હમણાં ગૂગલના એક એન્જિનીયરે ધડાકો કર્યો! તેણે કહ્યું કે ગૂગલની એક ટીમ જેના પર કામ કરી રહી છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સિસ્ટમ ‘સેન્ટીઅન્ટ’ થઈ ગઈ છે!
‘સેન્ટીઅન્ટ’નો સીધો સાદો અર્થ એ કે જેનામાં સંવેદના હોય, જે જુદી જુદી બાબતો વિશે કંઈક ‘ફીલ’ કરી શકે એ સેન્ટીઅન્ટ કહેવાય. સામાન્ય રીતે માણસ માટે આ શબ્દ વપરાય. વિકિપીડિયા કહે છે કે છેક ૧૬૩૦ના દાયકામાં ફિલસૂફોએ પહેલી વાર આ શબ્દનો ઉપયોગ શરૂ કર્યો. ત્યારે, ખાસ તો વિચારશક્તિ કરતાં અલગ, સંવેદન અનુભવી શકવાની શક્તિ દર્શાવવા આ શબ્દ ચલણમાં આવ્યો.
હવે ફરી મૂળ વાત પર આવીએ.

બ્લેક લેમોઇન નામના ગૂગલના એક સિનિયર એન્જિનીયરે તેના પ્રોજેક્ટના ભાગ રૂપે ‘લેંગ્વેજ મોડેલ ફોર ડાયલોગ એપ્લિકેશન્સ’ નામની એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે લાંબી ‘વાતચીત’ કરી હતી.
બંનેએ માનવીય સંવેદના, જીવનમાં થતા અન્યાય, મૃત્યુ વગેરે વિષયો પર વાતચીત કરી હતી! એ વાતચીત દરમિયાન આ એન્જિનીયરને થયું કે ‘‘ઓત્તારી! આ સિસ્ટમ તો અદ્દલ માણસ જેવી જ સંવેદનાઓ અનુભવે છે!’’ તેણે આ વાતચીતનો રિપોર્ટ બીજા ૨૦૦ ગૂગર્સને ઈમેઇલ કર્યો. એ વાત છેવટે ગૂગલની બહાર પહોંચી. આ કારણે ગૂગલે એ એન્જિનીયરને કંપનીની ખાનગી માહિતી લીક કરવા બદલ રજા પર ઉતારી દીધા, પણ ધ્યાન આપજો, તેનો પગાર ચાલુ રાખ્યો છે.
એઆઇ લાંબા સમયથી ચર્ચાસ્પદ બની છે. એ એક દિવસ માણસની બુદ્ધિને આંબી જશે કે તેનાથી પણ આગળ નીકળી જશે એવી શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે. એ દિવસ છેવટે આવી પહોંચ્યો છે?
અત્યારે મોટા બાગના નિષ્ણાતો માને છે કે પેલા એન્જિનીયરનો દાવો ખોટો છે, પણ ગૂગલે આ મુદ્દે મૌન ધારણ કરી લીધું છે!
