ભારતમાં આખરે હાઇવે પરના ટોલપ્લાઝા પર ટોલટેક્સની ચૂકવણી ફાસ્ટેગ દ્વારા ફરજિયાત કરી દેવામાં આવી છે. સમય અને ઇંધણની બચત કરતી આ વ્યવસ્થા દેશવ્યાપી ડિજિટિલ પેમેન્ટ સિસ્ટમ ભવિષ્યમાં કેટલી વ્યાપક બનવાની છે તેની આપણને એક ઝલક આપે છે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) સાથે નજીકથી સંકળાયેલી આ વ્યવસ્થાનાં વિવિધ પાસાં બરાબર સમજી લઈશું, તો ભવિષ્યમાં બીજી અનેક રીતે યુપીઆઇનો ઉપયોગ આપણે માટે સહેલો બનશે.
ફાસ્ટેગ શું છે?
ફાસ્ટેગ એક એવું સાધન છે જે રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઇડી) ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ફાસ્ટેગ આપણા ડિજિટલ ફાસ્ટેગ એકાઉન્ટ સાથે કનેક્ટેડ રહે છે અને તેને વાહનના વિન્ડશિલ્ડ પર લગાડી દીધા પછી ટોલનાકા પર જ્યારે સેન્સરથી ફાસ્ટેગ રીડ કરવામાં આવે ત્યારે જરૂરી રકમ આપોઆપ આપણાં ફાસ્ટેગ એકાઉન્ટમાંથી કપાઈ જાય છે. આ કારણે આપણે ટોલનાકા પર રોકડ રકમ ચૂકવવા વાહન થોભાવવું પડતું નથી.
અત્યારે ફાસ્ટેગનો ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે છે?
હાલમાં દેશના તમામ નેશનલ હાઇવે તથા અમુક સ્ટેટ હાઇવે પર ૭૭૩થી વધુ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગનો ઉપયોગ થઈ શકે છે. ભવિષ્યમાં એરપોર્ટ કે રેલવે સ્ટેશન જેવા સ્થળોએ પાર્કિંગ માટે પણ ફાસ્ટેગનો ઉપયોગ શરૂ કરવાનું આયોજન છે. અમુક એરપોર્ટ પર આ વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે શરૂ પણ થઈ ગઈ છે.
ફાસ્ટેગ કેવી રીતે મેળવી શકાય?
આપણે ફાસ્ટેગ આપવા માટે માન્ય વિવિધ બેન્ક (પોતાનું જેમાં ખાતું હોય તે બેન્ક અથવા અન્ય બેન્ક)ના નેટ બેન્કિંગ કે મોબાઇલ વોલેટ્સમાંથી ઓનલાઇન અરજી કરીને ફાસ્ટેગ ખરીદી શકીએ છીએ. એ સિવાય, ટોલપ્લાઝા પર જરૂરી દસ્તાવેજો આપીને ફાસ્ટેગની ઓફલાઇન ખરીદી પણ કરી શકાય છે.
ફાસ્ટેગ ખરીદવા માટે વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તથા વાહન માલિકના ઓટોગ્રાફ અને કેવાયસી દસ્તાવેજો હોવા જરૂરી છે.
|
ફાસ્ટેગની ફી શી છે?
સામાન્ય રીતે ફાસ્ટેગ ખરીદવા માટે રૂ. ૧૦૦ની એક વારની ફી ચૂકવવી પડે છે. કેટલીક બેન્ક અત્યારે આ ફી માફ કરી રહી છે.
ફાસ્ટેગ રિચાર્જ કેવી રીતે કરી શકાય?
આપણે જ્યારે કોઈ પણ બેન્ક/મોબાઇલ વોલેટ વગેરે પાસેથી ફાસ્ટેગ ખરીદીએ ત્યારે તેમાં આપણું એક ફાસ્ટેગ એકાઉન્ટ બને છે. આ ખાતામાં આપણે કોઈ પણ રીતે રૂપિયા ઉમેરી શકીએ છીએ. ત્યાર પછી ટોલ પ્લાઝામાંથી પસાર થતી વખતે આ ખાતામાંથી રૂપિયા કપાય છે.
વાસ્તવમાં, આપણા ફાસ્ટેગ એકાઉન્ટ અને વાહન નંબરના આધારે આપણા ફાસ્ટેગ એકાઉન્ટનું એક ચોક્કસ યુપીઆઈ આઇડી બને છે આપણે તેના પર રકમ મોકલીને પણ ફાસ્ટેગ રીચાર્જ કરી શકીએ છીએ.
ફરિયાદ નિવારણ
|
બે વાહન હોય તો બે ફાસ્ટેગ ખરીદવા પડે?
દરેક વાહન માટે અલગ અલગ ફાસ્ટેગ ખરીદવા જરૂરી છે. આપણે ફાસ્ટેગ માટે અરજી કરતી વખતે એકથી વધુ વાહન માટે અરજી કરી શકીએ છીએ.
કોઈ ટોલપ્લાઝાની નજીક રહેતા હોઇએ અને રોજે રોજ ત્યાંથી પસાર થવાનું હોય તો પણ ફાસ્ટેગ જરૂરી છે?
