લોકશાહી દેશની સંસદની વેબસાઇટ કેવી હોવી જોઈએ એ સમજવા આ સાઇટ જોવી રહી!
આપણો ગણતંત્ર દિવસ નજીકમાં જ છે. આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે ભારતીય સંસદનું શિયાળુ સત્ર પૂરું થવામાં હશે. હવે બધા સાંસદો અને રાજકીય પક્ષોનું ધ્યાન લોકસભાની આગામી ચૂંટણી પર કેન્દ્રિત છે. થોડા મહિનામાં, તમે તમારો અમૂલ્ય મત આપશો અને કહેશો કે તમારા મતે, તમારા પ્રતિનિધિ તરીકે દેશની રાજધાનીના સંસદ ભવનમાં, લોકસભામાં બેસવા માટે સૌથી યોગ્ય ઉમેદવાર કોણ છે.
આપણે એ ઉમેદવારને જ્યાં મોકલીએ છીએ એ દિલ્હીમાંનું સંસદ ભવન કેવું છે? આપણે દિલ્હી જઈએ અને કોઈક રીતે સંસદ ભવનમાં પ્રવેશ મેળવી શકીએ તો જ આ જાણી શકીએ. પરંતુ આપણી લોકશાહી વ્યવસ્થાના પાયા જેના પર રચાયા છે એ યુનાઇટેડ કિંગડમ (યુકે)ની સંસદ કેવી છે એ આપણે જરૂર જાણી શકીએ છીએ, એ પણ બહુ બારીકાઈથી!
સીએનએનની ઇન્ટરએક્ટિવ સફર
થોડા સમય પહેલાં સીએનએન ન્યૂઝ સર્વિસે બ્રિટિશ પાર્લામેન્ટ અને તેની આસપાસનાં જગવિખ્યાત સ્થળોના ૩૬૦ ડિગ્રી ઇન્ટરએક્ટિવ્સ તૈયાર કર્યાં. તમે આ સાઇટ (http://edition.cnn.com/interactive/2017/04/world/house-of-parliament/) પર જઈને તેની મજા માણી શકો છો.
પીસી પર આ મુલાકાત લેવી વધુ સારી રહેશે. સાથે સ્પીકર ચાલુ રાખવાનું ભૂલશો નહીં. આ એક પ્રકારની ગાઇડેડ વર્ચ્યુઅલ ટુર છે. સ્ક્રીન પર જમણી તરફના નક્શાના આઇકન પર ક્લિક કરી, તમે આ ટુરમાં જે જુદાં જુદાં સ્થળો સામેલ છે તેની લિંક્સ મેળવી શકો છો. જોકે આ ઇન્ટરએક્ટિવ માત્ર વિવિધ સ્થળોનાં દર્શન કરાવે છે અને તેની થોડી ઘણી માહિતી આપે છે.
વાત લોકશાહીની હોય ત્યારે આટલાથી સંતોષ ન થવો જોઈએ. લોકશાહીના મંદિરની વેબસાઇટ કેવી હોવી જોઈએ અને આ વેબસાઇટ લોકોને સંસદની કેટલા નજીક લાવી શકે એ જોવા માટે આપણે યુકેની સંસદની સત્તાવાર વેબસાઇટ www.parliament.uk વેબસાઇટ તપાસવી પડે. સરખામણી ખાતર કહી શકાય કે જગતની બીજી મોટી લોકશાહી, યુનાઇટેડ સ્ટેટ્સની કોંગ્રેસની વેબસાઇટ પણ આટલી પીપલ્સ-ફ્રેન્ડલી નથી.
યુકે પાર્લામેન્ટની સત્તાવાર વેબસાઇટ
વાત યુકેની પાર્લામેન્ટની વેબસાઇટની છે, પણ તમને લોકશાહીમાં વિશ્વાસ અને રસ હોય તો આગળની વાત ધ્યાનથી વાંચજો.
યુકેની સાઇટ પર, એબાઉટ પાર્લામેન્ટ વિભાગથી શરૂઆત કરીએ તો પાર્લામેન્ટની ભૂમિકા શી છે, તેનો ઇતિહાસ, તેની પરંપરાઓ, ચૂંટણી વ્યવસ્થા, રોજિંદી કાર્યપ્રણાલીઓ વગેરે બધું જ ટૂંકાં, સહેલાઈથી સમજી શકાય એવાં વાક્યો અને નાના નાના ફકરાઓમાં વાંચી શકાય છે.
સંસદમાં રજૂ થયેલો ખરડો કાયદો કેવી રીતે બને તેની આખી પ્રક્રિયા અહીં વીડિયો અને નાના, સહેલાઈથી સમજાય એવા આર્ટિકલ સ્વરૂપે સમજાવવામાં આવી છે.
લોકો પોતાના દેશની સંસદ વિશે જાણી શકે એ માટે એક અલાયદો વિભાગ છે. અહીં પાંચ વર્ષના બાળકથી શરૂ કરીને, સૌ કોઈને ઉપયોગી થઈ શકે એ રીતે સાઇટ પરના વિવિધ રિસોર્સીઝને ફિલ્ટર કરવાની સગવડ છે.
તેમાં સંસદનો પરિચય, સાંસદો, લોર્ડ્સ, રાજાશાહી, કાયદા કેવી રીતે બને, ચૂંટણી કેમ થાય વગેરે દરેક મુદ્દાની સમજ આપવામાં આવી છે.
