(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

થઈ જાઓ તૈયાર નવા સમયની કારકિર્દી માટે માત્ર 6 મહિનામાં

ગયા વર્ષે, ગૂગલે જે નવા સર્ટિફિકેટ કોર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, તે ગયા મહિને લોન્ચ થઈ ગયા છે. તમે પણ તેમાં જોડાઈ શકો છો, ડિગ્રી કે અનુભવ વિના. આ સર્ટિફિકેટના જોરે, તમે ગૂગલ સહિતની ટોચની ટેક કંપનીઓમાં, ચાર વર્ષનો અભ્યાસ કરીને ડિગ્રી મેળવનારા સ્ટુડન્ટ સાથે સ્પર્ધા કરવા, ઇન્ટરવ્યૂ કોલ મેળવી શકો છો - પછી ઇન્ટરવ્યૂ ક્રેક કરવાની જવાબદારી તમારી! આ લેખમાં, આઇટી એજ્યુકેશન અને આઇટીમાં કરિયરની દૃષ્ટિએ આવી રહેલા ક્રાંતિકારી પરિવર્તન વિશે વાંચો. સાથોસાથ, ગૂગલે લોન્ચ કરેલા પાંચ પ્રોફેશનલ સર્ટિફિકેટ કોર્સ વિશે પણ જાણો.

અત્યાર સુધી આપણા દેશમાં ટીસીએસ, ઇન્ફોસિસ, એચટીએલ ટેક, વિપ્રો વગેરે જેવી ભારતીય સોફ્ટવેર કંપની તથા આઇબીએમ, કોગ્નિઝન્ટ, એસેન્ચર, કેપજેમિની વગેરે જેવી વિદેશી સોફ્ટવેર કંપની નવા એમ્પ્લોઇ શોધવા માટે મોટા ભાગે એન્જિનીયરિંગ કોલેજ તરફ નજર દોડાવતી હતી.

છેલ્લાં થોડાં વર્ષોથી આ વલણમાં ફેરફાર થયો છે. આ કંપનીઓ હવે બિઝનેસ સ્કૂલ્સ તથા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સને પણ પસંદ કરવા લાગી છે.

કેમ? કેમ કે આઇટી સેકટરમાં કામકાજ સખત વધી રહ્યું છે, ટેક કંપનીઓ તેમના વર્કલોડને પહોંચી વળવા માટે નવા એમ્પ્લોઈ શોધે છે, પણ ટ્રેઇન્ડ એમ્પ્લોઈની જેટલી ડિમાન્ડ છે, એટલો સપ્લાય નથી!

પરિણામે, ધીમે ધીમે આ કંપનીઓનું વલણ એવું થવા લાગ્યું છે કે તેઓ ઇન્ટરવ્યૂ સમયે માત્ર એટલું જુએ છે કે સ્ટુડન્ટ તેમની ટ્રેનિંગ સારી રીતે પૂરી કરી શકે તેમ છે કે નહીં? એ દૃષ્ટિએ તેજસ્વી લાગતા ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સને આ કંપનીઓ પસંદ કરે છે. તેમને છએક મહિના સુધી ફોક્સ્ડ ટ્રેનિંગ આપીને તેમને કંપનીની જરૂરિયાતો માટે તૈયાર કરે છે અને પછી વિવિધ પ્રોજેક્ટ્સમાં સામેલ કરે છે.

સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને આઇટીમાં એજ્યુકેશનના ક્ષેત્રે આવેલી રહેલાં પરિવર્તનો જાણવા આગળ વાંચો…

આપણા દેશમાં હજી સુધી આઇટી સેકટરમાં પ્રવેશ માટે ડિગ્રી પર ભાર મૂકવામાં આવે છે, પરંતુ આઇટી કે એન્જિનીયરિંગની જ ડિગ્રી હોવી હવે જરૂરી રહી નથી. ડિગ્રીના જોરે નોકરી મેળવ્યા પછી આગળ વધવા માટે જે તે વ્યક્તિ પોતાની સ્કિલ્સ કેટલી ડેવલપ કરી શકે છે એ હવે વધુ મહત્ત્વનું બનવા લાગ્યું છે.

