ભારતમાં બેન્કિંગ વ્યવસ્થા માટે વર્ષ ૨૦૨૧ ટેક્નોલોજીના ઉપયોગની દૃષ્ટિએ મોટા સિમાચિહ્ન રૂપ સાબિત થવાનું છે. જ્યારે વાત બેન્કિંગ અને રૂપિયાની હોય ત્યારે એ આપણે માટે પણ મહત્ત્વની હોય જ! આમ તો ભારતમાં આધાર નંબર અને ત્યાર પછી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ની વ્યવસ્થા વિકસી ત્યારથી બેન્કિંગ ક્ષેત્ર અને આપણી પોતાની રોજબરોજની લેવડદેવડની પદ્ધતિમાં મોટા ફેરફાર આવી ગયા છે. આપણે શરૂઆતમાં ઓનલાઇન પેમેન્ટ અપનાવવામાં થોડા ખચકાયા, પરંતુ કોરોના વાયરસના પ્રસાર પછી સંપર્ક વિના રકમની લેવડદેવડનું મહત્ત્વ સમજાતાં વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં રીતસર ઉછાળો આવ્યો છે.
પરંતુ આપણે પોતાના સ્માર્ટફોનમાંના મોબાઇલ વોલેટ કે કોઈ યુપીઆઇ એપથી કરિયાણાની દુકાને કે બીજી કોઈ પણ જગ્યાએ પેમેન્ટ કરીએ એ ઓનલાઇન પેમેન્ટની ફક્ત એક રીત થઈ. ફેબ્રુઆરી મહિનાથી ભારતભરમાં ફાસ્ટેગ ફરજિયાત બન્યા પછી આપણે ઓનલાઇન પેમેન્ટની બીજી રીતનો પણ વધુ અનુભવ કરી રહ્યા છીએ. આ રીતમાં આપણે પોતે કશું જ કરવાનું હોતું નથી. ટોલપ્લાઝામાંનું સ્કેનર વાહન પરના ફાસ્ટેગને સ્કેન કરે છે અને આપણા ખાતામાંથી રકમ કપાઈ જાય છે. ફાસ્ટેગ ફરજિયાત બન્યા પછી ટોલપ્લાઝા પર ટોલટેક્સના ટોટલ કલેકશનમાં ખાસ્સો વધારો થયો છે. મતલબ કે અત્યાર સુધી જે રકમ તિજોરી સુધી પહોંચતી નહોતી એ હવે ટેકનોલોજીના ઉપયોગથી પહોંચવા લાગી.
ફાસ્ટેગનો ઉપયોગ ટોલપ્લાઝા ઉપરાંત એરપોર્ટ, રેલવે સ્ટેશન અને મોટા મોલના પાર્કિંગમાં પણ પ્રાયોગિક ધોરણે શરૂ થઈ ગયો છે. મતલબ કે જ્યાં નિશ્ચિત રકમ ચૂકવવાની હોય ત્યાં આપણા તરફથી કોઈ એકશન વિના હવે પેમેન્ટ થવા લાગશે. એ જ રીતે, આપણે ‘વન નેશન, વન મોબિલિટી કાર્ડ’ની દિશામાં આગળ વધી રહ્યા છીએ, જેને કારણે મેટ્રો, રેલવે, બીઆરટીએસ વગેરે બધી જગ્યાએ, આખા દેશમાં એક જ કાર્ડની મદદથી ઓટોમેટિક ચૂકવણી કરી શકાશે. ‘ઓટોમેટિક’ શબ્દ પર ધ્યાન આપજો, જ્યાં ચૂકવવાની રકમ નિશ્ચિત હોય ત્યાં આપણા તરફથી લગભગ કોઈ જ એક્શનની જરૂર રહેતી નથી!
અહીં, લગભગ આ વર્ષથી જ આપણે ઓનલાઇન ટ્રાન્ઝેકશન્સની રીતે જે મોટાં પરિવર્તનોનો અનુભવ કરીશું તેના પર ફટાફટ એક નજર નાખી લઈએ. આ બધું પહેલી નજરે એકમેક સાથે સંકળાયેલું લાગશે નહીં, પણ સાથે મૂકીને તપાસીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે બધું કનેક્ટેડ છે!
સરકારી ક્રિપ્ટોકરન્સી
દુનિયાભરના વિવિધ દેશોની મુખ્ય બેન્કની જેમ, આપણી રિઝર્વ બેન્ક પણ પોતાની ક્રિપ્ટોકરન્સી લાવવાની દિશામાં કામ કરી રહી છે. એ માટે ભારતમાં બિટકોઇન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધની શક્યતાો તોળાઈ રહી છે. ચીનમાં આવી કરન્સી લોન્ચ થઈ ગઈ છે. અન્ય વિકસિત દેશો પણ એ દિશામાં ઘણા આગળ વધી ગયા છે.
