(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વ્યક્તિગત કે કંપની/સંસ્થાના કામકાજ માટે ઉપયોગી બિલકુલ મફત ઓફિસ પ્રોગ્રામ્સ!

ઘરનું સામાન્ય કામકાજ કરવું હોય કે નાની કંપની માટે કોસ્ટ કટિંગ કરવું હોય - બંને પ્રકારના કામ માટે ફ્રી ઓફિસ પ્રોગ્રામ્સ છે.

ઓફિસ પ્રોગ્રામ્સ – આ શબ્દો કાને પડતાં આપણા મનમાં માત્ર ને માત્ર વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટ જેવા પ્રોગ્રામ્સનો વિચાર ઝબકે. આખી દુનિયામાં ઓફિસના કામકાજમાં પર્સનલ કમ્પ્યૂટર્સ અને તેમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ તથા માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સનું વર્ષો સુધી લગભગ એકચક્રી શાસન રહ્યું.  તેના કોઈ વિકલ્પો હશે એવી પણ ઘણા લોકોને ખબર નહીં હોય! આ રાજ એવું કે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ વર્ષો સુધી દુનિયાના સૌથી વધુ ધનિકના સ્થાન પર ટકી રહ્યા.

ઓફિસની દુનિયામાં વર્ષોથી માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સનું લગભગ એકચક્રી શાસન રહ્યું છે.

ઓફિસનું કામકાજ કરવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સ અત્યંત પાવરફુલ છે એ વાત સાચી, પરંતુ ઓફિસ પ્રોગ્રામ્સ એટલે માત્ર માઇક્રોસોફ્ટ એવું નથી. કંપનીના પ્રોગ્રામ્સ એક વાર કિંમત ચૂકવીને ખરીદી શકાય તેવા અથવા હવે વાર્ષિક લવાજમ સ્વરૂપે ઉપલબ્ધ હોવાથી ઘણા લોકોને તે પરવડે તેમ નથી.

વ્યક્તિગત ઉપયોગ માટે તે મોટા ભાગના લોકોને ચોક્કસ મોંઘા પડે. કંપની નાની હોય ત્યારે સોફ્ટવેરની કિંમત આકરી લાગે અને કંપની બહુ મોટી થાય, તો બહુ મોટી સંખ્યામાં સોફ્ટવેર લાઇસન્સ લેવાનાં થાય એટલે કોસ્ટ કટિંગનો વિચાર આવે! સરકારી વિભાગો કે શાળાઓમાં પણ આ જ કારણે માઇક્રોસોફ્ટના પ્રોગ્રામ્સના વિકલ્પો તરફ નજર દોડાવવી પડે.

આવા ઘણા વિકલ્પો છે પણ ખરા.

તમને આ પ્રોગ્રામ્સ મોંઘા પડતા હોય કે તેમાં મળતાં બધાં ફીચર્સની તમારે જરૂર ન હોય તો તેના જુદા જુદા વિકલ્પો પણ હવે છે.

માઇક્રોસોફ્ટના દરેક પ્રોગ્રામ પાર વગરની ખૂબીઓ ધરાવે છે, પણ દરેકને આ બધી ખૂબીઓની જરૂર ન પણ હોય. તમે કે તમારી કંપની પણ આ કેટેગરીમાં આવતા હો તો તમે તેના વિકલ્પો તપાસી શકો છો.

વ્યક્તિગત ઉપયોગ કે નાની કંપની, સંસ્થા માટે આ વિકલ્પો બિલકુલ ફ્રી છે ને તમારી જરૂરિયાતો ઘણે અંશે પૂરી કરી શકે છે.

