(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓનલાઇન જોબ ફ્રોડ : નિધિ રાઝદાન તો હિમશિલાની માત્ર ટોચ છે

ભારતમાં સારા અભ્યાસ પછી પણ બેરોજગારોનું પ્રમાણ બહુ મોટું છે. બીજી તરફ, ઇન્ટરનેટને કારણે નોકરી શોધવાનું કામ હવે સહેલું બન્યું છે. પરંતુ આ જ ઇન્ટરનેટ તેમના માટે છટકાનું કામ પણ કરે છે. ઠગ લોકો ઇન્ટરનેટની મદદથી પોતાની જાળ બિછાવે છે. પછી નોકરીની તક તો ઠીક, નાણાં પણ ગુમાવવાં પડે છે.

ગયા મહિને ભારતની એક ખાસ્સી જાણીતી ન્યૂઝ ચેનલનાં ખાસ્સા જાણીતા એન્કર અને પત્રકાર નિધિ રાઝદાને ધડાકો કરતાં જાહેર કર્યું કે તેમની સાથે મોટો ફ્રોડ થયો છે. અમેરિકાની બહુ જાણીતી હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસરની પ્રતિષ્ઠિત નોકરી ઓફર કરવામાં આવી. મહિનાઓ સુધી તેમની પાસેથી વિવિધ માહિતી મેળવવામાં આવી એ પછી તેમને સમજાયું કે તેમની સાથે નરી છેતરપિંડી થઈ છે. આ ઓફરની લાલચમાં નિધિએ તેમની ૨૧ વર્ષની સ્થિર, સલામત, મોભાદાર નોકરી ગુમાવી અને તેમની સમગ્ર કારકિર્દી પર હવે પ્રશ્નાર્થ મુકાઈ ગયો.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે નાના શહેરોના, બિનઅનુભવી, ઓછું અંગ્રેજી જાણતા અને ઓછુ ભણેલાં યુવાનો નોકરીની લાલચમાં ઠગાતા હોય છે. નિધિ રાઝદાનને આમાંની કોઈ બાબત લાગુ પડતી નથી. છતાં તેઓ પણ ઓનલાઇન ફ્રોડ જોબની ચપેટમાં આવી ગયા તો પછી સમજી શકાય કે અન્ય લોકોની શી હાલત થતી હશે?

ઇન્ટરનેટને કારણે માનવજાતને પોતાનાં અનેક કામ ઘણી વધુ સહેલાઈથી અને ઝડપથી કરવાની તક મળી છે. પરંતુ દુર્ભાગ્યે એ જ કારણે, બીજાને છેતરવા માગતા લોકોને પણ ઘણું મોકળું મેદાન મળ્યું છે. લોકજીભે ચઢતી જાણીતી બાબતો (જેમ કે જિઓની ફ્રી ઓફર, આધારકાર્ડ, આયુષ્યમાન યોજના અને રસીકરણ) ને વટાવી ખાવા રાતોરાત ફૂટી નીકળતી એપ/વેબસાઇટની વાત હોય, આર્થિક ભીંસમાં મુકાયેલા લોકોને ફટાફટ એપ દ્વારા લોનના છટકામાં ફસાવવાની વાત હોય કે પછી સારું ભણ્યા પછી પણ બેરોજગારીના ભરડામાં ફસાયેલા યુવાનોને નોકરીની લાલચ આપીને છેતરવાની વાત હોય, ગુનેગારોનું કામ ઇન્ટરનેટને કારણે હવે બહુ સહેલું થઈ ગયું છે.

ભારતનાં લગભગ બધાં નાનાં મોટાં શહેરોમાં ઇન્ટરનેટની મદદથી લોકોને ઓનલાઇન કમાણી કે પછી નોકરી અપાવવાની લાલચને બહાને તેમની પાસેથી રૂપિયા ખંખેરવાનાં બહુ વ્યવસ્થિત ષડયંત્રો લાંબા સમયથી ચાલી રહ્યાં છે. કોઈ પણ યુવાન આ વિષચક્રમાં ફસાય તો તેને કેવો અનુભવ થાય છે એનું એક ઉદાહરણ જોઇએ.

ઉદાહરણ સાચું છે, ફક્ત નામ બદલેલ છે.

