હમણાં એન્ડ્રોઇડમાં ત્રાટકો એક નવો માલવેર પ્રકાશમાં આવ્યો છે. તે બેન્કિંગ એપ્સની વિગતો ચોરી શકે છે – અલબત્ત, હાલમાં તે યુરોપમાં વધુ વ્યપાક છે અને પ્લે સ્ટોરમાં જોવા મળ્યો નથી.
એક તરફ લોકડાઉનના સમયમાં અને ત્યાર પછી પણ આપણે સૌએ, શક્ય એટલો માનવસંપર્ક ટાળવા માટે ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા વગર છૂટકો નથી અને બીજી તરફ, હેકર્સ આપણી બેન્કિંગ એપ્સની વિગતો મેળવવા માટે વધુ સ્માર્ટ તરકીબો અજમાવી રહ્યા છે!
હમણાં આવી એક નવી તરકીબ પ્રકાશમાં આવી છે. અલબત્ત, આપણે ચિંતામાં ગરકાવ થઈને, ઓનલાઇન પેમેન્ટ બંધ કરવાની કે સ્માર્ટફોનમાંથી બેન્કિંગ એપ્સ ડિલીટ કરી નાખવાની જરૂર નથી, પણ ડિજિટલ દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવું અને આ જોખમો સામે સાવધ રહેવા શું કરવું એ જાણવું ચોક્કસ જરૂરી છે.
‘સાયબરીઝન’ નામની એક સિક્યોરિટી ફર્મના સંશોધકોએ એક નવા પ્રકારના માલવેર તરફ સૌનું ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે આ માલવેરના ડેવલપરે તેનો કોડ તૈયાર કરવા પાછળ ખરેખર બહુ સમય અને સંસાધનો ખર્ચ્યાં હોય એવું લાગે છે અને તેમાં જે પ્રકારનું પરફેક્શન છે તે નવાઈજનક છે!
તેના આધારે, ભારતમાં પણ સત્તાવાર એલર્ટ જાહેર કરાયો. ભારત સકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રીના નેજા હેઠળ, ઇન્ડિયન કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી-ઇન) નામે એક સાયબર સિક્યોરિટી પાંખ કાર્યરત છે, જેનું મુખ્ય કામ ભારતની સાયબર સ્પેસને સુરક્ષિત રાખવાનું છે (જુઓ : https://www.cert-in.org.in/).
આ સંસ્થા સાયબર સિક્યોરિટી વિશે અને ખાસ તો જોખમો વિશે અવારનવાર એડવાઇઝરી અને એલર્ટ્સ પ્રકાશિત કરે છે. તેણે મે ૦૮, ૨૦૨૦ના રોજ એક વાઇરસ એલર્ટ પોતાની સાઇટ પર મૂક્યો છે.
આ એલર્ટ મુજબ, ‘ઇવેન્ટબોટ’ નામનો એક નવો એન્ડ્રોઇડ મોબાઇલ માલવેર ફરતો થયો છે. આ એક મોબાઇલ બેન્કિંગ ટ્રોજન છે અને તે ફોનમાં ઘૂસે તો તે એન્ડ્રોઇડમાંનાં એક્સેસિબિલિટી ફીચર્સનો દુરુપયોગ કરીને ફોનમાંની ફાઇનાન્શિયલ એપ્લિકેશન્સનો ડેટા ચોરી શકે છે, આપણા પર આવતા એસએમએસ વાંચી શકે છે અને ઓટીપી પણ જાણી શકે છે!
આ એલર્ટ અનુસાર, આ માલવેર, બેન્કિંગ એપ્સ, મની ટ્રાન્સફર સર્વિસ, ક્રિપ્ટોકરન્સી વોલેટ્સ વગેરે ૨૦૦થી વધુ ફાઇનાન્શિયલ એપ્સને નિશાન બનાવે છે. આમાંથી લગભગ બધી જ વિદેશી કંપની છે એટલી આપણા માટે રાહતની વાત છે.
