
સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો, પણ સ્માર્ટફોન કે પીસી/લેપટોપમાં કામ કરતી વખતે કેટલાક શોર્ટકટ્સ જાણી રાખ્યા હોય તો એ આપણા ધાર્યા કામમાં સફળતાને સહેલી ચોક્કસ બનાવે છે!
આપણા પીસી/લેપટોપના વિવિધ પ્રોગ્રામ્સ અને સ્માર્ટફોનમાંની એપ્સની મજા એ છે કે તેમાં એક જ કામ પાર પાડવાના એકથી વધુ રસ્તા હોઈ શકે છે. કોઈ રસ્તો ટૂંકો હોય તો કોઈ લાંબો હોય. આપણે કયો રસ્તો લઈએ એ મહત્ત્વનું નથી, બસ કામ થવું જોઈએ. એથી પણ વધુ મજાની વાત એ છે કે આ બધા પ્રોગ્રામ્સ, એપ્સ વગેરેમાં એટલાં બધાં ફીચર્સ હોય છે કે રોજેરોજ એનો ઉપયોગ કરતા હોઈએ તો પણ રોજ કંઈક નવું જાણવા મળે. આમાંથી કેટલીક વાત એવી નવી જાણવા મળે, જે આપણી રોજિંદી કામ કરવાની ઢબ ધરમૂળથી બદલી નાખે ને કામનો નવો ઉત્સાહ જગાવે.

આ લેખમાં વિવિધ પ્રોગ્રામ્સ કે સાધનમાં કામે લગાડી શકાય એવા શોર્ટકટ્સની વાત કરી છે. બસ, એમ જ, રેન્ડમ શોર્ટકટ્સની વાત કરી છે. તેમની વચ્ચે દેખીતાં કોઈ કનેક્શન નથી. બની શકે કે તમે આમાંથી કોઈ બાબત વિશે જાણતા હો, તો કોઈ, આગળ વાત કરીએ એવી મજોમજો કરી દે એવી વાત પણ જાણવા મળશે!
શોર્ટકટ જાણવા કેમ જરૂરી છે?
શોર્ટકટ્સ આપણું કામ સહેલું બનાવે છે એટલા પૂરતું એમનું મહત્ત્વ નથી. શોર્ટકટથી બહુ બહુ તો બે-ચાર સેકન્ડ બચે, પણ શોર્ટકટ કરતાં પણ વધુ મહત્ત્વની વાત એ ફીચર, એ સગવડ હોય છે. શોર્ટકટ વિશે જાણીએ ત્યારે આપણને સમજાય કે ‘‘અચ્છા, એક્સેલમાં કે બ્રાઉઝરમાં આમ પણ થઈ શકે, એમાં આવી સગવડ પણ છે!’’
શોર્ટકટ્સ એટલા બધા હોય છે કે એ તમામ યાદ રાખી શકાય નહીં, પણ જરૂર નથી. કામના શોર્ટક્ટ આપોઆપ યાદ રહેવા લાગશે!
જેમ વિવિધ ડિવાઇસ, પ્રોગ્રામ્સ, એપ્સ કે ઇન્ટરનેટ આપણું કામ સહેલું બનાવે છે, એમ શોર્ટકટ્સ આ બાબતોમાંનું આપણું કામ સહેલું બનાવે છે.
તમે કોઈ પણ નવા પ્રોગ્રામ પર હાથ અજમાવવા માગતા હો, તો તેના શોર્ટકટ્સની શોધ ચલાવજો. ઊડતી નજર ફેરવશો ત્યાં જ એ પ્રોગ્રામમાં શું શું શક્ય છે એનો અંદાજ આવવા લાગશે.
પીસી-લેપટોપ હોય કે સ્માર્ટફોન, દરેક પ્રોગ્રામ્સ અને એપમાં પાર વગરની ખૂબીઓ રહેલી છે. શોર્ટકટ્સ આપણને આ ખૂબીઓની નજીક લઈ જાય છે.
બધા શોર્ટકટ આપણે કામના નહીં હોય, પણ જે હશે તે સહેલાઈથી યાદ રહી જશે અને એ પ્રોગ્રામનો ઉપયોગ સહેલો બનાવી દેશે. તો એ વાત ધ્યાનમાં રાખીને અહીં આપેલા વિવિધ શોર્ટકટ્સ કે ટિપ્સ અજમાવી જુઓ. તમે રોજ જેનો ઉપયોગ કરતા હશો એ પ્રોગ્રામ કે એપને જરા જુદી રીતે, નવી રીતે જોવાની તક મળશે!
