(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

રોજિંદા સર્ફિંગ માટે કયું બ્રાઉઝર પસંદ કરશો?

વર્ષોથી તમે એક જ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો તેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. તમને તમારા બ્રાઉઝરથી પૂરો સંતોષ ન હોય તો અહીં કેટલાંક મહત્ત્વનાં બ્રાઉઝરનો પરિચય મેળવી લો…

ટીવી પરની જાહેરાતોમાં આપણે અવારનવાર નકલી ડેન્ટિસ્ટને કોઈ ચોક્કસ બ્રાન્ડની ટૂથપેસ્ટની ભલામણ કરતા જોઇએ છીએ પરંતુ અસલી ડેન્ટિસ્ટનો અભિપ્રાય લઈએ ત્યારે સામાન્ય રીતે તેઓ કોઈ એક જ બ્રાન્ડને વળગી રહેવાને બદલે થોડા થોડા સમયે જુદી જુદી બ્રાન્ડની ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાની સલાહ આપતા હોય છે.

એવું જ રાંધવા માટેના તેલની બાબતમાં કહેવાય છે. નિષ્ણાતો કહે છે કે કોઈ એક જ પ્રકારનું તેલ લાંબા ગાળા માટે ઉપયોગ કરવાને બદલે આપણે જુદા જુદા પ્રકારનું તેલ વાપરવું જોઈએ, જેથી લાભ-ગેરલાભનું સંતુલન જાળવી શકાય!

‘સાયબરસફર’માં વાસ્તવિક જિંદગીની આ વાત લખવાનું કારણ  એ કે આ જ મુદ્દો ડિજિટલ દુનિયામાં પણ લાગુ પડે છે!

સામાન્ય રીતે આપણને સૌને વર્ષોથી કોઈ એક જ કંપનીના બ્રાઉઝરની મદદથી ઇન્ટરનેટ સર્ફિંગ કરવાની આદત હોય છે. તમે બહુ લાંબા સમયથી ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હો તો કદાચ તમારી પસંદ મોઝિલા ફાયરફોક્સ હોઈ શકે, બાકી અત્યારે મોટા ભાગના લોકોની જેમ તમે પણ ગૂગલના ક્રોમ બ્રાઉઝરના આદતી હશો.

આપણા પીસી-લેપટોપ અને સ્માર્ટફોનમાં લાંબા સમયથી એક જ બ્રાઉઝરનો ઉપયોગ કરવાના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે.

ઇન્ટરનેટનો ઉપયોગ કરતા ૭૦ ટકાથી વધુ યૂઝર્સ ગૂગલ ક્રોમનો ઉપયોગ કરે છે.

વર્ષોથી એક જ બ્રાઉઝરનો ઉપયોગ કરવાથી તે બ્રાઉઝર આપણા વિશે જબરજસ્ત માહિતી એકઠું કરતું રહે છે. આને કારણે આપણું સર્ફિંગ કે વિવિધ વેબસર્વિસનો ઉપયોગ સહેલો બની શકે છે, પરંતુ ગેરફાયદો એ કે એક જ બ્રાઉઝરને વધુ પડતી માહિતી મળવાને કારણે બહુ મોટા પ્રમાણમાં જાહેરાતની કંપનીઓ આપણી પાછળ પડી જાય! આથી હવે એવું લાગી રહ્યું છે કે ટૂથપેસ્ટ કે કૂકિંગ ઓઇલની જેમ આપણે બ્રાઉઝર પણ વારંવાર બદલવું પડશે.

ગજબ ઉતાર-ચઢાવ

ઇન્ટરનેટ પર બ્રાઉઝરનો ઇતિહાસ બહુ ગજબના ઉતાર-ચઢાવવાળો રહ્યો છે. વર્ષ ૨૦૦૫ના અરસામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લગભગ ૯૦ ટકા લોકો માઇક્રસોફ્ટના ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઇ) બ્રાઉઝરનો ઉપયોગ કરતા હતા. એ પછી તેનાં વળતાં પાણી થયાં અને મોઝિલા ફાયરફોક્સનું બ્રાઉઝર આવ્યા પછી ત્રણેક વર્ષમાં આઇઇનો શેર ઘટીને ૭૦ ટકા થયો. એ અરસામાં લોન્ચ થયેલા ગૂગલ ક્રોમનો ત્યારે માર્કેટ શેર માંડ ૧.૪ ટકા હતો. હવે સ્થિતિ બિલકુલ ઉલટી થઈ ગઈ છે. જગતના ૭૦ ટકાથી વધુ લોકો ક્રોમનો ઉપયોગ કરી રહ્યા છે. બીજી તરફ માઇક્રોસોફ્ટના નવા એજ બ્રાઉઝર અને મોઝિલા ફાયરફોક્સ બંનેનો ફાળો ૧૦ ટકા કરતા પણ ઓછો છે.

