છેલ્લા અનેક દાયકામાં આપણે ઘણું બધું નવું જોયું અને જાણ્યું – એ બધાને પ્રતાપે આવતા એક દાયકામાં દુનિયા હજી વધુ ઝડપથી બદલાશે. આવો મેળવીએ એક ઝલક.
ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટર વિઝન, બ્લોકચેઇન, ફાઇવજી ડેટા નેટવર્ક… આ બધા શબ્દો કદાચ એક દાયકા પહેલાં આપણે સાંભળ્યા પણ નહોતા. ફક્ત એક દાયકામાં આ બધી નવી ટેક્નોલોજી આપણા જીવનનો એક અંતરંગ હિસ્સો બનવા લાગી છે. કમ્પ્યુટર ભલે આપણા દૈનિક જીવનમાં હવે ભૂલાવા લાગ્યાં છે, તેનું સ્થાન સ્માર્ટફોને લઈ લીધું છે, પણ ઇન્ટરનેટની સૌના જીવન પર બહુ ઘેરી અસર થવા લાગી છે.
ઇન્ટરનેટ હજી હમણાં સુધી કમ્પ્યુટર અને સ્માર્ટફોનના સ્ક્રીનના સ્ક્રીન સુધી સીમિત હતું, હવે એ અફાટ વિસ્તરી રહ્યું છે અને જુદી જુદી ચીજવસ્તુઓ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થવા લાગી છે. આ કારણે આપણા રોજિંદા કામકાજ અને જીવનશૈલીથી લઈને મોટા મોટા બિઝનેસ અને કોર્પોરેશન્સની કાર્યપદ્ધતિઓમાં બહુ મોટા ફેરફારો આવી રહ્યા છે.
ટેક્નોલોજી જગતમાં હમણાં ‘ડાર્ક’ DARQ શબ્દ પણ ચર્ચામાં છે. આ શબ્દ બન્યો છે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી (જેમ કે બ્લોકચેઇન), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એક્સ્ટેન્ડેડ, વર્ચ્યુઅલ, મિક્સ્ડ વગેરે રિયાલિટી અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગથી. આવનારા સમયમાં મોટા ભાગના બિઝનેસ આ ‘ડાર્ક’ ટેક્નોલોજીનો અલગ અલગ અને એથી પણ વિશેષ, એકમેકના સાથમાં ઉપયોગ કરતા થઈ જશે.
જેમ કે અત્યારથી જ મોટી મોટી કાર કંપની ટ્રાફિક ફ્લો અને ડ્રાઇવિંગ પેટર્ન સમજીને કારની ટેક્નોલોજીમાં ફેરફાર કરવા, ગેસ સ્ટેશન પર ઓટોમેટિક પેમેેન્ટ સિસ્ટમ વિક્સાવવી, કારને હેકર્સથી બચાવવી, કાર રીપેરિંગ માટે વર્કર્સને ટ્રેઇન કરવા વગેરે બધા માટે ડાર્ક ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગી છે. વિવિધ બિઝનેસ આ રીતે પોતાના કામકાજમાં ડાર્કનો ઉપયોગ વધારશે એ નક્કી છે.

બીજી રીતે જોઇ તો એઆઇ, આઇઓટી, ડેટા સાયન્સ, ફાઇવજી, ઓટોનોમસ ડ્રાઇવિંગ વગેરે વિશે આપણે ઘણું સાંભળીએ છીએ અને આવનારા દાયકામાં ફાઇવજી, આઇઓટી અને એઆઇના ત્રિવેણી સંગમથી જ જબરજસ્ત પરિવર્તનો આવવાનાં છે, પણ એ સિવાય પણ ટેક્નોલોજીના ઘણા ટ્રેન્ડ એવા છે, જેના તરફ આપણે નજર નાખવી જરૂરી છે. આવો જાણીએ, ૨૦૨૦ના દાયકામાં, આપણી દુનિયા બદલનારા આવા ૨૦ નવા ટેક્નોલોજી ટ્રેન્ડ્સ વિશે…
ડિજિટલ ટવીનિંગ
અત્યારે જ જાણે અજાણ્યે, આપણી વાસ્તવિક જિંદગીને સમાંતર આપણી પોતાની એક ડિજિટલ લાઇફ પણ આકાર લઈ રહી છે. આવતા દાયકામાં વિવિધ સેન્સર્સ, વેરેબલ્સ, સ્માર્ટફોન્સને કારણે આપણા દરેક વિશે જબરો બિગ ડેટા ઊભો થતો જશે અને તેને કારણે આપણા એક ડિજિટલ ટ્વીન એટલે કે જોડિયા ડિજિટલ ભાઈ કે બહેન જેવું કંઈક આકાર લેશે! આને ડિજિટલ ક્લોનિંગ પણ કહી શકાય.