તમારા પીસીમાં હજી વિન્ડોઝ 07 હોય કે 10, તેની કેટલીક ખૂબીઓ તમારાથી અજાણી હશે.
સહેલાઈથી ડેસ્કટોપ જુઓ
તમારા પીસી કે લેપટોપમાં વિન્ડોઝ ૭ હોય કે વિન્ડોઝ ૧૦, તમે ઘણી જુદી જુદી વિન્ડો ઓપન કરી હોય અને પછી ડેસ્કટોપ સ્ક્રીન જોવાની જરૂર પડે તો? એક સહેલો રસ્તો વિન્ડોઝ કી + ડી પ્રેસ કરવાનો છે. બીજો રસ્તો સ્ક્રીન પર નીચે છેક જમણી બાજુ આપેલા એક નાના બોક્સ પર માઉસ લઇ જવાનો છે. માઉસ ફક્ત લઈ જશો, ક્લિક નહીં કરો તો ડેસ્કટોપ દેખાશે અને માઉસ હટાવતાં ફરી મૂળ વિન્ડો એક્ટિવ થશે. જો એ ટચૂકડા બોક્સ પર ક્લિક કરશો તો ખૂલેલી બધી વિન્ડો બંધ થશે અને ડેસ્કટોપ જોવા મળશે!
પીસી/નેટ પર વોઈસ ટાઇપિંગ
સ્માર્ટફોનમાં ગૂગલ જીબોર્ડ, માઇક્રોસોફ્ટ સ્વિફ્ટ કી કે અન્ય કંપનીના કી બોર્ડમાં આપણે વોઇસ ટાઇપિંગ કરી શકીએ છીએ એ તો તમે જાણતા જ હશો. તમે ઇચ્છો તો વિન્ડોઝ ૧૦માંની એક સગવડની મદદથી લેપટોપમાં પણ વોઇસ ટાઇપિંગ કરી શકો છો. ઓફિસ પ્રોગ્રામ્સ કે ઇન્ટરનેટના કોઈ પણ વેબપેજ પર ટેકસ્ટ ફિલ્ડમાં કંઈ પણ ટાઇપ કરવું હોય ત્યારે વિન્ડોઝ કી + એચ ટાઇપ કરી જુઓ. સ્ક્રીન પર મથાળે એક નાનું બોકસ ખુલશે અને હવે તમે લેપટોપના માઇક્રોફોનની મદદથી લેપટોપ પર વોઇસ ટાઇપિંગ કરી શકશો!
યુનિવર્સલ ક્લિપબોર્ડ
લેપટોપમાં કામ કરતી વખતે આપણે અવારનવાર જુદા જુદા પ્રોગ્રામમાં કંઈ ને કંઈ કોપી અને પેસ્ટ કરતા હોઇએ છીએ. વિન્ડોઝ ૧૦માં આ સગવડને વધુ અસરકારક બનાવતી યુનિવર્સલ ક્લિપ બોર્ડની સુવિધા છે એ તમે જાણો છો? તેનો લાભ લેવા માટે વિન્ડોઝ કી + વી કી પ્રેસ કરો. આથી વિન્ડોઝનું ક્લિપબોર્ડ ખુલશે. હવે તમે જુદા જુદા કોઈ પણ પ્રોગ્રામ (બ્રાઉઝરમાંના વેબપેજ સહિત) ગમે ત્યાંથી કંઈ પણ સિલેક્ટ કરીને કોપી કરશો તો એ બધી બાબતો આ યુનિવર્સલ ક્લિપબોર્ડમાં જમા થતી જશે.

તમે ઇચ્છો ત્યારે એ બધું કોઈ એક ડોક્યુમેન્ટમાં ભેગું કરવા માટે પેસ્ટ કમાન્ડનો લાભ લઈ શકો છો. જો તમે જુદા જુદા ડિવાઇસમાં તમારા માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી સાઇન-ઇન થાઓ તો આ યુનિવર્સલ ક્લિપબોર્ડ બધા ડિવાઇસમાં કામ લાગશે. વધુ માહિતી માટે લેપટોપમાં સેટિંગ્સમાં સેટિંગ્સમાં ક્લિપબોર્ડમાં જાઓ અથવા કોર્ટનામાં સીધું ક્લિપબોર્ડ સર્ચ કરી લો!