ભારતમાં પ્રાઇવેટ સેકટરમાં એમ્પ્લોયમેન્ટની દૃષ્ટિએ ટેકનોલોજી સેકટર સૌથી મોટા એમ્પ્લોયર્સમાંનું એક છે. નાસ્કોમના ડેટા પ્રમાણે ભારતમાં કોરોનાના પ્રભાવ પછી પણ ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં આઇટી સેકટરમાં નવા ૧,૩૮,૦૦૦ લોકોને નોકરી મળી છે. એ સાથે આ સેકટરમાં કુલ એમ્પ્લોઇ બેઝ લગભગ અડધા કરોડના આંકે પહોંચ્યો છે.

આ ક્ષેત્રમાં એમ્પ્લોયમેન્ટ વાર્ષિક લગભગ ૩૨ ટકાના દરે વધી રહ્યું છે.

એ ધ્યાનમાં રાખતાં, જો ટોચની આઇટી કંપનીઓ ડિગ્રીને બદલે સ્કિલ્સ પર ભાર મૂકવા લાગે તો આ ક્ષેત્રમાં એમ્પ્લોયમેન્ટની તકો હજી વધુ વિસ્તરી શકે છે.

ઓનલાઇન એજ્યુકેશનના જોરે અમદાવાદમાંથી અમેરિકા

‘સાયબરસફર’માં આપણે ‘માસિવ ઓનલાઇન કોર્સીઝ’ વિશે અવારનવાર વાત કરી છે. જાન્યુઆરી ૨૦૧૮ના અંકમાં આપણે ઓનલાઇન એજ્યુકેશનના વધતા વ્યાપ વિશે વિગતવાર વાત કરી હતી. એ અંકમાં આપણે અમદાવાદના એક બિલકુલ સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા એક યુવાનનો પરિચય મેળવ્યો હતો જેણે ઓનલાઇન કોર્સની મદદથી એટલું કાઠું કાઢ્યું કે ગૂગલની ટીમ તેની વીડિયો ડોક્યુમેન્ટરી બનાવવા અમદાવાદ આવી અને છેવટે એ યુવાનને અમેરિકામાં યોજાયેલી ગૂગલની ડેવલપર કોન્ફરન્સમાં ભાગ લેવાની તક પણ મળી!


ખાસ કરીને યુએસ અને અન્ય દેશોમાં આ ક્ષેત્રે હજી વધુ નોંધપાત્ર અને ક્રાંતિકારક કહી શકાય એ સ્તરનું પરિવર્તન જોવા મળી રહ્યું છે – વિદેશોની ટોચની આઇટી કંપનીઓ હવે પોતાને ત્યાં નોકરી આપવા માટે ડિગ્રી બિલકુલ આવશ્યક ગણતી નથી!

આ કંપનીઓ ડિગ્રી અને અનુભવ કરતાં પણ જે તે વિષયની સમજ તથા નવું શીખવાની તૈયારી અને ધગશને વધુ મહત્ત્વ આપવા લાગી છે.

આપણે ‘સાયબરસફર’ના ઓક્ટોબર ૨૦૨૦ અંકની કવરસ્ટોરીમાં વાત કરી ચૂક્યા છીએ કે અમેરિકાના જોબ માર્કેટ અનુસાર વાર્ષિક અંદાજે ૬૮ લાખ રૂપિયાથી ૪૮ લાખ લાખ રૂપિયાના સરેરાશ પગારવાળી જોબ મળી શકે એવા કારકિર્દીલક્ષી સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ લોન્ચ કરવાની ગૂગલ કંપની તૈયારી કરી રહી છે.

ગૂગલના છ મહિનાના સર્ટિફિકેટને અત્યારે યુએસની 130 જેટલી ટેક કંપની, ચાર વર્ષના ડિગ્રી અભ્યાસ સમકક્ષ ગણશે. ભારતમાં હજી પણ ઇન્ટરવ્યૂ સુધી પહોંચવા કોલેજની ડિગ્રી જરૂરી છે, પરંતુ આવનારા સમયમાં આ સ્થિતિ બદલાઈ શકે છે.

એ ધ્યાનમાં રાખશો કે…

અત્યારે આ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સનું ભારતમાં ડિગ્રી જેટલું મહત્ત્વ નથી, પણ આઇટીનાં વિવિધ, હાઇ-ડિમાન્ડવાળાં ક્ષેત્રોમાં પોતાની આવડત અને વજન બંને વધારવામાં આ પ્રોગ્રામ્સ ચોક્કસ મદદરૂપ થઈ શકે છે, એ પણ બહુ જ નજીવી ફી ચૂકવીને.