આપણે શું કરવું?


આપણે માટે સવાલ એ છે કે આપણે અત્યારના સૌથી લોકપ્રિય ગૂગલ ક્રોમ બ્રાઝઉરનો ઉપયોગ કરતા રહેવું કે પછી અન્ય કોઈ બ્રાઉઝર તરફ નજર દોડાવવી?

 અહીં હાલની સ્થિતિ અનુસાર સૌથી નોંધપાત્ર ગણાય એવા મહત્ત્વનાં બ્રાઉઝર્સનું વિશ્લેષણ આપ્યું છે. હાલના લગભગ બધાં બ્રાઉઝર લગભગ એકસરખાં ફીચર્સ ધરાવે છે, પરંતુ દરેક કોઈ ને કોઈ બાબતે આગવી સગવડ પણ આપે છે. આ બધાં બ્રાઉઝર એન્ડ્રોઇડ ડિવાઇસ માટે પણ ઉપલબ્ધ છે. એપલના સફારી બ્રાઉઝરનો યૂઝરબેઝ બિલકુલ અલગ હોવાથી તેને અહીં સામેલ કરેલ નથી.

દરેક બ્રાઉઝસનો આ પરિચય તમારો તેમનો ઉપયોગ સહેલો બનાવશે!

ક્રોમ : મસ્ત, પણ હેવી!

ક્રોમ સ્માર્ટફોનની સરખામણીમાં, કમ્પ્યુટરમાં રિસોર્સીઝનો બહુ ભારે ઉપયોગ કરે છે. જો ક્રોમ તમારું કમ્પ્યુટર ધીમું કરી દેતું હોય તો તમારે તેના બીજા વિકલ્પો તરફ નજર દોડાવવી પડે.

ઉપયોગની દૃષ્ટિએ બ્રાઉઝર્સની રેસમાં અત્યારે ગૂગલ ક્રોમ સૌથી આગળ છે. અલબત્ત એનો અર્થ એવો નથી કે એ સૌની માટે સૌથી સારું બ્રાઉઝર છે!

ગૂગલ ક્રોમ સૌથી લોકપ્રિય છે કારણ કે આજે આખી દુનિયા એન્ડ્રોઇડ તરફ વળી ગઈ છે અને તેમાં ગૂગલ એકાઉન્ટ અનિવાર્ય છે.

ક્રોમમાં સતત નવાં ફીચર્સ ઉમેરાતાં રહે છે, પણ એ જ તેનું નબળું પાસું બને છે. ખાસ કરીને પીસીમાં, અક્રોમ બ્રાઉઝર આપણા કમ્પ્યુટરના રિસોર્સનો અત્યંત ભારે ઉપયોગ કરે છે. પરિણામે પ્રમાણમાં નબળા સ્પેશિફિકેશન અને ઓછી રેમ ધરાવતા કમ્પ્યુટરને ગૂગલ ક્રોમ ખાસ્સું ધીમું બનાવી દઈ શકે છે.

ખાસ કરીને જો તમને ગૂગલ ક્રોમમાં સંખ્યાબંધ ટેબ ઓપન કરીને સર્ફિંગ કરવાની ટેવ હોય તો થોડા સમયમાં વિવિધ ટેબ કમ્પ્યુટર રિસોર્સીઝનો ભારે ઉપયોગ કરતી હોવાને કારણે બ્રાઉઝિંગ અને કમ્પ્યુટરમાં અન્ય પ્રોગ્રામ્સનો ઉપયોગ મુશ્કેલ બની શકે છે.

આ તકલીફના ઉપાય તરીકે ક્રોમમાં બેકગ્રાઉન્ડમાંની ટેબ્સને આપોઆપ ફ્રીઝ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમ છતાં ક્રોમ કમ્પ્યુટરને ધીમું તો જરૂર કરે છે.

