(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સ્માર્ટ ટીવીઃ સ્માર્ટ કે જોખમી?

સ્માર્ટ ટીવી ખતરનાક બની શકે છે, આ રીતે…જેમ આપણે ત્યાં દિવાળીનો તહેવાર હવે ઓનલાઇન સ્ટોર્સમાં ડિસ્કાઉન્ટ્સનો તહેવાર બની ગયો છે, બરાબર એ જ રીતે અમેરિકામાં નવેમ્બરના ચોથા ગુરૂવારે ઉજવાતા થેંકસ ગીવિંગ ડે પછીનો દિવસ બ્લેક ફ્રાયડે તરીકે ઉજવાય છે. આ દિવસે અને ત્યાર પછી ક્રિસમસના દિવસોમાં આખા અમેરિકામાં ભારે ડિસ્કાઉન્ટ સાથેના શોપિંગની ધમાધમ મચી જાય છે.

જોકે આ વખતે અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ) એ ઘણા અમેરિકન્સનો શોપિંગનો મૂડ બગાડી નાખ્યો. બ્લેક ફ્રાયડે દરમિયાન કેટલાય અમેરિકન્સ સ્માર્ટ ટીવી ખરીદવાના ઉત્સાહમાં હતા બરાબર એ જ સમયે એફબીઆઈએ એક ચેતવણી જારી કરીને કહ્યું કે ઇન્ટરનેટ કનેકશન ધરાવતાં સ્માર્ટ ટીવી લોકોની પ્રાઇવસી માટે ખતરનાક સાબિત થઈ શકે છે!

અમેરિકામાં ૪૦ મિલિયનથી વધુ પરિવારો સ્માર્ટ ટીવી ધરાવે છે. કેટલાક અંદાજો મુજબ, હવે આખા વિશ્વમાં, ખાસ કરીને વિકસિત દેશોમાં જેટલાં ટીવી વેચાય છે તેમાંથી અડધોઅડધ સ્માર્ટ ટીવી હોય છે. આજે આપણી સવાર, બપોર, સાંજ અને રાત બધું ઇન્ટરનેટના સંગમાં સ્માર્ટફોનના સ્ક્રીન સામે વિતે છે ત્યારે સ્માર્ટ ટીવીને કારણે ઇન્ટરનેટ ટીવી સ્ક્રીન પર પણ પહોંચી ગયું છે.

સામાન્ય રીતે આપણે ગૂગલના ક્રોમકાસ્ટ, કે એમેઝોન ફાયરસ્ટિક કે રોકુ કે તેના જેવા અન્ય કોઈ પણ મીડિયા સ્ટ્રીમરનો ઉપયોગ કરીને, કોઈ પણ ટીવીને સ્માર્ટ ટીવી બનાવી શકીએ છીએ, પણ નવાં હાઇટેક સ્માર્ટ ટીવી આવાં સાધનોની મદદ વિના ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શકે છે અને નેટફ્લિક્સ, ગેમ્સ, યુટ્યૂબ અને સોશિયલ મીડિયા સાઇટ્સની મજા ટીવી પર માણી શકાય છે.

ભારતમાં પણ સ્માર્ટ ટીવીનું વેચાણ સતત વધતું જાય છે.

એ દરમિયાન, થોડા થોડા સમયે એવી ચણભણ ચાલતી રહે છે કે સ્માર્ટ ટીવી, તેના પર આપણા ઇન્ટરનેટના ઉપયોગનું ટ્રેકિંગ કરતાં હશે એટલે કે જેમ સ્માર્ટફોનમાં આપણી બધી ગતિવિધિઓની જાસૂસી થાય છે બરાબર એ જ રીતે સ્માર્ટ ટીવીમાં આપણે જે કંઈ જોઇએ તે બધાનું ટ્રેકિંગ થતું હશે.

હવે આ વાત પર એફબીઆઇએ પણ સત્તાવાર મહોર મારી દીધી છે. એફબીઆઈની ચેતવણી અનુસાર સ્માર્ટ ટીવીના મેન્યુફેકરર અને એપ ડેવલપર્સ સ્માર્ટ ટીવી સામેની આપણી વાતચીત સાંભળી શકે અને આપણી પ્રવૃત્તિઓ જોઈ શકે એવું જોખમ તો છે જ, એ ઉપરાંત સ્માર્ટ ટીવી હેકર્સને આપણા ઘરમાં ઘૂસવાનો રસ્તો પણ ખોલી આપે છે.

એફબીઆઈએ જણાવ્યા અનુસાર સ્માર્ટફોન અને કમ્પ્યુટર્સ સાયબરહુમલા સામે પ્રમાણમાં વધુ સુરક્ષિત હોય છે પરંતુ સ્માર્ટ ટીવીમાં જડબેસલાક સુરક્ષા હોતી નથી.