ખાસ કરીને હેલ્થકેર સેકટરમાં તેનો બહોળો ઉપયોગ થઈ શકશે. તેના ફાયદાનું એક ઉદાહરણ – અમુક ચોક્કસ પ્રકારનો આહાર કે દવા આપણને માફક આવશે કે નહીં તેની આપણે પોતાને બદલે પોતાના ડિજિટલ ટ્વીન પર અજમાયશ કરી શકીશું! જીવતા જાગતા માણસ ઉપરાંત ઇન્ટરનેટ ઓફ થિંગ્સને કારણે વિવિધ ચીજવસ્તુના પણ ડિજિટલ ટ્વીન તૈયાર કરી શકાશે.
ડિજિટલ ઇન્ટરએકશન
આપણે ખરીદેલી કોઈ પણ સર્વિસ કે પ્રોડક્ટ વિશે આપણે સપોર્ટ જોઇતો હોય ત્યારે આપણે તેના સપોર્ટ સેન્ટરમાં કોલ કરીએ છીએ. અહીં પહેલું જોખમ એ છે કે આપણે સપોર્ટ સેન્ટરનો ફોન નંબર ગૂગલ પર સર્ચ કરીએ અને કોઈ બનાવટી કોલ સેન્ટરમાં પહોંચીને ત્યાં આપણી વિગતો આપી દઇએ. આવનારા સમયમાં આ જોખમ ઘટશે કેમ કે આપણા વિવિધ સર્વિસ કે પ્રોડક્ટ સાથેના ઇન્ટરએકશન વધુ ને વધુ ડિજિટલ બનતા જશે. જે તે સર્વિસના ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટર પાસે આપણા સંબંધિત ઘણી વધુ માહિતી હશે.
તેમજ તેના એનાલિસિસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધતો જશે તેથી સૌથી પહેલાં તો આપણે યોગ્ય – સાચા સપોર્ટ સેન્ટર સાથે કનેક્ટ થયા છીએ કે નહીં તે તપાસી શકાશે અને પછી આપણને વધુમાં વધુ ઉપયોગી થાય એવી અને વધુમાં વધુ વિશ્વસનીય માહિતી મેળવી શકાશે. આપણી વાતચીતમાં શબ્દો અને વાતચીતના ટોનના એનાલિસિસથી, સિસ્ટમ કોલ સેન્ટરના કર્મચારી સૂચન કરશે કે હવે તેણે આપણો પ્રશ્ર્ન ઉકેલવા માટે તેના સિનિયર ઓફિસરની મદદ લેવી જરૂરી છે.
ફિજિટલ સ્પેસ
ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, મિક્સ રિયાલિટી અને હ્યુમન રિયાલિટી વગેરેના અજબ ગજબ મિશ્રણને કારણે વાસ્તવિક અને વર્ચ્યુઅલ કે ફિઝિકલ અને ડિજિટલ બાબતોની ભેળસેળ થશે અને ‘ફિજિટલ’ પ્રકારની સ્પેસ વિકસશે. તેના પ્રારંભિક તબક્કામાં આપણે પોતાના ઘરના સોફામાં બેઠા બેઠા ભરચક ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોઈ રહ્યા હોઈએ એવો અનુભવ મેળવી શકીશું.
એથી આગળ વધતાં હિમાલય સર કરી રહેલા કોઈ પર્વતારોહકને હાર્ડ થિજાવતી ઠંડીમાં કેવો અનુભવ થઈ રહ્યો છે એનો તાદૃશ્ય અનુભવ પણ આપણે કરી શકીશું – ઘેર બેઠાં. મેડિકલ સેકટરમાં, વિદ્યાર્થીઓ દેહદાનથી મળેલા મૃતદેહોની ચીરફાડ કરવાને બદલે એઆર અને વીઆરની મદદથી જટિલ ઓપરેશન્સ કરવાનો જાત અનુભવ મેળવી શકશે. ફિજિટલ સ્પેસની સંભાવનાઓ અપાર છે!
મલ્ટિ એક્સપિરિયન્સ
વાસ્તવિક વિશ્વ અને વર્ચ્યુઅલ વર્લ્ડને એકબીજાની તદ્દન નજીક લઈ આવતો કન્સેપ્ટ. સાદું ઉદાહરણ લઇએ તો અત્યારે આપણે પોતાના સ્માર્ટફોનમાં ફૂડ ડિલિવરી એપ પર પિઝાનો ઓર્ડર આપી શકીએ છીએ અને પછી આપણો ઓર્ડર રેસ્ટોરન્ટ સુધી પહોંચ્યો કે નહીં, ત્યાંથી ડિલિવરી પર્સને ડિલિવરી લીધી કે નહીં અને ત્યાર પછી તે કેટલે પહોંચ્યો એ બધું આપણે એપ અને મેપ પર ટ્રેક કરી શકીએ છીએ.