સામે પક્ષે જો તમારી પાસે પ્રમાણમાં સારા પ્રોસેસર અને પૂરતી રેમવાળું કમ્પ્યુટર હોય તો બેશક ગૂગલ ક્રોમ અન્ય બ્રાઉઝર્સની હારોહાર અથવા ચઢિયાતું સાબિત થાય છે.

આપણી ડિજિટલ લાઇફ હવે ગૂગલની વિવિધ સર્વિસ પર આધારિત થઈ ગઈ છે અને એ તમામનો ઉપયોગ ગૂગલ ક્રોમ બહુ સરળ બનાવી દે છે. જો તમે ગૂગલ ક્રોમમાં સાઇન-ઇન થઈને કામ કરતા હો તો તમારું કામ વિના કોઈ અવરોધ અલગ અલગ ડિવાઇસિસ પર આગળ વધારી શકો છો.

સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમનો જોટો જડવો મુશ્કેલ છે. ડેટા સેવરની મદદથી તે સર્ફિંગ ઝડપી અને સસ્તું બનાવે છે. પીસી-ફોન માટે ક્રોમ બ્રાઉઝર ઓટોમેટિક અપડેટ થતું રહે છે એ પણ તેની વિશેષતા છે.

ક્રોમના ઓટોફિલ અને પાસવર્ડ મેનેજર ફીચર પણ તેના બહુ મોટાં જમા પાસા છે. સલામતીની દૃષ્ટિએ જોઈએ તો ગૂગલનું પાસવર્ડ ચેકઅપ ટૂલ હવે ક્રોમમાં જ ઉમેરી દેવામાં આવ્યું છે. પરિણામે આપણે કોઈ પણ વેબસાઇટ પર એવા યૂઝરનેમ-પાસવર્ડનો ઉપયોગ કરીએ, જેનો આપણે અન્ય સર્વિસમાં પણ ઉપયોગ કરતા હોઈએ અને ત્યાંથી તે ચોરાયેલ હોય તો ગૂગલ ક્રોમ આપણને સામેથી ચેતવે છે.

આપણા ડેટાની સલામતીની દૃષ્ટિએ જોખમી સાઇટ્સ પર પહોંચીએ ત્યારે પણ ગૂગલ ક્રોમ આપણને ચેતવે છે. ગૂગલ ક્રોમનો બહુ વ્યાપક ઉપયોગ થતો હોવાથી ક્રોમને જોખમી સાઇટ્સ વિશેની માહિતી અન્ય બ્રાઉઝર્સની સરખામણીમાં વધુ મોટા પ્રમાણમાં અને વધુ ઝડપથી મળે છે.

આ બધું જોતાં ગૂગલ ક્રોમ વિશે બે બાબત સ્પષ્ટ છે. જો તમારી પાસે સારી કેપેસીટીનું કમ્પ્યુટર હોય તો તમારી માટે ગૂગલ ક્રોમ કદાચ સૌથી સારો વિકલ્પ છે. પરંતુ કમ્પ્યુટર નબળું હોય તો પછી બીજા વિકલ્પ અપનાવવા જરૂરી બને છે.

ક્રોમ બ્રાઉઝર ડેસ્કટોપ ઉપરાંત, એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે ઉપલબ્ધ છે. https://www.google.com/chrome/

ફાયરફોક્સ : પ્રાઇવસી પર વધુ ભાર

ઇન્ટરનેટ એક્સપ્લોરર સામે, ઇન્ટરનેટ સર્ફિંગનો એક નવો જ અનુભવ આપનાર ફાયરફોક્સે હજી પણ તેની ઘણી વિશેષતાઓ જાળવી રાખી છે. ક્રોમનો તે બહુ મજબૂત વિકલ્પ છે.

ઇન્ટરનેટની દુનિયામાં એક સમય એવો હતો જ્યારે માઇક્રોસોફ્ટના વિન્ડોઝ એક્સપ્લોરર બ્રાઉઝરને જ ઇન્ટરનેટ માનવામાં આવતું હતું. એ સમયે આપણા સૌ માટે ઇન્ટરનેટનું સર્ફિંગ એ જ એક નવી વાત હતી. પરિણામે માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવતા આ બ્રાઉઝર સિવાય અન્ય કોઈ રીતે પણ ઇન્ટરનેટ સર્ફિંગ થઈ શકે એવો આપણને વિચાર સુદ્ધાં આવતો નહોતો.