ભારતની વાત કરીએ તો હજી થોડાં વર્ષો પહેલાં સુધી ભારતની અડધોઅડધ વસતીને બેન્કિંગ વ્યવસ્થાનો લાભ મળતો નહોતો. હવે આ સ્થિતિ ઘણી સુધરી છે. સરકારી યોજનાઓનાં નાણાં સીધાં લોકોના બેન્ક ખાતામાં જમા થવાના કારણે ભ્રષ્ટાચાર ઘટે એ દેખીતું છે (જેમ ફાસ્ટેગને કારણે સરકારની આવક વધી!).
ભારત સરકાર પોતાની ક્રિપ્ટોકરન્સી લાવવા માગે છે. પરંતુ એ માટે, બીજી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનું તેનું વલણ વિવાદાસ્પદ બને તેવું લાગે છે.
પરંતુ બિટકોઈન જેવી ખાનગી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ ઘણો ગૂંચવણભર્યો છે. ભારતમાં એવી શક્યતા છે આધાર કાર્ડ અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબરની મદદથી, વચ્ચે કોઈ બેન્ક ન હોય તેમ છતાં સરકારી ક્રિપ્ટોકરન્સીની મદદથી લોકો સરળતાથી નાણાકીય લેવડદેવડ કરી શકશે. બેન્કો વ્યાપક પ્રમાણમાં લોકો સુધી પહોંચી શકી નથી, પરંતુ આધાર કાર્ડ અને મોબાઇલ લગભગ તમામ લોકો સુધી પહોંચી ગયાં છે એ યાદ રાખવા જેવું છે.
જોકે બેન્કિંગનાં ક્ષેત્રોમાં સરકાર ખાનગી ક્ષેત્રને આગળ કરી રહી છે ત્યારે ખાનગી ક્રિપ્ટોકરન્સી પરનો પ્રતિબંધ વિવાદાસ્પદ બની શકે છે.
યુપીઆઇની હરીફ જેવી નવી વ્યવસ્થા – એનયુઇ
જો તમે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) વિશે હજી ગૂંચવણ અનુભવી રહ્યા હો તો નજીકના ભવિષ્યમાં તેની હરીફ બનનારી એક નવી વ્યવસ્થા વિશે અત્યારથી જાણી લેવું જરૂરી છે. ભારતમાં અત્યારે યુપીઆઇ વ્યવસ્થાનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા થાય છે.
ભારતની વિવિધ બેન્ક સંયુક્ત રીતે એનપીસીઆઈનું સંચાલન કરે છે. યુપીઆઇ વ્યવસ્થામાં બેન્ક ઉપરાંત ખાનગી વોલેટ્સ અને ખાનગી એપ્સને પણ સાંકળ્યા પછી યુપીઆઇનો ઉપયોગ જબરજસ્ત વધી રહ્યો છે. પરંતુ આ જ કારણે માત્ર યુપીઆઇની એક વ્યવસ્થા આખા દેશમાં થતાં ઓનલાઇન ટ્રાન્ઝેકશન્સનો ભાર ખમી શકે તેમ નથી. ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ ક્ષેત્રે નવી ટેકનોલોજીઓ આવી શકે, તે વધુ સલામત બની શકે તે માટે સરકાર યુપીઆઇને સમાંતર નવી વ્યવસ્થા ઊભી કરવા માગે છે.
યુપીઆઇ વિશે હજી ગૂંચવાતા હો, તો તેની હરીફ જેવી નવી વ્યવસ્થા વિશે અત્યારથી જ જાણકારી મેળવવા લાગજો!
આ વ્યવસ્થા હાલમાં ‘ન્યૂ અમ્બ્રેલા એન્ટીટી’ તરીકે ઓળખાય છે. રિઝર્વ બેન્કે માર્ચ ૨૦૨૧ના અંત સુધી આ માટેનું લાયસન્સ મેળવવા માટે એપ્લિકેશન્સ મગાવી હતી. રિઝર્વ બેન્ક આ નવી વ્યવસ્થામાં જાહેર ક્ષેત્રની બેન્કોને સાંકળવા માગતી નથી. માત્ર ખાનગી બેન્ક અને ખાનગી કંપનીઓ આ લાયસન્સ હેઠળ યુપીઆઇને સમાંતર, પોતપોતાનાં ડિજિટલ પેમેન્ટ નેટવર્ક ઊભાં કરી શકશે.
આપણે માટે ફાયદાની વાત એ છે કે આવી કોઈ પણ નવી વ્યવસ્થા હાલના યુપીઆઇ સાથે કોમ્પેટિબલ હશે એટલે કે આપણે ઇચ્છીએ તો યુપીઆઇનો ઉપયોગ ચાલુ રાખી શકીશું અથવા નવી વ્યવસ્થા વધુ સારી લાગે તો તેનો લાભ લઈ શકીશું. હાલની આખી બેન્ક વ્યવસ્થાની જેમ આ નવી ડિજિટલ વ્યવસ્થાઓ પણ એકમેક સાથે સંકળાયેલી રહેશે એટલે આપણે એકમાંથી બીજામાં સહેલાઈથી લેવડદેવડ કરી શકીશું.
