લોકડાઉન પછી લોન આપતી એપ્સ વધી છે, તેમાં પણ સંખ્યાબંધ એપ ચાઇનીઝ મૂળ ધરાવતી હોવાની આશંકા છે – હવે રિઝર્વે બેન્કે પણ આવી એપ્સ સામે ચેતવણી આપી છે.
સમગ્ર વિશ્વમાં ફેલાયેલો કોરોના વાઇરસનો હાહાકાર આપણને સ્વાસ્થ્ય ઉપરાંત જુદી જુદી બીજી ઘણી રીતે નડી રહ્યો છે. ખાસ કરીને લોકડાઉન દરમિયાન અર્થતંત્ર લગભગ અટકી પડતાં અનેક લોકો માટે આવક અને જાવકના બે છેડા ભેગા કરવાનું બહુ મુશ્કેલ બની ગયું.
એક અંદાજ મુજબ, આ વર્ષે એપ્રિલ મહિનામાં જ ભારતમાં દસેક કરોડ લોકોએ નોકરી કે રોજી ગુમાવી હતી. એ સમયગાળામાં ઘણા લોકોએ રાખી શકાય તેટલી ધીરજ રાખવાની કોશિશ કરી, કેટલાકે આવકના નવા રસ્તા ઊભા કરવાની કોશિશ કરી, તો કેટલાકે ખર્ચને પહોંચી વળવા માટે મળે ત્યાંથી ઉધાર નાણાં મેળવવાના પ્રયાસો કર્યા.
સદીઓથી આપણી પાસે ઉધાર મેળવવાના અમુક નિશ્ચિત રસ્તા રહ્યા છે – કાં તો ઓળખીતા-પાળખીતા પાસેથી રૂપિયા મેળવવામાં આવે, કાં જાણીતા દુકાનદારને ઉધારમાં માલ આપવા માટે મનાવવામાં આવે, જૂના જમાનામાં અને હજી પણ શાહૂકાર કે શ્રોફ જેવા નાણા ધીરનારાઓ પાસેથી નાણા મેળવવામાં આવે કે પછી બેન્કમાંથી લોન લેવાનો પ્રયાસ કરવામાં આવે.
જૂના સમયની જેમ નવા સમયમાં સોનાના દાગીના પર લોન આપતી ઘણી કંપની પણ શરૂ થઈ છે.
જો તમારું બેન્ક બેલેન્સ પ્રમાણમાં ઠીક ઠીક સારું રહેતું હોય અને બેન્કમાં તમે નિયમિતરૂપે ઠીક ઠીક સારી રકમ જમા કરતા રહેતા હો તો તમારો અનુભવ હશે કે બેન્ક તમને વારંવાર ફોન કરીને ‘પ્રી-એપ્રૂવ્ડ લોન’ આપવાની ઓફર કરતી હોય છે. આવા કિસ્સામાં આપણે લગભગ કોઈ જ ડોક્યુમેન્ટેશન કે પુરાવાઓ આપવાની જરૂર હોતી નથી. આપણે સહમતી આપીએ એ સાથે બેન્ક આપણા ખાતામાં લોનના રૂપિયા ટ્રાન્સફર કરી આપવા તત્પર હોય છે.
આવા કિસ્સામાં બેન્કની તત્પરતા સમજી શકાય તેવી હોય છે કેમ કે તેને આપણું ખાતું સદ્ધર હોવાની ખબર હોય છે અને આપણે લોન પરત કરી શકીશું એવી પણ એને ખબર હોય છે.
અલબત્ત જો બેન્ક બેલેન્સ સારું હોય તો આપણેે લોનનો બોજ લેવાની મોટા ભાગે જરૂર હોતી નથી.
બીજી તરફ ઘણા લોકો એવા છે જે લોકડાઉન કે બીજા કોઈ કારણોસર સખત નાણાભીડ અનુભવી રહ્યા છે. આવા લોકોને પણ ખાસ કોઈ પ્રકારના ડોક્યુમેન્ટેશન વગર ફટાફટ લોન આપવા માટે પણ ઘણી બધી કંપની તૈયાર હોય છે! ઇન્ટરનેટ પર ફટાફટ લોન આપતી સંખ્યાબંધ કંપની ફૂટી નીકળી છે.
