
વોટ્સએપમાં તમે તમારા ડેટાનો બેકઅપ લેવાય તેવું સેટિંગ ઓન રાખ્યું છે? આ સેટિંગ કામનું છે. પરંતુ તેમાંનું એક સેફ્ટી ફીચર ક્યારેક અગવડરૂપ બની શકે છે. તેમાં સગવડ શું છે અને અગવડ શું છે એ બંને વાત જાણી લઈએ.
તમે જાણતા હશો કે વોટ્સએપમાં દરરોજ રાત્રે બે વાગ્યે આપણા ડેટાનો લોકલ બેકઅપ લેવાતો હોય છે. તેની સાથોસાથ આપણે પોતાના ગૂગલ ડ્રાઇવ એકાઉન્ટમાં પણ પોતાના વોટ્સએપ ડેટાનો બેકઅપ લઈ શકીએ છીએ.
ડ્રાઇવમાં બેકઅપ માટે આપણે પાંચ વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરી શકીએ:
- ડ્રાઇવમાં ક્યારેય બેકઅપ ન લેવાય
- આપણે પોતે બેકઅપ બટન ક્લિક કરીએ ત્યારે જ બેકઅપ લેવાય
- ઇન્ટરનેટ કનેકશન મળે ત્યારે દરરોજ બેકઅપ લેવાય
- દર અઠવાડિયે એક વાર બેકઅપ લેવાય
- દર મહિને બેકઅપ લેવાય
આ સેટિંગ કરતી વખતે આપણે પોતાનું ગૂગલ એકાઉન્ટ જણાવવાનું રહે. તેની સાથોસાથ મોબાઇલ ડેટા પર બેકઅપ લેવાય કે નહીં તે નક્કી કરી શકીએ અને વોટ્સએપમાં આવેલા વીડિયોનો પણ બેકઅપ લેવાય કે નહીં તે નક્કી કરી શકીએ.
આપણે પોતાના ગૂગલ ડ્રાઇવ એકાઉન્ટમાં જઇને વોટ્સએપનો ડેટા જોઈ શકતા નથી કારણ કે આ ડેટા માત્ર વોટ્સએપ એપમાં જ જોઈ શકાય તેવો હોય છે. આ કારણે કોઈ કારણસર આપણે વોટ્સએપમાંનો પોતાનો બધો ડેટા રીસ્ટોર કરવા માગતા હોઇએ કે નવા ફોનમાં વોટ્સએપનો ડેટા લઈ જવા માગતા હોઇએ માત્ર ત્યારે જ બેકઅપ થયેલો ડેટા રીસ્ટોર કરવા માટે કામ લાગે.
અહીં સુધીની વાત વોટ્સએપના ડેટાનો બેકઅપ લેવાની તથા તેને રીસ્ટોર કરવા વિશેની થઈ.
હવે આમાં મુશ્કેલી કેવી સર્જાઈ શકે છે તેની વાત કરીએ.

થોડા સમય પહેલાં સુધી, ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ થતો ડેટા એનક્રિપ્ટ થતો નહોતો એટલે કે વોટ્સએપમાં આપણે કોઈને મેસેજ મોકલીએ ત્યારે તે એન્ક્રિપ્ટેડ રહે અને બંને છેડા વચ્ચે ત્રીજી કોઈ વ્યક્તિ આ મેસેજ જોઈ ન શકે તેવી જડબેસલાક વ્યવસ્થા છે.
પરંતુ આ ખંભાતી તાળું જ્યારે વોટ્સએપ ચેટ્સનો ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લેવાય ત્યારે ત્યાં ગાયબ થઈ જતું હતું. સમય જતાં વોટ્સએપે તેની આ ખામી સુધારી લીધી અને બેકઅપ થતો ડેટા પણ એનક્રિપ્ટ રહે તેવી સુવિધા આપી. ફક્ત આ વખતે તેણે બેકઅપ થતા ડેટાને એનક્રિપ્ટ કરવો છે કે નહીં તેનો નિર્ણય યૂઝર પર એટલે કે આપણા પર છોડ્યો.

આથી તમે એનક્રિપ્ટેડ બેકઅપનો ઓપ્શન ઓન કરો તો ત્યારે તમને એક પાસવર્ડ નક્કી કરવાનું કહેવામાં આવે. ત્યારે આપણે પાસવર્ડ તો નક્કી કરી લઇએ પરંતુ તેને યોગ્ય અને સલામત રીતે કોઈક જગ્યાએ નોંધી ન લઇએ તો ભવિષ્યમાં મુશ્કેલી સર્જાઈ શકે.
આપણે તો પોતાના વોટ્સએપ ડેટાનો બરાબર બેકઅપ લેવાય છે તેવું માનતા હોઇએ. બેકઅપ ખરેખર લેવાતો પણ હોય પરંતુ કોઈ નવા ફોનમાં વોટ્સએપનું જૂના નંબરથી એકાઉન્ટ ખોલવાનો વારો આવે અને આપણે ડ્રાઇવમાંનો બેકઅપ ડેટા રીસ્ટોર કરવાનો વિકલ્પ પસંદ કરીએ ત્યારે આપણને પેલો પાસવર્ડ પૂછવામાં આવે!
પાસવર્ડ આપણને ખબર ન હોય એટલે અહીં આપણી ગાડી અટકી પડે!
આવે સમયે જો વોટ્સએપ એકાઉન્ટ જૂના ફોનમાં હજી એક્ટિવ હોય તો બહુ ચિંતાની વાત નથી.
આપણે જૂના ફોનમાં વોટ્સએપના સેટિંગ્સમાં ચેટ બેકઅપમાં જઇને બેકઅપ ડેટાનું એન્ક્રિપ્શન બંધ કરી શકીએ. એ પછી ધીરજ સાથે વોટ્સએપના બધા ડેટાનો ફરીથી ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લેવાનો થાય અને એ પછી નવા ફોનમાં ગૂગલ ડ્રાઇવમાંનો ડેટા રીસ્ટોર કરવાનો પ્રયાસ કરીએ તો ત્યારે પેલા પાસવર્ડનો અવરોધ નડશે નહીં!.