આગળનાં પાનાંઓ પર માઇક્રોસોફ્ટના મુખ્ય ઓફિસ પ્રોગ્રામ્સની નજીકના કે હજી થોડા દૂરના કેટલાક વિકલ્પોની વાત કરી છે. આ વિકલ્પો તપાસતી વખતે આપણે એ વાત પર ધ્યાન આપ્યું છે કે હવે આખી દુનિયા ક્લાઉડ તરફ, બધું કામકાજ ક્લાઉડમાં કરવા વળી રહી છે. આથી આપણે ડેસ્કટોપમાં ઇન્સ્ટોલ કરી શકાય તથા માત્ર વેબ પર કામ કરી શકાય એવા બંને પ્રકારના વિકલ્પોની વાત કરી છે.

તમારું કામકાજ પ્રમાણમાં મર્યાદિત હોય કે તમારી કંપનીની જરૂરિયાતો ઓછી હોય તો તમે આ વિકલ્પો તપાસી શકો છો.

ડેસ્કટોપમાં ડાઉનલોડ માટે વિકલ્પો

વ્યક્તિગત કે ઓફિસ ઉપયોગ માટે તમે પીસી કે ડેસ્કટોપમાં કામ કરી શકાય એવા બિલકુલ મફત ઓફિસ પ્રોગ્રામ્સ શોધી રહ્યા હો, તો અહીં આપેલા ચારેય વિકલ્પ ધ્યાનથી તપાસવા જેવા છે.

એટલું યાદ રાખશો કે અહીં જણાવેલા પ્રોગ્રામ્સ મફત છે એ જ તેમનું સૌથી મોટું જમા પાસું છે. વર્ડ, એક્સેલ કે પાવરપોઇન્ટ જેટલાં ફીચર્સ આ ફ્રી પ્રોગ્રામ્સમાં સહેલાઈ ન મળે કે તમને તેનો ઉપયોગ ન ફાવે એવું બની શકે છે. એટલી ખાતરી છે કે આ બધા પ્રોગ્રામ્સમાં માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલ્સ સાથે સહેલાઈથી કામ પાર પાડી શકાય છે.

libreoffice.org

માઇક્રોસોફ્ટના ઓફિસ પ્રોગ્રામ્સનો સૌથી નજીકનો, છતાં સૌથી દૂરનો હરીફ!

સૌથી નજીકનો એટલા માટે કે વધુમાં વધુ લોકો તેને માઇક્રોસોફ્ટના મફત વિકલ્પ તરીકે જાણે છે, બિલકુલ ફ્રી છે, ઓપન સોર્સ છે, સરકારી સંસ્થાઓમાં તેનો બહોળો ઉપયોગ થાય છે. ફીચર્સની દૃષ્ટિએ આ પ્રોગ્રામ માઇક્રોસોફ્ટ પ્રોગ્રામ્સની ઘણી નજીક છે. અહીં દર્શાવેલા અન્ય વિકલ્પો કરતાં યુનિકોડ સપોર્ટ પણ વધુ સારો છે.

સૌથી દૂરનો એટલા માટે કે તે યૂઝર ઇન્ટરફેસની રીતે હજી બહુ જૂનવાણી છે. તમે ઓફિસમાં માઇક્રોસોફ્ટના લેટેસ્ટ પ્રોગ્રામ્સ પર કામ કરતા હો તો ઘરના પીસી કે લેપટોપમાં લિબરઓફિસમાં કામ કરવું ગમે નહીં! આ પ્રોગ્રામ માઇક્રોસોફ્ટ ઓફિસ ફાઇલ્સને સપોર્ટ કરતો હોવા છતાં તે બધી રીતે પરફેક્ટ નથી. વર્ડ, એક્સેલ કે પાવરપોઇન્ટની ફાઇલ્સનાં અમુક ફીચર લિબરઓફિસમાં કામ ન કરે અને લિબરઓફિસમાં તૈયાર કરેલી ફાઇલ્સ માઇક્રોસોફ્ટ પ્રોગ્રામ્સમાં ઓપન કરવા જતાં અમુક ગરબડ થાય એવી શક્યતા રહે છે.

