કાર્ટૂન કે કોમિક સ્ટ્રીપ બનાવવા બે બાબત જરૂરી છે – આઇડિયા અને પેઇન્ટિંગની આવડત. ઇન્ટરનેટ પરની સંખ્યાબંધ વેબસાઇટ્સ આ બંનેમાંથી બીજું કામ સહેલું બનાવી દે છે.
આ લેખ સાથેની કોમિક સ્ટ્રીપ્સ જોઈને તમને થયું હશે કે ‘સાયબરસફર’ની ટીમમાં કોઈ કાર્ટૂનિસ્ટનો પણ ઉમેરો થયો લાગે છે! વાસ્તવમાં એવું નથી. આ કોમિક તૈયાર કરવા માટે ફક્ત મગજ દોડાવવામાં આવ્યું છે, કોઈએ હાથમાં પેન કે પીંછી પકડ્યાં નથી!
સાથે એ પણ ખરું કે કોઈ બીજાની કોમિક સ્ટ્રીપની તફડંચી કરીને તેના પર ગુજરાતી લખાણ મૂકી દીધું એેવું પણ નથી! આ બંને કોમિક સ્ટ્રીપ નવેસરથી સર્જવામાં આવી છે.
આમ જુઓ તો કાર્ટૂન કે કોમિક સ્ટ્રીપમાં બે બાબત મુખ્ય ભૂમિકા ભજવે છે. એક છે, આઇડિયા. કંઈક એવો મજાનો વિચાર, જે આપણે કોઈને કહીએ તો એને પણ મજા પડે. બીજી બાબત છે એ આઇડિયાને ચિત્ર કે જુદાં જુદાં ચિત્રોમાં રજૂ કરવાની આવડત. આ બંને બાબતનો સરસ મેળ ન થાય ત્યાં સુધી કાર્ટૂન કે કોમિક સ્ટ્રીપમાં વાત જામે નહીં.
ઇન્ટરનેટ પર જે કોઈ સર્વિસીઝ છે તે આઇડિયા અને પેઇન્ટિંગમાંથી, પેઇન્ટિંગની બાબત ખાસ્સી સહેલી બનાવી દે છે. આઇડિયા વિના તો બધું નકામું છે, એટલે એ તો આપણે જ શોધવો રહ્યો, પણ પછી તેને ચિત્રોમાં ઢાળવામાં આ વેબસાઇટ્સ ઘણી મદદરૂપ થાય છે.
આવી વેબસાઇટ પર આપણને એક કોરો કેનવાસ મળે અને સાથોસાથ જુદાં જુદાં બેકગ્રાઉન્ડ, કેરેક્ટર્સ, વાતચીતના બબલ્સ વગેરે રેડીમેઇડ મળે છે. આપણને જે જોઈએ તે સિલેક્ટ કરતા જવાનું અને આપણા આઇડિયાને ચિત્રોનો આધાર આપતા જવાનું.
ઇન્ટરનેટ પર આપણે થોડાં ખાંખાંખોળાં કરીએ તો આપણા આઇડિયા મુજબ કોમિક સ્ટ્રીપ બનાવી આપવાની સગવડ આપતી, અલગ અલગ પ્રકારની સંખ્યાબંધ વેબસાઇટ્સ મળી આવશે.
આ પ્રક્રિયા ઊંધી પણ થઈ શકે. આવી સાઇટ્સ પર જવાનું, તેમાં રેડીમેઇડ બાબતો જોઈ-વિચારીને પછી તેમાંથી મનગતી કોમિક સ્ટ્રીપ સર્જવાની (અહીં આપેલાં બંને ઉદાહરણ આવી ઊંધી પ્રક્રિયાનું જ પરિણામ છે!).
આ સાઇટ્સ વિદેશી હોવાથી, તેમાં પાત્રો, બેકગ્રાઉન્ડ વગેરે ભારતીય પ્રકારનું નહીં મળે, પણ ક્રિએટિવિટીને એવા સીમાડા ક્યાં નડે છે?