ભૂલ સુધારી લેવાની તક
રીયલ લાઇફથી વિપરિત, કમ્પ્યૂટરમાં ભૂલ સુધારી લેવાની તક હોય છે ઃ કંટ્રોલ+ઝેડ કી પ્રેસ કરી આપણે પોતાનું એક્શન ‘અનડુ’ કરી શકીએ છીએ. પણ, એ રીતે ભૂલ સુધાર્યા પછી ખ્યાલ આવે કે ભૂલ જ નહોતી, તો?
તો અનડુને પણ અનડુ કરી શકાય! કંટ્રોલ+વાય કીની મદદથી! આ શોર્ટકટ મજાનો છે, આગલું સ્ટેપ અનડુનું હોય તો એ તેને પણ અનુડ કરે, બાકી આગળ જે સ્ટેપ લીધું હોય તેને કંટ્રોલ+વાય કીથી આપણે રીપીટ કરી શકીએ છીએ! આ જ કામ જોકે એફ૪કી પણ થઈ શકે છે.
ઓફિસ પ્રોગ્રામ્સ ગજબના ફીચર-રીચ છે, તમે ધારો તો રોજેરોજ તેમાં કંઈક નવું જાણી શકો.
એક્સેલમાં સ્માર્ટ ફોર્મ્યુલા ડુપ્લિકેશન
માની લો કે તમે બે કોલમમાં જુદા જુદા આંકડા લખ્યા છે અને ત્રીજી કોલમમાં તમારે તેનો સરવાળો કરવો છે. સામાન્ય રીતે તમે પહેલી રોમાં ત્રીજી કોલમમાં આગલી બે કોલમના આંકનો સરવાળો કરતી ફોર્મ્યુલા લખશો. પછી બધી રોમાં તેને રીપીટ કરવા માટે સરવાળો બતાવતા સેલનો નીચલો જમણો ખૂણો માઉસથી પકડીને તેને નીચેની તરફ ડ્રેગ કરશો. આનો વધુ સહેલો રસ્તો પણ છે.

જે સેલમાં આપણે ફોર્મ્યુલા લખી હોય તે સેલનો નીચલો જમણો ખૂણો ડ્રેગ કરવાને બદલે તેના પર માઉસ લઈ જતાં તે પ્લસની નિશાનીમાં ફેરવાઈ જશે, હવે એ ખૂણાને ડબલ ક્લિક કરતાં બાકીની બધી રોમાં એ જ ફોર્મ્યુલા લાગુ થશે અને સરવાળાના જવાબ આવી જશે!
આવું બધા પ્રકારની ફોર્મ્યુલા રીપીટ કરવા કરી શકાય છે.
વર્ડમાં ફોર્મેટિંગ રીમૂવલ
વર્ડમાં કોઈ મોટું ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું હોય ત્યારે આપણે જુદા જુદા સોર્સમાંથી કન્ટેન્ટ લાવીને વર્ડમાં પેસ્ટ કરતા હોઇએ છીએ. આવું કરતાં, એ સોર્સનું ફોર્મેટિંગ વર્ડ ડોક્યુમેન્ટમાં જળવાઈ રહે એવું બની શકે. સોર્સનું ફોર્મેટિંગ દૂર કરવું હોય તો બે-ત્રણ રસ્તા છે. એક, કોપી કરેલ કન્ટેન્ટને પહેલાં નોટપેડમાં પેસ્ટ કરો, ત્યાંથી ફરી કોપી કરી, વર્ડમાં લાવો. અથવા ભલે ડાઇરેક્ટ વર્ડમાં પેસ્ટ કરો, પણ પેસ્ટ કર્યા પછી તરત એક નાનું બટન જોવા મળે તેમાં ‘મેચ ડેસ્ટિનેશન ફોર્મેટિંગ’ વિકલ્પ પસંદ કરો (તેને ડિફોલ્ટ તરીકે પણ પસંદ કરી શકાય). હજી ત્રીજો રસ્તો એ કે પેસ્ટ કરેલી બધી ટેકસ્ટ સિલેક્ટ કરીને કંટ્રોલ+સ્પેસબાર દબાવી જુઓ. આપણે સિલેક્ટ કરેલી ટેકસ્ટનું બધું ફોર્મેટિંગ દૂર થશે ને પછી આપણે ઇચ્છીએ તે રીતે તેને નવેસરથી ફોર્મેટ કરી શકીશું!