ત્યારે આપણા સહિત આખી દુનિયાને આંચકો લાગે એવી વાત એ હતી કે હાઇ-પેઇંગ, હાઇ-ગ્રોથ જોબ્સ માટે તૈયાર કરતા આ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સમાં જોડાવા માટે કોઈ ડિગ્રી કે કોઈ પણ પ્રકારનો પૂર્વ અનુભવ જરૂરી નથી.

ગયા મહિને એટલે કે માર્ચ ૨૦૨૧થી ગૂગલે આ પ્રોગ્રામ્સ www.coursera.org પર લોન્ચ કરી દીધા છે. તમે ઈચ્છો તો તમે પણ તેમાં જોડાઈ શકો છો. (પ્રોગ્રામ્સમાં જોડાવા વિશેની વધુ માહિતી બોક્સમાં વાંચો).

‘સાયબરસફર’માં આપણે અગાઉ વાત કરી છે તેમ આ પ્રકારના ઓનલાઇન સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ છેલ્લા ઘણા સમયથી લોકપ્રિય થઈ રહ્યા છે. આવા ઓનલાઇન કોર્સનું સ્ટ્રકચર મોટા ભાગે એ પ્રકારનું હોય છે કે લોકો તેમાં જોડાઈને પોતાની સ્કિલ્સ વધારી શકે છે અને આઇટીના વિવિધ ક્ષેત્રમાં લેટેસ્ટ ટ્રેન્ડથી માહિતગાર રહી શકે છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે ગૂગલે કુલ પાંચ પ્રકારના સર્ટિફિકેટ પ્રોગ્રામ લોન્ચ કર્યા છે.


પાંચેય પ્રોગ્રામમાં સાત દિવસની ફ્રી ટ્રાયલ મળી શકે છે. પ્રોગ્રામની ફી પહેલથી એકદમ નજીવી હોવા છતાં, આ ચારેય પ્રોગ્રામમાં સ્કોલરશીપ માટે પણ અરજી કરી શકાય છે.


તમે કોર્સેરાની સાઇટ (coursera.org) પર પહોંચીને જે તે પ્રોગ્રામના પેજ પર પહોંચો એ પછી તમને ‘એનરોલ ફોર ફ્રી’ની લિન્ક જોવા મળી શકે છે. તેના પર ક્લિક કરતાં, જો તમે કોર્સેરા સાઇટ પર એકાઉન્ટ ક્રિએટ ન કર્યું હોય તો પહેલાં એ વિધિ કરવાની રહે છે.


ત્યાર પછી આપણને જે તે પ્રોગ્રામની સાત દિવસની ફ્રી ટ્રાયલ લેવાની તક મળી શકે છે. તેનો લાભ લેવા માટે આપણે પોતાના ક્રેડિટ કાર્ડની વિગતો આપવી પડશે.


આ સર્ટિફિકેટ પ્રોગ્રામ આપણે પોતાની અનુકૂળતાએ, પોતાના સમયે અને પોતાની ઝડપે પૂરા કરી શકીએ છીએ.

કોર્સનું સ્ટ્રકચર એ પ્રકારનું છે કે આપણે છ મહિનાના ગાળામાં આખો એક પ્રોગ્રામ પૂરો કરી શકીએ (દરેક પ્રોગ્રામમાં છ કે વધુ પેટા કોર્સ હોય છે, જે સામાન્ય રીતે એક એક મહિનામાં પૂરા કરી શકાય છે).


આપણે ફ્રી ટ્રાયલ શરૂ કરીએ ત્યારે ક્રેડિટ કાર્ડની ખરાઈ માટે પાંચ રૂપિયાનું એક ટ્રાન્ઝેકશન થશે. ત્યાર પછી સ્પષ્ટતા કરવામાં આવે છે કે જો આપણે ફ્રી ટ્રાયલ સાત દિવસની અંદર કેન્સલ ન કરીએ તો દર મહિને આપણા ક્રેડિટ કાર્ડમાંથી રૂ. ૧૦૨૧ જેટલી રકમ કપાવાનું શરૂ થશે (આ ફી કોર્સ મુજબ અલગ હોઈ શકે છે).