એ પછી મોઝિલા ફાયરફોક્સ બ્રાઉઝર આવ્યું. તેમાં એક જ વિન્ડોમાં જુદી જુદી ટેબમાં અલગ અલગ વેબસાઇટ જોઈ શકાય એવી સુવિધા મળી. એ ઉપરાંત બ્રાઉઝરમાં અનેક નાની મોટી સુવિધાઓ ઉમેરવા માટે ‘એડ ઓન્સ’ની સુવિધા પણ મળી.

આ બંને વાત ઇન્ટરનેટ એક્સપ્લોરર કરતા ચઢિયાતી હોવાને કારણે મોઝિલા ફાયરફોક્સ બ્રાઉઝરને ઘણી ઝડપથી લોકપ્રિયતા મળી. જોકે એ પછી ગૂગલે ક્રોમ બ્રાઉઝર લોન્ચ કરતાં મોઝિલા ફાયરફોક્સ બ્રાઉઝરની રેસમાં ઘણું પાછળ રહી ગયું.

આમ છતાં અત્યારની વાત કરીએ તો મોઝિલા ફાયરફોક્સ ગૂગલ ક્રોમનો એક બહુ ચઢિયાતો વિકલ્પ છે. સેફ્ટીની દૃષ્ટિએ તેમાં સંખ્યાબંધ નવાં ફીચર્સ ઉમેરાયાં છે. આપણું ઇ-મેઇલ એડ્રેસ કોઈ સાઇટ પરની ડેટા ચોરીમાં સંકળાયેલું હોય તો ફાયરફોક્સ આપણને ચેતવે છે. ઇન્ટરનેટ પર સતત આપણું ટ્રેકિંગ થતું હોય છે તેને ઘણે અંશે ખાળવામાં પણ ફાયરફોક્સ ઉપયોગી છે.

ગયા વર્ષે ફાયરફોક્સમાં મોટે પાયે ફેરફારો થયા પછી ફરીથી, પ્રમાણમાં નબળાં સ્પેસિફિકેશનવાળા કમ્પ્યુટર પર પણ ફાયરફોક્સ બહુ સારું પર્ફોર્મન્સ આપે છે.

ફાયરફોક્સમાં પ્રાઇવસી અને પર્ફોર્મન્સ – બંનેનું સારું સંતુલન જળવાયું છે. તેમાં ડેસ્કટોપની જેમ, સ્માર્ટફોનના બ્રાઉઝરમાં પણ એડ-ઓન્સથી વધુ ફીચર્સ ઉમેરી શકાય છે.

જો તમે સંપૂર્ણપણે ગૂગલને સમર્પિત ન હો ફાયરફોક્સ તમારે માટે બ્રાઉઝરનો એક બહુ મજબૂત વિકલ્પ બની શકે છે.

ક્રોમનો ઉપયોગ બહુ વધ્યો હોવા છતાં, ખાસ કરીને ટેક ફિલ્ડ સાથે સંકળાયેલા લોકોમાં હજી પણ ફાયરફોક્સની લોકપ્રિયતા જળવાઈ રહી છે. ક્રોમની જેમ ફાયરફોક્સ પણ પાસવર્ડ મેનેજર તેમજ અલગ અલગ પ્રોફાઇલ ક્રિએટ કરવાની સગવડ આપે છે. પીસીમાં, ફાયરફોક્સમાં ‘પોકેટ’ જેવી સર્વિસ સાંકળી લેવામાં આવી હોવાથી, તમારે માટે કામનાં વેબપેજીસ સાચવી લેવાં સહેલાં બને છે.

સ્માર્ટફોનની વાત કરીએ તો તેમાં પણ ફાયરફોક્સ ઘણું સારું પરફોર્મન્સ આપે છે. જો તમે ફાયરફોક્સમાં એકાઉન્ટ ખોલાવી, પીસી અને સ્માર્ટફોન બંનેમાં લોગ-ઇન થાઓ તો તમારા ટેબ્સને બંને સાધનમાં સિન્ક્ડ રાખી શકો છો.

સ્માર્ટફોન માટે ફાયરફોક્સ ‘ફોકસ’ નામનું એક અલગ બ્રાઉઝર પણ આપે છે, જેમાં તમારા સર્ફિંગની કોઈ હિસ્ટ્રી જળવાતી નથી અને બ્રાઉઝર બંધ કરતાં, તમામ હિસ્ટ્રી, કૂકીઝ વગેરે પણ ડિલીટ થાય છે.

