
બે અબજ લોગ્ડ-ઇન મંથલી વિઝિટર્સ. ગૂગલ પછી, દુનિયામાં સૌથી વધુ જોવાતી વેબસાઇટ. એક અબજ કલાકથી વધુ લંબાઈના વીડિયો અહીં એક દિવસમાં જોવાય છે, રોજેરોજ! હા, વાત યુટ્યૂબની થાય છે. યુએસ પછી, યુટ્યૂબના સૌથી વધુ યૂઝર્સ ભારતમાં છે. યુટ્યૂબ પર કેટલા વીડિયો હશે એની તો ગણતરી જ માંડી વાળીએ! હજી થોડી આંકડાબાજી કરીએ તો યુટ્યૂબ પર ચાર કરોડ ગેમિંગ ચેનલ્સ છે અને ગયા એક વર્ષમાં પૂરા ૧૦૦ અબજ કલાકના ગેમિંગ વીડિયો યુટ્યૂબ પર જોવાયા!
બીજી તરફ, યુટ્યૂબ પર જિજ્ઞાસા સંતોષે ને જાગૃત કરે એવા વીડિયોનો પણ તોટો નથી. બસ, આપણે શોધવા પડે!
સાઉદી અરેબિયા એક એવો દેશ છે, જેના ૯૫ ટકા ભાગમાં રણ છે. તેમ છતાં, આ દેશ વિશ્વના અન્ય દેશોમાંથી રેતી આયાત કરે છે. કેમ? જવાબ જાણવા માટે તમારે આ ચેનલ પરનો, આ વિષયનો વીડિયો શોધવો રહ્યો! આ ચેનલ પર કોઈ એક વિષય પર ફોકસ નથી. દુનિયાભરના જાતભાતના વિષયો વિશે દરેક વીડિયોમાં રસપ્રદ વાતો વણી લેવામાં આવે છે, દરેકની લંબાઈ માત્ર ૫-૬ મિનિટ છે.
‘‘ધ વર્લ્ડ ઇઝ કોમ્પ્લીકેટેડ (આ દુનિયા બહુ ગૂંચવણભરી છે).’’ આ ચેનલના એબાઉટ સેક્શનમાં ફક્ત આટલું જ લખેલું છે! તેના વીડિયો પર નજર ફેરવતાં વાત બિલકુલ સાચી લાગશે. ચેનલ પર મોટા ભાગે દુનિયાની ભૂગોળ, વિવિધ દેશો, તેના ધ્વજ, ઇતિહાસ, સરહદો, ટાઇમઝોન વગેરેનાં રોચક પાસાં દર્શાવતા વીડિયો છે. દુનિયાને નવી રીતે જોતાં શીખવે એવી ચેનલ.
સેમસંગ કંપનીની સ્થાપનામાં એક યુદ્ધનો ફાળો હતો, તમે જાણો છો? કોકા-કોલાનાં ભારતમાં વળતાં પાણી કેમ થયાં અને પછી તેણે ફરી વેપાર કઈ રીતે વિસ્તાર્યો? યાહૂ કંપની બબ્બે વાર ગૂગલ ખરીદી લેવાની તૈયારીમાં હતી, નવાઈ લાગી?! દુનિયાભરનાં અનેક જાયન્ટ બિઝનેસ કોર્પોરેશન્સના, આખી દુનિયા પર અસર કરતા ચઢાવ-ઉતારની વાતો, રસપ્રદ રીતે રજૂ કરતી ચેનલ.
ના,આ ચેનલનું નામ લખવામાં કોઈ ભૂલ થઈ નથી. એ એક આઇરિશ શબ્દ છે (અર્થ શોધી જુઓ!). ચેનલ પોતે, તેના નામ જેટલી અટપટી નથી. ચેનલમાં વિવિધ દેશોની હિસ્ટ્રી એનિમેટેડ કાર્ટૂન્સથી સમજાવતા વીડિયોની ભરમાર છે (અલબત્ત, ભારત વિશે વીડિયો નથી). કાર્ટૂન્સ જોઈને બાળગમ્મત ન સમજશો. સારી સ્ક્રિપ્ટ્સ, વોઇસ-ઓવર અને વર્ષોજૂના ઓડિયો રેકોર્ડિંગનો ઉમેરો ચેનલનાં જમાપાસાં છે.