શોર્ટકટ્સનો શોર્ટકટ
ઓફિસ પ્રોગ્રામ્સ તેના નવા નવા વર્ઝન સાથે વધુ ને વધુ ફીચર રીચ બનતા જાય છે. આ કારણે પ્રોગ્રામ પાસેથી કોઈ ચોક્કસ કામ લેવું હોય તો તેનો કમાન્ડ શોધવો મુશ્કેલ બની શકે. વર્ડના નવા વર્ઝનમાં આનો સહેલો ઉપાય મળે છે. તેમાં ટૂલબારમાં ઉપરની બાજુએ ‘ટેલ મી વ્હોટ યુ વોન્ટ ટુ ડુ’ (તમારે શું કરવું છે?) લખેલું એક બોક્સ જોવા મળે છે. તેમાં આપણે કંઈ પણ લખીએ તો વર્ડની સિસ્ટમ સામેથી આપણને તેનો કમાન્ડ શોધવામાં મદદ કરે છે!
લાઇન સ્પેસિંગ ઝડપથી સેટ કરવા માટે…
વર્ડમાં ડોક્યુમેન્ટ પર કામ કરતી વખતે, આપણે બે લીટી વચ્ચેનું સ્પેસિંગ વધઘટ કરવાની જરૂર પડતી હોય છે. સામાન્ય રીતે ટેક્સ્ટ સિલેક્ટ કરી, મથાળાની રિબનમાં તેનો કમાન્ડ શોધવા જવું પડે. તેને બદલે, ટેક્સ્ટમાં કર્સર રાખી, કંટ્રોલ કી સાથે ૧, ૨ અથવા ૫ પ્રેસ કરતાં, અનુક્રમે સિંગલ, ડબલ કે ૧.૫ ગણું લાઇન સ્પેસિંગ સેટ થશે. પણ યાદ રહે, આ શોર્ટકટ અળવિતરો છે, તમારે કંટ્રોલ કરી સાથે, કીબોર્ટના મથાળાની નંબર કી વાપરવી પડશે, જમણી તરફના કીપેડની નંબર કી ચાલશે નહીં!
આપણું ઇન્ટરનેટ સર્ફિંગ શક્ય બનાવતાં બ્રાઉઝર પોતે ખજાનાની ખાણ જેવાં હોય છે.
ડાઉનલોડેડ ફાઇલનું ફોલ્ડર બદલો
સામાન્ય રીતે બધાં બ્રાઉઝરમાં કંટ્રોલ + જે કી પ્રેસ કરતાં આપણે ડાઉનલોડ કરેલી ફાઇલ્સનું લિસ્ટ જોવા મળે છે. અહીં ડાઉનલોડ થયેલી ફાઇલ ક્યા ફોલ્ડરમાં પહોંચી તે પણ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આ ફાઇલને ત્યાંથી કમ્પ્યૂટરના બીજા કોઈ ફોલ્ડરમાં લઇ જવી હોય તો? તો બ્રાઉઝરમાં એક તરફ ડાઉનલોડ ટેબ ઓપન કરો અને બીજી તરફ કમ્પ્યૂટરના જે ફોલ્ડરમાં ફાઈલ લઈ જવી છે તે ઓપન કરો. હવે તમે બ્રાઉઝરના ટેબમાંથી એ ફાઇલ ડ્રેગ કરીને કમ્પ્યૂટરના જોઇતા ફોલ્ડરમાં લઈ જઈ શકશો!
બ્રાઉઝરમાં ટેબ પિનિંગ
ક્રોમ બ્રાઉઝરમાં તમે સંખ્યાબંધ પેજ ઓપન કરીને કામ કરતા હો તો એવું બની શકે કે કમ્પ્યૂટર ખાસ્સું ધીમું થવા લાગે. આ સ્થિતિમાં આપણે ધડાધડ ટેબ બંધ કરતા જઇએ ત્યારે કામની ટેબ પણ બંધ થઈ જાય. આવી ભૂલથી બંધ થયેલી ટેબને ફરી ઓપન કરવા માટે કંટ્રોલ+શિફ્ટ+ટી કી પ્રેસ કરી જુઓ. ભૂલથી બંધ થયેલી ટેબ ફરી મળી જશે.