  • બિલકુલ ફ્રી, ઓપન સોર્સ પ્રોગ્રામ
  • માઇક્રોસોફ્ટ પ્રોગ્રામ્સની ઘણી નજીક
  • યૂઝર ઇન્ટરફેસ ઘણો જૂનવાણી
  • ભારતીય ભાષા માટે યુનિકોડ સપોર્ટ છે

freeoffice.com

તમે માઇક્રોસોફ્ટ ઓફિસનો મફત વિકલ્પ શોધતા હો, પણ લિબરઓફિસનો ઓપન સોર્સ એપ્રોચ (એટલે કે જેને કમ્યુનિટી ડેવલપ કરતી હોય, જેમાં સારી ડિઝાઇન કરતાં ફંક્શન્સ પર વધુ ફોકસ હોય) તમને ગમતો ન હોય, તો સોફ્ટમેકર ફ્રીઓફિસ તમારી અપેક્ષા પૂરી કરી શકે.

જર્મનીની એક કંપનીએ  છેક ૧૯૮૭માં વર્ડ પ્રોસેસર (ટેક્સ્ટમેકર એટલે કે વર્ડ), સ્પ્રેડશીટ (પ્લાનમેકર એટલે કે એક્સેલ) અને પ્રેઝન્ટેશન ગ્રાફિક્સ (સોફ્ટમેકર પ્રેઝન્ટેન્શન એટલે કે પાવરપોઇન્ટ) તથા ડેટાબેઝ સોફ્ટવેર (ડેટામેકર એટલે કે એક્સેસ) સોફ્ટવેરનો આખો સ્યૂટ વિક્સાવ્યો હતો. આ બધા જ પ્રોગ્રામ તમે પર્સનલ અને બિઝનેસ યૂઝ માટે બિલકુલ મફતમાં ડાઉનલોડ કરી શકો છો. તે વિન્ડોઝ, લિનક્સ અને મેક ત્રણેય પ્લેટફોર્મ પર ચાલે છે.  પ્રાઇવેટ કંપનીએ વિક્સાવેલ હોવાથી તે ડિઝાઇનની રીતે પણ માઇક્રોસોફ્ટ પ્રોગ્રામ્સની ઘણી નજીક છે. તમે આ પ્રોગ્રામમાં માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલ્સ સહેલાઈથી ઓપન/એડિટ કરી શકો છો.

  • બિલકુલ ફ્રી, જર્મનીની કંપનીનો પ્રોગ્રામ
  • ડિઝાઇનની રીતે પણ માઇક્રોસોફ્ટની નજીક
  • રિબન અથવા જૂના મેનૂના વિકલ્પો
  • લાઇટવેઇટ, ફાસ્ટ પ્રોગ્રામ
  • ભારતીય ભાષા માટે યુનિકોડ સપોર્ટ નથી

onlyoffice.com

શરૂઆતમાં કોઈ એક ઓફિસના ઇન્ટર્નલ ટીમ કોલાબોરેશન માટે જે પ્રોગ્રામ ડેવલપ કરવામાં આવ્યો હોય, એ આગળ જતાં માઇક્રોસોફ્ટના ઓફિસ પ્રોગ્રામ્સનો મજબૂત વિકલ્પ બની જાય એવું માનવામાં આવે? ઓન્લીઓફિસ એવો જ એક પ્રોગ્રામ છે.

યુરોપના એક નાના દેશની એક આગળ પડતી આઇટી કંપનીએ ડિઝાઇન કરેલો આ પ્રોગ્રામ ઘણી બધી રીતે, સોફ્ટમેકર ફ્રીઓફિસ જેવો જ છે.

તેનાં ડેસ્કટોપ, આઇઓએસ અને એન્ડ્રોઇડ વર્ઝન ઉપલબ્ધ છે. મજાની વાત એ છે કે તમે હજી પણ વિન્ડોઝ એક્સપી કે વિસ્ટા જેવી જૂની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હો તો તેને માટે પણ આ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકાય છે. એ ઉપરાંત, કંપની તરીકે તમે ઇચ્છો તો આ પ્રોગ્રામને તમારા પોતાના સર્વર પર હોસ્ટ કરી શકો છો. ક્લાઉડ સપોર્ટ છે, પણ પેઇડ છે.