આપણે માટે મુશ્કેલીની વાત એ છે કે આમાંથી ઘણી ચોક્કસ કાયદેસર રીતે કામ કરતી એપ્સ છે, તો સંખ્યાબંધ કંપની પાછળ ચાઇનીઝ કંપનીઓ હોવાનું કહેવાય છે, જેનાં ઓપરેશન્સ શંકાસ્પદ છે. આ ક્ષેત્રના નિષ્ણાતોનો અંદાજ સાચો હોય, તો ભારતમાં ઇન્ટરનેટ પર લોન આપતી એપ્સમાંથી લગભગ ૬૦થી ૭૦ ટકા એપ્સનાં મૂળ ચીન સુધી પહોંચે છે.
તમે મોબાઇલના પ્લે સ્ટોરમાં જઇને ‘ક્વિક લોન’ કે ‘ઇન્સ્ટન્ટ લોન’ કે ‘ક્વિક કેશ’ જેવું કંઈક સર્ચ કરશો તો ઇન્સ્ટન્ટ લોન આપતી સંખ્યાબંધ એપ્સ મળી આવશે. વિવિધ સર્વે બતાવે છે કે લોકડાઉન પછીના સમયગાળામાં આવી એપ્સનું પ્રમાણ અને તેનો ઉપયોગ બંને વધ્યાં છે. કેટલાય લોકોએ એક સાથે સંખ્યાબંધ એપ્સ પાસેથી લોન લેવાનું શરૂ કર્યું હોવાનું પણ બહાર આવ્યું છે.
વિવિધ જાહેર કે ખાનગી ક્ષેત્રની બેન્ક તરફથી લોન લેવાની પ્રક્રિયાથી આપણે વાકેફ છીએ પરંતુ આ રીતે ઇન્ટરનેટ પરની એપ પરથી, રૂબરૂ મળ્યા વિના ફટાફટ લોન લેવાનું કેટલું સલામત છે?
એટલું ખાસ જાણી લો કે હમણાં જ રિઝર્વ બેન્ક આવી એપ પાસેથી લોન લેતાં પહેલાં સાવચેત રહેવા જણાવ્યું છે.
આવી એપ્સ પાસેથી લોન લેવાય?
આ લાખ રૂપિયાના સવાલનાં વિવિધ પાસાં તપાસીએ.
ભારતમાં ‘ફિનટેક’ એટલે કે ટેકનોલોજી આધારિત ફાઇનાન્સને સંબંધિત જુદા જુદા ઘણા પ્રકારની એપ્સ અને સર્વિસિસ વિકસી છે. ફિનટેક સ્ટાર્ટઅપ્સની રેન્જ બહુ મોટી છે. આ પ્રકારની સર્વિસિઝમાં પેમેન્ટ ગેટવે, રોજિંદા હિસાબ કિતાબ રાખવાની સગવડ આપતી એપ્સ, વિવિધ રીતે મૂડીરોકાણની સગવડ આપતી એપ્સ, વિવિધ પ્રકારના વીમાની સર્વિસ વગેરે પણ સામેલ છે અને તેની સાથોસાથ લોન ઓફર કરતી એપ્સ પણ સામેલ છે. આવી એપ્સનું સંચાલન ભારતમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કે અન્ય ઓથોરિટીના નિયમોને આધિન થતું હોય છે.
પરંતુ મુશ્કેલી એ છે કે આપણે ત્યાં (સાચું કહો તો આખી દુનિયામાં) કોઈ પણ બાબત લોકજીભે ચઢે એ સાથે તેને લગતી અનેક ભળતી-સળતી એપ્સ અને વેબસાઈટ્સ ફૂટી નીકળે છે અને લોકોને તેમાં ફસાવવાના પ્રયાસ શરૂ થઈ જાય છે.