અચ્છા, કામની ટેબ ભૂલથી બંધ થાય જ નહીં એવું કરવું હોય તો? એ માટે ટેબને રાઇટ ક્લિક કરી જે મેનૂ ખુલે તેમાં ‘પિન’ વિકલ્પ પસંદ કરી લો. આથી એ પિન ટેબ લિસ્ટમાં સૌથી પહેલાં એટલે કે ડાબી બાજુ પ્રથમ ક્રમે ગોઠવાઈ જશે. ઈચ્છો ત્યારે તેને અનપિન પણ કરી શકો.
બ્રાઉઝરમાં ઓફલાઇન રીડિંગ
ક્યારેક એવું બને કે તમને થોડા સમય માટે મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન મળી શકે તેમ ન હોય, પરંતુ તમે બ્રાઉઝર કરેલાં વેબપેજ તમારે વાંચવાં જરૂરી હોય. આવી સ્થિતિમાં, બ્રાઉઝરના ત્રણ ડોટ પર ક્લિક કરી, ઊંધા એરો જેવા ડાઉનલોડ બટનને ક્લિક કરી લો. એ આખું વેબપેજ ઓફલાઇન રીડિંગ માટે સેવ થઈ જશે. પછી ગમે ત્યારે, ત્રણ ડોટ પર ક્લિક કરી, ‘ડાઉનલોડ્સ’માં એ વેબપેજ શોધી શકાશે .
હવે આગળની વાત ઘરનાં દાદી-નાનીને લાગુ પડે છે! તેઓ સામાન્ય રીતે ક્રોમ જેવા બ્રાઉઝરમાં કશું બ્રાઉઝ કરતાં ન હોય, પણ વોટ્સએપમાં આવેલી લિંક્સ પર ક્લિક કરતાં હોય, તો એ બધું ક્રોમમાં ખૂલતું હોય અને તેમાં બધું જમા થતું રહે એવું બની શકે. આવું થતું ટાળવા સેટિંગ્સમાં, ક્રોમ એપનું ઇન્ફોપેજ ખોલી, તેમાં સ્ટોરેજ તપાસો. એ ઝાઝી જગ્યા રોકતી હોય તો ‘ક્લિયર સ્ટોરજ’ પર ક્લિક કરતાં ફોનમાં જગ્યા થશે!
સ્માર્ટ રીતે, ફટાફટ સર્ચ
સ્માર્ટફોનમાં કોઈ વેબપેજ પર હોઈએ ત્યારે એમાંના કોઈ શબ્દ પર અટકીએ, તેના વિશે વધુ જાણવાની જરૂર લાગે તો સામાન્ય રીતે, આપણે બીજી ટેબ ઓપન કરીએ અને તેમાં પેલો શબ્દ ટાઇપ કરી, તેના વિશે સર્ચ કરીએ. તેને બદલે, કોઈ પણ પેજમાં જે શબ્દ વિશે વધુ સર્ચ કરવું હોય તેને જરા લાંબો સમય પ્રેસ કરો. તરત સ્ક્રીન પર નીચે એક અલગ વિન્ડોમાં, એ શબ્દનું ગૂગલ સર્ચનું રીઝલ્ટ પેજ જોવા મળશે. તેના પર નજર ફેરવો, જોઈતી માહિતી મેળવી લો અને પછી એ ટેબ નીચે સરકાવી મૂળ પેજમાં પરત આવો!
સ્માર્ટફોન આપણા વિશે પાર વગરનું જાણે છે, પણ આપણે તેની ખૂબીઓથી અજાણ હોઈ શકીએ.
લેપટોપ-ફોન કનેક્ટ કરો
તમે વેબ કે પ્રિન્ટ ડિઝાઇનર છો? ઘણી વાર એવું બનતું હશે કે તમે ફોનમાં કોઈ સ્ક્રીનશોટ લો, જેનો ઉપયોગ તમારે લેપટોપમાં કરવાનો હોય, એટલે તેને લેપટોપમાં પહોંચાડવા પોતાને જ મેઇલ કરવો પડે. ફોન અને પીસીને કનેક્ટ કરવાનાં કારણો હવે ઘણાં વધી ગયાં છે (વોટ્સએપ કે મેસેજિસનાં વેબ વર્ઝનનો તમે પીસીમાં ઉપયોગ કરતા જ હશો). જો તમારી પાસે આઇફોન અને મેકબુક હોય તો એક ડિવાઇસમાં કંઈક કોપી કરી, તેને બીજા ડિવાઇસમાં પેસ્ટ પણ કરી શકાય છે! (સમજાયું? આ વાક્ય ફરી વાંચો!).