 

ગૂગલે જે સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ લોન્ચ કર્યા છે તે બીજી એક રીતે પણ બહુ મહત્ત્વપૂર્ણ છે.

ગૂગલે ‘ગૂગલ કરિયર સર્ટિફિકેટ્સ એમ્પ્લોયર કોન્સોર્ટિયમ’ નામે એક સંગઠન રચ્યું છે. આ સંગઠનમાં દુનિયાભરની ૧૩૦ જેટલી આઇટી કંપનીઓ જોડાઈ છે. ગૂગલનો સર્ટિફિકેટ પ્રોગ્રામ પૂરો કરનાર વ્યક્તિ આ કંપનીઓમાં નોકરી માટે અરજી કરે ત્યારે આ બધી કંપનીઓ ગૂગલના સર્ટિફિકેટને ચાર વર્ષની ડિગ્રીની સમકક્ષ ગણશે.

આ કંપનીઓમાં ભારતની ઇન્ફોસિસ પણ સામેલ છે (તેનાં યુએસ ઓપરેશન્સ માટે).

અત્યારે આ સર્ટિફિકેટ યુએસમાં જોબ માટે ડિગ્રીને સમકક્ષ ગણવામાં આવી રહ્યું છે. પરંતુ હમણાં ઇન્ફોસિસ કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટના વડાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે તેઓ ભારતમાં પણ આ સર્ટિફિકેટને ડિગ્રી સમકક્ષ ગણવાનું વિચારી રહ્યા છે, ફક્ત યુએસમાં આ બાબતે તેમનો અનુભવ કેવો રહે છે તેને તેઓ ધ્યાનમાં લેશે.

એટલે કે અત્યારે યુએસમાં અને આવનારા સમયમાં કદાચ ભારતમાં પણ, માત્ર છ મહિનાનો કોર્સ પૂરો કરનાર સ્ટુડન્ડ ટોચની આઇટી કંપનીમાં આત્મવિશ્વાસપૂર્વક જોબ માટે એપ્લાય કરી શકશે.

એ કંપની જ્યારે ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરશે ત્યારે ચાર વર્ષ સુધી કોલેજમાં અભ્યાસ કર્યા પછી ડિગ્રી મેળવનાર ઉમેદવાર સાથે, ઘેરબેઠાં ઓનલાઇન કોર્સ કરીને ગૂગલનું સર્ટિફિકેટ મેળવનાર ઉમેદવાર પણ સ્પર્ધા કરી શકશે.

જો એ ઇન્ટરવ્યૂ ક્રેક કરી શકશે તો ડિગ્રીધારી ઉમેદવારને બદલે, સર્ટિફિકેટ કોર્સ કરનાર ઉમેદવાર નોકરી મેળવી જાય એવું પણ બની શકે છે!

અલબત્ત, એ યાદ રાખવું જરૂરી છે કે આ પ્રકારના કોર્સ માત્ર માહિતી આપે છે, તેમ જ સફળતાથી પૂરા કરવાથી ઇન્ટરવ્યૂના તબક્કા સુધી પહોંચવાની તક આપે છે. ઇન્ટરવ્યૂ ક્રેક કરવામાં માત્ર આ સર્ટિફિકેટ પણ કામ લાગશે નહીં. જે તે વિષયની ઊંડી સમજ હોવી જોઈશે અને એ સમજ, ઇન્ટરવ્યૂ સમયે દર્શાવવાની આવડત પણ જોઈશે! ગૂગલના આ કોર્સ ઉપરાંત, સંખ્યાબંધ ફ્રી કોર્સથી પણ આપણે પોતાની આવડત વધારી શકી છીએ.

 

(વેબસાઇટ કે એપ ડિઝાઇનર બનવામાં મદદરૂપ થતો પ્રોગ્રામ)

કોર્સેરા પર ગૂગલે જે નવા પાંચ  પ્રોફેશનલ સર્ટિફિકેટ પ્રોગ્રામ લોન્ચ કર્યા છે, તે ઉપરાંત સંખ્યાબંધ પ્રોગ્રામ્સ ઉપલબ્ધ છે, જેમાનાં ઘણા બિલકુલ ફ્રી પણ છે. આવા પ્રોગ્રામ્સ કેવા હોય છે તેનો અંદાજ મેળવવા માટે, અહીં વેબસાઇટ કે એપ માટે યૂઝર એક્સપિરિયન્સ ડિઝાઇન કરવા વિશેના પ્રોગ્રામ વિશે થોડી વધુ વાત કરી છે.