આગળ જતાં આમાં ઓટોનોમસ વ્હિક્લ્સથી ડિલિવરી ઉમેરાશે. માણસ અને મશીન વચ્ચે ઘણી રીતે ઇન્ટરએકશન થશે અને સેન્સિંગ ટેકનોલોજી ઉમેરાશે. પરિણામે આપણે પોતાના પિઝાને એપ પર જ ઘણી રીતે ક્સ્ટમાઇઝ કરી શકીશું અને પોતાનો પિઝા કિચનના ટેબલ પરથી ઓવનમાં જાય અને ત્યાંથી ડિલિવરીમાં બોક્સમાં પેક થાય ત્યાં સુધીની સફર જોઈ શકીશું. મલ્ટિ એક્સપિરિયન્સનો હેલ્થ સેકટર અને મેન્યુફેકચરિંગમાં ઘણો બહોળો ઉપયોગ થશે.
સ્માર્ટ બિલ્ડિંગ્સ
જેમ જેમ આખી દુનિયા સ્માર્ટ બનતી જાય છે તેમ તેમ સ્માર્ટ સિટીઝ શબ્દ વધુ ગાજવા લાગ્યો છે. એ જ કન્સેપ્ટને આગળ વધારતાં, આવનારા સમયમાં સ્માર્ટ બિલ્ડિંગ્સ વધુ ચર્ચામાં રહેશે. આની શરૂઆત અત્યારથી જ થઇ ગઈ છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સને કારણે બિલ્ડિંગના અમુક ચોક્કસ ભાગમાં જે તે ક્ષણે હાજર લોકોની સંખ્યા મુજબ એ ભાગમાં રૂમ ટેમ્પરેચરની વધઘટ કરીને કે કોઈ લોકો ન હોય એ ભાગમાંની લાઇટ્સ બંધ કરીને ઊર્જાની બચત કરવાની શરૂઆત તો થઈ જ ગઈ છે.
આગળના સમયમાં સ્માર્ટ બિલ્ડિંગમાં જે તે વ્યક્તિ, એ ઓફિસમાં તેની ભૂમિકા માટે તેને જોઇતાં ટેકનોલોજીકલ સાધનો વગેરે બધાનો તાલમેલ બેસાડી શકાશે. આનું કંઇક ઉદાહરણ એવું ગણી શકાય કે આપણે કોઈ પ્રશ્ન લઇને કોઈ ઓફિસમાં દાખલ થઇએ તો કોને મળવાનું છે એ કોઈને પૂછવું નહીં પડે, સ્માર્ટ બિલ્ડિંગ પોતે આપણને બિલ્ડિંગમાં ક્યા ભાગમાં કઈ વ્યક્તિને મળવાથી આપણું કામ પતી જશે એ સૂચવશે!
હાયપર ઓટોમેશન
અગાઉ કે અત્યાર સુધી જે કામ કરવા માટે માણસે પોતાની બુદ્ધિ વાપરવી પડતી અને પોતાના જ હાથ પગ ચલાવવા પડતા, એ કામ મશીન પાસે કરાવતી ટેકનોલોજી એટલે ઓટોમેશન. દુનિયા ઓટોમેશનની દિશામાં ઘણી આગળ વધી ગઈ છે અને આવનારા સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગને કારણે હાયપર ઓટોમેશનનો યુગ શરૂ થઈ જશે.
જુદી જુદી, ખાસ કરીને અત્યંત જટિલ કે માણસે પોતે કરવી જોખમી હોય એવી પ્રક્રિયાઓ ઓટોમેટિક તો થશે જ તેની સાથોસાથ તેની જરૂરિયાત પારખવી, તેનું વિશ્લેષણ કરવું, તે કેવી રીતે પાર પાડવી તેનું આયોજન કરવું, તેને વિશેનાં પગલાં માપવાં, તેની દેખરેખ રાખવી, પરિણામો ચકાસવાં વગેરે બધી બાબતો પણ ઓટોમેટિક થવા લાગશે.
હાયપર ઓટોમેશન અને આગળ આપણે જેની વાત કરી તે ડિજિટલ ટ્વીન મુદ્દાને નજીકનો સંબંધ છે. વ્યક્તિ ઉપરાંત આખેઆખા ઓર્ગેનાઇઝેશનના પણ ડિજિટલ ટ્વીન તૈયાર થઈ શકશે અને તેને કારણે જે તે કંપની કે ફેકટરીના વિવિધ કામકાજ વાસ્તવિક રીતે કરવાને બદલે પહેલાં તેના ડિજિટલ ટ્વીન પર અજમાયશ કરીને પછી તેના હાયપર ઓટોમેશનની રૂપરેખા તૈયાર કરીને પછી તેને એકશનમાં મૂકી શકાશે.
