હવે આખી દુનિયા બધી ફાઇલ્સ ક્લાઉડમાં જ રાખીને, તેમાં જ કામ કરવા તરફ વળી ગઈ છે, પરંતુ જો તમે કમ્પ્યુટર અને ક્લાઉડ વચ્ચે ફાઇલ્સ સિંક્ડ રાખતા હો તો વાતમાં ઊંડા ઊતરવું જરૂરી છે.
કોરોના વાઇરસને પ્રતાપે આખી દુનિયા વધુ તેજ ગતિએ ડિજિટલ સોલ્યુશન્સ તરફ આગળ વધવા લાગી છે. આ ઉપરાંત, ભારતમાં હવે જીએસટી રાજમાં બધું કમ્પ્યુટરજી પર આધારિત થવા લાગ્યું છે એટલે આપણો કારભાર નાનો હોય કે મોટો, કમ્પ્યુટર પર ડેટાનો ગંજ ખડકાતો જ જાય છે. બિઝનેસ સિવાય પર્સનલ ડિજિટલ ફાઇલ્સ પણ એટલી બધી જમા થતી હોય છે કે એને મેનેજ કરવી મુશ્કેલ બની જાય છે.
જો આપણે સ્માર્ટ ટેક્નોલોજીના સ્માર્ટ યૂઝર હોઈએ તો આપણા ડેટાની સલામતી માટે ‘ક્લાઉડ બેકઅપ’ તરફ વળી ગયા હોઈએ. પરંતુ મોટા ભાગે આપણે માટે કલાઉડ બેકઅપ એટલે ગૂગલ ફોટોઝ, ગૂગલ ડ્રાઇવ, વન ડ્રાઇવ કે ડ્રોપબોક્સ જેવી સર્વિસ. એ ઉપરાંત, આગળના લેખમાં અન્ય ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ વિશે પણ આપણે જાણ્યું. એક અર્થમાં આ સર્વિસને બેકઅપ સર્વિસ કહી શકાય ખરી, પણ હકીકતમાં એ ડિઝાઇન થઈ છે ‘સિંકિંગ સર્વિસ’ તરીકે કામ કરવા માટે.
ગૂંચવાયા? જો તમે ગૂગલ ફોટોઝ કે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરતા હશો તો તમારો અનુભવ હશે કે આપણે આપણા ફોટોઝ, ગૂગલ ફોટોઝમાં કે અન્ય ફાઇલ્સ ગૂગલ ડ્રાઇવમાં અપલોડ કરી દઈએ એટલે પછી તે ક્લાઉડમાં સેવ્ડ રહે અને કોઈ પણ સાધન – ઓફિસનું પીસી, ઘરનું લેપટોપ કે પોતાના સ્માર્ટફોન-માંથી તેને એક્સેસ કરી શકીએ.
જો તમે ટેક્નોલોજીના હજી વધુ સ્માર્ટ યૂઝર હો તો તમે તમારા કમ્પ્યુટરમાં ગૂગલ ડ્રાઇવનું ‘બેકઅપ એન્ડ સિંક’ સોફ્ટવેર ડાઉનલોડ કર્યું હશે અને તમારી ફાઇલ્સને ડ્રાઇવમાં અને ફોટોઝને ગૂગલ ફોટોઝમાં અપલોડ કરવાનું કામ હજી સહેલું બનાવ્યું હશે.
ટૂંકમાં, એક વાર આપણી કામની ફાઇલ્સ કમ્પ્યુટરમાંથી ક્લાઉડમાં સ્ટોર થઈ જાય તે પછી ધારો કે કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઇવ ‘ઊડી’ જાય, તો પણ આપણી એ ફાઇલ્સ ક્લાઉડમાંથી મળી રહે.
એક વાત ખાસ નોંધવા જેવી છે – ગૂગલ ડ્રાઇવ કે વન ડ્રાઇવ ખરેખર તો ‘સિંકિંગ સર્વિસ’ છે એટલે કે તેમાં ક્લાઉડ અને કમ્પ્યુટરમાંની ફાઇલ્સ સિંક્ડ રહે છે. બંનેમાંથી ગમે ત્યાં ફાઇલ ડિલીટ કરો તો બીજે પણ થાય.
પરંતુ, એક વાત ખાસ નોંધવા જેવી છે. આગળ કહ્યું તેમ ગૂગલ ડ્રાઇવ કે વન ડ્રાઇવ ખરેખર તો ‘સિંકિંગ સર્વિસ’ છે એટલે કે તેમાં ક્લાઉડ અને કમ્પ્યુટરમાંની ફાઇલ્સ સિંક્ડ રહે છે. જો આપણે પોતે કમ્પ્યુટરમાંની કોઈ ફાઇલ ડિલીટ કરીએ, જે ક્લાઉડ સાથે સિંક્ડ હોય, તો એ ફાઇલ ક્લાઉડમાંથી પણ ઊડી જાય. હા, આ મુદ્દો બરાબર સમજીને તમે મહત્ત્વની ફાઇલ્સ કમ્પ્યુટર અને ક્લાઉડમાં સિંક્ડ ન રાખો, પણ ફક્ત ક્લાઉડમાં સ્ટોર કરીને પછી તેને ભૂલી જ જાવ, કોઈ સાધનમાંથી એ ફાઇલને અડો જ નહીં તો એ તમારો બેકઅપ કહેવાય.
બિઝનેસ ઉપયોગ માટે…
અંગત ઉપયોગ માટે આટલું પૂરતું છે, પણ જો તમે તમારા બિઝનેસ સંબંધિત મહત્ત્વના તથા ૧૫ જીબી જેટલી ગૂગલ ડ્રાઇવની મહત્તમ મર્યાદા કરતાં વધુ ડેટાને સાચવવા માગતા હો તો તમારે આવી ક્લાઉડ ડ્રાઇવને બદલે ખાસ બેક અપ માટે ડિઝાઇન થયેલી સર્વિસ તરફ નજર દોડાવવી પડે. આવી સર્વિસ મોટા ભાગે પેઇડ હોય છે, પણ ડ્રાઇવમાં વધારાની સ્પેસ ખરીદવા કરતાં સસ્તી હોય છે અને વધુ સગવડ આપે છે.
જેમ કે બેકબ્લેઝ (www.backblaze.com) જેવી સર્વિસનો તમે લાભ લો તો એ નિયમિત રીતે તમારા કમ્પ્યુટરના તમામ ડેટાનો સતત બેકઅપ લે છે. અલબત્ત એ યાદ રાખશો કે તમે કોઈ ફાઇલ કમ્પ્યુટરમાં ડિલીટ કરો તો બેકબ્લેઝના સર્વરમાં પણ, ૩૦ દિવસ પછી એ ડિલીટ થઈ જાય છે.
એટલે કે આ કાયમી, વૈકલ્પિક સ્ટોરેજ ન ગણી શકાય, પણ મહત્ત્વનો ડેટા ગુમાવવાનો ડર રહેતો હોય તો તેને સાચવવા માટે આ વધુ સારો અને સરળ વિકલ્પ છે, કેમ કે તેમાં એક વાર શરૂઆત કર્યા પછી મેન્યુઅલી કશું કરવાનું હોતું નથી.