સમયચક્રની દરેક સેકન્ડ એક કલાક જેટલી લાંબી હોય તો? કાર એક્સિડન્ટ સમયે આંખના પલકારે ખૂલી જતી એરબેગ્સ ખરેખર કેવી રીતે ખૂલે છે? આ ચેનલ પર બે દોસ્તોની જોડી અનેક અવનવા વિષયને ખરેખર સ્લો મોશનમાં રજૂ કરે છે. રાઇફલમાંથી છૂટતી બુલેટ કે ટેન્કમાંથી છૂટતા બોમ્બની સફર પણ એક વીડિયોમાં સ્લો મોશનમાં જોઈ શકાય છે! સાથે એનું વિજ્ઞાન તો ખરું જ.
આઇન્સ્ટાઇને કહ્યું હતું કે ‘‘તમે કોઈ વાત સરળ રીતે સમજાવી શકો નહીં, તો તમે પોતે એ બરાબર સમજ્યા નથી.’’ આ ચેનલ ફિઝિક્સ (અને ક્યારેક વિજ્ઞાનના બીજા વિષયો)ના વિવિધ મુદ્દાની સરળ છતાં મજાની રીતે સમજ આપે છે – મોટા ભાગે સિમ્પલ એનિમેશનની મદદથી. પાણીમાં સરકતી બોટથી પાણીમાં જે લહેર સર્જાય છે, એનો ચોક્કસ આકાર કઈ રીતે સર્જાય છે? જાણો અહીં!
મોટા ભાગે એજ્યુકેશનલ વીડિયોમાં, એનિમેશન કે ડ્રોઇંગ્સની મદદ લેવામાં આવે, આ ચેનલ જુદી છે. તેમાં વીડિયો ક્રિએટર આપણને વિવિધ લોકેશન પર લઈ જઈને સાયન્ટિફિક કન્સેપ્ટ્સ સમજાવે છે કે એક્સપરિમેન્ટ્સ કરે છે. બધા વીડિયો મોટા ભાગે દસેક મિનિટ કે તેથી વધુ લાંબા છે. મુદ્દાની ઊંડી છણાવટ અને અજબગજબ સવાલો ચેનલની વિશેષતા છે. તેની હિન્દી ચેનલ પણ છે.
આખી દુનિયા પરના તમામ લોકો, એક સાથે હવામાં ઊંચે કૂદકો લગાવે તો? તો શું થાય? આખી વસતી એક સ્થળે જમા થઈને પછી કૂદકો લગાવે તો? ત્રિકોણમાં ચાર બાજુઓ હોય છે? આવા સવાલ તમને કદાચ ક્યારેય થયા નહીં હોય! આ ચેનલ પર વિઝ્યુ્લ્સનું પ્રમાણ ઓછું છે અને પ્રેઝન્ટરની ‘બકબક’ વધુ જોવા મળશે, પણ વિષયોની વિવિધતા અને રજૂઆતની શૈલી ચેનલને અનોખી બનાવે છે.
મેથ્સ/ગણિત – આ શબ્દથી તમારાં રૂવાડાં ઊભાં થાય છે? એવું ખુશીથી થતું હોય કે ડરથી, આ ચેનલ તમને ગમશે. આખી ચેનલ માત્ર નંબર્સ, આંકડાને સમર્પિત છે, છતાં એમાં ગજબની વિવિધતા છે. કેક કટિંગની કોઈ સાયન્ટિફિક મેથડ હોય? ઇન્ફિનિટી કે અનંત એટલે ખરેખર કેટલું? આવા વિષયો ઉપરાંત, આ ચેનલ પર ફક્ત પાઇ વિશે પણ સંખ્યાબંધ વીડિયો મળશે.