ઓટોનોમસ થિંગ્સ
હાયપર ઓટોમેશનનો કન્સેપ્ટ આગળ વધારશે ઓટોનોમસ થિંગ્સ. અત્યાર સુધી આપણે ઓટોનોમસ એટલે કે ડ્રાઇવરલેસ વ્હિકલ્સ વિશે ઘણું સાંભળ્યું છે, પણ રોબોથી લઈને વિવિધ પ્રકારના ડ્રોન અને સૈનિકને રીપ્લેસ કરી શકે તેવા વોર વેપન્સથી માંડીને મહાકાય શિપ્સ સુધીનું બધું જ ધીમે ધીમે સ્વચાલિત એટલે કે ઓટોનોમસ બની રહ્યું છે.
આ બધાને પાવરફૂલ બનાવે છે આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ.
અત્યાર સુધી, ઊંડી ખાણ કે વિશાળ ગોડાઉન જેવી જગ્યાઓમાં, કંટ્રોલ્ડ એન્વાયર્નમેન્ટમાં ઓટોનોમસ થિંગ્સનો ઉપયોગ વધી રહ્યો છે, પણ તે આવનારા સમયમાં વિસ્તરીને આપણા રોજબરોજનાં જીવનજરૂરી સાધનો સુધી પણ પહોંચી જશે.
ડેટા વોલેટ્સ
અત્યારે ડિજિટલ દુનિયામાં એક્ટિવ લગભગ દરેક કંપની આપણો ડેટા મેળવીને વધુમાં વધુ લાભ મેળવી લેવાની વેતરણમાં છે. તેનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં ભારતમાં પહેલી વાર આપણા ડેટાને આપણે ઇચ્છીએ તે રીતે સલામત રીતે શેર કરીને આપણા પોતાના લાભમાં ઉપયોગ કરી શકીએ એવી બિલકુલ નવીન ‘સહમતી’ નામની વ્યવસ્થા વિચારવામાં આવી રહી છે. (વધુ માહિતી માટે જુઓ સપ્ટેમ્બર ૨૦૧૯ અંક).
યુરોપિયન યુનિયન અને અન્ય દેશોમાં પણ સૌનો પર્સનલ ડેટા પર વધુ ને વધુ અંકુશ રહે એ માટે ડેટા વોલેટ્સના કન્સેપ્ટને આગળ વધારવામાં આવી રહ્યો છે. ભારતમાં વિચારવામાં આવી રહેલી સ્થિતિ અનુસાર, આપણે આપણા બેન્ક ખાતાની વિગતો લોન આપનારી કંપની સાથે લાઇવ શેર કરીને આપણી જરૂરિયાત મુજબ પૂરતી લોન મેળવી શકીશું. જ્યારે વિશ્વના અન્ય દેશોમાં વિકસી રહેલા કન્સેપ્ટ મુજબ વ્યક્તિ પોતાના ડેટાને ‘ડેટા વોલેટ્સ’માં સાચવી શકશે અને એ ડેટા સામે કંઈ જોખમ ઊભું થશે તો વોલેટ આપોઆપ લોક થશે!
ટ્રાન્સપરન્સી
આપણા જીવનમાં ટેકનોલોજીનો જેમ જેમ વધુને વધુ પગપેસારો થતો જાય છે તેમ તેમ વિશ્વાસનું પ્રમાણ ઘટતું જાય છે.
વોટ્સએપમાંનું બધું લખાણ કે ઇમેજ તો સાચાં હશે કે નહીં એવી શંકા રહે જ છે, વીડિયોમાં પણ હવે બહુ મોટા પાયે ઘાલમેલ શક્ય બની છે. પરિણામે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એકબીજાની વિરુદ્ધ બેફામ બોલતા હોય એવા હાલની સ્થિતિમાં અશક્ય છતાં તદ્દન વાસ્તવિક લાગે તેવા વીડિયો બનાવવા પણ શક્ય બન્યા છે.
આ સ્થિતિમાં શેર થતો કે ઉપયોગમાં લેવાતો કોઈ પણ ડેટા કેટલો સાચો છે એ તપાસવાનો મુદ્દો મહત્ત્વનો બનશે. યુરોપિયન યુનિયન જનરલ ડેટા પ્રોટેકશન રેગ્લુયેશનના નિયમથી ડેટાને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરે છે. ભારત સરકાર પણ દેશનો ડેટા દેશમાં રાખવાનો પ્રયાસ કરે છે. આવનારા સમયમાં આ પ્રકારના પ્રયાસો વધશે.