નિષ્ણાતો કહે છે કે અત્યારે ફક્ત યુએસ અને યુરોપની આ પ્રકારની એપ્સ નિશાના પર છે. ઉપરાંત, હાલમાં, એન્ડ્રોઇડ ફોનમાં અસર કરતો આ માલવેર ગૂગલ પ્લેસ્ટોરમાં જોવા મળ્યો નથી. પરંતુ સીઇઆરટી-ઇનના કહેવા અનુસાર, આ માલવેર ભારતના યૂઝર્સને પણ અસર કરી શકે છે.
એલર્ટ અનુસાર, હાલમાં આ માલવેર ગૂગલ પ્લેસ્ટોરમાં જોવા મળ્યો નથી. મતલબ કે આપણે પ્લેસ્ટોરમાંથી કોઈ એપ ઇન્સ્ટોલ કરીએ તો તેની સાથે આ ચોક્કસ માલવેર ફોનમાં ઘૂસે તેવી શક્યતા હાલ પૂરતી નથી.
પરંતુ જો પ્લે સ્ટોર સિવાયની થર્ડ પાર્ટી સાઇટ પરથી કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવે તો તે ફોનમાં ઘૂસી શકે છે.
અત્યારે આ માલવેર માઇક્રોસોફ્ટ વર્ડ કે એડોબ ફ્લેશ જેવી કાયદેસર, પ્રતિષ્ઠિત અને ખાસ્સી પ્રચલિત એપ્સના બનાવટી આઇકોન્સની મદદથી, આપણા ફોનમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે એટલે આપણે જુદી જુદી સાઇટ્સ સર્ચ કરી રહ્યા હોઈએ ત્યારે આપણા ફોનમાં હોય તેવી કોઈ જાણીતી એપ્સના ‘સિક્યોરિટી પેચ’ કે ‘અપડેટ્સ’ ઇન્સ્ટોલ કરવાનું આપણને કહેવામાં આવે.
આપણે બેધ્યાન રહીને તેના પર ક્લિક કરીએ તો આવા ‘અપડેટ’ને નામે એ માલવેર આપણા ફોનમાં ઘૂસી જાય છે.
માલવેર કઈ રીતે કામ કરે છે?
ફોનમાંની માહિતી ચોરવાનો જ ઇદારો હોવાથી, ફોનમાં ઘૂસ્યા પછી આ માલવેર વિવિધ પરમિશન મેળવે છે. જેમ કે સિસ્ટમના એલર્ટસ કંટ્રોલ કરવા, એક્સટર્નલ સ્ટોરેજમાંનું કન્ટેન્ટ વાંચવું, વધારાના પેકેજ ઇન્સ્ટોલ કરવું, ઇન્ટરનેટ એક્સેસ કરવું વગેરે.
એન્ડ્રોઇડમાં, બેટરીને લાંબો સમય ચલાવવા માટે, જે તે સમયે ઉપયોગમાં ન લેવાતી એપ્સને બંધ કરી દેવાની, ‘બેટરી ઓપ્ટિમાઇઝેશન’ની સગવડ હોય છે. આ માલવેર, બેટરી ઓપ્ટિમાઇઝેશન તેને બંધ ન કરી દે એવી પરમિશન પણ માગે છે. બીજી કેટલીય પરમિશન ઉપરાંત, તે એસએમએસ વાંચવાની પરમિશન મેળવે છે. સૌથી જોખમી વાત એ છે કે તે ફોનમાંની અન્ય એપ્સનું કન્ટેન્ટ અને તેનાં નોટિફિકેશન્સ વાંચવાની પરમિશન મેળવે છે.
દેખીતું છે કે આ બધાને પરિણામે, એ એપ ફોનમાંથી આપણો સંવેદનશીલ ડેટા કે ઓટીપી સુદ્ધાં મેળવીને આપણને આર્થિક નુક્સાન કરી શકે છે.