આઇફોનને બદલે એન્ડ્રોઇડ અને વિન્ડોઝ ૧૦વાળું પીસી/લેપટોપ હોય તો એ બંનેને પણ કનેક્ટ કરી શકાય. કામ ઝડપી બનાવવાનો આ પણ એક શોર્ટકટ છે. ફોનમાં માઇક્રોસોફ્ટની ‘યોર ફોન કમ્પેનિયન – લિંક ટુ વિન્ડોઝ’ નામની એક એપ ઇન્સ્ટોલ કરી, ફોન અને લેપટોપમાં કેટલીક વિધિ કરી બંનેને કનેક્ટ કરી શકાશે. પછી ફોનના મેસેજ, કોન્ટેક્ટ, કોલ્સ, ફોટોઝ વગેરે લેપટોપમાં એક્સેસ કરવા એકદમ ઇઝી બની જશે.
જુદા પ્રકારના શોર્ટકટ્સ – વિજેટ્સ
આઇફોનમાં આઇઓએસના છેક ૧૪મા વર્ઝનથી ફોનના હોમસ્ક્રીન પર વિજેટ્સ ઉમેરવાની સગવડ મળી, એન્ડ્રોઇડમાં એ વર્ષોથી છે, પરંતુ તેનો તમે પૂરતો લાભ ન લેતા હો એવું બની શકે. ફોનમાંની એપ્સ, તેના કામકાજ મુજબ ટચૂકડી વિજેટ્સ આપતી હોય છે. જેમ કે જીમેઇલની વિજેટ તમે હોમસ્ક્રીન પર ઉમેરી દો, તો અમુક મહત્ત્વના લેબલ્સ ધરાવતા મેઇલ્સ હોમસ્ક્રીન પર જ જોઈ શકાય, જીમેઇલ એપ ખોલવાની જરૂર નહીં. ફોનના હોમસ્ક્રીનમાં જરા લાંબો સમય પ્રેસ કરી, વિજેટ્સ પર ત્રાટકી જુઓ! તમે ઇન્સ્ટોલ કરેલી એપ્સની જુદી જુદી ઘણી વિજેટ્સ ટ્રાય કરી શકાશે.
ક્વિક સેટિંગ્સ
દરેક એન્ડ્રોઇડમાં અલગ અલગ યૂઝર એક્સ્પિરીયન્સ મળતો હોય છે, પણ ક્વિક સેટિંગ્સની સવલત બધામાં હોય છે. એનો તમે પૂરતો લાભ લો છો? સ્ક્રીન પર ઉપરની બાજુએથી નીચે બે વાર સ્વાઇપ કરતાં, તમે વારંવાર જેનો ઉપયોગ કરતા હો તેવાં સેટિંગ્સના શોર્ટકટ્સ મળે છે. અહીં પાછો નવો શોર્ટકટ છે, બે અાંગળીથી નીચેની તરફ સ્વાઇપ કરશો, તો બે વાર સ્વાઇપ કરવું પડશે નહીં. આ બધા શોર્ટકટમાં વધ-ઘટ કરી શકાય અને તેમનાં સ્થાન પણ બદલી શકાય. પછી વારંવાર સેટિંગ્સમાં જવાની જરૂર નહીં રહે.
એકાઉન્ટ ઝડપથી સ્વિચ કરવા માટે…
એક જ ફોનમાં એકથી વધુ ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરો છો? ગૂગલની વિવિધ એપમાં, એક એકાઉન્ટમાંથી બીજામાં જવા માટે તમે ઉપર જમણે તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી, જે મેનૂ ખૂલે તેમાં બીજું એકાઉન્ટ સિલેક્ટ કરતા હશો. એ લાંબી રીતને બદલે, પ્રોફાઇલ પિક્ચરને ઉપરની તરફ સ્વાઇપ કરી જુઓ. જેટલાં ગૂગલ એકાઉન્ટ હશે એ બધાં વારાફરતી સ્વિચ થતાં જશે!