ફાયરફોક્સ બ્રાઉઝર ડેસ્કટોપ ઉપરાંત, એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે ઉપલબ્ધ છે. બંને સ્માર્ટફોન માટે તે ‘ફોકસ’ નામે પ્રાઇવસી ફોકસ્ડ અલગ બ્રાઉઝર પણ આપે છે. https://www.mozilla.org/

એજ : માઇક્રોસોફ્ટ ફરી રેસમાં!

એક સમયે ૯૫-૯૬ ટકા લોકો જેનો ઉપયોગ કરતા હતા, તે માઇક્રોસોફ્ટના બ્રાઉઝર્સનો ઉપયોગ હવે તદ્દન ઘટી ગયો છે, પરંતુ નવું એજ બ્રાઉઝર ફરી આશા જગાવે છે.

ઇન્ટરનેટનો વર્ષોથી ઉપયોગ કરનારા લોકો માઇક્રોસોફ્ટના ‘ઇન્ટરનેટ એક્સપ્લોરર’ બ્રાઉઝરનો ઉપયોગ કરીને જ મોટા થયા છે એમ કહી શકાય.એ સમયે એવી સ્થિતિ હતી કે આ બ્રાઉઝરમાં ઘણી બાબતો ખૂટતી હતી, પરંતુ તેનો કોઈ વિકલ્પ જ નહોતો. છેવટે માઇક્રોસોફ્ટની મોનોપોલી તૂટી અને મોઝિલા ફાયરફોક્સ અને ત્યાર પછી ક્રોમનો દબદબો જામ્યો.

હવે વાત ફરી બદલાઈ રહી છે. માઇક્રોસોફ્ટે ‘એજ’ નામે લગભગ નવેસરથી બ્રાઉઝર તૈયાર કર્યું છે. અલબત્ત, તેના હાર્દમાં ગૂગલના ક્રોમિયમનો ઓપન સોર્સ છે. આથી,  તે ક્રોમ બ્રાઉઝરનાં એક્સટેન્શન્સને સપોર્ટ પણ કરે છે.

અલબત્ત ગૂગલ અને માઇક્રોસોફ્ટ બંને કંપની યૂઝર્સને પોતપોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે એટલે એજમાં ક્રોમનાં એક્સટેન્શન ઇન્સ્ટોલ કરીએ, તો માઇક્રોસોફ્ટ કહે છે કે તેનાથી તમારા બ્રાઉઝરના પર્ફોર્મન્સ પર અસર થઈ શકે છે. સામે, ક્રોમ આપણને ‘વધુ સારા અનુભવ’ માટે ક્રોમનો જ ઉપયોગ કરવાની ભરામણ કરે છે!

અગાઉ, ખાસ ક્રોમને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલી વેબસાઇટ્સ માઇક્રોસોફ્ટના બ્રાઉઝરમાં બરાબર ન ચાલે એવું થતું હતું, પણ હવે એ સમસ્યા રહી નથી.

આ બ્રાઉઝર હવે ફાયરફોક્સ અને ક્રોમનો ખરેખર મજબૂત વિકલ્પ બની રહ્યું છે.

માઇક્રોસોફ્ટના અગાઉના બ્રાઉઝર કરતાં એજ ઘણું વધુ ફાસ્ટ છે. તેમાં પણ પાસવર્ડ મેનેજર, એડ બ્લોકર વગેરે એડ-ઓન્સનો ઉપયોગ થઈ શકે છે.

સામાન્ય રીતે બ્રાઉઝર્સમાં પ્રાઇવસીનાં સેટિંગ્સ મોટા ભાગના લોકોને ગૂંચવે તેવા હોય છે. પરંતુ માઇક્રોસોફ્ટ એજમાં આ પેજ ઘણી સારી સ્પષ્ટતા આપે છે. આપણે જે જે સાઇટની મુલાકાત કરીએ એ સાઇટને અનેક જાતની પરમિશન આપવામાં આવે છે.  એ બધી જ અહીં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ કમ્પ્યુટરનો ઉપયોગ કરતા લોકો બ્રાઉઝર માટે માઇક્રોસોફ્ટ સિવાયના વિકલ્પો શોધતા હતા. નવા એજ બ્રાઉઝરથી આ સ્થિતિ બદલાઈ રહી છે, ખાસ કરીને પીસી-લેપટોપ પર.

