કાર્ટૂન કે કોમિક સ્ટ્રીપમાં બે બાબત મુખ્ય ભૂમિકા ભજવે છે. એક છે, આઇડિયા. કંઈક એવો મજાનો વિચાર, જે આપણે કોઈને કહીએ તો એને પણ મજા પડે. બીજી બાબત છે એ આઇડિયાને ચિત્ર કે જુદાં જુદાં ચિત્રોમાં રજૂ કરવાની આવડત. આ બંને બાબતનો સરસ મેળ ન થાય ત્યાં સુધી કાર્ટૂન કે કોમિક સ્ટ્રીપમાં વાત જામે નહીં.
ઇન્ટરનેટ પર જે કોઈ સર્વિસીઝ છે તે આઇડિયા અને પેઇન્ટિંગમાંથી, પેઇન્ટિંગની બાબત ખાસ્સી સહેલી બનાવી દે છે. આઇડિયા વિના તો બધું નકામું છે, એટલે એ તો આપણે જ શોધવો રહ્યો, પણ પછી તેને ચિત્રોમાં ઢાળવામાં આ વેબસાઇટ્સ ઘણી મદદરૂપ થાય છે.
આવી વેબસાઇટ પર આપણને એક કોરો કેનવાસ મળે અને સાથોસાથ જુદાં જુદાં બેકગ્રાઉન્ડ, કેરેક્ટર્સ, વાતચીતના બબલ્સ વગેરે રેડીમેઇડ મળે છે. આપણને જે જોઈએ તે સિલેક્ટ કરતા જવાનું અને આપણા આઇડિયાને ચિત્રોનો આધાર આપતા જવાનું.
ઇન્ટરનેટ પર આપણે થોડાં ખાંખાંખોળાં કરીએ તો આપણા આઇડિયા મુજબ કોમિક સ્ટ્રીપ બનાવી આપવાની સગવડ આપતી, અલગ અલગ પ્રકારની સંખ્યાબંધ વેબસાઇટ્સ મળી આવશે.
આ પ્રક્રિયા ઊંધી પણ થઈ શકે. આવી સાઇટ્સ પર જવાનું, તેમાં રેડીમેઇડ બાબતો જોઈ-વિચારીને પછી તેમાંથી મનગતી કોમિક સ્ટ્રીપ સર્જવાની (અહીં આપેલાં બંને ઉદાહરણ આવી ઊંધી પ્રક્રિયાનું જ પરિણામ છે!). આ સાઇટ્સ વિદેશી હોવાથી, તેમાં પાત્રો, બેકગ્રાઉન્ડ વગેરે ભારતીય પ્રકારનું નહીં મળે, પણ ક્રિએટિવિટીને એવા સીમાડા ક્યાં નડે છે?
આપણે ત્યાં અખબારો અને અન્ય મીડિયામાં સારા ઇલસ્ટ્રેટર કે કાર્ટૂનિસ્ટની હંમેશા અછત હોય છે. જો નાનપણથી બીજાથી કંઈક ‘હટ કે’ વિચારવાની અને તેને નક્કર આકાર આપવાની આવડત કેળવાય, તો તેના આધારે સારી કારકિર્દી પણ ઘડાઈ શકે છે!
કોમિક સ્ટ્રીપ્સ બનાવવાની સગવડ આપતી ઘણી સાઇટ્સ છે, તેમાં www.writecomics.com સૌથી સરળ છે. અહીં કોઈ ખાતું ખોલાવવાનું નથી કે ફોર્મ ભરવાનું નથી. સાઇટ પર પહોંચો અને જોઈતાં બેકગ્રાઉન્ડ, પાત્રો વગેરેથી એક પછી એક સીન સર્જતા જાઓ!
તમારી કોમિક સ્ટ્રીપ અન્યો સાથે શેર પણ કરી શકાશે.
(‘સાયબરસફર’ના જાન્યુઆરી, ૨૦૧૭ અંકમાંથી ટૂંકાવીને. આખો લેખ વાંચો ‘સાયબરસફર’ની વેબસાઇટ પર)