નોકરી શોધવાનું વિષચક્ર

દિલ્હીમાં રહેતા મનોજ નામના એક યુવાનને ગ્રાફિક ડિઝાઇનિંગમાં સારી ફાવટ હતી. કોઈ સારી એડ એજન્સી કે ડિઝાઇન સ્ટુડિયોમાં નોકરી મેળવીને સેટલ થવાનું સપનું હતું. પરંતુ એ પૂરું ન થાય ત્યાં સુધી પિતાને મદદરૂપ થવા માટે તે કોલ સેન્ટરની નોકરી લેવા પણ તૈયાર હતો. શરૂઆતમાં મહિને પંદરેક હજારના પગારની નોકરી મળી જાય તો તેને સંતોષ હતો.

મનોજે એ જ કર્યું જે તેની ઉંમરના અને નોકરી શોધતા મોટા ભાગના યુવાનો કરતા હોય છે. તેણે એક જાણીતી જોબ પોર્ટલ પર પોતાનો રિઝ્યૂમ અપલોડ કર્યો.

મનોજ હજી કોલેજના છેલ્લા વર્ષમાં હતો. તેને નોકરીનો કોઈ અનુભવ નહોતો અને રિઝ્યુમમાં લખવા જેવું કંઈ ખાસ હતું નહીં એટલે તેને પેલી જોબ પોર્ટલ પર રિઝ્યુમ મૂક્યા પછી તરત કોઈ જવાબ મળે તેવી કોઈ આશા નહોતી.

મનોજ હજી સાવ બિનઅનુભવી હતો, રિઝ્યૂમમાં લખવા જેવું ખાસ કંઈ હતું નહીં. છતાં જોબ પોર્ટલ પર બાયોડેટા અપલોડ કર્યા પછી, તેના ઇનબોક્સમાં જાણીતી કંપનીઓ તરફથી ઓફરનો ઢગલો થવા લાગ્યો.

થયું તેનાથી ઉલટું. મનોજના મેઇલ ઇનબોક્સમાં સેમસંગ, એમેઝોન, એરટેલ, રિલાયન્સ વગેરે જાણીતી નેશનલ અને મલ્ટિનેશનલ કંપનીઓ તરફથી નોકરીની ઓફર્સનો ઢગલો થવા લાગ્યો. વાસ્તવમાં ઓફર્સ એ બધી કંપનીઓ તરફથી નહીં પરંતુ તેમના રિપ્રેઝન્ટેટિવ હોવાનો દાવો કરતા લોકો કે કંપનીઓ તરફથી હતી. લગભગ દરેક ઓફરમાં બિબાંઢાળ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે ‘‘તમારા રિઝ્યુમને ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલ છે’’ અને દરેકમાં અંતે એક જ વાત હતી ‘‘આજે જ, અત્યારે જ અમારો સંપર્ક કરો.’’


મનોજ બિનઅનુભવી હતો પણ સાથે સ્માર્ટ પણ હતો. પોતાને આટલી બધી જોબ ઓફર્સ આવે એ તેને શંકાસ્પદ તો લાગ્યું. બધા ઈ-મેઇલમાં નોકરીની સારી ઓફર્સ સિવાય લગભગ કોઈ નક્કર વિગતો નહોતી. કોઈ પોસ્ટલ એડ્રેસ કે વેબસાઇટ પણ જણાવવામાં આવેલ નહોતી. ઈ-મેઇલના અંતે વ્યક્તિઓનાં આખાં નામને બદલે ‘એચઆર પ્રિયા’ કે ‘એચઆર રાજેશ’ જેવાં જનરિક નામો લખેલ હતાં. ફક્ત આગળના સંપર્ક માટે ફોન નંબર આપેલ હતા.

મનાેજને આ બધુ થોડું વિચિત્ર લાગ્યું પરંતુ નોકરીની એટલી બધી જરૂર હતી કે જે ચાન્સ મળે તે ઝડપી લીધા વિના છૂટકો નહોતો.

ઓનલાઇન જોબ ફ્રોડ કેવી રીતે થાય છે?

ફ્રોડ કરનારા લોકો મોટા ભાગે જાણીતી અને પ્રતિષ્ઠિત જોબ રિક્રૂટમેન્ટ સાઇટ્સ પરથી નોકરી શોધતા લોકોની વિગતો મેળવે છે.

પેટીએમ કે યુપીઆઈની ઠગાઈ જેમ આ પ્રકારના કૌભાંડમાં પણ નોકરી શોધતા લોકોને બલ્કમાં ઈ-મેઇલ મોકલવામાં આવે છે.

