આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) હવે આપણા જીવનની દરેક બાબતમાં મગજમારી કરવા લાગી છે. ઇમેઇલ ટાઇપ કરતી વખતે આપણાં મનમાં શું ચાલી રહ્યું છે એ સમજવાથી માંડીને જુદા જુદા ફોટોગ્રાફમાં કઈ કઈ બાબતો જોવા મળી રહી છે ત્યાં સુધીની બધી વાતમાં હવે એઆઇ ચંચૂપાત કરે છે. પરંતુ, કુદરતના અદભુત સર્જન જેવા માણસની બુદ્ધિ પણ દગો દઈ જતી હોય તો આ તો આખરે માણસે બનાવેલી કૃત્રિમ બુદ્ધિની વાત છે., એ પણ ક્યારેક તો ગોથું ખાઈ જ જાય!
આવો એક કિસ્સો થોડા સમય પહેલાં યુટ્યૂબ પર જોવા મળ્યો. થયું એવું કે યુટ્યૂબ પર દસ લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતી, ચેસની રમત વિશેના એક ચેનલના હોસ્ટ પોતાની ચેનલ પર ચેસ ગ્રાન્ડમાસ્ટર સાથે એક ઇન્ટરવ્યૂનું લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યા હતા. દરમિયાન અચાનક એ લાઇવ બ્રોડકાસ્ટિંગ અટકાવી દેવામાં આવ્યું.
ગ્રાન્ડમાસ્ટરની એ મુલાકાત દરમિયાન દેખીતી રીતે ચેસમાં આક્રમક કે વ્યૂહાત્મક ઓપનિંગ કેવી રીતે કરી શકાય એની વાતોથી માંડીને ચેસની દુનિયામાં તહલકો મચાવનારા વિવિધ ખેલાડીઓ વિશે રોમાંચક ચર્ચા ચાલી રહી હતી. લાખો સબસ્ક્રાઇબર્સ એ લાઇવ મુલાકાતની મજા માણી રહ્યા હતા ત્યાં અચાનક રંગમાં ભંગ પડ્યો. શરૂઆતમાં તો કોઈને સમજાયું નહીં કે સ્ટ્રીમિંગ કેમ અટકી ગયું. પછી કારણ જાણવા મળ્યું કે એ વીડિયો યુટ્યૂબની પોલિસી વિરુદ્ધનું કન્ટેન્ટ ધરાવતો હોવાને કારણે તેનું પ્રસારણ અટકાવી દેવામાં આવ્યું હતું, યુટ્યૂબને સિસ્ટમને એ વીડિયોનું કન્ટેન્ટ ‘હાર્મફૂલ અને ડેન્જરસ’ લાગ્યું હતું. ચેસ વિશેની એ ચેનલ પૂરા ૨૪ કલાક સુધી ઓફલાઇન રહી. ખરેખર શું બન્યું એ વિશે ઝાઝી કોઈ સ્પષ્ટતા ન થઈ. યુટ્યૂબે માત્ર એટલું કહ્યું કે એ વીડિયો અટકાવવામાં આવ્યો એ એક ભૂલ હતી.
વાત ત્યાં દબાઈ ગઈ હોત પરંતુ કેટલાક લોકોને ચેસ વિશેનો એ વીડિયો યુટ્યૂબને કેમ વાંધાજનક અને જોખમી લાગ્યો એ શોધવામાં રસ પડ્યો.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એક જાણકાર પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ આ બાબતમાં ઊંડા ઊતર્યા. તેઓ પોતે ચેસના જાણકાર ખેલાડી હતા. એ નિષ્ણાતે પોતાની યુનિવર્સિટીના એક ભારતીય એન્જિનીયરની મદદ લીધી અને બંનેએ એક એક્સપરીમેન્ટ તૈયાર કર્યો. તેમણે ચેસ વિશેના હજારો વીડિયોની ટેકસ્ટ અને કમેન્ટ્સનો ડેટા એકઠો કર્યો અને પછી તેને અલ્ગોરિધમની મદદથી તપાસવાનું શરૂ કર્યું.
આ અભ્યાસમાં જે જાણવા મળ્યું તેને કારણે તાળો મળ્યો કે યુટ્યૂબની સિસ્ટમે ચેસના ગ્રાન્ડમાસ્ટરનો પેલો વીડિયો વાંધાજનક ગણીને કેમ અટકાવ્યો હતો.
બન્યું એવું હતું કે ચેસ ગ્રાન્ડમાસ્ટર સાથેની ચર્ચામાં વારંવાર ‘બ્લેક’, ‘વ્હાઇટ’, ‘એટેક’, ‘ડિફેન્સ’ વગેરે શબ્દો આવતા હતા. ચેસની રમતની થોડી ઘણી પણ સમજ ધરાવનાર વ્યક્તિ જાણે છે કે ચેસની દૃષ્ટિએ આ શબ્દોમાં કશું જ વાંધાજનક નથી, પરંતુ યુટ્યૂબની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ચેસનો સંદર્ભ સમજ્યા વિના માત્ર શબ્દો પકડ્યા અને નક્કી કરી લીધું કે આ વીડિયોમાં કાળા-ગોરા વચ્ચેના રંગભેદની અને હુમલાની વાતો ચાલી રહી છે માટે તેનું બ્રોડકાસ્ટિંગ તાબડતોબ અટકાવી દેવામાં આવ્યું!
અલબત્ત, આવી ચૂક થતી હોવા છતાં, એઆઇ જબરજસ્ત આગળ વધી રહી છે એમાં કોઈ શક નથી!