નદીઓ વાંકીચૂંકી કેમ હોય છે, સીધી કેમ નહીં? પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું? કૂતરાં-બિલાડાં હંમેશાં કેમ લડતાં રહે છે? આપણી પૃથ્વી અને તેના પરની જીવસૃષ્ટિને સંબંધિત અનેક વીડિયો આ ચેનલ પર મળશે. અહીં બિલકુલ ટૂંકાથી લઈને યુટ્યૂબના સ્ટાન્ડર્ડ પ્રમાણે લાંબા કહેવાય એવા બંને પ્રકારના વીડિયો મળશે. સ્પષ્ટ, મુદ્દાસર રજૂઆત અને વિષયોની ભરમાર આકર્ષે તેવી છે.
‘ટેડ’ હવે તમારે માટે અજાણ્યું નામ નહીં હોય. દુનિયાભરના નિષ્ણાતો આ પ્લેટફોર્મ પર માંડ ૪૫ મિનિટમાં, પોતાના સબ્જેક્ટ વિશે અસરકારક પ્રેઝન્ટેશન આપતા હોય છે. એ જ પ્લેટફોર્મનો એક ભાગ છે ટેડએડ, જેમાં એજ્યુકેશનલ વીડિયો ક્રિએટ કરી શેર કરવામાં આવે છે. આ ચેનલ પર વિષયો અને વીડિયોનો તોટો નથી, આપણને રસ પડે તેવા વીડિયો શોધવા થોડા મુશ્કેલ બની શકે છે.
ચેનલના નામમાં ન પડો, મુદ્દાની વાત પકડો! જર્મનીના એક ડિઝાઇન સ્ટુડિયોની આ ચેનલના નામનો અર્થ એ જ છે – મુદ્દાની વાત. સાયન્સ, સ્પેસ, ટેકનોલોજી, ફિઝિક્સ, બાયોલોજી, હિસ્ટ્રી, ફિલોસોફી વગેરે વિષયના અનેકવિધ મુદ્દા, મુદ્દાસર રીતે, એનિમેશનની મદદથી સમજાવતા વીડિયોમાં ‘તારે ઝમીં પર’ મૂવી યાદ આવી જાય એવો રંગોનો બેધડક ઉપયોગ છે.
આપણા શિક્ષણની સૌથી મોટી તકલીફ એ છે કે તેમાં સમજણ વિના, ગોખી નાખવા પર ભાર મૂકવામાં આવે છે. આ ઇન્ડિયન ચેનલ, ગોખી નાખવાને બદલે મેથ્સ, સાયન્સના વિવિધ કન્સેપ્ટ્સ નાના નાના વીડિયોમાં સમજાવવા પર ભાર મૂકે છે. ઝડપ, ગતિ, પ્રવેગ કે લોગેરિધમ, એલ્જીબ્રા વગેરે તમને ગૂંચવતાં હોય તો આ ચેનલ તમારી મદદ કરી શકે છે. વીડિયો હિન્દીમાં પણ મળશે.
સિવિલ સર્વિસીઝમાં જોડાવાનું સ્વપ્ન હોય કે ન હોય, રોજબરોજના ન્યૂઝ અને ટોપિક્સની વિગતવાર સમજ મેળવવી હોય તો આ ઇન્ડિયન ચેનલ તમારે કામની છે. ફોકસ આઇએએસ એક્ઝામ્સની તૈયારીનું છે, પણ ખાસ કરીને ‘એક્સપ્લેઇન્ડ’ સેક્શન તમને વિવિધ મુદ્દાની તલસ્પર્શી સમજ આપશે. લગભગ બધા વીડિયો કલાક જેટલા લાંબા છે, પણ એટલો સમય અચૂક ફાળવવા જેવો છે.
કારમાં ગીયર બદલતાં પહેલાં ક્લચ પેડલ કેમ પ્રેસ કરવું પડે છે? પ્લેનનું જેટ એન્જિન કેવી રીતે કામ કરે છે? ઇન્વર્ટર કે ટ્રાન્ઝિસ્ટર કેવી રીતે કામ કરે છે? આઇઆઇટી દિલ્હીના એક વિદ્યાર્થીએ એન્જિનીયરિંગમાંના ફિઝિક્સ પર ફોકસ કરતી ચેનલ ક્રિએટ કરી છે. વીડિયોમાં રોજબરોજના એન્જિનીયરિંગની વિવિધ બાબતો ૩ડી એનિમેશનની મદદથી સમજાવવામાં આવી છે.
