તમે ઓફિસના પીસીમાં બ્રાઉઝરમાં તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઇન-ઇન થાઓ અને પછી તમારું કામ પતે ત્યારે ગૂગલ એકાઉન્ટમાંથી લોગ-ઇન થવાને બદલે બેધ્યાનપણે સીધું બ્રાઉઝર જ બંધ કરી દો – આવું ક્યારેક ને ક્યારેક તમે કરતા હશો. પછી જ્યારે તમે ફરી બ્રાઉઝર ઓપન કરો ત્યારે તમે ગૂગલ એકાઉન્ટમાં લોગ્ડ-ઇન જ હો, પરંતુ એ તરફ પણ કદાચ તમારું ધ્યાન જતું નહીં હોય.
પરંતુ આ બાબત ખાસ ધ્યાન આપવા જેવી છે. આપણે બ્રાઉઝરમાં ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થયા પછી લોગ-આઉટ થવાને બદલે સીધું બ્રાઉઝર બંધ કરીએ, તો ગૂગલ એકાઉન્ટમાં આપણે સાઇન-ઇન જ રહીએ છીએ. એનો અર્થ એ થયો કે આપણે થોડા સમય માટે પીસીથી દૂર થઇએ અને ત્યારે આપણે પીસીને લોક ન કર્યું હોય તો બીજી કોઈ પણ વ્યક્તિ આપણા પીસીમાં બ્રાઉઝર ઓપન કરે તો તેને આપણું ગૂગલ એકાઉન્ટ ખુલ્લું મળી શકે છે!
બ્રાઉઝર કૂકીઝને કારણે આપણું સાઇન-ઇન યાદ રાખી શકે છે એથી બ્રાઉઝર બંધ કર્યા પછી ફરી ઓપન કરીએ ત્યારે આપણે જે તે એકાઉન્ટમાં સાઇન-ઇન હોઇએ એવું જોવા મળે છે. આવી સ્થિતિ ટાળવા માટે લગભગ બધાં બ્રાઉઝર, આપણે બ્રાઉઝર બંધ કરીએ ત્યારે કૂકીઝ અને સાઇટ ડેટા સાફ કરવાની સગવડ આપે છે. એ રીતે, બ્રાઉઝર બંધ કરતાં બધી કૂકીઝ અને સાઇટ ડેટા ક્લીયર થવાથી, આપણે એકાઉન્ટમાંથી આપોઆપ લોગ-આઉટ થઈ જઈએ છીએ.

આ માટેનાં સેટિંગ્સ સમજવા ક્રોમ બ્રાઉઝરનું ઉદાહરણ લઈએ.
- ક્રોમમાં સેટિંગ્સમાં જાઓ.
- હવે ડાબી પેનલમાં પ્રાઇવસી એન્ડ સિક્યોરિટીમાં જાઓ.
- તેમાં ‘કૂકીઝ એન્ડ અધર સાઇટ ડેટા’માં જાઓ.
- અહીં ‘Clear cookies and site data when you close all windows’ એવો વિકલ્પ મળશે. તેને ઇનેબલ કરી દો.
હવે પછી તમે જ્યારે પણ બ્રાઉઝર બંધ કરશો ત્યારે તમારા ગૂગલ એકાઉન્ટ (અને જ્યાં જ્યાં લોગ્ડ-ઇન હો એ બધી સાઇટમાંથી) આપોઆપ લોગ-આઉટ થશો અને તમારી ગેરહાજરીમાં બીજી કોઈ વ્યક્તિ તમારા એકાઉન્ટમાં ઘૂસી જાય એવું જોખમ રહેશે નહીં.
ઘરના પીસી અને માત્ર તમે જેનો ઉપયોગ કરતા હો તેવા લેપટોપમાં આવું સેટિંગ ન કરો તો ચાલે, પણ ઓફિસના પીસીમાં આ સેટિંગ કરવા જેવું છે. વારંવાર જુદી જુદી સાઇટમાં લોગ-ઇન કરવાની ઝંઝટ વધશે, પણ તમારા એકાઉન્ટ્સ અને ડેટાની સલામતી પણ વધશે.

