અત્યારે ચીની વિરુદ્ધ ભારતીય એપ્સની લડાઈ ચાલે છે, તેમાં પાકિસ્તાની ડેવલપરે વિક્સાવાલી `મિત્રોં’ નામની એક એપ `ભારતીય’ ગણાઈ ગઈ અને ટિકટોકના ભારતીય જવાબ તરીકે તેની ડાઉનલોડ સંખ્યા ૫૦ લાખને પાર કરી ગઈ!
આ એપ ભારતીય નથી પરંતુ પાકિસ્તાની ડેવલપરની ક્યુબોક્સસ નામની કંપની પાસેથી અંદાજે ફક્ત રૂ. ૨૬૦૦માં ખરીદેલા સોર્સ કોડ આધારિત છે. ક્યુબોક્સસ કંપનીની વેબસાઇટ (qboxus.com) પર તે પાકિસ્તાનના ડિઝાઇનર્સ અને ડેવલપર્સની બનેલી ટીમ હોવાનો ઉલ્લેખ છે અને તેના વિવિધ પ્રોજેક્ટ્સમાં `મિત્રોં’ એપનો પણ, તે પચાસ લાખથી વધુ વાર ડાઉનલોડ થઈ હોવાનો ગૌરવભેર ઉલ્લેખ છે.
codecanyon.net સાઇટ પર આ જ કોડ `ટિકટિક’ નામે વેચાય છે અને આ લખાય છે ત્યાં સુધીમાં તે `મિત્રોં’ એપ ઉપરાંત બીજી ૩૮૧ એપ્સ માટે ખરીદાયો છે (બાજુમાં દર્શાવેલી અન્ય એપ્સ માટે આ જ કોડ વપરાયો હોય એવું બની શકે છે!
ઇન્ટરનેટ પર આ રીતે તૈયાર એપના કોડ વેચનારી ઘણી કંપની હોય છે. તેમાં કશું ગેરકાયદે નથી. ડેવલપર કંપની પાકિસ્તાની હોવાથી પણ એ એપ જોખમી હોવાનું કહી શકાય નહીં, પરંતુ આવી એપને ભારતીય માની લઈને, ફક્ત એટલા કારણસર તેને ડાઉનલોડ કરવી જોખમી છે.
એટલું ખરું કે `મિત્રોં’ એપના ડેવલપરે ટિકટોકના નામે તેના જેવી જ એપ પધરાવવાના બદલે, કોડ ખરીદીને નવા નામથી, નવી એપ તરીકે તેને રજૂ કરી છે.
આ એપની વિશ્વસનીયતા સામે સવાલો થયા પછી ગૂગલે તેને પ્લે સ્ટોરમાંથી દૂર કરી દીધી. અલબત્ત, પછી તેના ડેવલપર પાસે જરૂરી ફેરફારો કરાવ્યા પછી તેને ફરી પ્લે સ્ટોર પર મૂકવામાં આવી છે.
એ પણ નોંધવા જેવું છે કે આ એપ પચાસ લાખના ડાઉનલોડ આંક સુધી પહોંચી ગઈ ત્યાં સુધી પ્લેસ્ટોરમાં આ એપના ડેવલપર તરીકે માત્ર mitro.tv એવો ઉલ્લેખ હતો અને કોન્ટેક્ટ માટે info@mitro.tv એવું ઇમેઇલ એડ્રેસ આપવામાં આવ્યું હતું. તેની વેબસાઇટ કોરી હતી અને એપ વિશેના લખાણમાં તે ભારતીય હોવાનો કોઈ ઉલ્લેખ નહોતો. હવે તેની વેબસાઇટ શરૂ થઈ છે અને એપના લખાણમાં તે બેંગલૂરુ, ભારતની હોવાનો ઉલ્લેખ પણ છે!
`મિત્રોં’ની સફળતાને પગલે તેના જેવાં જ નામ ધરાવતી બીજી પણ સંખ્યાબંધ એપ્સ, પ્લે સ્ટોર પર ફૂટી નીકળી છે અને એમાંની ઘણી લાખ-લાખ ડાઉનલોડના આંકને પાર કરી ગઈ છે! આ બધી એપ જોખમી કે માલવેર ધરાવતી હશે એવું નથી, પણ એ માત્ર એક સફળ એપનું નામ વટાવીને શક્ય એટલો (મોટા ભાગે જાહેરાતની આવકનો) લાભ લૂંટી લેવાના હેતુ જ બનેલી એપ્સ છે, એટલે તેની ગુણવત્તા બાબતે કોઈ આશા રાખી ન શકાય.
આ વાત બરાબર સમજવા જેવી છે. આવી, કોઈ બ જાણીતી બનેલી એપ્સના નામ જેવી જ એપ પ્લે સ્ટોરમાં મૂકનારા ડેવલપર્સનો ઇરાદો હંમેશા આપણા સ્માર્ટફોન પર કબજો જમાવીને તેમાંની માહિતી, ખાસ કરીને આપણા યૂઝરનેમ, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેની વિગતો ચોરવાનો હોય એવું નથી.
ઘણી એપ આપણા ફોનમાંથી પ્રીમિયમ ચાર્જવાળી એસએમએસ સર્વિસમાં મેસેજ મોકલીને કમાણી કરવા માટે તો કેટલીક એપ્સના ડેવલપર્સ બહુ મોટી લાલચ રાખવાના બદલે, નજીવી પરમિશન્સ માગીને ટૂંકા સમયમાં – આપણા ભોગે – થાય એટલી કમાણી કરી લેવાનો રસ્તો અપનાવે છે.
થોડા સમય પહેલાં વોટ્સએપની એક બનાવટી એપ દસ લાખ વાર ડાઉનલોડ થયા પછી ગૂગલે તેને પ્લે સ્ટોમમાંથી દૂર કરી હતી. આ એપ `વોટ્સએપ અપડેટ’ કરવાના નામે લોન્ચ થઈ હતી. જે લોકો પોતાની વોટ્સએપ એપ અપડેટ કરવા માટે આ એપ ઇન્સ્ટોલ કરે, તેમના ફોનના હોમ સ્ક્રીન પર, એક બ્લેન્ક એપ આઇકોન તરીકે સ્થાન જમાવી દે. આ એપ આપણા ખાનગી ડેટામાં ખાંખાંખોળાં નહોતી કરતી, ફક્ત, આપણે જ્યારે ફોનમાંની બીજી જુદી જુદી એપ જોઈએ ત્યારે તેમાં પેલી બનાવટી એપ, સાચુકલી જાહેરાત બતાવતી હતી.
મોબાઇલમાં, આપણે કોઈ એપ ડેવલપ કરીએ અને તેમાં ગૂગલ જેવી કંપનીને વિવિધ જાહેરાતો બતાવવાની છૂટ આપીએ તો જ્યારે આપણી એપમાં જાહેરાત બતાવવામાં આવે, ત્યારે ગૂગલ તેની કમાણીમાંથી આપણને એ એપના ડેવલપર તરીકે અમુક ભાગ આપે.
વોટ્સએપની આ બનાવટી એપ આ રીતે આપણા મોબાઇલમાં વિવિધ જાહેરાત બતાવીને ગૂગલ જેવી કંપની પાસેથી કમાણી કરતી હતી. દસ લાખ કે પચાસ લાખ જેટલા મોબાઇલમાં બતાવાતી જાહેરાતની કમાણી કેટલી મોટી થાય એ વિચારી જુઓ!