હ્યુમન ઓગ્મેન્ટેશન
માણસ અને ટેકનોલોજીના સંબંધને વધુ ગાઢ બનાવતો કન્સેપ્ટ. એક વ્યક્તિ તરીકે આપણી જે કંઈ ખામી કે શક્તિ હોય તેમાં પૂરક બનીને આપણી ક્ષમતા વિસ્તારી શકે એ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરતા આ કન્સેપ્ટમાં ટેકનોલોજીના ઉપયોગ કરતા સાધનને આપણા શરીર પર કે શરીરની અંદર જ હોસ્ટ કે ઇમ્પ્લાન્ટ કરવાની વાત છે. જેમ કે અત્યારે ટ્રાન્સપોર્ટ અને માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ડ્રાઇવર્સ અને ખાણ કામદારોની સલામતી વધારવા માટે વેરેબલ ડિવાઇસીસનો ઉપયોગ થવા લાગ્યો છે.
આ કન્સેપ્ટનો સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉપયોગ ઘણો વિસ્તરશે. વ્યક્તિની જોવા સાંભળવા કે સમજવાની શક્તિ ઓછી હોય તો તેને વધારવા માટે સેન્સરી ઓગ્મેન્ટેશન, હાથ પગમાં બિલકુલ નિષ્ક્રિયતા કે અંગનો સદંતર અભાવ હોય તો તેના ઉપાય માટે બાયોલોજિકલ ફંકશન ઓગ્મેન્ટેશન (એટલે કે કૃત્રિમ પણ સખત સ્માર્ટ સાધનો), વાઈ-ખેંચ જેવી તકલીફોના ઉપાય માટે બ્રેઇન ઓગ્મેન્ટેશન તથા વ્યક્તિના જીન અને કોષોમાં રહેલી ઊણપો સુધારવા માટે જિનેટિક ઓગ્મેન્ટેશન જેવી ટેકનોલોજીનો ઉપયોગ વધતો જશે.
ટ્રેસેબિલિટી
ભારત જેવા દેશમાં વોટ્સએપ પર ફેક ન્યૂઝની અસરથી, ‘બાળકોની ચોરી કરતી ગેંગ’નો સભ્ય માનીને ટોળાં કોઈની હત્યા કરવા સુધી પહોંચી શકે છે. કોઈ રાજકીય વિવાદની ચિનગારીને સોશિયલ મીડિયાની મદદથી બહુ સહેલાઈથી મોટા ભડકામાં ફેરવી શકાય છે. આ બધા કારણે આવનારા સમયમાં સોશિયલ મીડિયા પર કે ઇન્ટરનેટ પર ક્યાંય પણ શેર થતા ડેટાના મૂળ સુધી પહોંચવાનું બહુ મહત્ત્વનું બનશે.
ભારત સરકાર અત્યારે આ મુદ્દે વોટ્સએપ જેવી સર્વિસ સામે શીંગડાં ભરાવી રહી છે. ડેટાના મૂળ સુધી પહોંચવાની કવાયત એટલે કે ટ્રેસેબિલિટી આવનારા સમયમાં પ્રાઇવસી જેટલો જ ચર્ચાતો મુદ્દો બનશે.
પ્રેક્ટિકલ બ્લોકચેઇન
બ્લોકચેઇન ટેક્નોલોજી વિશે આપણે ઘણું સાંભળીએ છીએ અને જેટલું વધુ સાંભળીએ છીએ એટલા વધુ ગૂંચવાઈએ છીએ. વાસ્તવમાં, સાદી રીતે વિચારીએ તો બ્લોકચેઇન ટેક્નોલોજીમાં પારદર્શક કાચના જુદા જુદા લેયર પર ડેટા લખવા જેવી વાત છે. બધો ડેટા એક સાથે સૌ કોઈ જોઈ શકે, પણ એમાં પોતાની રીતે ફેરફાર કરી શકે નહીં. પરિણામે ડેટા કોઈ એક જ જગ્યાએ કેન્દ્રિત રહેવાને બદલે બિલકુલ વિકેન્દ્રિત રહે, સૌની તેના પર નજર રહેવાથી સૌનો તેના પર અંકુશ રહે અને ડેટા સલામત પણ રહે!
ટેક્નોલોજીની ભાષામાં આ આખી વાતને ડિસ્ટ્રિબ્યુટેડ લેજર કહે છે, જે ડિજિટલ કરન્સી ઉપરાંત પરંપરાગત બેન્કિંગમાં પણ ઉપયોગમાં લેવાવા લાગી છે. આવનારા સમયમાં, આ જ ટેક્નોલોજીના ઉપયોગથી, કોઈ ચોક્કસ પ્રકારના ખાદ્યપદાર્થથી મોટો રોગચાળો ફેલાય તો તેનો મૂળ સપ્લાયર કોણ હતો, એ પણ જાણી શકાશે. અત્યારે આ ટેક્નોલોજી હજી પ્રારંભિક તબક્કામાં છે, પણ ૨૦૨૩ સુધીમાં તેનો દુનિયાના પ્રેક્ટિકલી દરેક ક્ષેત્રમાં વ્યાપક ઉપયોગ શરૂ થઈ જવાની સંભાવના છે.