તમે ઇચ્છો તો તમારી ફાઇલ્સ એન્ક્રિપ્ટ પણ કરી શકો છો, જે બ્લોકચેઇન આધારિત છે.

  • બિલકુલ ફ્રી, ઓપન સોર્સ પ્રોગ્રામ
  • માઇક્રોસોફ્ટ ફોર્મેટ્સનો નેટિવ સપોર્ટ
  • ડિઝાઇનની રીતે માઇક્રોસોફ્ટની નજીક
  • પ્રોફેશનલ ઇન્ટરફેસ
  • ભારતીય ભાષા માટે યુનિકોડ સપોર્ટ નથી

wps.com

લગભગ માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સ જેવો જ લેઆઉટ, સ્લીક પ્રેઝન્ટેશન (લિબરઓફિસ જેવી ‘જૂનવાણી’ ફીલ બિલકુલ નહીં!), માઇક્રોસોફ્ટ ઓફિસની ખાસ્સાં નજીકનાં ફીચર્સ, સારો પીડીએફ સપોર્ટ, ભારતીય ભાષાઓ સહિત યુનિકોડ સપોર્ટ, એન્ક્રિપ્શન, મોબાઇલ માટેનાં પણ વર્ઝન…

ડબલ્યુપીએસ ઓફિસ પ્રોગ્રામમાં આ બધું જ છે, છતાં તેનું બિલકુલ ફ્રી વર્ઝન પણ છે. સરસ, તો પછી વિચારવાનું શું રહ્યું?

એટલું જ કે અત્યારે સિંગાપોર બેઝ્ડ આ કંપનીનાં મૂળ ચીનમાં છે! સાદી ટુ-ડુ એપ હોય કે પછી આખેઆખું ઇન્ટરનેટ કે પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન – ચીને બધી વાતના પોતાના વિકલ્પો વિક્સાવી લીધા છે અને એ બધા જ, ફીચર્સની દૃષ્ટિએ ચોક્કસપણે ‘ચાઇનીઝ ક્વોલિટી’ના નથી. ડબલ્યુપીએસ ઓફિસ પ્રોગ્રામ પણ એવો જ છે. તેનું પેઇડ વર્ઝન પણ ખાસ્સું સસ્તું છે.

ભારત સરકારે ૫૯ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, તેમાં ડબલ્યુપીએસ ઓફિસ સામેલ નથી!

  • બિલકુલ ફ્રી વર્ઝન પણ ફીચર રીચ
  • માઇક્રોસોફ્ટ ફોર્મેટ્સ સાથે કમ્પેટિબલ
  • ડિઝાઇનની રીતે માઇક્રોસોફ્ટની બહુ નજીક
  • મોટી ટેમ્પ્લેટ લાઇબ્રેરી
  • ભારતીય ભાષા માટે યુનિકોડ સપોર્ટ છે

ઓનલાઇન કામ લાગે તેવા વિકલ્પો

તમને સતત સારું ઇન્ટરનેટ કનેક્શન મળતું હોય અને તમારી ફાઇલ્સ મોટા ભાગે ક્લાઉડમાં જ સ્ટોર કરતા હો, તો માઇક્રોસોફ્ટ ઓફિસના વિકલ્પ તરીકે નીચેના મફત પ્રોગ્રામ્સ તપાસી શકાય.


