તમે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા પીસી કે લેપટોપ ઉપયોગ કરતા હશો તો તમારો અનુભવ હશે કે ક્યારેક આપણે તેને ઓન કે શટડાઉન કરીએ ત્યાં સિસ્ટમ આપણને જાણ કરે કે સિસ્ટમ અપડેટ થઈ રહી છે, થોડી ધીરજ રાખો! પછી આપણે સ્ક્રીન પર દેખાતી અપડેશનની કામગીરીની ટકાવારી ધીમે ગતિએ સો ટકાએ પહોંચે ત્યાં સુધી ખરેખર ધીરજ રાખીને બેઠા રહેવાનું. આ સમય દરમિયાન કમ્પ્યૂટર પર આપણો કોઈ કંટ્રોલ રહે નહીં.
પહેલાં તો એવી સ્થિતિ હતી કે તમે કોઈ મોટા કે મહત્ત્વના ઓડિયન્સ સામે પ્રેઝન્ટેશન આપવા માટે લેપટોપ ઓન કરો ત્યારે ખબર પડે કે તેમાં વિન્ડોઝનું અપડેશન પૂરું નહીં થાય ત્યાં સુધી તમે પ્રેઝન્ટેશન શરૂ કરી શકશો નહીં! છેવટે માઇક્રોસોફ્ટને આ લોચો સમજાયો અને વિન્ડોઝ ૧૦થી એવી સગવડ મળી કે આપણે સિસ્ટમ અપડેશન થોડા સમય સુધી ટાળી શકીએ છીએ.
અચ્છા, વાત પ્રેઝન્ટેશનની નહીં, પણ હૃદયના ઓપરેશનની હોય તો?
અમેરિકાની એક હોસ્પિટલમાં દર્દી પર હૃદય રોગ સંબંધિત પ્રોસિસર ચાલી રહી ત્યારે કંઈક આવું જ થયું. ડોક્ટર ઓપરેશન કરી રહ્યા હતા બરાબર ત્યારે દર્દી સાથે જોડેલી એક સિસ્ટમના કમ્પ્યૂટરમાં, અગાઉથી કાયમ માટે ગોઠવી રાખેલા શિડ્યુલ મુજબ એન્ટિવાઇરસ પ્રોગ્રામે સિસ્ટમ સ્કેન કરવાનો પોતાનો કાર્યક્રમ ચાલુ કર્યો!
વિવિધ ઓપરેશન્સની પ્રોસિજર્સ હવે બહુ આધુનિક બની છે અને તેમાં દર્દીનું જીવન ડોક્ટરના અનુભવ અને કુશળતા ઉપરાંત જાતભાતનાં મશીન કેટલી કાર્યક્ષમતાથી પોતાનું કામ કરે છે તેના પર આધાર રાખતું હોય છે.
આપણે જેની વાત કરી રહ્યા છીએ એ ઓપરેશન દરમિયાન આવું જ થયું – દર્દીના મહત્ત્વના પેરામીટર્સ મેળવીને જે કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા અને જેના સ્ક્રીન પર ડોક્ટર્સ એ પેરામીટર્સ પર નજર રાખી શકતા હતા એ કમ્પ્યૂટરમાં ઓટોમેટિક વાઇરસ સ્કેન ચાલુ થઈ જવાને કારણે સિસસ્ટમ ઠપ થઈ ગઈ. ડોકટર્સે પોતાનું ઓપરેશન અટકાવવું પડ્યું. સદનસીબે, સ્કેનિંગ માત્ર પાંચ મિનિટ ચાલ્યું, ફરી કમ્પ્યૂટર ધબકતું થયું, ડોક્ટર્સના જીવમાં જીવ આવ્યો અને દર્દી પણ બચી ગયો!
આ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં ખરેખર નોંધાયેલો કિસ્સો છે. દેખીતું છે કે આ બનાવ પછી મેડિકલ ઇક્વિપમેન્ટ્સ સાથે જોડાયેલાં કમ્પ્યૂટર્સમાં ઓટોમેટિક અપડેશન કે સ્કેનિંગ વિશે નવા નિયમો ઘડાયા હશે, પણ જીવન વધુ પડતું ટેક્નોલોજી આધારિત બને ત્યારે આવા જોખમી ગોટાળા પણ સર્જાઈ શકે છે!