આપણે ત્યાં અખબારો અને અન્ય મીડિયામાં સારા ઇલસ્ટ્રેટર કે કાર્ટૂનિસ્ટની હંમેશા અછત હોય છે. જો નાનપણથી બીજાથી કંઈક ‘હટ કે’ વિચારવાની અને તેને નક્કર આકાર આપવાની આવડત કેળવાય, તો તેના આધારે સારી કારકિર્દી પણ ઘડાઈ શકે છે!
તો જાણી લો, કોમિક સ્ટ્રીપ્સ બનાવવાની સગવડ આપતી કેટલીક સાઇટ્સ :
www.writecomics.com સૌથી સરળ વેબસાઇટ. અહીં કોઈ ખાતું ખોલાવવાનું નથી કે ફોર્મ ભરવાનું નથી. સાઇટ પર પહોંચો અને જોઈતાં બેકગ્રાઉન્ડ, પાત્રો વગેરેથી એક પછી એક સીન સર્જતા જાઓ.
બાજુના સ્ક્રીનશોટમાં બતાવ્યા મુજબ, સૌથી ઉપર એક ખાલી બોક્સ મળશે. નીચે કેરેક્ટર્સ, બેકગ્રાઉન્ડ અને ડાયલોગ બોક્સના જુદા જુદા વિકલ્પ મળશે. જે ગમે તેના પર ક્લિક કરતાં, તે ઉપરના ખાલી બોક્સમાં ઉમેરાઈ જશે.
ડાયલોગ બોક્સ ઉમેરશો ત્યારે શબ્દો સબમિટ કરવાનું બોક્સ મળશે. આ સાઇટમાં ફક્ત એક તકલીફ છે, કોઈ એક સીન સર્જીને, તેને નામ આપી બીજા સીન તરફ આગળ વધો ત્યાર પછી પહેલા સીનમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી.
બધું પાર પડ્યા પછી ‘ફિનિશ્ડ’ પર ક્લિક કરશો એટલે એક લિંક જોવા મળશે, જે આપણી કોમિક સ્ટ્રીપનું આગવું વેબપેજ હશે! ઉપરાંત મેઇન પેજ પર આપતાં ચિત્રો ઉમેરાઈ જશે. તેને રાઇટ ક્લિક કરીને જેપીઇજી ઇમેજ સ્વપે ડાઉનલોડ કરી શકો છો. પછી વોટ્સએપ, ફેસબુક વગેરે પર સૌ સાથે શેર કરો!
www.marvel.com/games/play/34/create_your_own_comic : માર્વેલના કેપ્ટન અમેરિકા, સ્પાઇડર મેન, હલ્ક વગેરે સુપર હીરોથી તમે પરિચિત હશો જ. જાણતી એનિમેશન કંપનીની એનિમેટેડ ફિલ્મ્સ અને કોમિક બુક્સ તો અત્યંત લોકપ્રિય છે, હવે આપણે પોતે આપણા ફેવરિટ સુપર હીરો કેરેક્ટર્સને લઈને, આપણી કલ્પના મુજબની કોમિક સ્ટ્રીપ કે આખી કોમિક બુક બનાવી શકીએ છીએ.
કન્સેપ્ટ એ જ છે – એક સ્ટોરી આઇડિયા શોધી કાઢો અને પછી તેને અનુપ બેકગ્રાઉન્ડ, કેરેક્ટર્સ, ડાયલોગ બોક્સ વગેરે તમારી મદદ માટે તૈયાર છે. આ સાઇટ પર, જો આપણા ક્રિએશનને સેવ કે પ્રિન્ટ કરવું હોય તો સાઇટ પર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે, જે ફ્રી છે.
આ ઉપરાંત તમે…
- બિટસ્ટ્રીપ્સ (www.bitstrips.com/)
- મેકબિલિફ્સકોમિક્સ (www.makebeliefscomix.com/Comix/)
- ટૂન્ડુ (www.toondoo.com/)
- કોમિક માસ્ટર (www.comicmaster.org.uk/)
- વીટ્ટીકોમિક્સ (www.wittycomics.com/) વગેરે સાઇટ પર જઈને પણ તમારી ક્રિએટિવિટીની ધાર ચકાસી શકો છો.
અલબત્ત, આમાંથી અમુક સાઇટમાં અમુક ભાગ પેઇડ હોય એવું બની શકે છે.