માઇક્રોસોફ્ટ એજ ઘણે અંશે ગૂગલ ક્રોમ જેવું જ લાગે છે. પરંતુ ઉપયોગની દૃષ્ટિએ તેમાં બહુ નોંધપાત્ર સુધારા આવ્યા છે. ખાસ કરીને બ્રાઉઝિંગ સમયે આ બ્રાઉઝર આપણાં કમ્પ્યુટરના રિસોર્સિસનો વધુ પડતો ઉપયોગ કરતું નથી.

પરિણામે પ્રમાણમાં નબળાં પ્રોસેસર અને અપૂરતી રેમવાળા કમ્પ્યુટર પર પણ એ ઘણું સારું પર્ફોર્મન્સ આપે છે.

જો તમે માઇક્રોસોફ્ટ એકાઉન્ટ ધરાવતા હો તો એજમાં સાઇન-ઇન થતાં, તમારો ડેટા તમારા માઇક્રોસોફ્ટ એકાઉન્ટમાં સ્ટોર થાય છે.

સફ્રિંગ સમયે બધી વેબસાઇટ્સ આપણું સતત ટ્રેકિંગ કરતી હોય છે. તેને રોકવાની દૃષ્ટિે પણ, ગૂગલ ક્રોમ કરતાં એજમાં વધુ સારી સગવડ છે.

જો પીસીમાં તમારું બધું કામકાજ માઇક્રોસોફ્ટની સર્વિસીઝ આધારિત હોય તો તમારે માટે એજ હવે બહુ સારો વિકલ્પ છે!

એજ બ્રાઉઝર ડેસ્કટોપ ઉપરાંત, એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે ઉપલબ્ધ છે. https://www.microsoft.com/edge

ઓપેરા : સિક્યોરિટી પર વધુ ફોકસ

ઓપેરા પહેલેથી નોખા ચીલે ચાલનારું બ્રાઉઝર રહ્યું છે. એડ બ્લોકર, વીપીએન વગેરેને કારણે તેમાં પ્રાઇવસી અને સિક્યોરિટી પર વધુ ભાર છે, સાથોસાથ કેટલાંક બિલકુલ અનોખાં ફીચર્સ પણ છે.

આ ખાસ નોંધવા જેવી વાત છે – ગૂગલ ક્રોમના વિકલ્પ જેવાં વિવિધ બ્રાઉઝર્સ આખરે તો ક્રોમના જ મૂળ કોડ પર આધારિત છે! માઇક્રોસોફ્ટના એજની જેમ ઓપેરા પણ ક્રોમિયમ આધારિત બ્રાઉઝર છે. આથી તે પણ ઘણું ફાસ્ટ છે અને ક્રોમના એડોન્સનો ઉપયોગ અહીં પણ થઈ શકે છે. અલબત્ત અન્ય બ્રાઉઝર્સની સરખામણીમાં ઓપેરા ઘણી રીતે જુદું પડે છે.

જેમ કે ઓપેરામાં વિવિધ એડ્સ બ્લોક કરવા માટે એડ બ્લોકરની સુવિધા પહેલેથી સામેલ છે. જોકે ઇન્ટરનેટની સમગ્ર વ્યવસ્થા જાહેરાત આધારિત હોવાને કારણે કેટલીક સાઇટ્સ ઓપેરા પર સારી રીતે ન દેખાય તેવું બની શકે છે. એ ઉપરાંત મોટા ભાગના વેબસાઇટ ડેવલપર્સ ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, એજ, એપલનું સફારી વગેરેમાં પોતાની સાઇટ્સ બરાબર દેખાય તે તરફ પૂરતું ધ્યાન આપે છે. પરંતુ ઓપેરા તરફ એટલું ધ્યાન આપવામાં આવતું નથી.

સુવિધાની રીતે જોઇએ તો ઓપેરામાં એડ બ્લોકરની જેમ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન) પણ બિલ્ટઇન છે. પરિણામે તમારા દેશમાં જેની એક્સેસ મંજૂર ન હોય એવી સાઇટ્સ પણ જોઈ શકો છો. ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરતા હો તો ઓપેરા ક્રિપ્ટો વોલેટની સગવડ આપે છે.