એફબીઆઈની ચેતવણીમાં લખવામાં આવ્યું છે કે સ્માર્ટ ટીવી એક ચોક્કસ રીતે સૌથી ખતરનાક બની શકે છે, જેમાં કોઈ ઘરના બેડરૂમમાંના ટીવીમાં રહેલો કેમેરા અને માઇક્રોફોન બંને ઓન હોય અને બહાર સ્માર્ટ ટીવી બધું જ રેકોર્ડ કરી રહ્યું હોય એવું બની શકે છે.

હમણાં અખબારોમાં આવેલા એક કિસ્સા અનુસાર સુરતના એક દંપતીને તેણે બેડરૂમમાં મૂકેલા સ્માર્ટ ટીવીમાં તેની જાણ બહાર થતા રેકોર્ડિંગનો કડવો અનુભવ થયો હતો. હા, સ્માર્ટ ટીવી આપણે ઘણું બતાવે છે, તેમ ઘણું જુએ પણ છે!


સ્માર્ટ ટીવી ઉપરાંત સ્માર્ટફોન અને લેપટોપમાંના કેમેરા તથા માઇક્રોફોન આપણી જાણ બહાર આપણું રેકોર્ડિંગ કરતા હોય તેવી શંકા અવારનવાર વ્યક્ત થાય છે અને હવે બહાર આવેલી વિગતો અનુસાર આ શંકાઓ સાચી પણ સાબિત થઈ રહી છે.

થોડાં સમય પહેલાં ફેસબુકની એપ અને ગૂગલ આસિસ્ટન્ટ જેવાં ટૂલ્સ આપણી જાણ બહાર આપણી વાતચીત રેકોર્ડ કરીને કંપનીના સર્વર્સ પર મોકલતાં હોવાનું બહાર આવ્યું હતું. આવું જ ગૂગલ, એમેઝોન વગેરેના સ્માર્ટ હોમ સ્પીકર્સના કિસ્સામાં પણ બને છે.

પ્રેક્ટિકલી જોઇએ તો આપણી આસપાસનાં આ બધાં સ્માર્ટ ડિવાઇસીસ આપણે જે કંઈ કરતા હોઇએ અને બોલતા હોઇએ તેનું સતત રેકોર્ડિંગ કરીને એ બધું જ કંપનીના સર્વર્સમાં અપલોડ કરતાં હોય એવું શક્ય નથી, પરંતુ ટેકનિકલી એ અશક્ય પણ નથી.

આવી જાસૂસી કે આપણી અંગત જિંદગીમાં નવી ટેકનોલોજીથી થતી ઘૂસણખોરી ટાળવાનો સૌથી અસરકારક ઉપાય સ્માર્ટ ડિવાઇસીસને આંધળાં અને બહેરાં કરવાનો છે. લેપટોપના કિસ્સામાં તેના સ્ક્રીન પરના કેમેરાને કાળી પટ્ટીથી બ્લોક કરવાનું ચલણ હવે વધતું જાય છે, જે વિના કારણ નથી.

એ જ રીતે સ્માર્ટફોનમાં આપણે વિવિધ એપ્સને આપેલી મંજૂરીઓ તપાસીને, જે જે એપ્સને ફોનના માઇક્રોફોન અને કેમેરા એક્સેસ કરવાની મંજૂરી આપી હોય તે નવેસરથી તપાસીને આ મંજૂરીઓ બંધી કરી શકાય અથવા અે એપ્સ અનઇન્સ્ટોલ કરી શકાય.

સ્માર્ટફોન પણ આપણા બેડરૂમ અને પલંગ સુધી પહોંચી ગયા છે. પરંતુ મોટેભાગે તેના કેમેરાના એંગલ સ્માર્ટ ટીવીમાંના કેમેરાના એંગલ જેટલા જોખમી હોતા નથી. અલબત્ત, મોટા ભાગનાં સ્માર્ટ ટીવીમાં કેમેરા સ્પષ્ટ દેખાય તેવા હોય છે. આથી આ કેમેરાનો તમે ઉપયોગ ન કરતા હો તો તેને કાળી પટ્ટીથી બ્લોક કરી દેવામાં કશું ખોટું નથી.

એ સિવાય, તમારા સ્માર્ટ ટીવીના યૂઝર મેન્યુઅલને બરાબર વાંચીને, તેમાંનાં પ્રાઇવસી સંબંધિત સેટિંગ્સ પૂરેપૂરાં સમજી લેવાં જરૂરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!