ફાસ્ટેગ જરૂરી છે, પરંતુ જે ટોલ પ્લાઝા પર, ૧૦ કિલોમીટરથી વધુ નજીક રહેઠાણ ધરાવતાં, સ્થાનિક વાહનોને ટોલટેક્સ પર ડિસ્કાઉન્ટ કે માફી મળતા હોય તેને સંબંધિત ઓથોરિટીને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરીને ડિસ્કાઉન્ટ કે ટોલ માફીનો લાભ લઈ શકાય છે.
ફાસ્ટેગનું સ્ટેટસ કેવી રીતે તપાસી શકાય?
આપણે જે બેન્ક પાસેથી ફાસ્ટેગ ખરીદ્યું હોય તેના પોર્ટલ પર લોગઇન થઈને ફાસ્ટેગનું સ્ટેટસ અને એકાઉન્ટ બેલેન્સ તપાસી શકીએ છીએ. ફાસ્ટેગ એકાઉન્ટ તરફથી આપણને વખતોવખત બેલેન્સ સંબંધિત એસએમએસ પણ મળે છે.
બીજા શહેરમાં રહેવા જવાનું થાય તો?
ફાસ્ટેગનો સમગ્ર દેશમાં ઉપયોગ કરી શકાય છે.
ટોલ પ્લાઝામાંથી પસાર થતી વખતે ફાસ્ટેગમાંથી ખોટી રકમ કપાય તો?
ટોલ પ્લાઝા પરથી પસાર થતી વખતે આપણા ફાસ્ટેગ એકાઉન્ટમાંથી ટોલ ટેક્સની રકમ કપાય તે સાથે ફાસ્ટેગ એકાઉન્ટમાંથી તેનો આપણા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ આવે છે. જો ખોટી રકમ કપાઈ હોવાનું ધ્યાનમાં આવે તો આપણે આપણું ફાસ્ટેગ એકાઉન્ટ જે બેન્કમાં હોય તેને ફરિયાદ કરવી પડે છે. આ સિવાય ફાસ્ટેગ સંબંધિત કોઈ પણ ફરિયાદ માટે આપણે etc.nodal@ihmcl.com ઇમેઇલ દ્વારા અથવા ટોલ-ફ્રી ૧૦૦૩ નંબર પર ફરિયાદ નોંધાવી શકીએ છીએ.
કોઈ કારણસર ટોલપ્લાઝા પર ફાસ્ટેગ રીડ ન થાય અને રકમ રોકડમાં ચૂકવવી પડે, પરંતુ પછી ફાસ્ટેગ એકાઉન્ટમાંથી રકમ કપાય તો?
આવું થઈ શકે છે. આ સંજોગમાં આપણે રોકડ ચૂકવેલી રકમની રિસિપ્ટ સાથે ફાસ્ટેગ એકાઉન્ટમાં ફરિયાદ કરવી પડે છે.
ટોલપ્લાઝા પર ફાસ્ટેગ કામ ન કરે તો?
આવું પણ થઈ શકે છે. ટોલપ્લાઝા પરનું ટેગ રીડર કામ ન કરતું હોય કે વાહન પર ફાસ્ટેગ યોગ્ય રીતે ચોંટાડેલ ન હોય તો ફાસ્ટેગ એકાઉન્ટમાંથી રકમ ન કપાય એવું બની શકે છે.
મોટા ભાગના ટોલપ્લાઝા પર હેન્ડહેલ્ડ ટેગ રીડરની સુવિધા હોય છે. તેનો ઉપયોગ કરવા વિનંતી કરી શકાય. આવી ઘટના વિશે આપણે ટોલ-ફ્રી ૧૦૩૩ નંબર પર જાણ કરી શકીએ છીએ.
વાહન વેચીએ ત્યારે શું થાય?
આપણે વાહન વેચીએ ક અન્ય કોઈને ટ્રાન્સફર કરીએ ત્યારે જે બેન્ક પાસેથી ફાસ્ટેગ ખરીદ્યું હોય તેને જાણ કરીને પોતાનું ફાસ્ટેગ એકાઉન્ટ બંધ કરવાનું રહે છે.
ફાસ્ટેગ સંબંધિત મહત્ત્વની બાબતો માટે લાગતો સમય |
|
| બાબત | સમય |
| ઓનલાઇન અરજી પછી નવા ફાસ્ટેગની ડિલિવરી | કામકાજના ૫ દિવસ |
| રિચાર્જ – યુપીઆઇ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગથી રિચાર્જ | તરત જ |
| રિચાર્જ – એનઇએફટી/આરટીજીએસથી | કામકાજનો ૧ દિવસ |
| વાહનનો રજિસ્ટ્રેશન નંબર અપડેટ કરાવવો | કામકાજના ૩ દિવસ |
| ફાસ્ટેગ એકાઉન્ટાં સ્ટેટમેન્ટ | તરત જ (ઓનલાઇન પોર્ટલ પરથી) |
| એકાઉટ બંધ કરવું, રીફંડ મેળવવું | કામકાજના ૧૨ દિવસ |
| કોઈ પણ વિવાદનો ઉકેલ/ખોટો ચાર્જ પરત મેળવવો | ૧૦ દિવસ |
|

ફાસ્ટેગનું સંચાલન
ફાસ્ટટેગ એપ
સાવધ રહેશો