નવા સમય અને વર્ક-ફ્રોમ-હોમ કે વર્ક-ફ્રોમ-એનીવ્હેર જેવા આજના ટ્રેન્ડ્સને ધ્યાનમાં લેતાં, આપણું બધું જ કામકાજ ક્લાઉડમાંથી થાય અને ત્યાં જ સેવ્ડ રહે તે સૌથી સારો વિકલ્પ છે. પરંતુ એ માટે, વિવિધ ડિવાઇસમાં અને વિવિધ જગ્યાએ આપણને ઝડપી અને વિશ્વસનીય નેટ કનેક્શન મળે તે જરૂરી છે.

office.com

લગભગ દરેક ઓનલાઇન સર્વિસની જેમ માઇક્રોસોફ્ટ પણ તેના ઓફિસ સોફ્ટવેરનો મફત ઉપયોગ કરવાની તક આપે છે. અલબત્ત શરતો અને મર્યાદાઓ સાથે.

હવે નવા ખરીદેલ લગભગ દરેક લેપટોપમાં માઇક્રોસોફ્ટ ૩૬૫નું એક મહિનાનું મફત ટ્રાયલ વર્ઝન ઇન્સ્ટોલ્ડ હોય છે. પરંતુ એ બધી રીતે મર્યાદિત છે.

સામે પક્ષે જો તમે સારું ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા હો, ઓફિસ પ્રોગ્રામ્સના બધા ફીચર તમારે ઉપયોગી ન હોય અને માઇક્રોસોફ્ટના પ્રોગ્રામ્સમાં જ કામ કરવાનો આગ્રહ હોય તો આ પ્રોગ્રામ્સનો ઓનલાઇન મફત ઉપયોગ કરી શકો છો. એ માટે https://www.office.com/ સાઇટ પર જઇને ઓફિસના ફ્રી વર્ઝન માટે સાઇનઅપ કરી શકો છો. આ પછી તમે વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ, આઉટલૂક વગેરે પ્રોગ્રામનો ઓનલાઇન મફત ઉપયોગ કરી શકો છો. અલબત્ત ફ્રી ઓનલાઇન વર્ઝનમાં ફીચર્સનું પ્રમાણ ઘણું ઓછું છે. ફાયદો એ છે કે તમે તમારી ફાઈલ્સ ક્લાઉડમાં વન ડ્રાઇવમાં સેવ કરી શકો છો. કુલ ૫ જીબી ફ્રી સ્પેસ મળે છે.

drive.google.com

હાલમાં માઇક્રોસોફ્ટનો આ સૌથી વધુ મજબૂત વિકલ્પ છે. તેનો લાભ એ છે કે આપણે ઓનલાઇન તથા ઓફલાઇન બંને રીતે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તેમ જ માઇક્રોસોફ્ટના વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ જેવા પ્રોગ્રામ્સ સાથે લગભગ બધી રીતે કમ્પેટીબલ છે.

બીજો મોટો ફાયદો એ છે કે તેમાં ફ્રી એકાઉન્ટમાં પણ આપણને ૧૫ જીબી જેટલી સ્પેસ મળે છે. માઇક્રોસોફ્ટના પ્રોગ્રામ્સનો સારો પરિચય હોય તો તેના ગૂગલના વિકલ્પ જેવા પ્રોગ્રામ્સનો બહુ સહેલાઈથી ઉપયોગ કરી શકાય છે. ગૂગલના વિકલ્પો માઇક્રોસોફ્ટ જેટલા ફીચ ર-રીચ નથી પરંતુ હવે તેની બહુ નજીક પહોંચતા જાય છે.

ઉપરાંત, તમે ‘ડ્રાઇવ ફોર ડેસ્કટોપ’ પ્રોગ્રામ લેપટોપમાં ઇન્સ્ટોલ કરીને તમારા લેપટોપમાંનાં ફોલ્ડર્સ તથા ફાઇલ્સ ક્લાઉડ સાથે સિંક્ડ રાખી શકો છો. ગૂગલ ડોક્સમાંની ફાઇલ અન્ય સાથે શેર કરી શકાય છે અને તેમાં એક ફાઇલ પર એક સાથે ૫૦ લોકો કામ કરી શકે છે. વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટના હરીફ જેવી દરેક એપનો મોબાઇલમાં પણ લાભ લઈ શકાશે.