ઓપેરામાં ઇન બ્રાઉઝર મેસેજિંગ અને ફ્લો જેવી કેટલીક વિશેષ સુવિધા પણ છે. જેમ કે તમે સાઇટ્સ બ્રાઉઝ કરતી વખતે વિવિધ પ્રકારનું કન્ટેન્ટ ભવિષ્યમાં ફરી વાંચવા માટે, તેની લિંક્સ તમને પોતાને જ ઇમેલ કે મેસેજ કરવાની ટેવ હોય તો ઓપેરાની ફ્લો સર્વિસને કારણે તમે કન્ટેન્ટને સહેલાઇથી ફોનમાંથી પીસીમાંના ઓપેરા બ્રાઉઝરમાં મોકલી શકો છો.

એડ બ્લોકર, વીપીએન, સાઇડબારમાં મેસેજિંગ, પર્સનલ ન્યૂઝ વગેરેને કારણે ઓપેરા કંઇક અલગ પ્રકારના બ્રાઉઝરનો અનુભવ કરાવે છે. સ્માર્ટફોનમાં પણ તે ખાસ્સું લોકપ્રિય બ્રાઉઝર છે.

એ જ રીતે ઇન્ટરનેટ પર વિવિધ સાઇટ્સ પરથી કન્ટેન્ટની ફીડ મેળવીને એક જ સ્થળે વાંચવાની તમને ટેવ હોય તો ઓપેરા પર્સનલ ન્યૂઝ નામે આરએસએસ ફીડ રીડરની સગવડ આપે છે.

પીસીમાં, ઓપેરામાં સાઇડબારમાં ફેસબુક મેસેન્જર, વોટ્સએપ, ટેલિગ્રામ વગેરે મેસેજિંગ સર્વિસ અને ટ્વીટર ઇન્ટીગ્રેટ કરવામાં આવી છે.

માત્ર મોબાઇલ માટે ઓપેરા બ્રાઉઝરની વાત કરીએ તો તેમાં ઓપેરા ટર્બો નામની એક સગવડ છે, જે ઇન્ટરનેટ ડેટાને કમ્પ્રેસ કરતી હોવાથી પ્રમાણમાં નબળાં કનેકશન પર પણ ઓપેરા બ્રાઉઝરમાં સાઇટ ઝડપથી ખુલી શકે છે. ડેસ્કટોપ બ્રાઉઝરમાં આ સુવિધા નથી. હા, જો તમે લેપટોપમાં ઓપેરા બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો તેમાં બેટરી સેવિંગ મોડ મળે છે જેને કારણે ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે બેટરી પ્રમાણમાં ઓછી ખર્ચાય છે.

એકંદેર, બધાં બ્રાઉઝર્સમાં ઓપેરા કંઈક અલગ પ્રકારનું બ્રાઉઝર છે. કાં તો એ તમને બહુ ગમી જાય, અથવા બિલકુલ ન ગમે!

ઓપેરા બ્રાઉઝર ડેસ્કટોપ ઉપરાંત, એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે ઉપલબ્ધ છે. તે સ્માર્ટફોન માટે ઓપેરા મિનિ, ટચ જેવાં અલગ બ્રાઉઝર પણ આપે છે. https://www.opera.com/

એપિક : માત્ર બ્રાઉઝિંગ, જાસૂસી નહીં

ખાસ ભારતીયો માટેના બ્રાઉઝર તરીકે લોન્ચ થયેલા આ બ્રાઉઝરને હવે સંપૂર્ણપણે પ્રાઇવસી પર કેન્દ્રિત બ્રાઉઝર બનાવી દેવામાં આવ્યું છે.

ઇન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, ક્રોમ વગેરે બધા જાણીતા બ્રાઉઝર્સ દુનિયાભરના યૂઝર્સને ધ્યાનમાં રાખીને તૈયાર થયાં છે. ત્યારે એપિક બ્રાઉઝર ખરા અર્થમાં ભારતીય બ્રાઉઝર હતું. ‘હતું’ લખવાનું કારણ એ કે દસેક વર્ષ જૂના આ બ્રાઉઝરનું સ્વરૂપ બિલકુલ બદલાઈ ગયું છે.

એ સમયે આ બ્રાઉઝરમાં પહેલી વાર ખાસ ભારતીય યૂઝર્સને કામ લાગે તેવાં ફીચર્સ અને ભારતીય ભાષાઓમાં ટાઇપિંગની સગવડ  મળી હતી. એ કારણે તે ભારતીય યૂઝર્સમાં લોકપ્રિય પણ થવા માંડેલુ. પરંતુ પછી એ પ્રકારનું કસ્ટમાઇઝેશન બધા બ્રાઉઝરમાં મળવા લાગતાં એપિક બ્રાઉઝરની ખાસ કોઈ આગવી વિશેષતા રહી નહીં.

