જો તમે જીમેઇલનો ભરપૂર ઉપયોગ કરતા હશો તો જાણતા હશો કે તેના વેબ વર્ઝનમાં એટલે કે આપણે જ્યારે પીસી કે લેપટોપમાં જીમેઇલનો ઉપયોગ કરી રહ્યા હોઇએ ત્યારે સ્ક્રીન પર જમણી તરફ એક સાઇડબાર જોવા મળે છે.
આ સાઇડબારમાં ગૂગલની અન્ય સર્વિસ જેમ કે કેલેન્ડર, ટાસ્ક્સ અને કીપ નોટ્સના આઇકન જોવા મળે છે. આ જ રીતે જીમેઇલ ઉપરાંત ગૂગલની અન્ય સર્વિસનો ઉપયોગ કરતા હોઇએ ત્યારે તેમાં પણ જમણા સાઇડબારમાં ગૂગલની આ ત્રણેય સર્વિસના આઇકન જોવા મળે છે. તેને ક્લિક કરતાં સાઇટબાર પહોળો થાય છે અને તેમાં આપણે સેવ કરેલી બાબતો જોવા મળે છે.
હવે આ જમણો સાઇડબાર ગૂગલ વધુ ઉપયોગી બનાવશે તેમ લાગે છે. તેમાં ગૂગલ કોન્ટેક્ટસ પણ ઉમેરાઈ ગયા છે.
હવે પછી આપણે કોઈ કોન્ટેક્ટસ તરફથી આવી રહેલો મેઇલ વાંચી રહ્યા હોઈશું ત્યારે જમણી તરફ કોન્ટેક્ટ્સનો સાઇડબાર ઓપન કરીને એ વ્યક્તિને સંબંધિત અન્ય માહિતી સહેલાઈથી જોઈ શકીશું. અત્યાર સુધી આપણે કોન્ટેક્ટની ઇમેજ પર માઉસ લઈ જઇએ ત્યારે એક નાનું કાર્ડ ખૂલતું હતું અને તેમાં એ કોન્ટેક્ટની વિગતો જોવા મળતી હતી. હવે આ વિગતો સાઇડબારની પેનલમાં જોવા મળશે.
તમારા બિઝનેસની ટીમ ગૂગલ વર્કપ્લેસનો ઉપયોગ કરતી હોય એટલે કે ટીમના જુદા જુદા સભ્યો સહિયારા ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય તો કોન્ટેક્ટસનો આ સાઇડબાર હજી વધુ ઉપયોગી થશે. એકાઉન્ટના એડમીન કંપનીના વિવિધ કોન્ટેક્ટ્સની વિગતો યોગ્ય રીતે ઉમેરી રાખશે તો આ વિગતો ટીમના અન્ય સભ્યોને પણ હંમેશા ‘ક્લિકવગી’ રહેશે!