icloud.com/iwork

એપલના આઇવર્ક સ્યૂટના પ્રોગ્રામનો ઉપયોગ કરવા માટે દરેક એપ માટે યૂઝર દીઠ ચાર્જ ચૂકવવો પડે છે. પરંતુ માઇક્રોસોફ્ટની જેમ આ પ્રોગ્રામ્સનો વેબમાં મફત ઉપયોગ થઈ શકે છે. માઇક્રોસોફ્ટના વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટના પ્રોગ્રામના વિકલ્પ તરીકે એપલ પેજીસ, નંબર તથા કીનોટ નામના પ્રોગ્રામ આપે છે.  મેક માટે આ પ્રોગ્રામના ડેસ્કટોપ વર્ઝન જેવો જ લેઆઉટ વેબવર્ઝનમાં મળે છે.

એપલની ઓળખ જેવો સ્લીક યૂઝર ઇન્ટરફેસ આ પ્રોગ્રામ્સમાં પણ મળે છે. તમારી પાસે મેક હોય ને તમે આઇવર્ક પ્રોગ્રામ્સનો ઉપયોગ કરતા હો તો આઇવર્ક ફોર આઇક્લાઉડનો ઉપયોગ કરવામાં દેખીતો ફાયદો છે કેમ કે તેમાં ડેસ્કટોપ ને વેબવર્ઝન બહુ સારી રીતે ઇન્ટિગ્રેટ થાય છે.

માઇક્રોસોફ્ટની જેમ અહીં પણ તમારી ફાઇલ્સ આઇક્લાઉડમાં સ્ટોર થાય છે. માઇક્રોસોફ્ટ ઓફિસ ફાઇલ્સ આઇવર્ક ફોર આઇક્લાઉડમાં સહેલાઇથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી શકાય છે. મુશ્કેલી એ જ કે ફ્રી એકાઉન્ટમાં કુલ ફક્ત પાંચ જીબી ફ્રી સ્પેસ મળે છે.

zoho.com/docs

માઇક્રોસોફ્ટ ઓફિસના ફ્રી વેબવર્ઝનની મર્યાદાઓ તમને નડતી હોય અને કોઈ કારણસર તમે ગૂગલ ડોક્સનો ઉપયોગ કરવા ન માગતા હો તો ઝોહો ઓફિસ તમારે માટે મજબૂત વિકલ્પ બની શકે છે. મૂળ ભારતીય અને હવે ગ્લોબલ બનેલી આ કંપની ઓફિસ પ્રોગ્રામ્સમાં ખાસ્સી લોકપ્રિય બની રહી છે.

તેમાં પણ માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સ જેવા જ વૈકલ્પિક પ્રોગ્રામ મળે છે. અહીં પણ એક ડોક્યુમેન્ટ પર એક સાથે કામ કરવું, કામ કરતાં કરતાં ચેટિંગ કરવું, તથા ક્લાઉડમાં જ ફાઇલ સેવ કરવા જેવાં ફીચર્સ મળે છે.  ઝોહોની ખાસિયત એ છે કે તેના પ્રોગ્રામ માઇક્રોસોફ્ટના પ્રોગ્રામ્સની બહુ નજીક છે તથા માઇક્રોસોફ્ટની ફાઇલ્સ સાથે તે બહુ સારી રીતે કમ્પેટિબલ છે.

વ્યક્તિગત ઉપયોગ માટે તમે ઝોહોમાં એકાઉન્ટ ખોલાવીને સીધા તેના વેબ વર્ઝનમાં કે એપમાં ઝોહો રાઇટર, ઝોહો શીટ અને ઝોહો શો જેવા પ્રોગ્રામમાં મફત કામ કરી શકો છો. કંપની કે મોટી ટીમ માટે ઝોહોના વિવિધ પેઇડ પ્લાન્સ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!