છેતરપિંડી કરનારા લોકો જોબ કન્સલ્ટન્ટનો સ્વાંગ રચીને કામચલાઉ ઓફિસ અને વેબસાઇટ ઊભી કરે છે. નોકરી મેળવવામાં રસ બતાવતા લોકોને મોબાઇલ વોલેટે કે બેન્ક ટ્રાન્સફર દ્વારા રજિસ્ટ્રેશન ફી ભરવાનું કહેવામાં આવે છે.

ઓનલાઇન અને ટેલિફોનિક ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે.  બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર્સ આપવામાં આવે છે. એ સાથે ફરી પ્લેસમેન્ટ ફી નામે રૂપિયા માગવામાં આવે છે.

આવા લોકો જાણીતી પ્લેસમેન્ટ કંપની જેવી જ લાગતી બનાવટી વેબસાઇટ્સ પણ ઊભી કરી શકે છે. ઘણા લોકો જાણીતી જોબ સાઇટ પર વિવિધ કંપની વતી નોકરીની ઓફર પોસ્ટ કરે છે. છેતરપિંડી કરનારા ઘણા લોકો એક ડગલું આગળ વધીને નાનાં શહેરોની કોલેજોનો સંપર્ક કરી, મોટી મોટી કંપનીઓનાં નામ બતાવી, તેમના નામે પ્લેસમેન્ટ કેમ્પ પણ યોજે છે અને તેમાં ભાગ લેવા માટે કોલેજ તથા વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પડાવે છે.

છેવટે મનોજે એક ઈ-મેઇલના અંતે આપેલ ફોન નંબર પર કોલ જોડ્યો. સામેની વ્યક્તિએ સાવ ટૂંકમાં વાત પતાવી અને મનોજની કોઈ વિગતો પૂછ્યા વિના તેને એક પ્લેસમેન્ટ એજન્સીનું એડ્રેસ આપીને ત્યાં વહેલી તકે પહોંચી જવા કહ્યું.

મનોજ એ એડ્રેસ પર પહોંચ્યો. એ પ્લેસમેન્ટ એજન્સીમાં મનોજનો ‘ઇન્ટરવ્યૂ’ લેવાયો અને બીપીઓ (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ)નું ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું. આવા બે ત્રણ સહેલા સવાલોના મનોજે આપતાં ઇન્ટરવ્યૂ પૂરો થયો અને મનોજને કહેવામાં આવ્યું કે તેને એક સારી ઇન્ટરનેશનલ કંપનીના કોલ સેન્ટરમાં એક્ઝિક્યુટીવ તરીકે જોબ મળી ગઈ છે. નોકરી કન્ફર્મ હોવાની ખાતરી તરીકે એ પ્લેસમેન્ટ એજન્સીના લેટરહેડ પર મનોજનું એક્ઝિક્યુટીવ તરીકે સિલેકશન થયું હોવાનું લખી આપવામાં આવ્યું. તે લેટરમાં મનોજને જે કંપનીમાં ‘નોકરી મળી હતી’  તે કંપનીનું ક્યાંય નામ નહોતું. પ્લેસમેન્ટ એજન્સીએ મનોજને ૫૦૦ રૂપિયા ડિપોઝિટ કરવા જણાવ્યું. સારી નોકરી માટે મનોજને આટલી રકમ આપવામાં કોઈ વાંધો નહોતો.

મનોજને કહેવામાં આવ્યું હતું કે હવે તેણે ફક્ત અમુક કલાકની ટ્રેનિંગ પૂરી કરવાની હતી અને પછી ઇન્ટરનેશનલ કોલ સેન્ટરમાં બીપીઓ જોબ શરૂ કરવાની હતી. આગળની વિધિ તેને એસએમએસ પર જાણ કરવામાં આવશે તેમ કહેવામાં આવ્યું.

ગણતરીના દિવસોમાં મનોજને એક સ્કૂલનું એડ્રેસ મોકલવામાં આવ્યું, જ્યાં રજાના દિવસે તેણે ટ્રેનિંગ માટે હાજર થવાનું હતું. મનોજ ત્યાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે તેની જેવા બીજા ૬૦૦-૭૦૦ લોકો ત્યાં ટ્રેનિંગ માટે હાજર થયા હતા. દરેકે ટ્રેનિંગ માટે રૂપિયા ૧૦૦૦ની ફી ચૂકવવાની હતી.

