ગયા વર્ષે કોરોનાએ આપણા જીવનને ઘણી બધી રીતે બદલી નાખ્યું. આપણે હજી પણ આ પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છીએ. સ્વાસ્થ્ય સિવાય પણ આપણે એક બહુ મોટું પરિવર્તન અપનાવી લીધું એ તમારા ધ્યાનમાં આવ્યું?
આપણે ધીમે ધીમે રોકડ રકમ ભૂલવા લાગ્યા છીએ. વર્ષ ૨૦૧૬માં નોટબંધી લાગુ થઈ ત્યારથી સરકારે અને બીજી સંખ્યાબંધ મોબાઇલ વોલેટ કંપનીઓએ આપણને ઓનલાઇન પેમેન્ટ તરફ વાળવા પ્રયાસ કર્યો હતો. એમનાથી જે ન થઈ શક્યું તે કોરોનાએ કરી બતાવ્યું. હવે આપણે કરિયાણાની દુકાને કે મેડિકલ સ્ટોરમાં સાવ નજીવી રકમ માટે પણ ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢી, તેનાથી પેમેન્ટ કરતા થઈ ગયા છીએ. ક્રેડિટ/઼઼ડેબિટ કાર્ડ કે મોબાઇલ વોલેટ નહીં, સીધી જ ખાતામાં આપલે કરતી યુપીઆઇ વ્યવસ્થા આપણને જચી ગઈ છે.
આ સંદર્ભમાં, ગયા મહિને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગવર્નર શક્તિકાંત દાસે કહેલી વાતો આપણે સરવા કાને સાંભળવા જેવી છે.
તેમણે કહ્યું કે આરબીઆઇને ક્રિપ્ટોકરન્સી સામે ખાસ્સી ચિંતાઓ છે. તેમણે એમ પણ કહ્યું કે આરબીઆઇ તેની પોતાની ડિજિટલ કરન્સી, બીજા શબ્દોમાં ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવા માટે પ્રયત્નશીલ છે. ભારતની પોતાની ક્રિપ્ટોકરન્સી સામે કોઈ હરીફાઈ ન રહે એ માટે સરકાર બિટકોઈન જેવી અન્ય તમામ ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડ પર પ્રતિબંધ મૂકે તેવી પણ શક્યતાઓ તોળાઈ રહી છે.
વાસ્તવમાં આખી દુનિયામાં બિટકોઇન અને તેના જેવી બીજી સંખ્યાબંધ ડિજિટલ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ જબરજસ્ત વધ્યો એ સાથે વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્ક્સ (જેમ ભારતમાં આરબીઆઈ) ક્રિપ્ટોકરન્સીથી તોળાતા જોખમ સામે જાગી ઊઠી છે. અત્યારે દુનિયાના લગભગ ૮૦ ટકા દેશોની સેન્ટ્રલ બેન્કસ પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરવા પર કામ કરી રહી છે. ચીનની સેન્ટ્રલ બેન્કે તેની પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી દીધી છે. ઇંગ્લેન્ડ, કેનેડા, જાપાન, સિંગાપોર, હોંગકોંગ વગેરેની સેન્ટ્રલ બેન્ક આ દિશામાં ખાસ્સી આગળ વધી ગઈ છે.
આમ જુઓ તો આ બધી ઇકોનોમિક્સની વાતો થઈ તેની સાથે આપણે શું સંબંધ? આપણો રૂપિયા સાથે કોઈ સંબંધ હોય તો આ વાતો સાથે પણ સંબંધ હોવો જોઈએ!
હવે વાતમાં એન્ટર થાય છે ફાસ્ટેગ. ગયા મહિનાથી ભારતમાં ટોલપ્લાઝા પર ફાસ્ટેગથી ટોલટેક્સની ચૂકવણી ફરજિયાત થઈ ગઈ છે. આગામી સમયમાં એરપોર્ટ કે રેલવે સ્ટેશન અને મોલ જેવા પબ્લિક પ્લેસિસ પર પાર્કિંગ ફીની ચૂકવણી આ રીતે ફાસ્ટેગથી આપોઆપ થવા લાગે એ દિવસો દૂર નથી.
ડિજિટલ કરન્સીનો આવો ઉપયોગ દિવસે દિવસે વધવાનો છે અને આપણે તે માટે તૈયાર રહેવાનું છે.
વાસ્તવમાં વિવિધ દેશની સરકાર પોતપોતાના કારણસર લોકોને ડિજિટલ કરન્સી તરફ વાળવા પ્રયત્નશીલ છે. બીજી તરફ લોકો પોતપોતાના કારણસર ડિજિટલ કરન્સી અપનાવવાનો ખાસ ઉત્સાહ બતાવતા નહોતા. કોરોનાના સમયગાળામાં રોકડ રકમની આપલે વખતે ચેપના ડરને કારણે આ ઉત્સાહ આપોઆપ જાગી ગયો છે.
રિઝર્વ બેન્કની પોતાની ડિજિટલ કે ક્રિપ્ટોકરન્સી હોય તો તેના પર રિઝર્વ બેન્કનો સીધો અંકુશ રહે અને છતાં લોકો માટે રકમની લેવડદેવડ અત્યંત સહેલી બને – ત્યાં સુધી કે બેન્ક ખાતું ન ધરાવતા લોકો પણ તેનો ઉપયોગ કરી શકે.
આ બધું જોતાં, નજીકના ભવિષ્યમાં આપણે રકમની લેવડદેવડ બાબતે હજી વધુ આમૂલ પરિવર્તનો જોઇશું તે નક્કી છે!
– હિમાંશુ

