ગયા અંકમાં આ જ પેજ પર આપણે વાત કરી હતી કે ૨૦ વર્ષથી ફરાર ઇટાલીના એક માફિયાને પોલીસે ગૂગલ મેપ્સ અને સ્ટ્રીટ વ્યૂની મદદથી ટ્રેક કરીને કેવી રીતે ઝડપી પાડ્યો. હવે ગૂગલ મેપ્સ અને સ્ટ્રીટ વ્યૂનો બિલકુલ અનોખો ઉપયોગ બહાર આવ્યો છે.
આપણે સૌએ જીવનમાં ક્યારેક ને ક્યારેક બહુ નજીકના સ્વજનને ગુમાવવાનો વારો આવે છે. એ વ્યક્તિ પછી ક્યારેય પાછી ન આવે અને જે ખાલીપો સર્જાય એ માત્ર એમની યાદોથી જ ભરાય. મોટા ભાગે આપણે એ વ્યક્તિની જૂની તસવીરો અને વીડિયો હોય તો એ જોઈને જૂની યાદો તાજી કરવાનો પ્રયાસ કરીએ.
હવે ગૂગલ મેપ્સ વિદાય ચૂકેલા સ્વજનની યાદો તાજી કરવાનો એક નવો રસ્તો છે. ગૂગલ મેપ્સ અને સ્ટ્રીટ વ્યૂ સર્વિસમાં આસપાસના વાસ્તવિક જગતને નિયમિત રીતે કેપ્ચર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ગૂગલ મેપ્સ સર્વિસમાં એક કરોડથી વધુ માઇલ જેટલા રસ્તાઓના સ્ટ્રીટ વ્યૂ કેપ્ચર કરવામાં આવ્યા છે. સ્ટ્રીટ વ્યૂમાં ઘણી વાર જીવતી જાગતી વ્યક્તિઓ પણ કેપ્ચર થતી હોય છે. એટલે લોકો પોતાના વિદાય લઈ ચૂકેલા સ્વજનના રોજિંદા જીવનની ઝલક તાજી કરવા માટે, તે જ્યાં રહેતા હોય એ સ્થળોના ગૂગલ સ્ટ્રીટ વ્યૂ તપાસતા રહે છે.
આ રીતે ગૂગલ અર્થ, મેપ્સ કે સ્ટ્રીટ વ્યૂમાં સચવાયેલી તસવીરોમાં પોતાના નજીકના સ્વજન જોવા મળી જાય તો એનો આનંદ અને આશ્ચર્ય લોકો ટ્વીટર પર જેવા સોશિયલ મીડિયા પર શેર કરતા થયા છે. આવી એક વ્યક્તિએ પોતાનો અનુભવ શેર કરતા લખ્યું કે ‘‘એક દિવસ હું અમથો બેઠો કંટાળતો હતો એટલે ગૂગલ અર્થ પર મારા મમ્મીપપ્પાનું ઘર શોધી જોયું. સાતેક વર્ષ પહેલાં મૃ્ત્યુ પામેલા મારા પિતાને એક ઇમેજમાં જોઈને હું આનંદથી ઉછળી પડ્યો! પપ્પા કદાચ મમ્મીની રાહ જોતા ઘરની બહાર ઊભા હતા.’’ એ વ્યક્તિએ ટ્વીટર પર ગૂગલને વિનંતી કરી કે તે આ લોકેશનની ઇમેજિસને ક્યારેય અપડેટ ન કરે!
આપણા સ્વજનોની અનેક તસવીરો આપણી પાસે હોય છે પરંતુ આ રીતે જ્યાં બિલકુલ અપેક્ષા ન હોય એવી કોઈ જગ્યાએ એમની ઝલક જોવા મળી જાય તો એનો આનંદ ખરેખર તો કંઈક જુદો જ હોતો હશે.
