
આઇફોન પોતે તો મોંઘા હોય જ છે, એમાંનો ડેટા હજી વધુ મોંઘેરો હોઈ શકે છે. આથી તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તેવા સંજોગમાં બીજી કોઈ વ્યક્તિ ફોન કે ડેટાનો ઉપયોગ ન કરી શકે તેવા પહેલેથી સેટિંગ કરી શકાય છે.
- એ માટે પહેલાં તમારે તમારા આઇફોનને તમારા એપલ આઇડી સાથે કનેક્ટ કરવો પડશે.
- આ પછી આઇફોનના સેટિંગ્સમાં તમારા નામ પર ક્લિક કરી ‘ફાઇન્ડ માય સેકશન’માં જાઓ (આ તબક્કે તમને એપલ આઇડીથી સાઇન-ઇન થવાનું કહેવામાં આવી શકે છે).
- હવે ‘ફાઇન્ડ માય આઇફોન’નો ઓપ્શન ઓન કરી દો.
- તમે ‘ફાઇન્ડ માય નેટવર્ક’ તથા ‘સેન્ડ લાસ્ટ લોકેશન’ના વિકલ્પ પણ ઓન કરી શકો છો.
- ‘ફાઇન્ડ માય નેટવર્કનો ઓપ્શન ઓન હશે તો ફોન વાઇ-ફાઇ કે સેલ્યુલર ડેટાથી ઇન્ટરનેટ સાથે કનેક્ટ નહીં હોય કે પાવર ઓફ હશે તો પણ, અન્ય આઇફોન્સના નેટવર્કની મદદથી તેને શોધી શકાય છે.
- ‘સેન્ડ લાસ્ટ લોકેશન’નો વિકલ્પ ઓન કર્યો હશે તો ફોનની બેટરી તદ્દન ઓછી થઈ જાય ત્યારે તેનું લોકેશન આપોઆપ તમારા એપલ આઇડીમાં મોકલી દેવામાં આવે છે.
- આઇફોનમાં એક્ટિવેશન લોક નામનું પણ એક ફીચર હોય છે. તેની મદદથી ફોન તદ્દન ઇરેઝ કરવામાં આવે તો અન્ય વ્યક્તિ આઇફોન એક્ટિવેટ કરીને તેનો ઉપયોગ કરી શકતી નથી!