ડેટા ડેમોક્રેટાઇઝેશન
ડેટા ડેમોક્રેટાઇઝેશન એટલે ડેટાની લોકશાહી! માહિતીનો અધિકાર! સદીઓ અગાઉ, દુનિયામાં જે કંઈ જ્ઞાન હતું તે માત્ર લોકોના મગજમાં હતું અને માત્ર મૌખિક રીતે તે વિસ્તરતું હતું. પછી છાપકામની શોધ થઈ, પુસ્તકો આવ્યાં અને જ્ઞાન વધુ ને વધુ લોકો સુધી પહોંચવા લાગ્યું. આમાંનું કેટલુંક જ્ઞાન પ્રિન્ટેડ એન્સાયક્લોપીડિયામાં સચવાયું તો ત્યાંથી આગળ વધીને વિકિપીડિયા સ્વરૂપે, જ્ઞાનની સાચી લોકશાહી આવી!
એ જ રીતે, ગૂગલ જેવા સર્ચ એન્જિનને પ્રતાપે ઇન્ટરનેટ પર વિખરાયેલી પડેલી અપાર માહિતીમાંથી જોઈતી માહિતી મેળવવી તદ્દન સરળ બની. છેલ્લા થોડા સમયથી ડેટા ડેમોક્રેટાઇઝેશનનો કન્સેપ્ટ વધુ વિસ્તરી રહ્યો છે. વિવિધ ઓર્ગેનાઇઝેશન્સ, તે જે કોઈ ડેટા એકઠો કરે છે, તે ડેટા તથા તેમાંથી મળતી ઇન્સાઇટ્સનો, ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલા સૌ કોઈ સહેલાઈથી ઉપયોગ કરી શકે એ મુદ્દા પર ભાર આપવા લાગ્યાં છે. વિવિધ દેશ અને રાજ્યોની સરકારો આ મુદ્દાને ડિજિટલ ગવર્નન્સથી આગળ વધારે છે. આવનારા સમયમાં, આ એક્સેસ હજી વધુ વિસ્તૃત થશે.
એજ કમ્પ્યુટિંગ
ઇન્ટરનેટ ઓફ થિંગ્સને કારણે આખી દુનિયામાં ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ વિવિધ સાધનો અને સેન્સર્સનું એક વિરાટ જાળું આકાર લઈ રહ્યું છે. આ સેન્સર્સથી ઊભો થતો ડેટા અને તેનો ઉપયોગ કરતા સાધનો વચ્ચે ડેટાની આપ-લે કરવામાં ઓછામાં ઓછો સમય જાય એ બહુ મહત્ત્વનું બનશે.
અત્યારે આપણે ઇંગ્લેન્ડમાં રમાતી ક્રિકેટ મેચ પોતાના ઘરમાં ટીવી પર જોઈ રહ્યા હોઇએ ત્યારે વાસ્તવિકતા અને ટીવી પરના દૃશ્યો વચ્ચે થોડી સેકન્ડનો ફેર હોય તો તેનાથી કંઈ મોટો ફેર પડતો નથી. પરંતુ ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં ક્ષણે ક્ષણ બહુ મહત્ત્વની પૂરવાર થશે એ કારણે આઇઓટીમાં ડેટા કલેકશન, ઇન્ફર્મેશન પ્રોસેસિંગ અને સોલ્યુશન ડિલિવરી એ ત્રણેય વચ્ચેનું અંતર શક્ય એટલું ઘટાડવા માટે એજ કમ્પ્યુટિંગનો ઉપયોગ વધશે. વર્ષ ૨૦૨૩ સુધીમાં હાલના ઇન્ફર્મેશન નેટવર્ક કરતાં લગભગ ૨૦ ગણા વધુ સ્માર્ટ ડિવાઈસીસ કાર્યરત થઈ જશે એવી સંભાવના છે.
કમ્પ્યુુટર વિઝન
આ શબ્દ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આપણે પોતાના ફોટોગ્રાફ્સ ગૂગલ ફોટોઝ જેવી એપમાં સ્ટોર કર્યા હોય અને કોઈ ફોટાને લગતી કોઈ માહિતી એપને આપી ન હોય તો પણ, આપણે તેમાં ફૂડ, કાર, સનસેટ, ટ્રી… વગેરે કંઈ પણ સર્ચ કરીએ તો એપ એ જ બાબતના ફોટો તારવી આપે છે. એ જુદી જુદી વ્યક્તિના ફોટોઝનાં અલગ અલગ આલબમ તૈયાર કરી આપે છે તેમ જુદી જુદી ઇમારતોને ઓળખી જાય છે. આ બધું કમ્પ્યુટર વિઝનથી શક્ય બને છે.
