
આજકાલ ઇન્ટરનેટ પર ચારેતરફ એક ચર્ચા ચાલી છે – જીમેઇલ તેના ફ્રી યૂઝર્સને અત્યારે મળતી ૧૫ જીબીની ફ્રી સ્ટોરેજ વધારીને ૧ ટીબી કરી આપશે, આપણે આંગળી હલાવવાની પણ જરૂર નથી, સ્ટોરેજ આપોઆપ વધી જશે!
આ સમાચાર ખોટા નથી, પણ આપણને તેનો લાભ મળવાનો નથી, કેમ કે ગૂગલ અમુક ખાસ પ્રકારની સર્વિસના યૂઝર્સને જ આ લાભ આપશે, એ સર્વિસ ફ્રી નથી અને ખાસ તો ભારતના યૂઝર્સ માટે હજી તે ઉપલબ્ધ પણ નથી! આ સમાચાર અને ગૂગલના વિવિધ ફ્રી તથા પેઇડ પ્લાન્સ તમને ગૂંચવતા હોય તો વાંચો આગળ!
જીમેઇલમાં ભરપૂર સ્પેસ
વર્ષ ૨૦૦૪માં ગૂગલે પહેલી વાર જીમેઇલની ભેટ આપી ત્યારે એ સમયે અધધ કહેવાય તેવી ફ્રી સ્ટોરેજની ભેટ આપી હતી. અન્ય ઇમેઇલ સર્વિસ માત્ર ૨ એમબીની કુલ સ્ટોરેજ આપતી હતી ત્યારે જીમેઇલે પૂરી એક જીબી સ્પેસ ફ્રી આપીને કહ્યું હતું કે આ લિમિટ સતત વધતી રહેશે. ખરેખર થયું પણ એવું જ.
ધીમી પણ મક્કમ ગતિએ જીમેઇલના ફ્રી એકાઉન્ટમાં આપણને મળતી સ્ટોરેજ વધતી ગઈ અને છેવટે અત્યારના ૧૫ જીબીના આંકે પહોંચી. આટલી ફ્રી સ્પેસ જીમેઇલના સરેરાશ યૂઝર્સ માટે પૂરતી ગણાય.
જોકે પછી ગૂગલે જુદી જુદી રીતે તેની ફ્રી સ્ટોરેજમાં કાપ મૂક્યો.
શરૂઆતમાં ગૂગલે જીમેઇલ ઉપરાંત ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝ સર્વિસનાંના ડેટાને પણ ફ્રી સ્ટોરેજમાં આવરી લીધો. આમ કુલ ૧૫ જીબીની સ્પેસ, લગભગ સૌથી વધુ ડેટા જમા થતો હોય એવી આ ત્રણેય સર્વિસમાં વહેંચાઈ ગઈ.
જીમેઇલ ઉપરાંત ગૂગલ ડ્રાઇવનો તમે ખાસ્સો ઉપયોગ કરતા હો અને ગૂગલ ફોટોઝમાં ‘રો ફોર્મેટ’માં એટલે કે ફોટોઝની ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ વગર તમે ફોટો સ્ટોર કરતા હો તો ૧૫ જીબીની સ્પેસ તરત જ ઓછી પડે. આ કારણે ઘણા લોકોનાં ગૂગલ એકાઉન્ટ પૂરેપૂરાં ભરાવા લાગ્યાં! અલબત્ત, શરૂઆતમાં ગૂગલ ફોટોઝમાં ક્વોલિટીમાં થોડી છૂટછૂાટ સાથે કમ્પ્રેસ્ડ ક્વોલિટીના ફોટોગ્રાફ સ્ટોર કરવાની કોઈ મર્યાદા નહોતી. આપણે ગૂગલ ફોટોઝમાં ગમે તેટલા ફોટો અપલોડ કરીએ તો પણ તે ગૂગલ એકાઉન્ટની ૧૫ જીબી ફ્રી સ્ટોરેજમાં ગણતરીમાં લેવાતા નહોતા.
આ પછી ગૂગલે ગૂગલ ફોટોઝમાંની અનલિમિટેડ ફ્રી સ્ટોરેજનો લાભ અટકાવી દીધો અને તેમાં રોકાતી જગ્યા પણ ૧૫ જીબીની ફ્રી સ્ટોરેજમાં ગણતરીમાં લેવાવા લાગી. આમ હવે એવી સ્થિતિ સર્જાઈ કે ગૂગલના ફ્રી એકાઉન્ટમાં ૧૫ જીબીની ફ્રી સ્ટોરેજ મોટા ભાગના લોકોને ઓછી પડે.