અત્યારે મળતી માહિતી મુજબ આ નવી વ્યવસ્થાનું લાયસન્સ મેળવવા માટે ટાટા સન્સ કંપનીએ એચડીએફસી બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક સાથે જોડાણ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ફેસબુક, ગૂગલ અને ઇન્ફીબીમના સાથમાં લાયસન્સ મેળવવાનું વિચાર્યું છે. પેટીએમ અને ઓલા કંપની ઇન્ડસઇન્ડ બેન્ક સાથે જોડાઈ રહી છે તથા એમેઝોન આઇસીઆઈસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્ક સાથે સંકળાઈ રહી છે.
દુકાને નવી રીતે લેવડદેવડ
અત્યારે પાણીપૂરીની લારી પર પણ ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાની વ્યવસ્થા લોકપ્રિય થઈ ગઈ છે. હવે આખા ભારતના કરોડો વેપારીઓ અને દુકાનદારો માટે રકમ સ્વીકારવાની વ્યવસ્થા હજી વધુ સરળ બને તેવી શક્યતા છે. યુપીઆઇ પર ભાર વધી રહ્યો છે ત્યારે આ જરૂરી પણ છે.
હમણાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પેમેન્ટ વ્યવસ્થાના સાથમાં ‘રૂપે સોફ્ટપીઓએસ’ નામે એક નવી વ્યવસ્થા લોન્ચ કરી છે. અત્યાર સુધી બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પોતાની દુકાનમાં પેમેન્ટ સ્વીકારવા માટે દુકાનદારોએ વિવિધ બેન્ક તરફથી મળતાં પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) ટર્મિનલ લેવાં પડતાં હતાં. હવે દુકાનદાર પોતાના સ્માર્ટફોનનો જ આવા ટર્મિનલ તરીકે ઉપયોગ કરી શકશે. અલબત્ત શરત એટલી કે સ્માર્ટફોનમાં નિયર ફિલ્ડ કમ્યુનિકેશન (એનએફસી)ની સુવિધા હોવી જરૂરી છે (હવે બજેટ સ્માર્ટફોનમાં પણ આ સુવિધા મળવા લાગી છે, છતાં આ વ્યવસ્થામાં આ એક મોટો અવરોધ સાબિત થશે). જો વેપારી પાસે આવો સ્માર્ટફોન હોય તો તેણે પોતાના ફોનમાં રૂપે સોફ્ટપીઓએસની એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. તે પછી દુકાનમાં આવતા ગ્રાહક પોતાના એનએફસી ઇનેબલ્ડ કાર્ડને વેપારીના સ્માર્ટફોનની નજીક લઈ જઇને, ફટાફટ રૂા. ૫૦૦૦ સુધીનું પેમેન્ટ કરી શકશે.
આરટીઓના ધક્કા નહીં ખાવા પડે
ભારતમાં અત્યાર સુધી રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ) અવ્યવસ્થા અને ભ્રષ્ટાચારના મોટા ઉદાહરણ સમાન હતી. નજીવા કામ માટે પણ આપણે પોતાના કામ ધંધા મૂકીને આરટીઓના ધક્કા ખાવા પડે અને ત્યાં પણ એજન્ટ વગર લગભગ કોઈ કામ થાય નહીં. હવે આ મહિનાથી તેમાં મોટો ફેરફાર આવ્યો છે. આધાર કાર્ડની મદદથી આપણે લાયસન્સને સંબંધિત કુલ ૧૮ પ્રકારની સેવાઓનો ઘેર બેઠાં લાભ મેળવી શકીશું. આ કારણે લર્નિંગ લાયસન્સ મેળવવું, હાલનું ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવું તથા વાહનનું રજિસ્ટ્રેશન કરાવવું વગેરે કામ માટે આપણે આરટીઓ જવાની જરૂર નહીં રહે. આરટીઓના પોર્ટલ પરથી આધાર કાર્ડની મદદથી ઓથેન્ટિકેશન કર્યા પછી આપણે આ બધી સેવાઓનો કોન્ટેક્ટલેસ રીતે લાભ લઈ શકીશું. હજી હમણાં જ આપણે જાણ્યું હતું કે પાસપોર્ટ સેવાને પણ ‘ડિજિલોકર’ સર્વિસમાં આવરી લેવાઈ છે. આમ, આધાર, ડિજિલોકર, યુપીઆઇ અને વિવિધ પબ્લિક સર્વિસ એકમેક સાથે પૂરેપૂરી સંકળાશે ત્યારે ઘણાં કામ અને પેમેન્ટ્સ પેપરલેસ અને કોન્ટેક્ટલેસ બની શકશે.