ગૂગલે આપણને પોતાના તમામ ડિજિટલ ફોટોઝ સ્ટોર કરવાની ફ્રી સર્વિસ આપી અને તેના બદલામાં, દુનિયાના અબજો ફોટોગ્રાફ્સ મેળવીને કમ્પ્યુટર વિઝન ટેક્નોલોજીને જબરી આગળ વધારી દીધી! ગૂગલની જેમ અન્ય કંપનીઝ પણ આ દિશામાં ઘણી આગળ વધી ગઈ છે. આવનારા દસકામાં તેનો ઉપયોગ શહેરોના સીસીટીવી સર્વેલન્સમાં, ડ્રાઇવરલેસ કાર્સમાં અને હાઇટેક ફેક્ટરીઝમાં પણ વિસ્તરશે.
એઆઇ એઝ એ સર્વિસ
છેલ્લા કેટલાય સમયથી આપણે આર્ટિફિશિયલ સર્વિસ વિશે વધુ ને વધુ સાંભળી રહ્યા છીએ. એઆઇથી આપણી દુનિયા અને જિંદગીમાં જબરજસ્ત પરિવર્તનો આવશે એ વાત સાચી, વધુ ને વધુ કંપની, ઓર્ગેનાઇઝેશન્સ, બેન્ક્સ, ગવર્નમેન્ટ્સ વગેરે પોતાના કામકાજ માટે વધુ ને વધુ પ્રમાણમાં એઆઇ પર આધાર રાખતાં થશે એ વાત પણ સાચી, પરંતુ, એઆઇ આધારિત સિસ્ટમ્સ વિક્સાવવી સહેલી નથી.
પરિણામે મોટા ભાગના બિઝનેસ માટે પોતાની આગવી એઆઇ બેઝ્ડ સિસ્ટમ ડેવલપ કરવી મુશ્કેલ રહેશે. આથી એમેઝોન, ગૂગલ, માઇક્રોસોફ્ટ વગેરે કંપની એઆઇ બેઝ્ડ પ્લેટફોર્મ્સ વિક્સાવી રહી છે, જે એક સર્વિસ તરીકે અન્ય બિઝનેસને ઓફર કરશે. આવનારા સમયમાં એઆઇ સર્વિસ પ્રોવાઇડર્સની સંખ્યા વધશે અને તેની સાથોસાથ, તેના જાણકારોની ડિમાન્ડ પણ વધશે!
વોઇસ ટેક્નોલોજી
અત્યારે આપણે ગૂગલ આસિસ્ટન્ટ કે એપલ સિરી કે એમેઝોન એલેક્ઝા સાથે વાતચીત કરવા લાગ્યા છીએ અને કમ્પ્યુટર સિસ્ટમ્સ પાસે બોલીને ધાર્યાં કામ કરાવવા લાગ્યા છીએ, છતાં વોઇસ ટેક્નોલોજી હજી ઘણી ઓછી વિકસી છે. દુનિયા આખીની માહિતી જ્યારે ડિજિટલ સ્વરૂપમાં, ખાસ કરીને ટેક્સ્ટ સ્વરૂપે હોય ત્યારે તેનું પ્રોસેસિંગ સહેલું છે, પણ વોઇસને ડિજિટલ સ્વરૂપ આપ્યા પછી પણ તેનું એનાલિસિસ અને પ્રોસેસિંગ હજી સુધી ખાસ્સું મર્યાદિત રહ્યું છે. અલબત્ત, પાછલાં થોડાં વર્ષોમાં તેમાં મોટાં પરિવર્તનો થયાં છે.
ગૂગલ આસિસ્ટન્ટમાં એક સરખા સમાચારોને તારવીને, આપણા રસ અનુસાર આ સમાચારો સંભળાવવામાં આવે એવી શરૂઆત પણ થઈ ગઈ છે. ન્યુરો-લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગથી કમ્પ્યુટર સિસ્ટમ આપણી સામાન્ય બોલચાલની ભાષા પણ સમજવા લાગી છે. વોઇસ કમાન્ડ્સ ઉપરાંત વોઇસ ટ્રાન્સલેશનમાં પણ તેનો બહોળો ઉપયોગ થવા લાગ્યો છે. આવનારા દાયકામાં, આપણા બોલાયેલા શબ્દોમાં રહેલા ભાવ, શબ્દરમત, રમૂજ કે ઇર્ષા કે દ્વેષ જેવા ભાવ વગેરે પણ કમ્પ્યુટર પારખી લેશે. દ્વિઅર્થી શબ્દો પણ કયા અર્થ માટે કહેવાયા છે એ પણ કમ્પ્યુટર સમજી જાય એ દિવસો દૂર નથી!