 વિષય, આઇટી સેક્ટરનો જેમને ખાસ પરિચય નથી એમને માટે પણ બહુ અજાણ્યો નથી!

કોઈ પણ કંપની પોતાની વેબસાઇટ કે એપ કેટલી યૂઝર ફ્રેન્ડલી છે તેના પર યોગ્ય ધ્યાન આપે તો ગ્રાહકો સુધી પહોંચવાનું કામ એકદમ સરળ બની જાય.

યૂઝર્સ માટે પોતાની વેબસાઇટ કે એપ જોવાનો, વાપરવાનો અનુભવ સહેલો અને મજાનો રહે અને એ પોતાનો કાયમી યૂઝર બની જાય એવું દરેક કંપની ઇચ્છતી હોય છે. આથી જ યૂઝર એક્સપિરિયન્સ ડિઝાઇનર્સ – યુએક્સ ડિઝાઇનરની ડિમાન્ડ ખૂબ વધી રહી છે.

યૂઝર એક્સપિરિયન્સ ડિઝાઇનર એટલે એવી વ્યક્તિ જે કંપનીની વેબસાઇટ, એપ કે સોફ્ટવેર ડિઝાઇન કરે. આ ક્ષેત્રમાં આવા ડિઝાઇનરની ડિમાન્ડ અનેકગણી છે, પણ સામે એટલા કુશળ ડિઝાઇનર્સ મળતા નથી.

ખુશખબર એ છે કે યુએક્સ ડિઝાઇનર બનવા માટે કોઈ ચોક્કસ બેકગ્રાઉન્ડ કે અનુભવ કે કોલેજ ડિગ્રીની જરૂર નથી. ઘણા યુએક્સ પ્રોફેશનલ્સે પોતાની જાતે જ આ ક્ષેત્રની સ્કીલ્સ શીખીને પહેલી જોબ મેળવી છે.

આ બાબતો ધ્યાનમાં લઈને ગૂગલે યુએક્સ ડિઝાઇનિંગ વિશેનો આ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. આ પ્રોગ્રામને સાત કોર્સમાં વહેંચી દેવામાં આવ્યો છે. એ દરેકમાં યુએક્સ ડિઝાઇનના જુદા જુદા ભાગ વિશે સમજાવવામાં આવે છે, જેમ કે…

યુએક્સ ડિઝાઇનિંગ શું છે, કઈ રીતે કામ કરે છે અને ડિઝાઇનના પહેલા પ્રોટોટાઇપ કેવી રીતે તૈયાર કરવા વગેરે તેમાં શીખવા મળે છે.

એક પછી બીજો, પછી ત્રીજો એમ સાત કોર્સ કરતા કરતાં યુએક્સ ડિઝાઇનિંગ વિશે તમે તમારું જ્ઞાન અને કુશળતા વધારી શકશો.

દરેક કોર્સનો ગાળો અમુક અઠવાડિયાંનો છે, જેમાં વીડિયોઝ, રિડિંગ્સ, એક્ટિવિટીઝ, ચર્ચાઓ, ક્વિઝ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કોર્સ યુએક્સ ડિઝાઇનિંગની પાયાથી સમજથી લઈને એ માટે ઉપયોગી ટૂલ્સ, પ્રોગ્રામ્સની સમજ આપે છે તથા કોર્સના અંતે, ત્રણ પ્રોજેક્ટ તૈયાર કરવાની તક પણ મળે છે.

જે તે અઠવાડિયાનો કોર્સ તમે તમારી રીતે એટલા જ સમયમાં અથવા તમારી ઝડપ અને આવડત પ્રમાણે તમારા સમયમાં પૂરો કરી શકો છો. આખા પ્રોગ્રામ દરમિયાન તમને વેબસાઇટ કે એપ ડિઝાઇન કરવા માટે રિસર્ચ કઈ રીતે કરવું, વાયરફ્રેમ કઈ રીતે તૈયાર કરવી વગેરે શીખવવામાં આવે છે.

યુએક્સ ડિઝાઇન માટે અત્યારે એડોબ એક્સડી અને ફિગ્મા જેવા સોફ્ટવેર કે વેબ પ્રોગ્રામ ખાસ્સા લોકપ્રિય છે. આ પ્રોગ્રામમાં આ ટૂલ્સમાં કામ કરવા વિશેના બે કોર્સ પણ સામેલ છે.