લોકડાઉન દરમિયાન નાણાભીડમાં ફસાયેલા લોકોની લોનની જરૂરિયાત વધી એ સાથે તેમને લોન ઓફર કરતી બિનઅધિકૃત એપ્સ પણ બહુ મોટી સંખ્યામાં ફૂટી નીકળી. આવી જુદી જુદી એપ્સની ડાઉનલોડ સંખ્યા અમુક કિસ્સામાં, લોન્ચ થયાના ગણતરીના મહિનાઓમાં દસેક લાખ સુધી પહોંચી હોવાનું જોવા મળ્યું છે. એપ ડાઉનલોડ સંંખ્યા દસેક લાખ હોય, પણ કંપનીની વેબસાઇટ તદ્દન અધકચરી હોય એવું પણ જોવા મળ્યું છે.
ગયા મહિને ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી પાંચ લોન એપ્સને દૂર કરી. આ બધી કંપની તેના યૂઝર્સને બહુ ઊંચા દરે ટૂંકી મુદતની, પ્રમાણમાં નાની રકમની લોન ઓફર કરતી હતી અને અમુક કિસ્સામાં કર્જદાર તરફથી લોન ભરપાઈ કરવામાં થોડું મોડું થાય તો જુદી જુદી ઘણી રીતે તેમની કનડગત કરવામાં આવતી હતી. બરાબર ધ્યાન આપશો – પ્લે સ્ટોરમાંથી હજી તો ગણતરીની એપ દૂર કરવામાં આવી છે! આ પહેલાં પ્લે સ્ટોરમાંથી દૂર કરાયેલી એપ્સમાં કામ કરનારા લોકો પોતે કહે છે કે તેમની કંપનીએ પછી જુદા નામે એપ લોન્ચ કરી હતી!
આપણા દેશમાં ડેટા અને એન્ડ્રોઇડ ફોન ખાસ્સા સસ્તા હોવાથી, સમાજના સૌથી છેવાડાના લોકો સુધી ઇન્ટરનેટ પહોંચી ગયું છે. આવો વર્ગ બીજી બધી રીતે સખત નાણાભીડ અનુભવતો વર્ગ છે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટ તેમના માટે મુખ્યત્વે સસ્તું મનોરંજન મેળવવાનાં માધ્યમ છે. તેના ઉપયોગ કરતાં તેમને આવડે છે, પણ ઉપયોગમાં સાવધાની શી રાખવી એ વિશેની જાણકારી અને સમજનો લગભગ અભાવ હોય છે. આ બાબતનો લેભાગુ એપ્સ પૂરો લાભ ઉઠાવે છે.
ગૂગલ પ્લે સર્વિસની ડેવલપર પોલિસી અનુસાર, યૂઝર્સની સલામતી જળવાય એ પ્રકારની એપ્સને પ્લે સ્ટોર પર મૂકવાની મંજૂરી મળે છે. થોડા સમય પહેલાં ગૂગલે તેની ફાઇનાન્સિયલ સર્વિસિસને લગતી પોલિસી વિસ્તારી છે અને હવે તેમાં લોકોને ઠગતી અને તેમનું શોષણ થાય એ રીતે પર્સનલ લોન આપતી એપ્સને પણ તેમાં આવરી લેવામાં આવી છે. ગૂગલને આ નીતિઓનો ભંગ થતો દેખાય ત્યારે તે આવી એપ્સને પ્લે સ્ટોર પરથી પાછી ખેંચે છે.
ભારતમાં એક બહુ મોટા વર્ગ માટે સ્માર્ટફોન સસ્તા મનોરંજનનું સાધન છે. તેના યોગ્ય ઉપયોગ વિશે સમજનો તેમનામાં અભાવ છે. આ બાબતોને લેભાગુ એપ્સ પૂરો લાભ ઉઠાવે છે.
ગૂગલની પોલિસી અનુસાર જો કોઈ પણ એપમાં ફાઇનાન્સિયલ પ્રોડક્ટ અને સર્વિસ ઓફર કે પ્રમોટ કરવામાં આવતી હોય તો તેમાં જે તે દેશના કાયદાઓનું પાલન થવું અનિવાર્ય છે. આપણા દેશના કાયદા મુજબ ફાઇનાન્સિયલ સર્વિસ આપતી કોઈ પણ એપનો ડેટા ભારતના સર્વરમાં સ્ટોર થવો જરૂરી છે. આ જ મુદ્દે ફેસબુકે વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ સર્વિસ શરૂ કરતાં પહેલાં ત્રણેક વર્ષ જેટલી રાહ જોવી પડી.