મોમેન્ટરી માર્કેટ્સ
અત્યારે આપણે કોઈ મોટા શોપિંગ માર્ટમાં ખરીદી કરવા જઈને અને ટ્રોલી ભરીને ચીજવસ્તુઓ ખરીદી બિલિંગ કાઉન્ટર પાસે પહોંચીએ, ત્યારે ત્યાં ગોઠવેલ ચીજવસ્તુઓમાંથી વળી નવી વસ્તુઓ ઉઠાવીને ટ્રોલીમાં નાખીએ. બિલિંગ કાઉન્ટર પાસેની રેક્સમાં ચોકલેટ્સ, બેટરી સેલ, પેન પેન્સિલ વગેરે ચીજવસ્તુઓ સમજી-વિચારીને ગોઠવવામાં આવી હોય, જેથી ખરીદી કરનાર વ્યક્તિ આખી ટ્રોલી ભરી હોય તોય બીજી બેચાર વસ્તુઓ ઉમેરી દે.
આ માનવ સહજ સ્વભાવનો ડિજિટલ ટેક્નોલોજીથી જબરજસ્ત રીતે લાભ ઉઠાવવામાં આવે છે. ઇન્ટરનેટ પરની આપણી દરેક ગતિવિધિની ઝીણવટભરી માહિતી મેળવીને આપણે વારંવાર અમુકતમુક ચીજ કે સર્વિસની જાહેરાત બતાવવામાં આવે એ હવે જૂની વાત થઈ છે. આવનારા સમયમાં, આપણે જે જગ્યાએ હોઈએ, બરાબર એ જ જગ્યાની અને અગાઉ આપણે જેમાં રસ બતાવ્યો હોય એ ચીજની શોપની ઓફર્સ આપણને બતાવવામાં આવશે.
ટેક્નોલોજીની ભાષામાં આને મોમેન્ટરી માર્કેટ્સ કહે છે. લોઢું બરાબર ગરમ હોય તે ક્ષણે જ ઘા મારીને ગ્રાહક માટે ખરીદી કરાવી લેવાની માર્કેટિંગ સ્ટ્રેટેજી સતત વિસ્તરશે.
ક્લાઉડ કમ્પ્યુટિંગ અને કોલાબોરેશન
હજી હમણાં સુધી આપણે પોતપોતાના કામકાજની ફાઇલ્સ પોતાના કમ્પ્યુટરમાં સ્ટોર કરતા રહ્યા છીએ. આપણે કોઈ ક્લાયન્ટ માટે કામ કરી રહ્યા હોઈએ તો આપણું કામ પૂરું થયા પછી આપણે એ ફાઇલ ક્લાયન્ટને મેઇલ કરીએ અને એ તેના પર આગળનું કામ કરે. જો વળી એમાં આપણી મદદની જરૂર પડે તો, ક્લાયન્ટ ફરી એ ફાઇલ આપણને મોકલે… આ બધી જૂની રીત થઈ ગઈ છે.
હવે આવી ફાઇલ્સ વિવિધ ક્લાઉડ સર્વિસમાં સ્ટોર કરીને એક જ ફાઇલ પર જુદા જુદા લોકો કામ કરતા રહે એવું ચલણ વધી રહ્યું છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ અને કોલાબોરેશનનું આ સાવ સાદું અને પાયાનું ઉદાહરણ થયું. મોટા મોટા બિઝનેસનાં તમામ કામકાજ હવે ક્લાઉન્ડમાં અથવા તેમના પોતાના ડેડિકેટેડ સર્વરમાં ટ્રાન્સફર થવા લાગ્યાં છે. આવનારા સમયમાં વ્યક્તિગત ઉપયોગથી એન્ટરપ્રાઇઝ સુધી ક્લાઉડનો ઉપયોગ વધશે.
સેલ્ફ કન્ટેઇન્ડ ટોઇલેટ્સ
આગળ વર્ણવેલી બધી ટેક્નોલોજી એવી છે, જેના ન હોય તો પણ દુનિયામાં બહુ મોટો ફેર ન પડે, પણ આપણે આશા રાખીએ કે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ જેને મહત્ત્વની ટેક્નોલોજી ગણે છે, એના તરફ આ દાયકામાં પૂરતું ધ્યાન અપાય.
બિલ ગેટ્સના મતે, શૌચાલયની ટેક્નોલોજીમાં એકાદ સદીથી કોઈ ફેરફાર થયો નથી, પણ વિકસતા દેશોમાં હવે ખાસ પ્રકારનાં સેલ્ફ-કન્ટેઇન્ડ ટોઇલેટ્સ જરૂરી બન્યાં છે. શૌચાલયમાં પેદા થતા ઘન અને પ્રવાહી કચરાની પોતાની રીતે જ ટ્રીટમેન્ટ કરી શકે એવા શૌચાલયની ટેક્નોલોજીનો પ્રસાર થાય તો તો આખા વિશ્વમાં અનેક લોકો અનેક પ્રકારની બીમારીઓથી બચી શકે! આપણી દુનિયાને આ પ્રકારની ટેક્નોલોજીની પણ બહુ જરૂર છે.