એપિક બ્રાઉઝર બેંગ્લોરની એક કંપનીએ વિકસાવેલું બ્રાઉઝર છે. ભારતીય બ્રાઉઝર તરીકેની ઓળખ ઉપયોગી ન રહેતાં આ બ્રાઉઝરે તેનો વ્યૂહ બદલ્યો અને સંપૂર્ણપણે પ્રાઇવસી જાળવવા પર ફોકસ્ડ બ્રાઉઝર તરીકે તેને રીલોન્ચ કરવામાં આવ્યું.

અત્યારે આપણે વિવિધ બ્રાઉઝ્સની વેબસાઇટ્સ જોઇએ તો તેમાં જે સોફેસ્ટિકેશન જોવા મળે એવું કશું જ એપિક બ્રાઉઝરની સાઇટમાં જોવા મળતું નથી. પરંતુ તેનું એક જ પાસું આપણું ધ્યાન ખેંચે છે અને તે છે આપણી પ્રાઇવસી પરનું પહેલું ફોકસ.

એપિક બ્રાઉઝરના દાવા મુજબ કોઈ પણ વ્યક્તિ સરેરાશ બ્રાઉઝિંગ કરતી હોય ત્યારે ૬૦૦થી વધુ અલગ અલગ રીતે તેને ટ્રેક કરવાના પ્રયાસ થતા હોય છે. એપિક બ્રાઉઝર એ બધા જ પ્રયાસ બ્લોક કરે છે.

આ બ્રાઉઝરમાં અલગ ઇનકોગ્નિટો મોડ નથી, કેમ કે તે મૂળ સ્વરૂપ જ એ પ્રકારનું છે!

એપિક બ્રાઉઝરમાં પ્રાઇવેટ બ્રાઉઝિંગ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે, પરિણામે તે પહેલેથી જ ઇનકોગ્નિટો મોડની જેમ જ કામ કરે છે. તે આપણી કોઈ હિસ્ટ્રી સેવ કરતું નથી અને ટ્રેકિંગ બ્લોક કરે છે.

ક્રોમ બ્રાઉઝરની જેમ એપિક પણ ક્રોમિયમ પ્લેટફોર્મ પર ડેવલપ થયેલું બ્રાઉઝર છે. એટલે ક્રોમના બધા જ ફાયદા તેનામાં છે. એપિકના દાવા મુજબ તે બધા વેબપેજિસમાં ટ્રેકિંગ સ્ક્રિપ્ટ્સ, એડ્સ બ્લોક કરતું હોવાથી અન્ય બ્રાઉઝરની સરખામણીમાં એપિકમાં વેબપેજ ૨૫ ટકા જેટલું વધુ ઝડપથી લોડ થઈ શકે છે.

એપિકના દાવા મુજબ અન્ય બ્રાઉઝર્સમાં આપણે ઇનકોગ્નિટો મોડમાં સર્ફિંગ કરીએ ત્યારે પણ આપણું ટ્રેકિંગ થતું હોય છે (હમણાં ગૂગલ સામે આ બાબતનો કેસ પણ થયો છે). ઇનકોગ્નિટો મોડમાં આપણે સર્ફિંગ કરીએ તો પણ આપણી બ્રાઉઝિંગ હિસ્ટ્રી કમ્પ્યુટરમાં સ્ટોર થતી હોય છે અને આપણા આઇએસટી, સરકાર અને અન્યો આપણું ટ્રેકિંગ કરી શકે છે જ્યારે એપિક આ બધા સામે રક્ષણ આપે છે.

જો ઇન્ટરનેટ પર તમારું કોઈ રીતે ટ્રેકિંગ ન થાય એવું તમે ઇચ્છતા હો તો એપિક કે ડકડકગો જેવાં બ્રાઉઝર તમારી પહેલી પસંદ બની શકે છે, અલબત્ત, આવાં બ્રાઉઝરમાં પછી ટ્રેકિંગના ફાયદા પણ મળતા નથી!

એપિક બ્રાઉઝર ડેસ્કટોપ ઉપરાંત, એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે ઉપલબ્ધ છે. https://epicbrowser.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!