હવે ભારતના રસ્તાઓ પર પણ ઇલેક્ટ્રિક કાર્સ આવી ગઈ છે, છતાં તેની બેટરી ચાર્જ કરવામાં લાગતો સમય અને પૂરતાં ચાર્જિંગ સ્ટેશન્સનો અભાવ હજી આવી કાર્સ લોકપ્રિય બનવા આડેનો મોટો અવરોધ છે.
હાઇવે પર આપણી કારમાં પેટ્રોલ ખૂટવા આવે તો નજીકના પેટ્રોલ પમ્પમાંથી ગણતરીની મિનિટમાં ભરાવી શકાય, પણ ઇલેક્ટ્રિક કારની બેટરી હાઇવે પર ખૂટવા આવે તો? પહેલાં તો ચાર્જિંગ સ્ટેશન જ ન મળે અને મળે તો બેટરીને ફુલ ચાર્જ થતાં લાંબો સમય લાગે.
હવે ઇઝરાયેલની એક કંપની આ ચિંતા દૂર કરી દે તેવી શક્યતા છે. આ કંપનીએ બિલુકલ ખાલી બેટરીને માત્ર પાંચ મિનિટ (પેટ્રોલ ભરાવવા જેટલો સમય!)માં ફૂલ ચાર્જ કરી શકાય એવી લિથિયમ-આયન બેટરીની ટેકનોલોજી વિકસાવી છે. આ કંપનીમાં જર્મનીની મર્સિડિસ-ડેઇમ્લર, બ્રિટનની બ્રિટિશ પેટ્રોલિયમ તથા સેમસંગ તથા ટીડીકે જેવી ઇલેક્ટ્રોનિક જાયન્ટ કંપનીએ રોકાણ કર્યું હોવાથી આ બેટરી ઝડપથી મેઇન સ્ટ્રીમ માર્કેટમાં આવશે એવી આશા રાખી શકાય.
