યુટ્યૂબ પર તમે જુદા જુદા પ્રકારના વીડિયોઝ જોતા હશો તો તમે કદાચ નોંધ્યું હશે કે તેમાં વીડિયો ઉપરાંત વીડિયોમાં બોલાતા શબ્દો સ્ક્રીન પર વાંચી શકાય એ માટે કેપ્શન આપવાની સુવિધા પણ હોય છે. યુટયૂબ પોતે આવા ઓટોમેટિક કેપ્શન ઉમેરી શકે છે. તેમાં વીડિયોમાંના ઓડિયોને આપોઆપ કેપ્શનમાં ફેરવવામાં આવે છે.

આ કામ મશીનથી થતું હોવાને કારણે તથા તેમાં ઓડિયોની ક્વોલિટી, બેકગ્રાઉન્ડ નોઇસ તથા મ્યુઝિક વગેરેની ભૂમિકા હોવાને કારણે ઓટો કેપ્શનમાં સરેરાશ ઘણી વાર ભૂલો જોવા મળે છે (આના ઉપાય તરીકે વીડિયો ક્રિએટર પોતાની રીતે કેપ્શન ઉમેરી શકતા હોય છે).
અત્યાર સુધી યુટ્યૂબ ૧૦૦૦ હજારથી વધુ સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલમાં અપલોડ થતા વીડિયો માટે ઓટોમેટિક લાઇવ સ્ક્રીન કેપ્શનની સુવિધા આપતી હતી, હવે તમામ વીડિયો ક્રિએટર્સને આ સુવિધા મળવા લાગશે. એ ઉપરાંત હવે ઇંગ્લિશ સિવાય બીજી ૧૨ ભાષાઓમાં પણ લાઇવ ઓટો કેપ્શનની સુવિધા મળશે.
એ સાથે સ્માર્ટફોનમાંની યુટ્યૂબ એપમાં ઓટો ટ્રાન્સલેટ ફીચર પણ ઉમેરાઈ રહ્યું છે. મતલબ કે મૂળ વીડિયોમાંનો ઓડિયો અંગ્રેજી હોય તો પણ થોડા સમયમાં આપણે એ વીડિયોના સબ ટાઇટલ્સ હિંદી કે ગુજરાતીમાં પણ જોઈ શકીશું!
