્સની જાહેરાત કરી, તેની સાથોસાથ કંપનીના ઓટો સેક્ટરમાં રસ વિશે પણ વિગતો આપી.

એપલ કંપની કાર્સની ડ્રાઇવિંગ સિસ્ટમમાં જ તેનાં સોફ્ટવેર વધુ ને વધુ ઇન્ટિગ્રેટ કરવાની તૈયારીમાં છે. એ મુજબ, નજીકના ભવિષ્યમાં એપલના પ્રોગ્રામ કારનાં ડેશબોર્ડનું જ સ્થાન લઈ લેશે. અત્યારે એપની કાર્સ માટેની સિસ્ટમ, કારની પોતાની સિસ્ટમ કરતાં અલગ રહે છે, પરંતુ હવે કારના વિવિધ કંટ્રોલ પણ એપલની સિસ્ટમથી મેનેજ કરી શકાશે.

વર્ષ ૨૦૧૬માં અચાનક નોટબંધી લાદવામાં આવી ત્યારે ૨૦૦૦ની નવી ચલણી નોટમાં, નોટનું ટ્રેકિંગ થઈ શકે તેવી ચિપ મૂકવામાં આવી છે એવી જોરદાર અફવા ચાલી હતી, હવે એ વાત પાસપોર્ટની બાબતે સાચી પડી રહી છે! દુનિયાના ૧૦૦થી વધુ દેશોમાં ઇ-પાસપોર્ટનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. ત્યાં સુધી કે ભારતના પડોશી પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ ઇ-પાસપોર્ટનો ઉપયોગ થાય છે. હવે આપણે પણ આ યાદીમાં સામેલ થઈ જશું. 

ગયા મહિને ‘પાસપોર્ટ સેવા દિવસ’ના અવસરે ભારતના વિદેશ પ્રધાને આ જાહેરાત કરી. સામાન્ય રીતે ઇ-ડોક્યુમેન્ટનો અર્થ એ થાય કે એ ડોક્યુમેન્ટ માત્ર ઇલેકટ્રોનિક સ્વરૂપે હોય, પરંતુ ઇ-પાસપોર્ટની બાબતમાં એવું નથી. આ પાસપોર્ટ અન્ય પાસપોર્ટ જેવો જ રહેશે. ફેર માત્ર એટલો કે તેમાં પાસપોર્ટની અંદર એક ચિપ મૂકવામાં આવશે. જે રીતે આપણા ડ્રાઇવિંગ લાયસન્સમાંની બધી માહિતી એક ચિપવાળા પ્લાસ્ટિક કાર્ડમાં સમાવી લેવામાં આવી છે, એ જ રીતે પાસપોર્ટમાંની ચિપમાં પાસપોર્ટધારકની બધી મહત્ત્વની માહિતી જેમ કે નામ, જન્મ તારીખ, સરનામું અને અન્ય વિગતો સ્ટોર કરવામાં આવશે.

રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઇડી) આધારિત આ ચિપની મદદથી અધિકારીઓ પાસપોર્ટ ધારકની વિગતો વધુ ઝડપથી વેરિફાઈ કરી શકશે. ચિપવાળા ઇ-પાસપોર્ટને કારણે બનાવટી પાસપોર્ટનું દૂષણ પણ ઘટે તેવી શક્યતા છે. આ નવા પ્રકારના પાસપોર્ટ આ વર્ષના અંત સુધીમાં ઇસ્યુ થવાનું શરૂ થઈ જાય તેવી શક્યતા છે. હાલના સાદા પાસપોર્ટ ધરાવતા લોકોએ તેમનો પાસપોર્ટ અપગ્રેડ કરવો પડશે કે કેમ તે વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી.


તમે નજીકના મહિનાઓમાં તમારી નોકરી છોડી દેવાનું વિચારો છો? તો તમે દેશના ૮૬ ટકા કર્મચારીઓમાંના એક છો! આ આંકડો માનવો બહુ મુશ્કેલ છે, પરંતુ ભારતમાં પણ કામકાજ ધરાવતી એક મલ્ટિનેશનલ રિક્રૂટમેન્ટ કંપનીના સર્વેમાં આ વાત બહાર આવી છે.

ભારતની આઇટી કંપનીના સિનિયર ઓફિસર્સ વાતવાતમાં કહેતા હોય છે કે વર્ક-ફ્રોમ-હોમ તદ્દન બંધ થાય તો તેમની આખી ટીમને ફરી ઓફિસમાં બોલાવવાનું કામ મુશ્કેલ બને તેમ છે. કોરોના પછી હવે લોકો વર્ક-હોમનું બેલેન્સ ઇચ્છવા લાગ્યા છે અને ફેમિલી સાથે ક્વોલિટી ટાઇમના ભોગે તેઓ નોકરી કરવા ઇચ્છતા નથી. એ જ કારણે, પેલી કંપનીના સર્વેમાં આ ચોંકાવનારો આંકડો બહાર આવ્યો છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ વાત માત્ર આઇટી સેક્ટરની નથી.

સર્વે મુજબ, ભારતના ૬૧ ટકા લોકો જો સુખ-શાંત જળવાતાં હોય અને ખુશાલી મળતી હોય તો ઓછા પગારની નોકરી સ્વીકારવા કે પ્રમોશન જતું કરવા હવે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!