એ પછી, તમને ત્રણ એવા પ્રોજેક્ટ્સ પણ કરવાની તક મળશે જેના દ્વારા તમે કોર્સમાં શું શીખ્યા તે વિશેની તમારી આવડત, કુશળતા અને ડિઝાઇનિંગમાં તમારી મહારત બતાવી શકશો અને કોર્સ પૂરો કર્યાનું સર્ટિફિકેટ મેળવી શકશો.

એટલે તમે જ્યારે સાત કોર્સનો પ્રોગ્રામ પૂરો કરશો ત્યારે તમારી પાસે તમારા કામનો પોર્ટફોલિયો-પ્રોજેક્ટ્ના રૂપમાં, તમારી પૉલિશ્ડ રેઝ્યુમે અને જૉબ ઇન્ટરવ્યુમાં કઈ રીતે રજૂઆત કરવી એ બધી કુશળતા હશે જે તમને યુએક્સ ડિઝાઇનર તરીકેની નોકરી માટે અરજી કરવામાં મદદરૂપ બનશે.

ગૂગલના કર્મચારીઓ એટલે કે ગૂગલર્સ પોતે જ દરેક કોર્સના ઇન્સ્ટ્રક્ટર છે એટલે તેમના જાતઅનુભવથી શીખવા જેવું ઘણું હશે.

એ બધા પોતાના સાવ અલગ દૃષ્ટિકોણ, અલગ બેકગ્રાઉન્ડ ધરાવતા હશે, તેનો ફાયદો પણ મળશે. તેઓ પોતે કઈ રીતે યુએક્સ ડિઝાઇનર્સ બન્યા તેની પ્રોફેશનલ ટિપ્સ આપશે અને સાથે પોતાના આખા દિવસના કામની ઝલક પણ આપશે.

એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે તમે ક્યાં કામ કરો છો તેના આધારે તમારી યુએક્સ ડિઝાઇનર તરીકેની ભૂમિકા નક્કી થશે, પછી તે જનરલ પણ હોય કે સ્પેશ્યલાઇઝ્ડ પણ હોય. કંપનીમાં તમારી ભૂમિકા પ્રમાણે તમારી જવાબદારીઓ હોઈ શકે છે અને એ અનુસાર તમારી ટીમમાં અન્ય સભ્યો સામેલ હોઈ શકે છે. જોકે કોર્સમાં આ બધું આવરી લેવાશે એમ ગૂગલનું કહેવું છે.

ગૂગલર્સે પોતે આ પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે તેથી તેમની પાસેેથી સૌથી પ્રેક્ટિકલ માહિતી મળશે જેની યુએક્સ ડિઝાઇનિંગ કરિયર શરૂ કરવામાં જરૂર પડશે.

ટૂંકમાં, યુએક્સ ડિઝાઇનર તરીકે આખા વિશ્વમાં નવી કરિયરની તકો વિસ્તરી રહી છે ત્યારે ગૂગલનો આ પ્રોગ્રામ તેમાં પોતાનું સ્થાન બનાવવામાં ઉપયોગી થઈ શકે છે.

સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટનો અત્યંત વિરાટ વ્યાપ થયા પછી આખી દુનિયાનું અર્થતંત્ર હવે ડેટાને આધારે ચાલે છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

તમામ પ્રકારના બિઝનેસમાં આગળ વધવા માટે પોતાની પ્રોડક્ટ કે સર્વિસ વિશે લોકો શું માને છે, કઈ પ્રોડક્ટ કે સર્વિસનો લોકો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે વગેરે અનેક બાબતો વિશે ડેટા મેળવીને, એ ડેટાના વિસ્તૃત વિશ્લેષણને આધારે બિઝનેસ સંબંધિત નિર્ણયો કરવાની જરૂર હોય છે.

કઈ પ્રોડક્ટ કે સર્વિસમાં કેટલા ફેરફારોની જરૂર છે, ક્યા માર્કેટમાં તેને કેવી રીતે વધુ પુશ કરી શકાય તેમ છે, કેવી નવી પ્રોડક્ટ કે સર્વિસ લોન્ચ કરવી જોઇએ વગેરે બધા નિર્ણયો આંધળુકિયાં કરવાને બદલે ઉપલબ્ધ સચોટ ડેટાના આધારે લેવામાં આવે તો બિઝનેસમાં સફળતાની શક્યતા ઘણી વધી જાય છે.

