આપણા દરેકે દરેક મહત્ત્વના ઓનલાઇન એકાઉન્ટની સલામતી માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન વિશે હવે આપણે સૌ લગભગ જાણીએ છીએ. દરેક મહત્ત્વની સર્વિસ એવી સગવડ આપે છે જેને કારણે આપણે પોતાના યૂઝરનેમ અને પાસવર્ડ ઉપરાંત, અલગ અલગ રીતે વધારાના ઓથેન્ટિકેશન માટેનો પાસકોડ મેળવી શકીએ છીએ.
જેમ કે ગૂગલ એકાઉન્ટમાં આપણે પહેલેથી આપેલા ફોન નંબર પર એસએમએસ કે વોઇસ કોલ દ્વારા અથવા આપણા સ્માર્ટફોનમાં ‘તમે લોગઇનનો પ્રયાસ કરી રહ્યા છો?’ એવો પ્રોમ્પ્ટ મેળવી શકીએ છીએ. આ માટે ઓથેન્ટિકેટર એપનો પણ ઉપયોગ થઈ શકે.

એકાઉન્ટની સલામતી માટે આ વ્યવસ્થા બહુ મહત્ત્વની છે. પરંતુ આવી વ્યવસ્થામાં પણ સલામતીનાં પગલાં લેવાં જરૂરી છે, જેથી કોઈ કારણસર તમે ગૂગલને આપેલા ફોનમાં ઓટીપી મેળવી ન શકો, તો પણ તમે એકાઉન્ટમાં સાઇન-ઇન થઈ શકો. જેમ કે ગૂગલને તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપરાંત બેકઅપ માટે અન્ય સ્વજનનો મોબાઇલ નંબર આપી શકો છો. જેથી કોઈ કારણસર તમારા મોબાઇલમાં આ કોડ મેળવી ન શકાય તો તમે આપેલા અન્ય મોબાઇલમાં કોડ મેળવી શકાય.
હજી વધારાના બેકઅપ માટે આવી સર્વિસમાં આપણે ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કરીએ ત્યારે ફક્ત એક-એક વાર ઉપયોગમાં લઈ શકાય એવા ૧૦ પાસકોડ પણ આપવામાં આવે છે. એ હંમેશા યાદ રાખીને સાચવી લો. તેની પ્રિન્ટઆઉટ લેવી શક્ય ન હોય તો સ્ક્રીનશોટ લઈને સહેલાઈથી શોધી શકાય એવા નામે સાચવી રાખો.
આવા એકાઉન્ટમાં આપણે આપેલ ફોન નંબર, ઇમેઇલ એડ્રેસ વગેરે બદલશો કે દૂર કરશો નહીં. એમ કરવા જતાં તમારા મહત્ત્વના ઓનલાઇન એકાઉન્ટની એક્સેસ કાયમ માટે ગુમાવવાનો વારો આવી શકે છે.