શાળાના વિદ્યાર્થીઓએ સંસદની મુલાકાત લેવી હોય તો કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે સંસદમાંની કઈ ચર્ચા સમયે હાજર રહેવું યોગ્ય રહેશે એની ભલામણ સાથે, એ ચર્ચા કઈ તારીખે કેટલા વાગ્યે શરૂ થવાની છે. સંસદ ભવનની સમગ્ર ટુરમાં કેટલો સમય જશે, એ માટેનું બુકિંગ કેવી રીતે કરાવવું વગેરે તમામ વિગતો પણ આ સાઇટ પર મળે છે.
બ્રિટન કે બીજા દેશોના નાગરિકોએ બ્રિટિશ સંસદની મુલાકાત લેવી હોય તો શું કરવું, ક્યાંથી શરૂઆત કરવી, સલામતી વ્યવસ્થા વગેરેની નક્શા સહિત સંપૂર્ણ માહિતી પણ અહીં આપેલી છે.
પાર્લામેન્ટના વિવિધ ભાગની વર્ચ્યુઅલ ટુર
આપણે બ્રિટન ગયા વિના, ઘેરબેઠાં બ્રિટિશ સંસદની મુલાકાત લેવી હોય તો ઓનલાઇન ટુર્સનો વિભાગ પણ છે . અહીં પાર્લામેન્ટનો ઇન્ટરએક્ટિવ મેપ છે, જ્યાં નક્શા પર સંસદના દરેક વિભાગની માહિતી મળે છે. પછી આપણે હાઉસ ઓફ કોમન્સ ચેમ્બર (આપણી લોકસભા), હાઉસ ઓફ લોર્ડ્સ ચેમ્બર (આપણી રાજ્યસભા) વગેરેની વર્ચ્યુઅલ ટુરનો લાભ લઈ શકીએ છીએ.
આખી સાઇટ મોબાઇલ ફ્રેન્ડલી નથી, પણ આ ઇન્ટરએક્ટિવ ટુર મોબાઇલ પર પણ સરસ રીતે ચાલશે અને આંગળીના લસરકે તમે જુદી જુદી જગ્યા જોઈ-જાણી શકશો. જેમ કે હાઉસ ઓફ લોર્ડ્સ ચેમ્બરમાં દાખલ થતાં, તેની મેઇન લોબીમાંના રબલ આર્કને વટાવીને આગળ વધીએ ત્યારે રબલ આર્ક પરની નિશાનીને ક્લિક કરતાં તેને સંબંધિત વધુ તસવીરો, બીજા વિશ્વ યુદ્ધ સમયનો તેનો સંદર્ભ, સંસદના નાના નક્શામાં તેનું સ્થાન વગેરે વિગતો જાણી શકાય છે.
પછી માઉસ કે આંગળીના ઇશારે આપણે દરવાજા વટાવીને અંદરના ખંડમાં જઈ શકીએ છીએ. લોર્ડ્સ ચેમ્બરમાં જઈએ તો રાણીના સિંહાસન અને ઉમરાવોની બેઠક વ્યવસ્થા વગેરે વિશે વધુ માહિતી મળશે.
પહેલી નજરે, દેખીતું છે કે એક ભારતીય તરીકે આપણે આ વેબસાઇટને દ્વેષભરી નજરે જ જોઈશું. થોડાં વર્ષ પહેલાં, એક બ્રિટિશ લેખકે એક પુસ્તક લખ્યું હતું, ‘ઓલ ધ કન્ટ્રીઝ વી હેવ એવર ઇન્વેડેડ (આપણે જેના પર રાજ કર્યું એ બધા દેશો)’. આ પુસ્તક પછી જગત આખાને ક્લિક થયું કે અરે હા, બ્રિટિશ સામ્રાજ્યે તો દુનિયાના ૯૦ ટકા (૨૦૦માંથી ૧૭૮!) દેશો પર સમયના કોઈ ને કોઈ તબક્કે રાજ કર્યું છે!
ભારત સહિતના આ બધા દેશોમાંથી કમાણી કરીને બ્રિટિશ સામ્રાજ્યે કેવી જાહોજલાલી ઊભી કરી છે એ આ વેબસાઇટ પર આપણે નજરોનજર જોઈ શકીએ છીએ.
ખાસ કરીને બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડ્સનો વૈભવ આપણને દેખીતી રીતે ખૂંચે, પણ ભારત અને બ્રિટનના ઇતિહાસને બે ઘડી ભૂલીને જરા જુદી નજરે આ વેબસાઇટ જોઈએ તો સમજાય કે એક લોકશાહી દેશની સંસદની માહિતી તેના, તમામ વયજૂથના નાગરિકો સુધી પહોંચડવા માટે ટેક્નોલોજીનો કેવો ઉપયોગ થઈ શકે છે.
આ વેબસાઇટ જોયા પછી એક વાર http://parliamentofindia.nic.in/ પણ જરૂર જોજો. આપણે આશા રાખીએ કે નવી લોકસભામાંના આપણા પ્રતિનિધિઓ આપણા રોજબરોજની જિંદગીને સ્પર્શતા વધુ મહત્ત્વના સવાલો તો ઉકેલે જ, સાથોસાથ, લોકો અને સંસદને એકમેકની નજીક લાવવા, આવું કંઈક પણ કરે.
સવાલ ટેક્નોલોજીનો નથી, લોકશાહી પ્રત્યેની નિષ્ઠા અને ઇચ્છાશક્તિનો છે.
યુકે પાર્લામેન્ટની વર્ચ્યુઅલ ટુર જુઓ અહીંઃ http://www.parliament.uk/visiting/online-tours/