મનોજની જેમ ટ્રેનિંગ માટે જમા થયેલા લોકોમાં કોઈ હજી હાઇસ્કૂલ વટાવીને કોલેજમાં ડગ માંડનાર વિદ્યાર્થી હતા. કોઈ પ્રાઇવેટ કોલેજમાં લાખોની ફી ચૂકવીને એન્જિનીયરિંગ કર્યા પછી જે મળે તે નોકરી ઝડપી લેવા આતૂર યુવાનો હતા, કોઈ પોતાના બિઝનેસમાં શરૂઆતમાં જ નિષ્ફળ ગયા પછી ફરી નોકરી શોધી રહેલા લોકો હતા. તો કેટલાક એવા પણ હતા જેમણે કોલ સેન્ટરમાંની નોકરી કંટાળીને છોડી હતી અને પછી ફરી એ જ નોકરી મેળવવાની લાઇનમાં લાગ્યા હતા.

૧૦૦૦-૧૦૦૦ હજારની ફી ચૂકવ્યા પછી આ બધા લોકોની ‘ટ્રેનિંગ’ શરૂ થઈ. ટ્રેનિંગમાં મોટા ભાગે ઇન્ટરવ્યૂમાં પોતાની ઓળખ કેવી રીતે આપવી એની ટિપ્સ પર જ ફોકસ કરવામાં આવ્યું. મનોજ જેવા ઘણા લોકોને નવાઈ પણ લાગી કે તેમને તો નોકરી મળી ચૂકી હતી, હાથમાં કન્ફર્મેશનનો લેટર પણ હતો પછી આવી ટ્રેનિંગની જરૂર શી હતી?

આ સવાલનો જવાબ પણ તરત મળ્યો. ટ્રેનિંગ પૂરી થતાંવેંત એ જ જગ્યાએ પ્લેસમેન્ટ ફેર શરૂ થયો. અલગ અલગ કંપનીના ‘પ્રતિનિધિઓ’એ સ્કૂલના ક્લાસરૂમમાં જુદા જુદા ખૂણે બેસીને મનોજ અને તેના જેવા બીજા લોકોના એ નોકરી માટે નવેસરથી ઇન્ટરવ્યૂ શરૂ કર્યા જે તેમને મળી ગયાનું કહેવામાં આવ્યું હતું.

એ કવાયતના અંતે કેટલાક લોકોને ફ્લિપકાર્ટ કે પેટીએમ જેવી કંપનીમાં નોકરીની ઓફર મળ્યા પછી કોઈ ભળતી જ અને તદ્દન અજાણી કંપનીમાં નોકરી માટે ફરીથી ઇન્ટરવ્યૂ આપવા પડશે તેમ કહેવામાં આવ્યું. તો કોઈને એ લોકો જેના મારફત આવ્યા હતા એ પ્લેસમેન્ટ એજન્સીનો ફરીથી સંપર્ક કરી આખી વિધિ નવેસરથી કરવી પડશે એમ કહેવામાં આવ્યું.

મનોજ પ્રમાણમાં નસીબદાર હતો. તેને એક કોલ સેન્ટરમાં નોકરી પાક્કી હોવાનું કહીને તેનો ઓફર લેટર આપવામાં આવ્યો અને એસએમએસ દ્વારા એ કંપનીનું એડ્રેસ મોકલીને ત્યાં હાજર થવાનું કહેવામાં આવ્યું.

મનોજ ત્યાં પહોંચ્યો ત્યારે કોલ સેન્ટરની તેની કલ્પના કરતાં તદ્દન જુદું વાતાવરણ જોવા મળ્યું. તે જગ્યાને કોઈ રીતે ઓફિસ કહી શકાય તેમ નહોતી. ઉપરાંત મનોજને રૂ. ૧૫,૦૦૦ હજારની ઓફર કરવામાં આવી હતી પણ અહીં રૂ. ૧૦,૦૦૦થી શરૂઆત થશે તેમ કહેવામાં આવ્યું.

અકળાયેલા મનોજે પેલી પ્લેસમેન્ટ એજન્સીનો સંપર્ક કર્યો તો કહેવામાં આવ્યું કે ચિંતાની કોઈ વાત નથી તેના ધ્યાનમાં મનોજ માટે બીજી સારી ઓફર પણ છે, અલબત્ત તેનો ચાર્જ અલગ થશે.