આ સર્ટિફિકેટ પ્રોગ્રામમાં ડેટા કલેકશન, ટ્રાન્સફોર્મેશન, ઓર્ગેનાઇઝેશન, એનાલિસિસ, પ્રીડિક્શન તથા ડેટા ઇન્ફોર્મ્ડ ડિસિઝન મેકિંગ વિશેની સમજ કેળવવામાં આવે છે.

સમગ્ર પ્રોગ્રામમાં કુલ ૮ કોર્સ સામેલ છે, જે અઠવાડિયામાં ૧૦ કલાકનો સમય આપીને છ મહિનામાં પૂરા કરી શકાય છે.

હાલમાં યુએસમાં ડેટા એનાલિટિકના ક્ષેત્રમાં ૩,૩૭,૪૦૦ લોકોને ૬૭,૯૦૦ ડોલરની સરેરાશ એન્ટ્રી લેવલ સેલેરી સાથે જોબ મળી શકે છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે આ કોર્સમાં ૩૫ હજારથી વધુ લોકો એનરોલ થઈ ચૂક્યા છે.

આઇટી ક્ષેત્રમાં જેટલું ટેકનિકલ ડેવલપમેન્ટ મહત્ત્વનું છે એટલું જ તેનાં વિવિધ પાસાંનું મેનેજમેન્ટ પણ મહત્ત્વનું છે. અનેક પ્રકાર અને પાસાં ધરાવતાં પ્રોજેક્ટ પર જુદા જુદા કેટલાય તબક્કા પર અનેક લોકો કામ કરી રહ્યા હોય ત્યારે ક્લાયન્ટની જરૂરિયાતથી માંડીને દરેક ટીમ મેમ્બર વચ્ચે યોગ્ય તાલમેલ સાથે નિશ્ચિત પ્લાનિંગ અનુસાર પ્રોજેક્ટ આગળ વધતો રહે તે જોવું બહુ જરૂરી હોય છે.

આ સર્ટિફિકેટ પ્રોગ્રામમાં ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર, સ્ટ્રેટેજિક થિંકિંગ, ચેન્જ/પ્રોજેક્ટ/સ્ટેકહોલ્ડર/રિસ્ક વગેરેનું મેનેજમેન્ટ, બિઝનેસ રાઇટિંગ, પ્રોજેક્ટ પ્લાનિંગ વગેરે પાસાં શીખી શકાય છે.

આ પ્રોગ્રામ છ કોર્સમાં વહેંચાયેલો છે. સમગ્ર પ્રોગ્રામ દરમિયાન વીડિયો, એસેસમેન્ટ, હેન્ડ્સ ઓન એક્ટિવિટી વગેરેને આધારે પરંપરાગત તથા નવી એજાઇલ પ્રોજેક્ટ ડેવલપમેન્ટની પદ્ધતિઓની શરૂઆત, પ્લાનિંગ તથા એક્ઝિક્યુશનના વિવિધ પાસાં સમજી શકાય છે. પ્રોજેક્ટનું શિડ્યૂલ, બજેટ તથા ટીમ મેનેજ કરવા વિશે પણ તેમાં માહિતી આવરી લેવામાં આવે છે.

હાલમાં યુએસમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં ૪,૭૫,૧૦૦ લોકોને ૫૯,૦૦૦ ડોલરની સરેરાશ એન્ટ્રી લેવલ સેલેરી સાથે જોબ મળી શકે છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે આ કોર્સમાં ત્રીસ હજારથી વધુ લોકો એનરોલ થઈ ચૂક્યા છે.

આપણા દેશમાં આઇટી ઇન્ડસ્ટ્રી આટલી ફૂલી ફાલી છે તેનું એક કારણ એ છે કે આપણી કંપનીઓ વિદેશ કરતાં બહુ ઓછા ખર્ચે આઇટી સપોર્ટ પૂરો પાડી શકે છે.