હમણાં ગૂગલે જે લોન એપ્સ દૂર કરી તેનો ડેટા ચાઇનીઝ સર્વર્સમાં સ્ટોર થતો હોવાનું બહાર આવ્યું છે.
ભારતે સંખ્યાબંધ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લાદ્યો છે, પરંતુ ચાઇનીઝ કંપનીઓએ ભારતીય સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરીને ભારતીય યૂઝર્સના ડેટા સુધી પહોંચવાનું ચાલુ રાખ્યું છે. આવી એપ્સનાં નામ ભારતીય કે અન્ય પણ, જનરલ પ્રકારનાં હોવાથી એ ચાઇનીઝ હોવાનો સામાન્ય યૂઝરને અંદાજ આવતો નથી.
હવે બહાર આવતી વિગતો અનુસાર આવી ઘણી એપ્સને ભારતમાં કાયદાકીય કે સત્તાવાર માન્યતા હોતી નથી. ભારતના કાયદા અનુસાર ભારતના નાગરિકોને ઓફલાઇન કે ઓનલાઇન કોઈ પણ રીતે લોન આપતી કંપનીએ માન્યતા પ્રાપ્ત બેન્ક કે નાણાકીય સંસ્થા સાથે જોડાણ કરીને તેના નિશ્ચિત નિયમોના આધારે લોન આપવી જરૂરી છે, પરંતુ આવી કેટલીક ચાઇનીઝ મૂળ ધરાવતી એપ રિઝર્વ બેન્કના ધારાધોરણોના પાલન વિના કામ કરતી હોવાની શંકા છે. આવી એપ્સ દ્વારા મની લોન્ડરિંગ એટલે કે કાળાં નાણાં ધોળાં કરવાનું કૌભાંડ ચાલતું હોવાની પણ શક્યતા દર્શાવવામાં આવે છે. આવી એપ્સ સામે કોઈ ફરિયાદ હોય તો કોનો સંપર્ક કરવો તેની સ્પષ્ટ વિગતો એપમાં કે તેના પ્લે સ્ટોર લિસ્ટિંગમાં આપવામાં આવી હોતી નથી.
આથી મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિ ગમે ત્યાંથી રૂપિયાની સગવડ થતી હોય તો તે મેળવી લેવા તત્પર હોવાથી આવી એપના સાણસામાં આવી જાય છે. ‘‘આપણે તો રૂપિયા લેવાના છે ને, પછી રૂપિયા આપનાર એપ ગમે તે હોય’’ એવો વિચાર કરીને આવી એપ પાસેથી લોન લેનાર વ્યક્તિને ખબર હોતી નથી કે તે એક વિષચક્રમાં ફસાઈ રહી છે.
આવી એપ્સ ફોનમાં ઇન્સ્ટોલ કરતી વખતે શક્ય હોય એટલી બધા જ પ્રકારની મંજૂરી માગી લેવાય છે. આ કારણે તોતિંગ વ્યાજદર સાથે લોનની ચૂકવણી કર્યા પછી એક બે હપ્તા ભરવામાં વિલંબ થાય તો આ એપ જૂના જમાનાના મખ્ખીચૂસ શાહૂકારોની જેમ ઉઘરાણી કરવાનું શરૂ કરી દે છે. લોકડાઉન અને ત્યાર પછીના સમયગાળામાં ભારત સરકારે લોનની ચૂકવણીમાં રાહત આપી હતી પરંતુ આવી સંખ્યાબંધ એપ પોતાના લેણદારોને મોરેટોરિયમનો કોઈ લાભ ન આપતી હોવાનું પણ બહાર આવ્યું છે. લોન લો ત્યારે બધી બાબતોનો વિચાર કરીને પછી લેજો!
અનેક લોકોને કડવા અનુભવો થઈ રહ્યા છે…
|