ગમે તે ભોગે નોકરી ઇચ્છતા મનોજે તેના પર ફરી ભરોસો મૂક્યો. ચાર્જ ચૂકવ્યો અને એ બીજી જગ્યાએ ધક્કો ખાધો. ત્યાં તેને કહેવામાં આવ્યું કે ‘‘અમે તો માત્ર અનુભવી લોકોને નોકરી આપીએ છીએ, ફ્રેશર્સને નહીં.’’ હવે મનોજને લાગ્યું કે હદ થઈ રહી છે, તેણે પેલી મૂળ પ્લેસમેન્ટ એજન્સી પાસેથી, તેણે ચૂકવેલા રૂપિયાનું રીફંડ માગ્યું, જેને તેને હજી સુધી મળ્યું નથી.

અસલી-નકલીની માયાજાળ

વાસ્તવમાં, ઓનલાઇન જોબ માર્કેટ બહુ મોટું છે અને ઇન્ટરનેટની જેમ જ વિશાળ જાળા જેવું છે. છેતરપિંડી કરનારા લોકો મોટા ભાગે મોટા, જાણીતા બનેલા જોબ પોર્ટલ્સના અથવા બહુ જાણીતી કંપનીઓના પોતે પ્રતિનિધિ હોવાનો દાવો કરે છે અને નોકરી શોધતા લોકોનો સંપર્ક કરે છે. નોકરી શોધતી વ્યક્તિ એક વાર આ જાળામાં ફસાય તે પછી તેને શબ્દોની માયાજાળ રચીને, અમુક-તમુક કંપનીમાં નોકરી પાક્કી હોવાનું કહેવામાં આવે છે. આ લોકો એવી કંપનીમાં નોકરીનાં વચન આપે છે, જેમાં તેમની કોઈ ભૂમિકા જ હોતી નથી. પછી વિવિધ જગ્યાએ જુદાં જુદાં ઓઠાં હેઠળ ઇન્ટરવ્યૂ, ટ્રેનિંગ, ઓરિએન્ટેશન નામે ફેરવી ફેરવી, બને એટલા રૂપિયા પડાવવામાં આવે છે. એ પત્યા પછી પ્લેસમેન્ટ ચાર્જ, પ્રોસેસિંગ ચાર્જ, ટાઇ-અપ ફી વગેરે અન્ય નામે ફરી રૂપિયા પડાવવામાં આવે છે. વાત વિદેશમાં નોકરીની હોય તો આ રકમ લાખોમાં પહોંચે છે અને લાંબા ચક્કર પછી, નોકરી ન મળે ત્યારે છેક ભોગ બનનારને ભાન થાય છે કે તેની સાથે ફ્રોડ થયો છે.

ઠગ લોકો કાં તો માત્ર કામચલાઉ ઈ-મેઇલ એડ્રેસની મદદથી, ઓનલાઇન મળે એટલા રૂપિયા મેળવીને ગાયબ થાય છે. મોટું રેકેટ ચલાવતા લોકો પોતાની વેબસાઇટ્સ અને કામચલાઉ ઓફિસ પણ ઊભી કરે છે અને બેધડક લોકોને લૂંટતા રહી, છેવટે હાથ ઊંચા કરી દે છે. તેમણે પોતાની સાઇટ પર કે અન્ય રીતે ટર્મ્સ અને કંડિશન્સમાં પોતાની જવાબાદરીઓ ખંખેરી નાખી હોય છે એટલે આવી છેતરપિંડીનો ભોગ બનનારા ઘણા ખરા લોકો પોતાના નસીબને કોસીને આગળ પગલાં લેતા નથી.

ફ્રોડનો ભોગ બની જાવ તો શું કરશો?

કોઈ વ્યક્તિએ તમારો ઈ-મેઇલ દ્વારા સંપર્ક કર્યો હોય અને પછી કોઈ પણ સારી કંપનીમાં નોકરીની લાલચ આપી, કોઈ પણ પ્રકારના પ્રોસેસિંગને નામે રૂપિયા પડાવ્યા પછી, નોકરી અપાવી ન હોય તો…

આવી રીતે ફ્રોડ કરનારી વ્યક્તિ સામે ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, ૨૦૦૦ તથા ઇન્ડિયન પીનલ કોડ હેઠળ કાયદેસરનાં પગલાં લઈ શકાય છે.