આટલી સ્પેસ ઓછી પડે તો…
તમને પણ ૧૫ જીબીની ફ્રી સ્ટોરેજ ઓછી પડતી હોય તો તેના ત્રણ ઉપાય છે. (૧) જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝમાંથી બિનજરૂરી બાબતો ડિલીટ કરી સ્પેસ ખાલી કરો. આ માટે ગૂગલ એકાઉન્ટમાં લોગ-ઇન થતાં વિવિધ ટૂલ મળે છે. (૨) ગૂગલ ફોટોઝમાં બહુ જગ્યા રોકાતી હોય તો ફક્ત ફોટોઝના બેકઅપ માટે એક નવું ફ્રી ગૂગલ એકાઉન્ટ ખોલાવી લો. (૩) ગૂગલ વન પ્રોજેક્ટ હેઠળ તમારા ગૂગલ એકાઉન્ટ માટે વધારાની સ્પેસ ખરીદો.
15 જીબીમાંથી 1 ટીબીની હકીકત
હવે વાત કરીએ ગૂગલના ફ્રી એકાઉન્ટની સ્પેસ ૧૫ જીબીમાંથી એક ટીબીની કરવામાં આવી હોવાના હાલના સમાચાર પાછળની હકીકતની. ગૂગલે ફક્ત ‘વર્કસ્પેસ ઇન્ડિવિડ્યુઅલ યૂઝર્સ’ માટે સ્ટોરેજ લિમિટ ૧૫ જીબીથી વધારીને ૧ ટીબી કરી છે, ગૂગલ ફ્રી એકાઉન્ટના યૂઝર્સ માટે નહીં. ગૂગલ ફ્રી એકાઉન્ટ અને ‘ગૂગલ વર્કસ્પેસ ઇન્ડિવિડ્યુઅલ’ કઈ રીતે અલગ છે તે પણ સમજીએ.
ગૂગલના ફ્રી એકાઉન્ટમાં આપણે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ, કેલેન્ડર, ગૂગલ મીટ વગેરે સર્વિસનો ઉપયોગ કરતા હોઇએ છીએ. આ જ બધી સર્વિસ ગૂગલ ‘વર્કસ્પેસ’ નામે એક સાથે પણ આપે છે.
વર્કસ્પેસમાંના પ્રોગ્રામ્સ વ્યક્તિગત યૂઝર્સને ‘ઇન્ડિવિડ્યુઅલ’ અને એકથી વધુ યૂઝર્સ ધરાવતા બિઝનેસને ટીમ તરીકે ઉપયોગ કરવા માટે ઓફર કરવામાં આવે છે. વર્કસ્પેસનો ટીમ પ્લાન લીધો હોય તો તેમાં કંપનીના પોતાના ડોમેઇન સાથેના ગૂગલ એકાઉન્ટ ક્રિએટ કરવાની સગવડ મળે છે.

ગૂગલે એવું વિચાર્યું હતું કે એવા પણ ઘણા લોકો હશે જેમને ગૂગલના ફ્રી એકાઉન્ટમાં મળતાં ફીચર્સ ઓછાં પડતાં હશે, પરંતુ બિઝનેસ કે ટીમ માટેનાં ફીચર્સ તેમને માટે વધુ પડતાં હોય. આવા સિંગલ, પ્રોફેશનલ કે એન્ટરપ્રિન્યોર માટે ગૂગલે ‘ગૂગલ વર્કસ્પેસ ઇન્ડિવિડ્યુઅલ’ નામે એક નવો પ્લાન રજૂ કર્યો. તેમાં સ્ટોરેજની લિમિટ ૧૫ જીબી જ હતી પરંતુ લોકો આ પ્લાનનું વાર્ષિક સબસ્ક્રિપ્શન ભરીને ગૂગલ વર્કસ્પેસ નામે બધા પ્રોગ્રામ્સમાં કેટલાંક વધારાનાં ફીચર્સ મેળવી શકે છે.
મતલબ કે ન્યૂઝ સાઇટ્સ કે સોશિયલ મીડિયા પર ગૂગલના ફ્રી એકાઉન્ટમાં ૧ ટીબી સ્પેસ મળવાના સમાચાર વાંચી હરખાશો નહીં, એ શીર્ષકો માત્ર ક્લિક માટેનાં ગાજર છે ને અંદરની માહિતી પણ અધકચરી હશે!