આઇટી સેકટરમાં અનેક પાસાં છે અને તેમાં દરેક બાબતે વિસ્તૃત સપોર્ટ સિસ્ટમની જરૂર પડતી હોય છે. ઘણી કંપની અન્ય કંપનીઓને આ પ્રકારની સર્વિસ પૂરી પાડતી હોય છે તેમ મોટા પાયા પરની કંપનીઓને તેમની પોતાની જરૂરિયાત માટે પણ સપોર્ટ સિસ્ટમ જાળવવી જરૂરી હોય છે.

આ સર્ટિફિકેટ પ્રોગ્રામમાં કસ્ટમરને કેવી રીતે એન્ડ ટુ એન્ડ સપોર્ટ પૂરો પાડવો, તેમના પ્રોબ્લેમ્સ કેવી રીતે ઓળખવા અને ઉકેલવા તેની સમજ કેળવવામાં આવે છે. આ પ્રક્રિયાના ભાગરૂપે કમ્પ્યૂટર એસેમ્બલી, વાયરલેસ નેટવર્કિંગ, પ્રોગ્રામ ઇન્સ્ટોલેશન વગેરે બાબતો પણ આવરી લેવામાં આવે છે.

તેની સાથોસાથ લિનક્સ, ડોમેઇન નેમ સિસ્ટમ,  કમાન્ડ-લાઇન ઇન્ટરફેસ, બાયનરી કોડ વગેરેની જાણકારી આપવામાં આવે છે. કુલ પાંચ કોર્સનો બનેલા આ સર્ટિફિકેટ પ્રોગ્રામ આઇટી સપોર્ટ સેકટરમાં એન્ટ્રી લેવલ જોબ મેળવવા માટે જરૂરી તમામ સ્કિલ્સ કેળવે છે.

હાલમાં યુએસમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં ૩,૪૦,૫૦૦ લોકોને ૫૦,૮૦૦ ડોલરની સરેરાશ એન્ટ્રી લેવલ સેલેરી સાથે જોબ મળી શકે છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે આ કોર્સમાં પાંચ લાખથી વધુ લોકો એનરોલ થઈ ચૂક્યા છે.

આ સર્ટિફિકેટ પ્રોગ્રામમાં જોડાવા માટે પણ કોઈ પૂર્વ અનુભવની જરૂર નથી, પરંતુ પ્રોગ્રામનું કન્ટેન્ટ અને સ્ટ્રક્ચર એ પ્રકારનું છે કે તમને આઇટી સેક્ટરનો થોડો અનુભવ હોય અને તમે તેમાં હજી વધુ આગળ વધવા માગતા હો તો તે વધુ ઉપોયગી થશે. એ દૃષ્ટિએ આ પ્રોગ્રામ હાલના આઇટી પ્રોફેશનલ્સને વધુ ઉપયોગી થઈ શકે તેવો છે.

આઇટી સેકટરમાં ઓટોમેશન અત્યારે સૌથી વધુ ચર્ચાતો શબ્દ છે. એ માટે હાલની સૌથી વધુ લોકપ્રિય પ્રોગ્રામિંગ લેંગ્વેજ પાયથનની મદદથી પ્રોગ્રામિંગ કોડ લખવા વિશે આ કોર્સમાં પાયાની સમજ કેળવવામાં આવે છે.

આ કોર્સ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે પાયથનની મદદથી પ્રોગ્રામિંગ તથા સિસ્ટમ એડમિનિસ્ટ્રેશનના કોમન ટાસ્ક્સને ઓટોમેટ કરવા માટે પાયથનના ઉપયોગ વિશે તેમાં શીખી શકાય.

આ પ્રોગ્રામમાં જોડાયા પછી તમારા કમ્પ્યૂટરમાં પાયથન લેંગ્વેજ ઇન્સ્ટોલ કરવી જરૂરી બનશે તેમજ ગિટ અને ગિટહબ જેવી સર્વિસનો ઉપયોગ પણ જરૂરી બનશે. અલબત્ત એ માટેની સમજ આ પ્રોગ્રામમાં જ મળશે.

આ પ્રોગ્રામ તમને એડવાન્સ્ડ આઇટી સપોર્ટ સ્પેશિયાલિસ્ટ કે જૂનિયર સિસ્ટમ્સ એડમિનિસ્ટ્રેટરની પોઝિશન માટે તૈયાર કરી શકે છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે આ કોર્સમાં બે લાખથી વધુ લોકો એનરોલ થઈ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!