એ વ્યક્તિ સાથે તમે જેટલું કમ્યુનિકેશન કર્યું હોય તેની વિગતો સાથે સાથે પોલીસ કે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવો. એ વ્યક્તિએ મોટા ભાગે તમારા રૂબરૂ સંપર્કમાં આવ્યા વિના, ઓનલાઇન રૂપિયા પડાવ્યા હશે. તમારી જે બેન્કમાંથી તમે રકમ ટ્રાન્સફર કરી હોય તે બેન્કને આ વિશે લેખિતમાં જાણ કરો.

તમે જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોય તેની બેન્કની વિગતો હોય તો એ બેન્કમાં પણ લેખિતમાં ફરિયાદ કરો.

આવા ફ્રોડથી કઈ રીતે બચશો?

જોખમના સંકેતો પારખો : તમને સાદા જીમેઇલ મારફતે નોકરીની ઓફર કરવામાં આવી? માત્ર ઓનલાઇન ચેટ દ્વારા તમારો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો? આ સ્કેમ હોઈ શકે છે. તમારો કમ સે કમ ફોન અથવા વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં ન આવે તો તેનો ભરોસો કરશો નહીં. શક્ય હોય ત્યાં સુધી વ્યક્તિગત ઇન્ટરવ્યૂનો આગ્રહ રાખો અને ઇન્ટરવ્યૂ લેનારનાં નામ પણ જાણો. જેથી તેમના વિશે સર્ચ કરી શકાય.

નોકરીની વિગતો તપાસો : તમને જે નોકરી ઓફર કરવામાં આવી રહી હોય તેની વિગતો પરથી પણ ખબર પડી શકે કે આ છેતરપિંડી છે. મોટા ભાગે સાચી ઓફરમાં તમારી જવાબદારીઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હોય અને તેની સામે તમારો કેટલો અનુભવ છે તે પણ પૂછવામાં આવ્યું હોય. આ બાબતો થોડા બુલેટ પોઇન્ટમાં આટોપી લેવામાં આવી હોય કે તમારા અનુભવ કે ક્વોલિફિકેશનમાં બહુ રસ લેવામાં ન આવે તો એ કૌભાંડ હોવાની પૂરતી શક્યતા દર્શાવે છે.

કંપની વિશે જાણો : તમને જે કંપનીની ઓફર આપવામાં આવી રહી હોય તેના વિશે અચૂક તપાસ કરો. તમને ઘરેથી જ કામ કરવાનું કહેવામાં આવ્યું હોય તો પણ. એ કંપનીમાં કામ કરતા અન્ય લોકોનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરો. એ કંપનીની વેબસાઇટ ન હોય કે સોશિયલ મીડિયા પર ખાસ હાજરી દેખાતી ન હોય તો ચેતી જાઓ.

સામા પ્રશ્નો પૂછો : તમને નોકરીની ગમે તેટલી જરૂર હોય, રૂબરૂ કે વીડિયો ઇન્ટરવ્યૂની તક મળે ત્યારે બેધડક સામા પ્રશ્નો પણ પૂછો. એ લોકો તમારી પાસેથી કેવા કામની અપેક્ષા રાખે છે, કંપની પોતે કેવી રીતે કમાણી કરે છે, કંપની તમને કેવી રીતે પેમેન્ટ કરશે વગેરે જાણવાની કોશિશ કરો.

નોકરી માટે ક્યારેય રૂપિયા આપશો નહીં : નિધિ રાઝદાને પોતાના અનુભવમાં હાર્વર્ડમાં ‘નોકરી’ માટે તેમની પાસે રૂપિયાની કોઈ માગણી ન થઈ હોવાનું લખ્યું છે, પરંતુ આ પ્રકારના સ્કેમ દેખીતી રીતે આપણને લૂંટવા માટે થતા હોય છે. એપ્લિકેશન ફી, ઇન્ટરવ્યૂ ફી, પ્રોસેસિંગ ફી, પ્લેસમેન્ટ ફી, વગેરે કોઈ પણ નામે નોકરી પહેલાં રૂપિયા માગવામાં આવે તો આવી નોકરીની ઓફર પર ક્યારેય ભરોસો કરશો નહીં. તમને જે તે કંપનીમાં ખરેખર નોકરી મળે, એપોઇન્ટમેન્ટ લેટર મળે, તમે કામ શરૂ કરો એ પછી જ તમારા બેન્ક ખાતાની કે અન્ય વિગતો આપશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!